અન્ય ચીજવસ્તુઓ ઉપરાંત ચીને તેની એપ્સ અને સ્માર્ટફોનનો ભારત પર મારો કર્યો અને ભારતીય ટેક સ્ટાર્ટઅપ્સમાં પણ તેનું રોકાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. ‘બોયકોટ ચાઇનીઝ’ અભિયાન પાછળનાં કારણો સમજીએ…
બોયકોટ ચાઇનીઝ એપ્સ’’ ભારતમાં સોશિયલ મીડિયા પર આ નારો વધુ ને વધુ બુલંદ થઈ રહ્યો છે. લડાખમાં ચીન સાથે તંગદિલીને પગલે, ‘૩ ઇડિયટ’ ફિલ્મના પ્રેરણામૂર્તિ ગણાતા લદાખના એન્જિનિયર અને સંશોધક સોનમ વાંગચૂકે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને લોકોને ચાઇનીઝ એપ પોતાના ફોનમાંથી અનઇન્સ્ટોલ કરવાની અપીલ કરી.
જયપુરની એક કંપનીએ ફોનમાંની ચાઇનીઝ એપ વીણી વીણીને અનઇન્સ્ટોલ કરવાનું સહેલું બનાવી આપતી એપ લોન્ચ કરી. એપ લોન્ચ થયાના દસ જ દિવસમાં તેની ડાઉનલોડ થવાની સંખ્યા દસ લાખને પાર કરી ગઈ અને પછી ગૂગલ પ્લેસ્ટોર પરથી તે ગાયબ થઈ. આ દરમિયાન આ એપની મદદથી સંખ્યાબંધ લોકોએ ચાઇનીઝ એપ અનઇન્સ્ટોલ કરી અને તેના સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર ગૌરવભેર શેર કરવાનું શરૂ કર્યું. એ અલગ વાત હતી કે પોતાના ફોનમાંથી ચાઇનીઝ એપ અનઇન્સ્ટોલ કરનારા લોકોમાંનો બહુ મોટો વર્ગ ચાઇનીઝ કંપનીએ બનાવેલા સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યો છે!

આ બધા વિવાદ વચ્ચે, એ જાણવા જેવું છે કે વર્ષ ૨૦૧૯માં ભારતે ચીનમાંથી ૭૫ અબજ ડોલરના સામાનની આયાત કરી, સામે ચીને ભારતમાંથી ૧૮ અબજલ ડોલરનો સામાન્ય ખરીદ્યો. મતલબ કે ભારતને ખાતે ૫૭ અબજ ડોલરની ખોટ રહી. આ તમામ પ્રકારના બિઝનેસના આંકડા છે, આ લેખ પૂરતું આપણે ઇન્ફર્મેશન ટેકનોલોજી પર ફોકસ કરીએ.
આ આખી વાતમાં ત્રણ મુદ્દાઓ તરફ ધ્યાન આપવાની જરૂર છે. પહેલો મુદ્દો છે ચાઇનીઝ એપ્સ, બીજો મુદ્દો છે ચાઇનીઝ બ્રાન્ડ્સના સ્માર્ટફોન્સ અને ત્રીજો મુદ્દો છે ભારતના ટેકનોલોજી સ્ટાર્ટઅપમાં ચાઇનીઝ કંપનીઓનું સતત વધતું મૂડીરોકાણ.
આપણને બિલકુલ ન ગમે એવી હકીકત એ છે કે ભારતમાં ચીની ડ્રેગન પોતાનો સાણસો વિવિધ રીતે સતત કસી રહ્યો છે અને આપણે પોતે જાણે-અજાણે આ ડ્રેગનને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ.
દુનિયાથી જુદું ચીની ઇન્ટરનેટ
સમગ્ર વિશ્વની રીતે જોઈએ તો અત્યારે ઇન્ટરનેટની દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે.
એક તરફ પશ્ચિમી દેશોની કંપનીઓ છે જેમાં એપલ, ગૂગલ, ફેસબુક વગેરે અગ્રેસર છે. બીજી તરફ ચીને આગવું ઇન્ટરનેટ તંત્ર વિકસાવી લીધું છે. તેનું સર્ચ એન્જિન પોતાનું છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પોતાનાં આગવાં છે, ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને ઓનલાઇન-શોપિંગ-પેમેન્ટનાં પ્લેટફોર્મ પણ ચીનનાં આગવાં છે.
