(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

“બાળકો જુદી જુદી રીતે શીખે એ વધુ મહત્ત્વનું છે કોડિંગ એવું જ એક ટૂલ છે”

બાળકોને કોડિંગનું કોચિંગ – આ મુદ્દો આજકાલ બહુ ચગ્યો છે. આ મુદ્દા અને તેને સ્પર્શતી બીજી બાબતો વિશે, કોડિંગના શિક્ષણમાં ગળાડૂબ એક અનોખી વ્યક્તિ પાસેથી જ જાણીએ!

ટીવી પર, સોશિયલ મીડિયામાં અને બીજી ઘણી જગ્યાએ બાળકોને નાની ઉંમરથી જ કોડિંગ શીખવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. દુનિયા જે ઝડપે ડિજિટલ બની રહી છે એ જોતાં, કોડિંગમાં ભવિષ્ય છે એમાં કોઈ શંકા નથી.  દુનિયાભરના બાળઉછેર અને ટેક્નોલોજીના નિષ્ણાતો કહે છે કે બાળકો ભલે આગળ જતાં કમ્પ્યૂટર પ્રોગ્રામર ન બનવાનાં હોય, એ કોડિંગ શીખે તે જરૂરી છે. કેમ કે કોડિંગ તેમનામાં, તેજસ્વી ભવિષ્ય માટેની સૌથી મહત્ત્વની આવડત કેળવે છે – તર્કબદ્ધ રીતે વિચારવાની અને એ મુજબ આગળ ક્રમબદ્ધ યોગ્ય પગલાં લેવાની આવડત! કોડિંગ શીખેલું બાળક ભવિષ્યમાં કોઈ પણ ક્ષેત્રમાં કારકિર્દી વિક્સાવે, આ પાયાની આવડત તેને ચોક્કસ અત્યંત ઉપયોગી થશે.

પરંતુ જે રીતે જાહેરાતોમાં કોડિંગનું ગ્લેમરસ ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે, તેનાથી તદ્દન જુદું જ કોડિંગ કોચિંગનું એક એવું પાસું પણ છે, જે કોડિંગની ઉપયોગિતામાં આપણો વિશ્વાસ વધારે છે.

દસેક વર્ષની ઉંમરનાં બાળકો ગરીબીનિવારણ, સ્રી-પુરુષ સમાનતા, ક્લાઇમેટ ચેન્જ વગેરે જેવા વિષયો પર ડિજિટલ ગેમ્સ કે સ્ટોરી બનાવે – અને એ પણ આપણે જેમને ‘પ્રમાણમાં નબળી’ ગણીએ છીએ એવી શાળાઓનાં બાળકો – ત્યારે આપણને ચોક્કસ નવાઈ લાગે. આ બાળકો આપણને ભાન કરાવે કે બાળકો પણ હવે યંગ એડલ્ટ છે, જેમને સમાજની સમસ્યાઓ વિશે ખબર છે, તેઓ ઉકેલ વિશે વિચારી શકે છે!

અમદાવાદની ‘કોડ ટુ એન્હેન્સ લર્નિંગ (સીઇએલ)’ નામની એક સંસ્થાએ યોજેલી એક સ્પર્ધામાં, શાળાનાં બાળકોએ આ પ્રકારના વિચારો યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલમેન્ટ ગોલ્સ વિશે લોકોમાં જાગૃતિ લાવવા જુદા જુદા વિષયોને કોડિંગની મદદથી ગેમ્સ રૂપે રજૂ કર્યા હતા!

અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ટીવી પર બાળકો માટે ‘કોડિંગ શીખો’ની જાહેરખબરોનો મારો થઈ રહ્યો છે ત્યારે સાયબરસફરનાં દામિની દેસાઈએ એક એવી વ્યક્તિ સાથે મુલાકાત કરી, જેમણે ટાટા કંપનીની નોકરી છોડીને વંચિત બાળકોની શાળાથી લઈને ઇન્ટરનેશનલ સ્કૂલ્સમાં કોડિંગ શીખવવાનું શરૂ કર્યું છે.

