(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મહત્ત્વની ફાઇલ્સ માટે અપનાવી લો ક્લાઉડ સ્ટોરેજ

કોરોના પછીની કે કોરોના સાથેની દુનિયામાં, આપણે પોતાની કામની ફાઇલ્સ ગમે ત્યાંથી એક્સેસ કરતાં શીખવું પડશે - જાણો તે માટેના કેટલાક વિકલ્પો.

આગળ શું વાંચશો?

  • ક્લાઉડ સ્ટોરેજ શું છે?

  • આપણા માટે ક્લાઉડ સ્ટોરેજ

  • ગૂગલ ડ્રાઇવ

  • વન ડ્રાઇવ

  • આઇક્લાઉડ ડ્રાઇવ

  • ડ્રોપબોક્સ

  • એમેઝોન ડ્રાઇવ

  • મીડિયા ફાયર

  • બોક્સ

  • મેગા

  • સિંક

ભારતમાં કોરોના વાઇરસના પ્રસારને ખાળવા માટે વડા પ્રધાને રાત્રે  આઠ વાગે દેશને સંબોધન કરવાના છે એવા સમાચાર પ્રસર્યા એ સાથે ઘણાના પેટમાં ફાળ પડી હતી – વળી નવી કોક ‘બંધી’ આવવાની! થયું પણ એવું જ, આ વખતે લોકડાઉન આવ્યું.

વડા પ્રધાને પહેલાં ૨૧ દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી, એ  વખતે ઘણા લોકો ઊંઘતા ઝડપાયા હતા. એમણે ૨૧ દિવસની વાત સાંભળતાંવેંત કરિયાણું, શાકભાજી, દૂધ, દવા વગેરે લેવા દોટ મૂકી.

આ બધું તો બાજુની દુકાનમાંથી લાવી શકાય, પણ આપણી ઓફિસમાંના કમ્પ્યુટરમાં પડેલી ફાઇલ્સ કેવી રીતે લાવવી?

જો તમે આ રીતે ઊંઘતા ઝડપાયા હશો તો સતત લંબાતા લોકડાઉન દરમિયાન તમારે માટે વર્ક-ફ્રોમ-હોમ ઘણું મુશ્કેલ થઈ ગયું હશે.

તમે પોતાના કામકાજ માટે લેપટોપનો ઉપયોગ કરતા હો અને મહત્ત્વની ફાઇલ્સ તેમાં જ રાખતા હો, રોજ સાંજ પડે લેપટોપ ઘરે લાવતા હો તો બહુ વાંધો ન આવે, પણ ઓફિસમાંના પીસીમાં કે લોકલ સર્વરમાં બધી ફાઇલ્સ સચવાતી હોય તો એના વિના કામ આગળ ધપાવવું લગભગ અશક્ય બની જાય.

વાત ફક્ત લોકડાઉનની નથી. આપણી મહત્ત્વની ફાઇલ્સ એક જ કમ્પ્યુટરમાં રાખવામાં બીજાં પણ જોખમો છે.

પાછલાં થોડાં વર્ષોથી વિશ્વમાં ચારેતરફ રેન્સમવેરનો આતંક પણ ફેલાયો છે. તેમાં હેકર્સ આપણા કમ્પ્યુટર પર ત્રાટકીને આપણો ડેટા લોક કરી દે છે અને આપણે ખંડણી ચૂકવીએ તો જ ડેટા અનલોક થાય છે. રેન્સમવેર સિવાય પણ, મહત્ત્વની ફાઇલ્સ એક જ કમ્પ્યુટરમાં સાચવવામાં ખાસ્સું જોખમ છે.

અણધાર્યા સંજોગમાં કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક ક્રેશ થાય તો બધો ડેટા ગુમાવવાનો વારો આવી શકે.

આવી બધી સ્થિતિમાં, જો આપણી તમામ મહત્ત્વની ફાઇલ્સ ક્લાઉડમાં સ્ટોર કરેલી હોય તો આપણે ક્યારેય ઊંઘતા ઝડપાઈએ નહીં!