પશ્ચિમી દેશોનું ઇન્ટરનેટ ઘણે અંશે લોકશાહી સરકારોએ રચેલા કાયદા નિયંત્રિત છે. આ કાયદાઓને કારણે આ ઇન્ટરનેટ ઘણે અંશે પારદર્શક છે. ડેટા પ્રાઇવસીની ચિંતાઓ હોવા છતાં પશ્ચિમી દેશોની ઇન્ટરનેટ કંપની આપણો ડેટા કેવી કેવી રીતે કલેક્ટ કરે છે, તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તે બધું આપણને જણાવે છે. આપણે ઇચ્છીએ એ બધું ડિલીટ કરવાની પણ આપણને સગવડ આપે છે. ચીનમાં જે કંઈ થઈ રહ્યું છે તેના પર સામ્યવાદી સરકારનો લોખંડી અંકુશ છે. તેની ખાનગી કંપનીઓ પર પણ સરકારનો પૂરેપૂરો અંકુશ છે. ચીને આ પ્રાંતવાદ તેના પોતાના સુધી સીમિત રાખ્યો હોત તો કોઈ વાંધો નહોતો, પરંતુ તે હવે બીજા દેશો પર પણ ફેલાવવા માગે છે. ચાઇનીઝ કંપનીઓએ ભારત પર રીતસર આક્રમણ કર્યું છે.
ચાઈનીઝ એપ્સનું દૂષણ
ફક્ત એપ્સની વાત કરીએ તો ભારતમાં ગૂગલ પ્લેસ્ટોરમાં ચાઇનીઝ એપનો પ્રમાણ અને પ્રભાવ બંને સતત વધી રહ્યા છે. ડિસેમ્બર ૨૦૧૭ની સ્થિતિ પ્રમાણે ગૂગલ પ્લેસ્ટોરમાં ટોપ ૧૦૦ એપ્સના લિસ્ટમાં ફક્ત ૧૮ ચાઇનીઝ એપ્સ હતી. પછીના વર્ષે આ સંખ્યા વધીને ૪૮ થઈ. ૨૦૨૦ સુધીમાં તેનું પ્રમાણ હજી વધ્યું છે. ચાઇનીઝ એપ્સની ભારતમાં બોલબાલા થવાનું કારણ એ છે કે ચાઇનીઝ બ્રાન્ડ્સે ભારતનું સ્માર્ટફોન માર્કેટ કબ્જે કરી લીધું છે (અત્યારે ભારતમાં વેચાતા ૭૨ ટકા ફોન ચાઇનીઝ કંપનીના છે). આવા ઘણા ખરા ફોનમાં ચાઇનીઝ એપ્સ પહેલેથી ઇનસ્ટોલ્ડ હોય છે અને અમુક કિસ્સામાં તેને ડિલીટ પણ કરી શકાતી નથી. ઉપરાંત, અત્યારે ઘણી ખરી ચાઇનીઝ એપ્સ ‘ગમે તે ભોગે’ ભારતીય યૂઝરને પોતાના બંધાણી બનાવવા માગે છે. એ માટે ભારતીય યૂઝરને ‘કેવું કન્ટેન્ટ’ આપવું કે શેર થયેલું ‘કેવું કન્ટેન્ટ’ ચલાવી લેવું એ આ એપ્સ બરાબર જાણે છે.
એ પણ હકીકત છે કે ચાઇનીઝ એપ્સને આપણે ભારતીયો આંખ મીંચીને અપનાવી રહ્યા છીએ. ટૂંકા વીડિયોનું શેરિંગ પ્લેટફોર્મ ટીકટોક ભારતમાં યુટ્યૂબ કરતાં પણ આગળ વધી ગયું છે. યુસી બ્રાઉઝર ભારતમાં ક્રોમને હંફાવે છે. આ બ્રાઉઝરમાં રોજે રોજ વીડિયો અને ફનને નામે ગંદવાડ ઠલવાતો રહે છે. ભારતને સર કરનારી બીજી ચાઇનીઝ એપ પબજી ગેમની આડઅસર વિશે પણ અગાઉ ઘણું લખાઈ ચૂક્યું છે.