કોડિંગ અને બાળકો પર ફોકસ સાથે, સીઇએલ સંસ્થાના સ્થાપક ઇરફાન લાલાણી સાથે થયેલી વાતચીતના અંશો. બાળકોને કોડિંગ શીખવવા ઇચ્છતાં માતાપિતા અને આ દિશામાં – કંઇક અલગ – કારકિર્દી ઘડવા ઇચ્છતા યુવાનોને પણ આમાંથી માર્ગદર્શન મળશે.

આર્થિક રીતે સદ્ધર નહીં એવા બેકગ્રાઉન્ડમાંથી આવવા છતાં, મિકેનિકલ એન્જિનિયર બનવાથી માંડીને સીઇએલની સ્થાપના સુધીની યાત્રા… કઈ રીતે આ શક્ય બન્યું?

ટાટા કંપનીમાં મને નોકરી મળી ત્યાંથી ‘ટીચ ફોર ઇન્ડિયા’ સંસ્થામાં ફેલોશિપ પ્રોગ્રામ હતો તેમાં જોડાવાનું નકકી કર્યું કારણ કે મને હંમેશાં લાગતું હતું કે શિક્ષણ ક્ષેત્રે કામ કરવાનું ખૂબ જરૂરી છે. એ પ્રોગ્રામમાં શાળાના ફૂલટાઇમ ટીચરની જેમ કામ કરવાનું હતું. અમદાવાદમાં ચંડોળા પાસે મોટું ગાર્બેજ ડમ્પયાર્ડ છે. આખા અમદાવાદનો કચરો ત્યાં ઠલવાય છે. તેની પાસેના સ્લમ એરિયામાં એક લો ઇન્કમ સ્કૂલમાં બે વર્ષ માટે ધોરણ ૩ કે ૪નાં બાળકો સાથે કામ કરવાનું હતું.

સૌથી પહેલાં તો મુશ્કેલી એ થાય કે તમે પોશ એસી ઓફિસમાં કામ કર્યું હોય અને ત્યાંથી સીધા તમે એવી સ્કૂલમાં પહોંચી જાઓ જ્યાં પંખા, લાઇટ જેવી પાયાની સગવડ પણ ન હોય. આ ટ્રાન્ઝિશનમાં અનુકૂળ થવામાં ખૂબ સમય લાગે. બીજું, તમે ત્રીજા-ચોથા ધોરણનાં બાળકોને ભણાવો તો તેમને બેઝિક અંગ્રેજી, સરવાળા-બાદબાકી તો આવડતું હોય, પણ અહીં તો એબીસીડી પણ નહોતું આવડતું એવાં બાળકોને શીખવવાનું હતું.

જબરો આઘાત લાગ્યો કે એન્જિનીયરિંગ કર્યું છે અને હવે એબીસીડી કેવી રીતે શીખવાડીશ? આ બહુ મોટી ચેલેન્જ છે. પણ તમને આ પ્રોગ્રામમાં સપોર્ટ ખૂબ મળે છે. એક દિવસ એવું બન્યું કે હું કમ્પ્યૂટર પર કામ કરી રહ્યો હતો અને એક બાળકે મારી પાસે આવીને પૂછ્યું કે, “આ કમ્પ્યૂટર કેવી રીતે કામ કરે છે… મારે પણ શીખવું છે.” ત્યારે મને ખ્યાલ આવ્યો કે આજના જીવનમાં કમ્પ્યૂટર બહુ જ આવશ્યક ચીજ છે. એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમે કહ્યું છે કે હવેના સમયમાં આ બધી (કમ્પ્યૂટર) સ્કિલ્સ બહુ જ બેઝિક થવાની છે. અત્યાર સુધીમાં ૨૦ બિલિયન ડિવાઇસીસ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે. આપણી ચારેબાજુ ટેક્નોલોજી છવાયેલી છે ત્યારે બાળકોને અંગ્રેજી, ગણિત અને બીજા વિષયો કે વાંચવા-લખવાની સ્કિલ્સ સાથે કમ્પ્યૂટર શીખવાની તક પણ મળવી જોઈએ. મને પોતાને ક્યારેય સ્કૂલમાં કમ્પ્યૂટર પર કામ કરવાનો મોકો નથી મળ્યો.