જો આપણે ‘ક્લાઉડ કમ્પ્યુટિંગ’ કે ‘ક્લાઉડ સ્ટોરેજ’ તરફ વળી ગયા હોઈએ તો ગમે ત્યારે, ગમે ત્યાંથી આપણી ફાઇલ્સ એક્સેસ કરી શકીએ અને કોઈ એક પીસીમાંનો ડેટા લોક થાય તો પણ ખંડણી ચૂકવવાની કોઈ જરૂર રહે નહીં!

ક્લાઉડ સ્ટોરેજમાં ત્રણ બાબત મહત્ત્વની છે…
  1. આપણી ફાઇલ્સ માત્ર ક્લાઉડમાં સચવાઈને પડી રહે.
  2. આપણે ઇચ્છીએ ત્યારે તેને એક્સેસ કરીએ, ગમે તે સાધનમાં ડાઉનલોડ કરીએ અને તેના પર કામ કરીએ.
  3. આપણી ફાઇલ પોતાના કમ્પ્યુટર અને ક્લાઉડ બંનેમાં રહે, સિન્ક્ડ રહે અને એકમાં ફેરફાર કરતાં બીજામાં પણ થાય.

આ ત્રણે બાબત બરાબર સમજવી જરૂરી છે.

ક્લાઉડ સ્ટોરેજ શું છે?

ઇન્ટરનેટનો વપરાશ વધ્યા પછી, ‘ક્લાઉડ કમ્પ્યુટિંગ’ અને ‘ક્લાઉડ સ્ટોરેજ’ શબ્દ ખાસ્સા ચર્ચાવા લાગ્યા છે. વાસ્તવમાં આ ‘ક્લાઉડ’ એટલે કે વાદળ શબ્દ ગેરસમજ કરે એવો છે. હવે આપણે બરાબર જાણીએ છીએ તેમ, ઇન્ટરનેટ અસંખ્ય કમ્પ્યુટર્સ જોડાવાથી બનેલું નેટવર્ક છે અને આ નેટવર્ક મોટા ભાગે મહાસાગરોમાં પથરાયેલા કેબલ્સથી ગૂંથાયેલું છે, તેને વાદળ સાથે ખરેખર કોઈ લેવાદેવા નથી, પણ ‘ક્લાઉડ’ શબ્દ ક્યાંથી અને કેવી રીતે જન્મ્યો એ વિશે ખાસ સ્પષ્ટતા મળતી નથી.

સાવ સાદા શબ્દોમાં વાત કરીએ તો આપણા કમ્પ્યુટરમાં આપણા કામકાજની ફાઇલ સેવ કરી હોય કે મોબાઇલમાં ફોટોગ્રાફ, ગીતો, વીડિયો, એસએમએસ વગેરે સેવ્ડ હોય તો તે ફાઇલ આપણા કમ્પ્યુટર અથવા મોબાઇલ, જે તે સાધનમાં જ સેવ થયેલી હોય. આ સામાન્ય સ્ટોરેજનો પ્રકાર થયો અને આપણે ઈ-મેઇલ કે ફેસબુકની સાઇટ ઓપન કરીને તેમાં પોતે કે બીજા લોકોએ અપલોડ કરેલ લખાણ, ફોટોગ્રાફ કે વીડિયો જોઈએ છીએ તે ક્લાઉડ સ્ટોરેજ થયું.

ટૂંકમાં, જે કંઈ ફક્ત આપણા કમ્પ્યુટર કે મોબાઇલની અંદર સેવ થયેલું હોય તે સામાન્ય સ્ટોરેજ અને જે કંઈ જુદાં જુદાં સાધનોમાંથી જોઈ શકાય એ ક્લાઉડ સ્ટોરેજ.