સોનમ વાંગચૂક તેમના વીડિયોમાં કહે છે તેમ, ‘‘આ બધી એપ્સમાંથી ચાઇનીઝ કંપનીને ભારતીય લોકો તરફથી જે આવક થાય છે તે આખરે ભારતીય જવાનો સામે બંદૂકગોળા ખરીદવામાં જ વપરાય છે.’’
ચાઇનીઝ એપ્સે ભારતીય ભાષામાં પણ પોતાનું કન્ટેન્ટ આપીને વીડિયો, સોશિયલ મીડિયા, ગેમિંગ, રીયલ મની ગેમ્સ, ડેટિંગ વગેરે સેક્ટરમાં જ પોતાની ધાક ઊભી કરી છે. ભારતમાં સસ્તા ફોન અને સસ્તા ડેટાને કારણે નાનાં શહેરોમાં મજૂર વર્ગ અને ગામડાંમાં ઇન્ટરનેટ યૂઝર્સનો જે નવો ફાલ ઊભો થયો છે તેમને આ બધી ચાઇનીઝ એપ્સ પોતાના બંધાણી બનાવવામાં સફળ રહી છે.
ચાઇનીઝ એપ્સની સામાજિક અસરોને બાજુએ રાખીએ. દેશની સલામતીની દૃષ્ટિએ પણ આ એપ્સ જોખમી હોવાનું અવારનવાર બહાર આવ્યું છે.
ભારતીય સેના અને સુરક્ષા મંત્રાલય તરફથી વિવિધ ચાઇનીઝ એપ ફોનમાંથી દૂર કરવા જવાનોને કહેવામાં આવ્યું છે. ચાઇનીઝ એપ્સ તેના જેવી જ અન્ય ભારતીય કે અન્ય દેશોની એપ્સ કરતાં ઘણા પ્રમાણમાં યૂઝરની પરમિશન્સ માગે છે.ચાઇનીઝ એપ અને ચાઇનીઝ સ્માર્ટફોન દ્વારા આપણો ડેટા ચાઇનીઝ સર્વરમાં પહોંચે તે પછી તે આપણે માટે કેટલો જોખમી બની શકે તેની કલ્પના પણ મુશ્કેલ છે.
ટેક સ્ટાર્ટઅપ્સમાં ચીની ફંડિંગ
ચીન આપણો ડેટા ચોરવા માટે માત્ર ચાઇનીઝ કંપનીએ બનાવેલી એપ્સ પર આધારિત નથી. વિવિધ ભારતીય સ્ટાર્ટઅપમાં ચાઇનીઝ કંપનીઓનું રોકાણ આ પ્રવૃત્તિને ગજબની જોખમી હદે વધારી રહ્યું છે.
આપણે જેને ‘ચાઇનીઝ એપ્સ’ તરીકે ઓળખીએ છીએ તેવી એપ્સ અનઇન્સ્ટોલ કરવાનો આપણો જુસ્સો થોડા વખતમાં કદાચ ઓસરી જશે (૨૦૧૭માં ચીન સાથેના દોકલામ વિવાદ વખતે પણ આવો ઊભરો આવ્યો હતો અને પછી શમી ગયો). તે ન ઓસરે તો પણ ચીનને બહુ મોટો ફેર પડે તેમ નથી કારણ કે ભારતની સંખ્યાબંધ ટેક કંપની પર ચીન લોખંડી પક્કડ જમાવી ચૂક્યું છે.
વેલ્યૂની દૃષ્ટિએ એક અબજ ડોલરના આંકને પાર કરી ગઈ હોય તેવા સ્ટાર્ટઅપને ‘યુનિકોર્ન’ કહેવામાં આવે છે. ભારતમાં અત્યાર સુધીમાં ૩૧ સ્ટાર્ટઅપ યુનિકોર્ન બની ચૂક્યા છે. તેમાંથી ૧૮માં ચાઇનીઝ કંપનીઓનું જબરજસ્ત મૂડીરોકાણ છે. છેલ્લાં પાંચ વર્ષમાં, ‘અલીબાબા’ અને ‘ટેન્સેન્ટ’ એ ચાઇનીઝ ટેકનોલોજી જાયન્ટ ભારતીય સ્ટાર્ટઅપ્સમાં રોકાણ બાબતે એકદમ આક્રમક બની છે. અલીબાબાએ છ ઇન્ડિયન સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે, જેમાંથી પાંચ યુનિકોર્ન બની છે. ટેન્સેન્ટે એ બારમાં રોકાણ કર્યું જેમાંથી સાત યુનિકોર્ન બની છે.