હું ભૂતકાળમાં પહોંચી ગયો કે આવું તો અમારી સાથે પણ થતું હતું. કમ્પ્યૂટર વિશે ફક્ત ચોપડીઓમાં ભણાવાતું હતું. આ બાબત તમારા મોરાલ પર, તમારા આત્મવિશ્વાસ પર બહુ જ અસર કરે છે. એક તરફ મને ૧૨મા ધોરણમાં લગભગ ૯૩ ટકા આવ્યા હતા, ચોપડિયું જ્ઞાન બધું, પણ પ્રેક્ટિકલ નોલેજ નહીં. કંપનીમાં જોડાઓ તો તમને એ પુસ્તકિયા જ્ઞાન વિશે કોઈ નથી પૂછતું. તમારે તો સીધું કમ્પ્યૂટર પર કામ કરવાનું હોય છે. ઇન્ટરવ્યૂમાં તમને એટલા માટે પસંદ કરાયા કે તમને સારા ટકા મળ્યા છે. પણ કમ્પ્યૂટર સ્કિલ્સમાં ઝીરો છો. શરૂઆતનો એક મહિનો તો બહુ જ લઘુતાગ્રંથી અનુભવાય. કારણ કે બીજા બધાને એ બધું મળેલું છે પણ તમને તો કમ્પ્યૂટરમાં વાયર કેમ લગાડવો એ પણ નથી કરવા મળ્યું.

મને લાગ્યું કે બાળકોને એ શીખવવું. એટલું જ નહીં કે ફક્ત કમ્પ્યૂટરથી પરિચિત હોય, વર્ડમાં કંઈ કામ કરવાનું આવડે કે કોઈ નાનું પ્રેઝન્ટેશન બનાવી દીધું, જે આપણે ત્યાં સામાન્ય રીતે ૯૦ ટકા શાળાઓમાં હોય છે. યુએસમાં જે રીતે ભણાવાય છે તે જોઈને મને થયું કે ક્રિએટીવિટી ખૂબ જ મહત્ત્વની છે, થિકિંગ ખૂબ જરૂરી છે. ત્યારે મને લાગ્યું કે કોડિંગ એવું ટૂલ બની શકે. આમ પેલા બાળકના પ્રશ્નથી મને પ્રેરણા થઈ કે આવો પ્રોગ્રામ શરૂ કરવો જોઈએ. ત્યાંથી મને કોડિંગ શીખવવાની પ્રેરણા મળી.

મિકેનિકલ એન્જિનીયરિંગ કર્યા પછી કોડિંગમાં જ આટલો રસ પડવાનું કારણ શું?

મારી ૧૨મા ધોરણની પરીક્ષા પતી ગઈ હતી અને કરિયર કાઉન્સેલિંગ ચાલતું હતું. મને કમ્પ્યૂટરમાં, પ્રોગ્રામિંગમાં ખૂબ રસ હતો, દસમા ધોરણમાં થોડું જાણવા મળ્યું હતું, પણ કામ કરવાનો મોકો નહોતો મળ્યો. મને કમ્પ્યૂટર એન્જિનીયરિંગમાં અને બીજા પણ ફીલ્ડમાં એડમિશન મળતું હતું કારણ કે ટકા સારા આવ્યા હતા. પણ એ સમય એવો હતો કે કમ્પ્યૂટર સાયન્સમાં જવું હોય તો માતાપિતાને જઈને કહેવું પડે કે કમ્પ્યૂટર લઈ આપો. કારણ કે કોલેજના સમય દરમિયાન કમ્પ્યૂટર પર કામ કરવા મળે પણ પછી પોતાની પાસે ન હોય તો… એટલે મારી આસપાસના લોકોએ મને ગાઇડ કર્યો કે એના કરતાં મિકેનિકલ એન્જિનીયરિંગમાં એડમિશન લઈ લે, એ વધારે સારું પડશે.