મુદ્દાની વાત એટલી કે ઘણા લાંબા સમયમથી આપણે સૌ ક્લાઉડ કમ્પ્યુટિંગ કે ક્લાઉડ સ્ટોરેજનો જાણેઅજાણે ઉપયોગ કરતા જ આવ્યા છીએ. આપણે જીમેઇલ કે યાહૂની વેબસાઇટ ઓપન કરીને કોઈ મિત્રને મેઇલ મોકલવા માટે તેનું એડ્રેસ લખવાનું શરૂ કરીએ છીએ, ત્યારે તે ઓટોમેટિક આખું લખાઈ જાય છે, આવું કમ્પ્યુટર કે મોબાઇલ બંનેમાં થાય છે, કેમ કે આપણા મિત્રોનાં બધાં ઈ-મેઇલ એડ્રેસ ફક્ત આપણા કમ્પ્યુટર કે ફક્ત આપણા મોબાઇલમાં સ્ટોર થયેલાં નથી, પણ જે તે ઈ-મેઇલ સર્વિસનાં સર્વરમાં (બીજા શબ્દમાં, ક્લાઉડમાં, જ્યાં તમામ યુઝર્સનો ડેટા સ્ટોર થયેલો હોય છે) સચવાયેલાં હોય છે.

આપણે આપણા કોન્ટેક્ટ્સ મોબાઇલના સિમમાં કે ફોનની મેમરીમાં સાચવીએ તે સામાન્ય સ્ટોરેજ, પણ પોતાના ગૂગલ કે એપલ કે અન્ય એકાઉન્ટમાં સાચવીએ તો એ ક્લાઉડ સ્ટોરેજ. આપણે કોઈ પણ સાધનમાં, પોતાના એકાઉન્ટમાં લોગ-ઇન થઈને આપણો ડેટા એક્સેસ કરી શકીએ.

ક્લાઉડ સ્ટોરેજમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આપણી ફાઇલ્સ ક્લાઉડમાં સચવાય એટલું પૂરતું નથી. આપણે ગમે તે સાધનમાં એ ફાઇલ એક્સેસ કરીને, તેમાં કામ પણ કરી શકવા જોઈએ.

ફેસબુકમાં પણ આ જ પ્રકારે બધા યુઝર્સની બધી સામગ્રી ફેસબુકનાં સર્વરમાં હોય છે, જેના સુધી આપણે આપણા મોબાઇલ કે કમ્પ્યુટર દ્વારા પહોંચીએ છીએ. માત્ર ઈ-મેઇલ કે ફેસબુક નહીં, તમામ વેબસાઇટનું કન્ટેન્ટ પણ આ રીતે અસંખ્ય સર્વરમાં સ્ટોર થયેલું હોય છે.

આ ક્લાઉટ સ્ટોરેજની સાદી સમજ થઈ.

આપણા માટે ક્લાઉડ સ્ટોરેજ

હવે આ જ બાબતનો, આપણે આપણા કામકાજની ફાઇલ્સ અને અન્ય કન્ટેન્ટ માટે પણ લાભ લઈ શકીએ છીએ.

આપણે માટે મહત્ત્વની ફાઇલ્સનું ક્લાઉડ સ્ટોરેજ કરવા માટે ઇન્ટરનેટ પર ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, તેમાં સૌથી જાણીતા ત્રણ વિકલ્પ છે

  1. ગૂગલ ડ્રાઇવ
  2. માઇક્રોસોફ્ટ વન ડ્રાઇવ
  3. ડ્રોપબોક્સ.

અત્યારે ગૂગલ ડ્રાઇવમાં ૧૫ જીબી (જીમેઇલ અને ગૂગલ પ્લસ ફોટોઝ સહિત), વન ડ્રાઇવમાં ૫ જીબી અને ડ્રોપબોક્સમાં ૨ જીબીની સ્પેસ મફત એકાઉન્ટમાં મળી શકે છે. આમાંની કોઈ પણ સર્વિસમાં ફ્રી એકાઉન્ટ ખોલાવીને આપણે અલગ અલગ પ્રકારની ફાઇલ તેમાં અપલોડ કરી શકીએ છીએ.

મોબાઇલ કે કમ્પ્યુટરમાંની કોઈ ફાઇલ આ સર્વિસમાંના આપણા એકાઉન્ટમાં અપલોડ કરી દઈએ એ પછી તે ફાઇલ, એ સર્વિસના સર્વરમાં સચવાઈ રહે છે.

ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ શરૂ કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ફક્ત આપણી ફાઇલ્સ ક્લાઉડમાં સચવાય એટલું પૂરતું નથી. આપણે ગમે તે સાધનમાં એ ફાઇલ એક્સેસ કરીને, તેમાં કામ પણ કરી શકવા જોઈએ.