ભારતમાં વેચાતા સ્માર્ટફોનમાં ચાઇનીઝ બ્રાન્ડ્સનું પ્રમાણ પૂરા ૭૨ ટકાએ પહોંચી ગયું છે.
પેટીએમ, ઝોમાટો, સ્વીગી, હાઇક, ઓલા, બાયજૂસ, ગાના, ડ્રીમ૧૧, એમએક્સ પ્લેયર, ખાતાબુક, ઉડાન, ડોક્ટર્સની એપોઇન્મેન્ટ ગોઠવી આપતી પ્રેક્ટો વગેરે સંખ્યાબંધ ‘ભારતીય’ કંપનીમાં ચાઇનીઝ અને અન્ય વિદેશની કંપનીઓનું જંગી મૂડીરોકાણ છે. આમ ઓનલાઇન પેમેન્ટ, ઓનલાઇન શોપિંગ, એન્ટરટેઇનમેન્ટ, મેડિકલ, એજ્યુકેશન વગેરે દરેક ક્ષેત્રમાં કરોડો ભારતીયોના ડેટા ચીનને મળી રહ્યો છે. યુસી બ્રાઉઝર કે ટીકટોક જેવી સીધે સીધી ચાઇનીઝ માલિકીની એપ ઓળખીને અનઇન્સ્ટોલ કરવી કદાચ સહેલી છે પરંતુ આવી અસંખ્ય એપ પણ છે, જેને આપણે ભારતીય માનીએ છીએ પણ તેના પર જબરજસ્ત હદે ચીની અંકુશ છે.
ચીની કંપનીઓ ભારતીય સ્ટાર્ટઅપમાં સીધું મૂડીરોકાણ કરવા ઉપરાંત અન્ય દેશોમાં ફેલાયેલી તેની પેટા કંપનીઓની માયાજાળથી પણ ભારત પર પોતાનો સકંજો કસી રહી છે.
ચાઇનીઝ ફોનનો માર્કેટ પર કબ્જો
સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ – આ એક સેકટર એવું છે જેમાં ચાઇનીઝ કંપનીનો વિરોધ કરવો કે નહીં તે નક્કી કરવું થોડું મુશ્કેલ બને છે. આ ક્ષેત્રમાં ભારત ચીનના વિકલ્પ તરીકે ઊભરી રહ્યું છે અને દુનિયાનું બીજા ક્રમનું મોબાઇલ મેન્યુફેકચરિંગ હબ બની ચૂક્યું છે.
વર્તમાન સરકારે ‘મેક ઇન ઇન્ડિયા’ ઝુંબેશ ચલાવી તેની અન્ય ઇન્ડસ્ટ્રીઝમાં કેટલી અસર થઈ એ વિશે વાદવિવાદ હોઈ શકે પરંતુ મોબાઇલ ફોન મેન્યુફેકચરિંગમાં તેની જબરજસ્ત અસર થઈ છે.
ભારતમાં સ્માર્ટફોન માર્કેટ બરાબર સમજવા જેવું છે. ૨૦૧૪ પહેલાં, આપણે જેને ઇન્ડિયન કંપની ગણીએ છીએ તે માઇક્રોમેક્સ, કાર્બન, લાવા જેવી ઘણી ખરી કંપની કાં તો ચાઇનીઝ મેન્યુફેકચરર પાસેથી રેડીમેડ ફોન ઇમ્પોર્ટ કરીને તેના પર પોતાનો લોગો લગાવીને વેચાણ કરતી હતી અથવા ઘણાં ખરાં કોમ્પોમેન્ટ્સ લાવીને તેનું ભારતમાં એસેમ્બલિંગ કરતી હતી. એક તબક્કે ઇન્ડિયન બ્રાન્ડ્સ, ખાસ કરીને માઇક્રોમેક્સે સેમસંગને પણ પાછળ રાખી દીધી હતી. એ પછી ભારતે ‘મેક ઇન ઇન્ડિયા’ પર ભાર મૂક્યો. પરિણામે ભારતીય કંપનીઓ માટે ચીનથી ફોન કે તેના કોમ્પોનન્ટસ ઇમ્પોર્ટ કરવા મોંઘા બન્યા અને ભારતમાં જ મેન્યુફેકચરિંગ સસ્તું બન્યું.