પછી ખ્યાલ આવ્યો કે કમ્પ્યૂટરથી કશું ક્રિએટ કરવામાં પૈસા નથી લાગતા. દાખલા તરીકે, તમે કોઈ ગેમ બનાવો કે બાળકો માટે એબીસીડી કે એવો કંઈ પ્રોગ્રામ બનાવી શકો, જેનાથી ફાયદો એ છે કે તમારો આત્મતવિશ્વાસ ખૂબ વધી જાય છે કે મેં એવું કંઈક બનાવ્યું જેનાથી લોકોની મદદ થાય છે. મિકેનિકલ એન્જિનીયરિંગમાં પાર્ટ્સ લેવા જઈએ તો મોંઘા પડી શકે છે.

ક્રિએટિવિટી દિમાગમાં હોય, કાગળ પર પણ હોય, પણ એને રિયલ લાઇફમાં લાવવા માટે નાણાકીય મુશ્કેલીઓ બહુ મોટો પ્રશ્ન બની જાય છે. તો મને લાગે છે કે કોડિંગ એવી વસ્તુ જે છે જેથી થિકિંગ અને ક્રિએટિવિટીને સાકાર કરી શકો છો અને તેને ડેવલપ કરવામાં પૈસા પણ ઓછા જોઈએ. એક સર્વેમાં કહેવાયું છે લો ઇન્કમવાળા બાળકોમાં ડિજિટલ ડિવાઇસનું આકર્ષણ બીજાં બાળકો કરતાં ૨.૫ જેટલું વધારે હોય છે. મને લાગ્યું કે મારું પોતાનું પેશન આ જ કરવાનું હતું અને બાળકોને આવી ડિવાઇસનો શોખ હોય છે તો કોડિંગ બેસ્ટ ટૂલ છે અને તે બાળકોનું ક્રિટિકલ થિંકિગ વધારવામાં મદદ કરી શકશે.

અમારો આઇડિયા એ નથી કે બાળકને કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ કે કોડર કે બીજું કંઈ બનાવવું. બાળક ભલે કોઈ પણ ક્ષેત્રમાં જાય, પણ પહેલાં કોડિંગને મજા પડે એ રીતે એક્સપ્લોર કરે, ક્રિટિકલ થિંકિગ કરતાં શીખે, ક્રિએટિવિટી વધારે અને બાયપ્રોડક્ટ તરીકે એવું બને કે કોઈ બાળક બહુ જ પેશનેટ હોય અને એમાં કરિયર બનાવી શકે. એટલે અમે કોડિંગને પસંદ કર્યું.

કોડિંગ એટલે શું સરળ રીતે સમજાવી શકો?

આપણે બધા સાથે મળીને કામ કરીએ ત્યારે આપણે એકબીજાને સૂચના આપવી પડે. એ સૂચનાઓને સમજીએ, તેને સારી રીતે ફોલો કરી શકીએ એ ખૂબ મહત્ત્વનું છે. મેં એક બહુ જ રસપ્રદ વીડિયો જોયો, જેમાં જાપાનમાં એક રેસ્ટોરાંમાં રોબોટને લોકોને સર્વ કઈ રીતે કરવું તે માટે ટ્રેઇન કરવામાં આવી રહ્યો છે. તેના પર પ્રોટોટાઇપ બનાવવાનું પણ શરૂ થયું છે. એટલી હદે કમ્પ્યૂટર આપણી આસપાસના જીવનમાં વણાઈ ગયું છે….

આપણે કમ્પ્યૂટરને પણ ચીજો સમજાવવી પડે છે, સૂચના આપવી પડે છે. કમ્પ્યૂટર પાસે પોતાનું દિમાગ નથી. તે એક મશીન છે, તેને બેઝિક ચીજ સમજાશે. તેને લાગણી નથી, તે અનુભવ નહીં કરી શકે તેથી ડિટેલમાં સૂચનાઓ આપવી પડે. એ સૂચનાઓને કોડ કહેવાય છે.

