ધીમે ધીમે આપણે સૌ કોરોના વાઇરસ અને લોકડાઉન બંનેથી થાક્યા છીએ. સરકાર તરફથી છૂટછાટ પછીય લોકડાઉન જેવી સ્થિતિમાં જીવતાં શીખ્યા વિના છૂટકો નથી. સાથોસાથ આપણા શહેર કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ કેટલી સુધરી કે બગડી રહી છે તેના પર નજર રાખ્યા વિના પણ છૂટકો નથી.
અખબારો અને વિવિધ સાઇટ્સ પર રોજેરોજ કોરોના સંબંધિત આંકડા પ્રકાશિત થતા રહે છે. તેનો ટ્રેક રાખવો મુશ્કેલ લાગતો હોય તો માઇક્રોસોફ્ટે તેના બિંગ સર્ચ એન્જિન પર ડેવલપ કરેલું ડેશબોર્ડ હાથવગુું સાબિત થાય તેમ છે.
માઇક્રોસોફ્ટે માર્ચ મહિનામાં આ ટ્રેકિંગ ડેશબોર્ડ લોન્ચ કર્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ), ન્યુ હેલ્થ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી) અને યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રીવેન્શન એન્ડ કન્ટ્રોલ (ઇસીડીસી) જેવી વૈશ્વિક સંસ્થાઓ તરફથી આંકડા મેળવીને ડેશબોર્ડ પર વિવિધ ચાર્ટ સ્વરૂપે મૂકવામાં આવે છે.
આગળ જતાં માઇક્રોસોફ્ટે તેને વિસ્તારીને જુદા જુદા દેશોની વધુ વિગતવાર માહિતી આપવાનું શરૂ કર્યું છે. જેમ કે ભારતમાં જુદાંજુદાં રાજ્યો અને જિલ્લાઓની માહિતી પણ આ ડેશબોર્ડ પર જોઈ શકાય છે. આ ડેશબોર્ડ પર જઇને આપણે સમગ્ર વિશ્વના ડેટાથી માંડીને ડાંગ જિલ્લાઓ સુધીના કોવિડના પ્રસારના આંકડા જોઈ શકીએ છીએ. વિવિધ સ્રોતમાંથી આપણા દેશ કે રાજ્યને સંબંધિત કોરોનાના ન્યૂઝ પણ જોઈ શકાય છે.
આપણે પોતાના જિલ્લાનું લોકેશન સેવ કરી રાખી શકીએ છીએ જેથી બીજી વાર ઝડપથી એ લોકેશન સુધી પહોંચીને તેના આંકડા જાણી શકીએ. આ ડેશબોર્ડ પરની માહિતી હિન્દી અને ગુજરાતી ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે.