જોકે ઘણા પ્રકારના સોફ્ટવેર જે તે કમ્પ્યુટરમાં જ ચાલી શકે છે. આવા સોફ્ટવેરની ફાઇલ ક્લાઉડમાં સ્ટોર કરી હોય તો તેને આપણે બીજા કમ્પ્યુટરમાં ડાઉનલોડ તો કરી શકીએ, પણ પછી તેમાં કામ કરવા માટે, એ સોફ્ટવેર તે બીજા કમ્પ્યુટરમાં હોવો જરૂરી છે.

સામાન્ય રીતે, ઓફિસ સોફ્ટવેર જેમ કે વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ વગેરેમાં આવી તકલીફ રહેતી નથી. ઉપરાંત, હવે આ પ્રોગ્રામ્સના વિવિધ સરળ વિકલ્પો પણ ઉપલબ્ધ હોવાથી, આ પ્રકારની ફાઇલ્સ ક્લાઉડમાં સ્ટોર કરી રાખી હોય તો ગમે તે સાધનમાંથી તે એક્સેસ કરીને, તેને ડાઉનલોડ કર્યા વિના, સીધા ક્લાઉડમાં જ આપણે તેના પર કામ કરી શકીએ છીએ.

ક્લાઉડમાં સ્ટોર કરેલી ફાઇલ્સ અન્ય લોકો સાથે સહેલાઈથી શેર કરી શકાય અને એક જ ફાઇલ પર એકથી વધુ લોકો સાથે કામ કરી શકીએ એ ક્લાઉડ સ્ટોરેજનો બીજો મોટો ફાયદો છે. આ બધું ધ્યાનમાં રાખીને આવો તપાસીએ ક્લાઉડ સ્ટોરેજના કેટલાક વિકલ્પો.

અહીંથી આગળ વધતાં પહેલાં, નીચેનું બોક્સ જરૂર વાંચી લેશો.

ધ્યાન આપશો

ક્લાઉટ સ્ટોરેજ સર્વિસ પસંદ કરતાં પહેલાં, તમે તેની પાસેથી શું ઇચ્છો છો તે નક્કી કરી લેશો. આગળ આપેલા વિકલ્પો ઉપરાંત બીજા વિકલ્પો પણ છે, પરંતુ આપણે માટે શું મહત્ત્વનું છે તે નક્કી કરવું જરૂરી છે.

આપણે ફક્ત ફાઇલ્સ સ્ટોર કરવી છે? ગમે ત્યાંથી એ ફાઇલ્સ પર કામ પણ કરવું છે? આપણે બીજા સાથે મળીને કામ કરવાનું છે કે માત્ર પોતે જ કામ કરવાના છીએ? ચોક્કસ ઓફિસ પ્રોગ્રામ્સ જ જરૂરી છે કે બીજા ચાલી શકે? આપણા ઉપરાંત, આપણા ક્લાયન્ટને શું ફાવશે વગેરે બાબતો સમજીને પછી તમારી સર્વિસ નક્કી કરશો.

માત્ર વધુ સ્ટોરેજ એ એક જ મુદ્દે સર્વિસ પસંદ કરશો નહીં, ડેટાની સલામતી પણ અચૂક ધ્યાનમાં લેશો.

ગૂગલ ડ્રાઇવ

ખાસ તો એન્ડ્રોઇડને કારણે ઝડપથી વધુ ને વધુ લોકપ્રિય થઈ રહેલી ક્લાઉડ સર્વિસ.

તમે ગૂગલ એકાઉન્ટ ધરાવતા હો તો પીસી કે સ્માર્ટફોનમાં ગૂગલ ડ્રાઇવમાં લોગ-ઇન થઈને વિવિધ અનેક પ્રકારની ફાઇલ્સ તેમાં સ્ટોર કરી શકો છો.

તેની સાથોસાથ ડોક્સ, શીટ્સ, સ્લાઇડ્સ નામે વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટના વિકલ્પ સમા પ્રોગ્રામ્સ પણ મળે છે. સ્માર્ટફોનમાં તેમની અલગ એપ્સ ઇન્સ્ટોલ કરવી પડે.

વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટ ફાઇલ્સને ડ્રાઇવમાં એડિટ પણ કરી શકાય. અન્યો સાથે આખાં ફોલ્ડર કે ફાઇલ્સ શેર કરીને સાથે કામ કરી શકાય. એકદમ સરળ ઇન્ટરફેસનો ફાયદો પણ ખરો. ફ્રી એકાઉન્ટમાં ૧૫ જીબી સ્પેસ મળે છે. કંપની માટે પેઇડ વધુ સ્ટોરેજ પણ ઉપલબ્ધ.

http://drive.google.com/


વન ડ્રાઇવ

જો તમે ઓફિસમાં માઇક્રોસોફ્ટ પ્રોગ્રામ્સનો ઉપયોગ કરતા હો અને તેના પેઇડ વર્ઝનના કસ્ટમર હો તો તમારે માટે બેસ્ટ ઓપ્શન.

માઇક્રોસોફ્ટ ઓફિસના વેબ વર્ઝન તરીકે આ ડ્રાઇવમાં વિવિધ ઓફિસ ફાઇલ્સ સ્ટોર કરી શકો અને ફાઇલ્સને કન્વર્ટ કરવાની ઝંઝટ વિના તેના પર કામ પણ કરી શકો.

માઇક્રોસોફ્ટ ઓફિસની નવી એપ પછી, અલગ અલગ એપ ઇન્સ્ટોલ કરવાની કોઈ ઝંઝટ રહી નથી. આ એપ વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ. ફ્રી એકાઉન્ટમાં ૫ જીબી સ્પેસ મળે છે, પરંતુ તેમાં ઓફિસ એપ્સ સામેલ નથી.

ઓફિસ ૩૬૫ના પેઇડ વિકલ્પમાં ૧૦૦ જીબી, ૧ ટીબી અને ૬ ટીબીના વિકલ્પો મળે છે. માઇક્રોસોફ્ટે એન્ડ્રોઇડ એપ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યા પછી વનડ્રાઇવની લોકપ્રિયતા વધતી જાય છે.

https://onedrive.live.com/


આઇક્લાઉડ ડ્રાઇવ

એપલ ‘આઇક્લાઉડ’ અને ‘આઇક્લાઉડ’ ડ્રાઇવ નામે બે સર્વિસ આપે છે, જે ઘણાને ગૂંચવે છે!

આઇક્લાઉડ ડ્રાઇવ એ વધુ વિસ્તૃત અને વ્યાપક આઇક્લાઉડનો ફક્ત એક ભાગ છે. એપલ કંપની ક્લાઉડમાં જે કોઈ અલગ અલગ પ્રકારની સર્વિસ આપે છે, તેના ડેટાના બેકઅપ માટે  આઇક્લાઉડ નામની સુવિધા આપે છે.

જ્યારે તેના એક ભાગ જેવી આઇક્લાઉડ ડ્રાઇવ એક પ્રકારે ગૂગલ ડ્રાઇવ કે વન ડ્રાઇવ જેવી જ સુવિધા આપતી એક સર્વિસ છે.

જો તમારું એપલ એકાઉન્ટ હોય તો તમને આઇક્લાઉડ ડ્રાઇવમાં ૫ જીબીની ફ્રી સ્પેસ મળે છે.

અહીં તમે ઇચ્છો તે – ફોટો, મ્યુઝિક, પોડકાસ્ટ, ડોક્યુમેન્ટ્સ વગેરે વિવિધ ફોર્મેટ્સની ફાઇલ્સ સ્ટોર કરી શકો અને ગમે ત્યાંથી તેને એક્સેસ કરી શકો છો.

http://icloud.com/iclouddrive/


ડ્રોપબોક્સ

ડ્રોપબોક્સ લાંબા સમયથી લોકપ્રિય ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે – અન્ય સર્વિસની સરખામણીમાં તેમાં ઘણી ઓછી સ્ટોરજ મળતી હોવા છતાં.