ગૂગલ મિની કે એલેક્સા તેને અલગ રીતે સમજે છે, પ્રોસેસ કરે છે. આમ તેની પાછળ જે સૂચનાઓ છે તેને કોડિંગ કહે છે. એ એક ભાષા છે જેનાથી કમ્પ્યૂટર સમજી શકે કે તેણે શું કરવાનું છે.

તમારી કોડિંગ વિશેની પોતાની સંસ્થા શરૂ કરવાનું કઈ રીતે સૂઝ્યું?

‘ટીચ ફોર ઇન્ડિયા’ માટે મેં એક વર્ષ કામ કર્યું, ફેલોશિપ પૂરી થઈ, ટીચર્સને ગાઇડ કરતો, લીડરશિપ માટે તૈયાર કરતો, ત્યારે હું કોડિંગ પણ કરતો હતો. મને લાગ્યું કે આ એક જ માણસનું કામ નથી. મેં જે રીતે સંઘર્ષ કર્યો તે જોઈને લાગ્યું કે આ સ્કિલ બાળકો સુધી પહોંચાડવા માટે કોઈ સંસ્થા હોવી જોઈએ જે સમર્પણની ભાવનાથી કામ કરે. એ સમયે ભારતમાં એવી કોઈ સંસ્થા નહોતી જે આ વિષય પર, ખાસ તો લો ઇન્કમવાળાં બાળકો માટે કામ કરતી હોય.

પરિવર્તન લાવવા માટે કોઈએ તો ક્યાંક ને ક્યાંકથી શરૂઆત કરવી પડશે એટલે મેં આ સંસ્થા શરૂ કરી. ૨૦૧૭માં કામ શરૂ કરી દીધું, અભ્યાસક્રમ તૈયાર કર્યો, એક વર્ષમાં ૫૦૦ બાળકો સાથે પાઇલટ પ્રોજેક્ટ કર્યો, ટીચર્સને તૈયાર કર્યા, બાળકોની ટેસ્ટ લીધી, ઇન્ટરવ્યૂ કર્યા કે તેમને આમાં ખરેખર વેલ્યુ જણાય છે કે કેમ અને પછી નક્કી કર્યું કે હવે આને એક રજિસ્ટર્ડ સંસ્થા બનાવવી જોઈએ.

હેકાથોન યોજવાનો ખ્યાલ કેવી રીતે આવ્યો? તેની સફળતા વિશે શું માનો છો?

મેં જેટલું પણ કન્ટેન્ટ ડેવલપ કર્યું છે તેમાં અને પહેલાં હું ભણાવતો ત્યારે પણ બેઝિક આઇડિયા એ રહેતો કે જે શીખ્યા છો તેને શોકેસ કરવું. તમે કંઈ શીખો એમાં કંઈ વેલિડેશન ન મળે કે શોકેસ કરવાની તક ન મળે તો તેમાં કોઈ એક્સાઇટમેન્ટ નથી રહેતું કે મેં આ શીખ્યું છે. આત્મવિશ્વાસ નથી આવતો. શોકેસ કરીએ ત્યારે શીખવાની આખી જર્નીને સમરાઇઝ કરીએ છીએ.

આ એક ઉત્તમ રીત છે જેનાથી બાળકોમાં આત્મવિશ્વાસ, મોટીવેશન વધારી શકીએ, તેમનું લર્નિંગ પણ નક્કર બનાવી શકીએ. અમારા કોડિંગ પ્રોગ્રામમાં અમે આ કરીએ છીએ.

ભારતમાં કેટલાંય બાળકો કોડિંગ શીખે છે એ બધાને એક પ્લેટફોર્મ મળે તે માટે યુએન એ નક્કી કરેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર હેકાથોન કરવાનું નક્કી કર્યું. કેમ કે તેનાથી બે રીતે મદદ થાય. એક તો બાળકો તે ગોલ્સ વિશે જાણે અને બીજું, આસપાસના વાતાવરણમાં જુએ કે મારી કમ્યુનિટીને શું પ્રોબ્લેમ છે અને એ રીતે પ્રોજેક્ટ દ્વારા તેના પર પોતાના વિચારો રજૂ કરે.