પરિણામે શાયોમી, ઓપો, વિવો, લિનોવો વગેરે લગભગ બધી કંપનીના સ્માર્ટફોન હવે ‘મેડ ઇન ઇન્ડિયા’ લેબલ સાથે મળે છે. શાયોમી કંપનીના દાવા મુજબ તેના ૯૯ ટકા ફોન મેડ ઇન ઇન્ડિયા છે અને ૬૫ ટકા પાર્ટ્સ ભારતની કંપનીઓ પાસેથી મેળવવામાં આવે છે. એપલ જેવી કંપનીએ પણ ભારતમાં એસેમ્બલિંગ શરૂ કર્યું છે.
આ બધાને પગલે પહેલી વાર એવું બન્યું છે કે દુનિયાની સ્માર્ટફોન ફેકટરી તરીકેનું ચીનનું સ્થાન ડગમગવા લાગ્યું છે. ૨૦૧૬માં દુનિયાના ૭૫ ટકા સ્માર્ટફોન ચીનમાં બનતા હતા, જે ૨૦૧૯માં ઘટીને ૬૮ ટકા થઈ ગયા. સેમસંગ કંપનીએ ચીનમાં તેમનું પ્રોડક્શન સંપૂર્ણપણે બંધ કરીને વિએતનામ અને ભારત પર ફોકસ કર્યું છે.
આ બધું જોતાં, સ્માર્ટફોન મેન્યુફેકચરિંગની બાબતે, ખુદ ચીનની જ મોબાઇલ કંપનીઓને ભારતમાં ખેંચી લાવીને ભારતે હવે ચીનને હંફાવવાનું શરૂ કર્યું છે. જો કોરોનાને પગલે વિશ્ર્વની મોટી ટેક કંપની ચીનને બદલે ભારતમાં મેન્યુફેક્ચરિંગ તરફ વળે, ભારત સરકાર ફોનના પાર્ટ્સના મેન્યુફેક્ચરિંગને પણ પ્રોત્સાહન આપે તો ભારત વિશ્ર્વની સ્માર્ટફોન ફેક્ટરી બની શકે (જોકે એ દિવસો હજી બહુ દૂર છે).
ચાઈનીઝ બ્રાન્ડના ફોન સામે બીજા એક મુદ્દે આપણને વધુ મોટો વાંધો હોવો જોઈએ.
ભારતમાં બનેલા હોવા છતાં ચાઇનીઝ સ્માર્ટફોનમાં ચાઇનીઝ કંપની એન્ડ્રોઇડની મફત ઓપરેટિંગ સિસ્ટમમાં પોતાની રીતે ફેરફાર કરી શકે છે. તેમાં ચાઈનીઝ એપ્સ પર પ્રી-ઇન્સ્ટોલ્ડ હોય છે. આ સ્માર્ટફોન મારફત આપણો ડેટા ચીનના સર્વર સુધી પહોંચે, જે ચોક્કસપણે દેશની સલામતી માટે જોખમી છે. ભારતમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ વધે, પણ એમાંય ચીની કંપનીઓની ભરમાર રહે તો આપણે ‘આત્મનિર્ભર’ થઈ શકીશું નહીં!