ઘણા લોકો પોતાની ફાઇલ્સ ગૂગલ કે માઇક્રોસોફ્ટથી દૂર રાખવા માગતા હોય છે, તેઓ ડ્રોપબોક્સ પર કળશ ઢોળે છે.

જોકે અહીં ફ્રી એકાઉન્ટમાં માત્ર ૨ જીબી એકાઉન્ટ સ્પેસ મળે છે, જે જુદી જુદી રીતે, મફતમાં જ વધારી પણ શકાય છે.  અહીં પણ ફોલ્ડર્સ અને ફાઇલ્સ શેર કરવાની સગવડ મળે છે.

માઇક્રોસોફ્ટ ઓફિસ ૩૬૫ સાથે સાથે તેનું ઇન્ટીગ્રેશન હોવાથી ઓફિસ ફાઇલ્સ, તેના વેબ વર્ઝનમાં ઓપન કરીને તેમાં કામ કરી શકાય છે. ‘સ્માર્ટ સિન્ક’ની મદદથી કમ્પ્યુટરની ફાઇલ્સ ડ્રોપબોક્સમાં સ્ટોર કરવી સહેલી બને છે.

https://www.dropbox.com/


એમેઝોન ડ્રાઇવ

ગૂગલ અને માઇક્રોસોફ્ટની જેમ એમેઝોનનું પણ ક્લાઉડ સ્ટોરેજમાં બહુ મોટું નામ છે.

એન્ડ્રોઇડને કારણે ગૂગલનો સરેરાશ યૂઝર્સમાં વધુ પગપેસારો છે, પણ નાના-મોટા બિઝનેસ મોટા પ્રમાણમાં માઇક્રોસોફ્ટ અને એમેઝોન તરફ વળે છે – આ ત્રણે કંપની વચ્ચેની હરીફાઈ વધી રહી છે. સરેરાશ યૂઝર્સ માટે એમેઝોન ૫ જીબીની ફ્રી સ્પેસ આપે છે.

જો તમે એમેઝોનમાં એકાઉન્ટ ધરાવતા હો તો તમેે તેની ડ્રાઇવમાં તમારા ફોટો, વીડિયો અને અન્ય ફાઇલ્સ સ્ટોર કરી શકો છો. અહીં અપલોડ કરેલી ફાઇલ્સ અન્ય સાથે શેર કરીને તેના પર કામ એક સાથે કામ કરી શકો છો.

હવે એમેઝોનમાં પણ માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલ્સને સ્ટોર કરી, એડિટ કરવાની સગવડ મળી ગઈ છે.

http://amazon.com/drive


મીડિયા ફાયર

ફરી, તમે ગૂગલ માઇક્રોસોફ્ટ, એપલ વગેરે ટેકનોલોજી અને એડવર્ટાઇઝિંગ જાયન્ટ્સથી દૂર રહેવા માગતા હો અને ડ્રોપબોક્સની ફક્ત ૨ જીબીની ફ્રી સ્પેસ બહુ ઓછી પડતી હોય તો મીડિયા ફાયરનો વિકલ્પ અજમાવી શકો.

તેમાં ફ્રી એકાઉન્ટમાં ૧૦ જીબી ફ્રી સ્પેસ મળે છે અને પછી, ડ્રોપબોક્સની જેમ વિવિધ રીતે તમે ફ્રી સ્પેસ વધારી શકો છો, જે છેક ૫૦ જીબી સુધી પહોંચી શકે છે!

હા, તેના ફ્રી પ્લાનમાં ડાઉનલોડ સમયે જાહેરાતો આવે છે.

આ સર્વિસનો અન્ય એક ખાસ ઉપયોગ પણ છે. તે પૂરા ૪ જીબીની ફક્ત એક જ ફાઇલ સ્ટોર કરવાની સગવડ આપે છે. આથી, બહુ મોટી ફાઇલ્સ અન્યો સાથે શેર કરવા પણ તેનો ઉપયોગ થાય છે. કોઈને લિંક શેર કર્યા પછી તે આગળ શેર ન કરી શકે એવી સગવડ પણ છે.

https://www.mediafire.com/


બોક્સ

ઓફિસ ડોક્યુમેન્ટ્સ સરળતાથી ક્લાઉડમાં સ્ટોર કરીને એડિટ કરવા માટેની વધુ એક સર્વિસ.