શિક્ષણ એવી ચીજ છે કે તેને આસપાસની ચીજો સાથે સાંકળવાની હોય, એકલામાં ન ભણાવી શકાય. તેને સમાજના સંદર્ભમાં ભણાવવાનું છે. અમે વેબિનાર્સ અને વીડિયોના માધ્યમથી બાળકોને હેકાથોન માટે ટ્રેઇન કરીએ છીએ, જેથી કોઈ બાળક કોડિંગ ન શીખ્યું હોય તો પણ બેઝિક ટ્રેનિંગ મેળવીને એમાં ભાગ લઈ શકે. કોમ્પિટિશનના અંતે અમે દરેક બાળકને સર્ટિફિકેટ સાથે કોલાબરેશન, પર્પઝ વગેરે ચોક્કસ સ્કિલ્સ વિશે એક્સપર્ટ્સની મદદથી વ્યક્તિગત ફીડબેક પણ આપીએ છીએ. આ વર્ષે ૧૦થી વધુ શહેરોનાં ૧૨૬૪ બાળકોએ ભાગ લીધો હતો. હવે અમારું ટાર્ગેટ ૨૫૦૦ બાળકો સુધી પહોંચવાનું છે.

અત્યારે ખાસ બાળકો માટેના જાતભાતના કોડિંગ કોર્સ અને પાયથન જેવી લેંગ્વેજીસના કોર્સની જાહેરખબરોનો મારો ચાલ્યો છે. એકબીજાના રેફરન્સથી કોર્સ જોઈન કરવા માટેના મેસેજ આવ્યા કરે છે. આમાં માતાપિતા નક્કી કઈ રીતે કરે કે કોડિંગ શીખવાનું કઈ ઉંમરમાં શરૂ કરવું, કઈ લેંગ્વેજ પસંદ કરવી…

બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે! કેટલીક સંસ્થાઓ પાસે જબરું ફંડ છે અને માર્કેટમાં ખૂબ પ્રચાર કરી રહી છે, એ માટે પૈસા ખર્ચી રહી છે, એનાથી સમાજમાં અવેરનેસ આવી છે કે કોડિંગ બહુ સારી સ્કિલ છે.

માતાપિતાએ એ ધ્યાન રાખવું જોઈએ કે તેમને પરિણામ શું જોઈએ છે. બધાની થોટ પ્રોસેસ અલગ હોય છે. મેં નાનપણમાં ગિટાર, ક્રિકેટ શીખવાની કોશિશ કરી હતી. બીજા વિષયો સાથે હું ભણાવતો પણ ખરો. આ બધું કરવાથી મને ખૂબ એક્સપોઝર મળ્યું. મને ખ્યાલ આવ્યો કે મને ભણાવવામાં, કમ્પ્યૂટરમાં બહુ રસ છે. બાળકોને આર્ટ, ડાન્સ, મ્યુઝિક અને બીજા વિષયો પણ શીખવવા મહત્ત્વના છે. જો મલ્ટીપલ એક્સપોઝર આપવું છે એવી કોશિશ કરો છો, તો કોડિંગ પણ આ વિષયોનો એક ભાગ છે.

કોડિંગ એક ટૂલ છે, એ પ્રોગ્રામમાં કેટલી ક્રિએટિવિટી ડેવલપ થાય છે, બાળકોમાં થિંકિંગ કઈ રીતે કેળવાય છે તે જાણવાની કોશિશ કરો. શીખવવાની પદ્ધતિ અને અભ્યાસક્રમ બહુ જ મહત્ત્વનાં છે. ફક્ત કોડિંગ કરવાથી થિંકિંગ ડેવલપ ન થાય.

ઉંમરની બાબતમાં એવું છે કે બીજા ધોરણનું બાળક હોય પણ બહુ સ્માર્ટ હોય તો એ પણ કરી શકે, પણ ભારતની વાત કરીએ તો, આદર્શ રીતે ચોથા કે પાંચમા ધોરણથી શરૂ કરી શકાય. માતાપિતાને લાગે કે તેમનું બાળક બહુ ઝડપથી બધું ગ્રહણ કરી શકે છે તો થોડું જલદી પણ શરૂ કરી શકે.