એટલે આપણે ચાઇનીઝ એપ્સથી દૂર રહીએ એ ઉપરાંત, બિન-ચાઇનીઝ કંપનીઓ ભારતમાં મેન્યુફેક્ચરિંગ તરફ વળે, એ ચાઇનીઝ બ્રાન્ડ જેવી ક્વોલિટી (ફોનની બાબતે ‘ચીની માલ’ જેવું નથી!) એના જેટલી ઓછી કિંમતે આપી શકે અથવા આપણે ‘ભલે વધુ કિંમત હોય, ચાઈનીઝ બ્રાન્ડ નહીં જ લઉં (મેડ ઇન ઇન્ડિયા પણ નહીં)’ એવું વલણ દાખવીએ તો જ ચાઈનીઝ સકંજામાંથી બચી શકીશું.
ચાઇનીઝ એપ્સના બહેતર વિકલ્પો આ રહ્યા…
માત્ર ‘ચાઇનીઝ’ હોવાનો વાંધો ન હોય તો પણ, લગભગ દરેક જાણીતી ચાઇનીઝ એપ પર ક્યારેક ને ક્યારેક પ્લે સ્ટોરમાં પ્રતિબંધ મૂકાયો છે.
ટિકટોક
એન્ટરટેઇન્મેન્ટ માટે ટિકટોક, લાઇક, ક્વાઇ વગેરે શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ચાઇનીઝ છે, જેણે ભારતમાં પણ ખૂબ પગપેસારો કર્યો છે. ટિકટોપ પર યૂઝર ડેટા ચીનમાં મોકલવાનો આક્ષેપ વારંવાર થાય છે. એપ જુદાં જુદાં ઘણાં કારણોસર વિવાદાસ્પદ બની છે. ફની વીડિયો જ જોવા હોય તો યુટ્યૂબ પર લાખો મળી આવશે! ટિકટોક જેવાં જ ફીચર્સ જોઈતાં હોય તો સર્ચ કરો અમેરિકન એપ Triller.
યુસી બ્રાઉઝર
આ બ્રાઉઝર ભારત માટે જોખમી હોવાનું વારંવાર કહેવાયું છે. યુસી બ્રાઉઝર ઝડપી છે અને ભારતીય ભાષામાં કન્ટેન્ટ આપે છે, પણ એવું અન્ય બ્રાઉઝર્સમાં પણ ઉપલબ્ધ છે જ. ક્રોમ, ફાયરફોક્સ, ડકડકગો જેવા બ્રાઉઝર્સ ઉપરાંત બિલકુલ ઇન્ડિયન બ્રાઉઝર જોઈતું હોય તો Jio કે Epic એપિક બ્રાઉઝર તપાસી શકાય. યુસી અનઇન્સ્ટોલ ન થઈ શકે તો કમ સે કમ તેનો ઉપયોગ તો ન જ કરો.
કેમસ્કેનર
ડોક્યુમેન્ટ્સ સ્કેન કરવા આ એપ ઉપયોગી છે, તેની સ્કેનિંગ ક્વોલિટી પણ સારી છે, પરંતુ યૂઝરડેટા અને માલવેરના મામલે કેમસ્કેનર પણ વગોવાયેલ એપ છે. કેમસ્કેનર એપમાં ટ્રોજન હોવાનું ખૂલ્યા પછી તેને પ્લે સ્ટોરમાંથી દૂર પણ કરવામાં આવી હતી. ફોનમાં ફોનમાં Google Drive, Microsoft Office Lens, Adobe Scanની મદદથી ડોક્યુમેન્ટ સ્કેન કરી શકાશે.
શેરઇટ-ઝેન્ડર
બે ફોન વચ્ચે ફટાફટ ફાઇલ્સ ટ્રાન્સ કરવી હોય તો હવે ચાઇનીઝ શેરઇટ કે ઝેન્ડર પર આધાર રાખવાની જરૂર નથી. આ કામ ગૂગલની Files by Google નામની એપથી પણ સરસ રીતે થઈ શકે છે.
એન્ડ્રોઇડમાં ઇએસ ફાઇલ એક્સ્પ્લોરર નામની એપનો પણ ઘણો ઉપયોગ થાય છે, એ પણ ચાઇનીઝ છે. તેના વિકલ્પ તરીકે પણ ફાઇલ્સ બાય ગૂગલ પૂરતી સાબિત થાય તેમ છે!