બોક્સમાં ફ્રી એકાઉન્ટમાં ૧૦ જીબી ફ્રી સ્પેસ મળે છે. તેમાં ક્યારેક ક્યારે મફતમાં સ્પેસ વધારવાની તક પણ મળે છે.

અપલોડ કરેલી ફાઇલ્સ સર્ચ અને શેર કરવી સહેલી છે.

તમે જેને ફાઇલ કે ફોલ્ડર શેર કરો તેનું બોક્સમાં એકાઉન્ટ હોવું જરૂરી નથી. મોબાઇલ અને પીસી બંનેમાં આ સર્વિસનો લાભ લઈ શકાય છે.

અપલોડ કરેલી સંખ્યાબંધ ફાઇલ્સને એક સાથે એક ઝિપ ફોલ્ડર તરીકે પરત ડાઉનલોડ કરી શકાય છે.

અલબત્ત એક મોટી મર્યાદા એ કે તેમાં ફાઇલ દીઠ ફક્ત ૨૫૦ અેમબી સુધીની ફાઇલ અપલોડ કરી શકાય છે.

https://www.box.com/


મેગા

તમને વધુ ફ્રી સ્ટોરેજમાં જ રસ હોય,  ગૂગલ ડ્રાઇવની ૧૫ જીબી સ્પેસ ઓછી પડતી હોય તો તમારે એક માટે એક વિકલ્પ છે મેગા.

આ સર્વિસ તેના ફ્રી એકાઉન્ટમાં ૫૦ જીબીની ફ્રી સ્ટોરેજનો દાવો કરે છે, પણ તેના વિશે ખાસ કોઈ સ્પષ્ટતાઓ નથી. સાઇટ પર માત્ર પેઇડ પ્લાન્સની જ વિગતો છે.

અહીં વિવિધ ફોલ્ડર્સમાં ફાઇલ્સ ઓર્ગેનાઇઝ કરવાની સગવડ છે. એકથી વધુ ફાઇલ્સને ઝિપ ફાઇલ તરીકે ડાઉનલોડ કરી શકાય છે.

અન્ય ડ્રાઇવમાં સ્ટોર કરેલા તમારા ડેટા પર અન્ય કંપની નજર નાખી શકે છે, જ્યારે મેગામાં સ્ટોર કરેલી ફાઇલ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોવાનો દાવો કરવામાં આવે છે.

જોકે એ ખાસ નોંધવા જેવું છે કે તમે પાસવર્ડ ભૂલ્યા તો બધો ડેટા ગુમાવો એવું બની શકે!

https://mega.nz/


સિંક

ડેટાની પ્રાઇવસી તમારે માટે સૌથી વધુ મહત્ત્વની હોય તો આ એક સર્વિસ તરફ પણ ધ્યાન આપવા જેવું છે.

તેમાં ફ્રી પર્સનલ પ્લાનથી લઈને પેઇડ પ્લાન લઈ શકાય છે.

પર્સનલ પ્લાનમાં ૫ જીબી સ્પેસ મળે છે.

અહીં પણ ફાઇલ્સ અને ફોલ્ડર્સ શેર કરવાની સગવડ મળે છે.

સિંક આપણા ડેટાના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન અને કોઈ થર્ડ-પાર્ટી દ્વારા ટ્રેકિંગ ન થતું હોવાની ખાતરી આપે છે – ફ્રી પ્લાનમાં પણ.

અલબત્ત સિંકમાં ફ્રી પ્લાનમાં કોલાબોરેશન એટલે કે શેરિંગમાં ખાસ્સી મર્યાદાઓ છે, આ સર્વિસ મુખ્યત્વે સલામત બેકઅપ માટે વધુ સારી ગણાય છે. એટલે તમે ફાઇલ્સ પર ગમે ત્યાંથી કામ કરવા ન માગતા હો, માત્ર બેકઅપનો ઇરાદો હોય તો આ સર્વિસ વિચારી શકાય.

https://www.sync.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!