બીજું, કમ્પ્યૂટરની ૭૦૦ જેટલી લેંગ્વેજ છે, બધી ન શીખી શકાય! બાળક કઈ લેંગ્વેજ એન્જોય કરે તે માતાપિતાએ ધ્યાનમાં રાખવું જોઈએ. બાળક માટે એ સ્ટ્રેસફુલ ન બની જાય કે બધાને આવડે છે ને મને કેમ નથી આવડતું, મારી એપ કેમ નથી બનતી. પ્રોગ્રામ એવો હોવો જોઈએ કે બાળકને લાગે કે મેં આ બનાવ્યું કારણ કે મને પસંદ છે અને મેં એમાંથી આટલું શીખ્યું. આવો રિસ્પોન્સ મળે એ વિશે માતાપિતાએ પૂછવું જોઈએ.

અમે સ્ક્રેચ (ટેક્નોલોજી શિક્ષણ માટે જગવિખ્યાત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ વિક્સાવેલું ટૂલ https://scratch.mit.edu/)ને લેંગ્વેજ તરીકે ઉપયોગમાં લઈએ છીએ.

લેંગ્વેજમાં બે પ્રકાર હોય છેઃ એક સિન્ટેક્સવાળી અને બીજી સિન્ટેક્સ વગરની, જેમાં બ્લોક્સ હોય તેને એડ કરીને, સ્નિપ કરીને પ્રોગ્રામ કરવાનો હોય. હાર્વર્ડ જેવી મોટી યુનિવર્સિટીમાં પણ બ્લોક બેઝ્ડ પ્રોગ્રામિંગ શીખવવામાં આવે છે. તેનો ફાયદો એ છે કે લોજિક પહેલાં ડેવલપ થાય તો પછી સિન્ટેક્સમાં તકલીફ ન પડે.

મારું માનવું છે કે પાયથન બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે અને સ્ક્રેચ કલરફૂલ છે તો એમાં બાળકોને ક્રિએટ કરવામાં મજા પડે છે. વળી અત્યારનો જમાનો ઇન્સ્ટન્ટનો છે, બાળકોને આઉટકમ પણ ફટાફટ જોઈએ છે. એટલે આ બધું માતાપિતાએ ધ્યાનમાં રાખવું જોઈએ.

“કોડિંગ નહીં શીખે તો મારું બાળક પાછળ રહી જશે” એ પ્રકારની આખી એક માન્યતા ઊભી કરવામાં આવી રહી છે એ વિશે શું કહેશો?

બાળક પાછળ રહી જશે એ વિશે કહેવાનું બહુ અઘરું છે. ગોડ હેઝ પ્લાન્સ ફોર એવરીવન. મને લાગે છે કે એ બહુ અલગ બાબત છે. મારું માનવું છે કે જેની પાસે એવા રિસોર્સીસ નથી કે પ્રોગ્રામ્સનો ખર્ચ બહુ હોઈ શકે, પણ એક્સપોઝર આપવું જરૂરી છે. દુનિયા જે રીતે આગળ વધી રહી છે તે જોતાં એ ચીજ છોડી દઈએ એવું પણ ન કરી શકાય. એવું લાગે કે બાળકને રસ છે, તેમાં આગળ વધી શકે એમ છે તો તક આપવી ખરેખર યોગ્ય છે.

કોઈ ક્ષેત્રમાં આગળ વધવા માટેની રુચિ બહુ નાની ઉંમરમાં વધવાની શરૂ થઈ જાય છે. બાળકો નાનપણથી એ બધું અનાયાસે નક્કી કરવા લાગતાં હોય છે. પછી તો પૈસા, ઇન્સ્ટિટ્યૂટ એ બધું જોઈને સમાધાનો જ થતાં હોય છે. code.org જેવા ઘણા ફ્રી પ્રોગ્રામ્સ હોય છે એ કરી શકાય. અડધો કલાક સમય કાઢીને બાળક સાથે શીખી શકો.