ક્લબ ફેક્ટરી
આ ચાઇનીઝ ઇ-કોમર્સ સાઇટ વર્ષ ૨૦૧૬થી ભારતમાં પણ ઓપરેટ કરે છે, પણ ત્યારથી તે સતત વિવાદમાં રહી છે. કસ્ટમ ટ્યુટી, ટેક્સ બચાવવો, ફેક પ્રોડક્ટ્સ વગેરે દરેક મુદ્દે વિવાદો થયા છે.
ઇ-કોમર્સ માટે Amazon, Flipkart જેવા જાણીતા વિકલ્પો છે જ. આ કંપનીઓમાં હવે વિદેશી રોકાણ છે, પણ પશ્ર્ચિમનું. હવે ઇન્ડિયન Jio Mart પણ આવે જ છે.
હેલો
સતત કંઈક નવીનતા શોધતા યૂઝર્સને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરેથી સંતોષ નથી હોતો. એ કારણે ‘હેલો’ એપ નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે ખાસ્સી ચાલી છે. આ એપ ભારતની ૧૪ ભાષામાં ઉપલબ્ધ છે અને ખાસ રીજનલ ઓડિયન્સ માટે ક્યુરેટેડ કન્ટેન્ટ આપે છે, પણ પ્રાઇવસી માટે જોખમી ગણાય છે. તેનો પાક્કો ભારતીય વિકલ્પ Sharechat છે, અન્ય સોશિયલ સાઇટ્સ તો છે જ!
એપલોક
એન્ડ્રોઇડમાં, ઓપરેટિંગ સિસ્ટમ પોતે જુદી જુદી એપ્સને અલગ અલગ લોક કરવાની સગવડ નથી આપતી એ તેની બહુ મોટી ખામી ગણાય છે. તેના વિકલ્પે લોકો એપલોકનો ઉપયોગ કરે છે, પણ આ એપ ખાસ્સી પરમિશન્સ માગે છે. તમને આખા ફોનને પિન, પાસવર્ડ કે ફિંગરપ્રિન્ટથી લોક કરવાથી સંતોષ ન હોય તો ચાઇનીઝ એપલોક એપને બદલે Norton App Lock એપનો ઉપયોગ કરી શકો.
ક્લીન માસ્ટર
હવે આ એપનો ઉપયોગ થોડો ઘટ્યો છે પણ અગાઉ ફોનમાંથી ‘કેશ’ અને અન્ય નકામો ડેટા ક્લીન માટે આ ચાઇનીઝ એપ લગભગ દરેક ફોનમાં જોવા મળતી. ખરેખર એ એપ પોતે ફોનમાં બિનજરૂરી ભારણ વધારે છે. ફોનની ડિજિટલ સાફસૂફીનું કામ ફોનના સેટિંગ્સથી જ થઈ શકે છે, એ ઉપરાંત Files by Google એપ ઉમેરીને પણ એ કામ પણ સરસ રીતે થઈ શકે છે.
બ્યુટીપ્લસ
આ એપ પણ ચાઇનીઝ છે. કોઈ પણ એપને આપણા ફોટોઝ આપવામાં, તેનો દુરુપયોગ થવાનું હંમેશા જોખમ હોય છે, ત્યારે આ તો ચાઇનીઝ એપ છે! ફોટોઝના સામાન્ય એટિડિંગ માટે Google Photos માં હવે ઘણા એપ્શન્સ છે, એ સિવાય તમારા ફોટોઝને વિવિધ ફિલ્ટર અને ઇફેક્ટ્સ આપવાનો તમને શોખ હોય તો Candy Camera નામની એપ ટ્રાય કરી શકાય, એ દક્ષિણ કોરિયાની છે.
ગ્લોબલાઇઝેશન અને ડિજિટલ યુગમાં કોઈ એક દેશના બિઝનેસને ભારતમાં આવતાં અટકાવવો મુશ્કેલ છે, પણ આપણે ગ્રાહક કે યૂઝર તરીકે તેનો ઉપયોગ ટાળી જરૂર શકીએ.
ખાસ તો, અહીં આપણે જોયું તેમ લગભગ દરેક ચાઇનીઝ એપ સતત જુદા જુદા કારણ વિવાદમાં રહી છે ત્યારે આવી એપ વિના ચલાવી લેતાં શીખવું જ રહ્યું.