અમારા પણ ઘણા રીસોર્સિસ ફ્રી છે. તે પણ ચેક કરી શકો છો. ઘણાં પુસ્તકો સસ્તા ભાવે મળે છે તેનાથી શીખવી શકાય. અમે CS Unplugged Series નામે નવો પ્રોગ્રામ શરૂ કર્યો છે. કોઈની પાસે કમ્પ્યૂટર ન હોય તો પણ કમ્પ્યૂટર સાયન્સ શીખી શકે. આવું અમે જ નહીં, ઘણી સંસ્થાઓ કરી રહી છે. Unplugged એક્ટિવિટી મજાની હોય છે. એવા ઘણા ઓપ્શન્સ માતાપિતાએ એક્સપ્લોર કરવા જોઈએ.

કોડિંગ ન શીખો તો જીવનમાં કશો ફરક પડે? કોડિંગથી ક્રિએટિવિટી વધે છે, એ કેવી રીતે?

તમારી પાસે રિસોર્સીસ હોય તો કોડિંગ શીખવું સારું રહે. સંસાધનો ન હોય તો મેં કહ્યા એવા ઓપ્શનથી પણ શીખી શકાય કારણ કે બાળકો બહુ જલદી ઇન્સ્પાયર થાય છે. ચેસ, આર્ટ, મ્યુઝિક જેવું ઘણું કરાવી શકાય જેનાથી ક્રિએટિવિટી વધી શકે.

બાળકો જુદી જુદી રીતે શીખે એ વધુ મહત્ત્વનું છે. હવેનું શિક્ષણ ફક્ત સવાલ-જવાબ યાદ રાખી લેવાના એવું નથી. હવે ચીજોને તોડો-મરોડો, આઇડિયાઝને તોડો-મરોડો એ પ્રકારનું છે. ફક્ત એક ચીજ શીખવી દેવાથી નથી ચાલતું. ટેક્નોલોજીની આસપાસ આપણી જિંદગી વણાયેલી છે એટલે એને લગતી એક સ્કિલ શીખવાથી ફાયદો તો છે.

કોવિડ-19ના લીધે ઓનલાઇન સ્કૂલ, જાતભાતના ઓનલાઇન ક્લાસીસના કારણે બાળકોનો સ્ક્રીન ટાઇમ વધી ગયો છે. એમાં કોડિંગ જેવી ચીજો પણ. બાળકો વધુ સમય સ્ક્રીન પર રહે તેનાથી તેમની એકાગ્રતાને ખૂબ નુકસાન થઈ રહ્યું છે, માનસિક સમસ્યાઓ વધી રહી છે એવા અહેવાલો, સંશોધનોને ધ્યાનમાં લઈએ તો એવામાં બાળકોના માનસ પર કોડિંગની શી અસર થઈ શકે?

પહેલાં એ સમજવાનું છે કે સ્ક્રીન ટાઇમ કેવો છે. જેમાં બાળક ફક્ત કન્ઝ્યુમ કરે છે, એટલે કે વધુ સમય કાર્ટૂન જુએ છે કે એવો કોઈ શો જુએ છે જેમાં કન્ઝમ્પશન વધારે છે તો તેને ઓછું કરવાની જરૂર છે.

બીજો સ્ક્રીન ટાઇમ જુદો છે – શાળામાં ટીચર એક વીડિયો બતાવે અને સ્ટોરીને વચ્ચેથી અટકાને કહે કે હવે શું થઈ શકે એ લખીને જણાવો. તો એને હું પોઝિટિવ સ્ક્રીન ટાઇમ કહીશ કારણ કે હવે શીખવા માટેનું આ એક માધ્યમ બની ગયું છે. ગુડ સ્ક્રીન ટાઇમ અને નોટ ગુડ સ્ક્રીન ટાઇમ વચ્ચેનો ભેદ જાણવો પડશે.

કોડિંગ ગુડ સ્ક્રીન ટાઇમમાં આવે છે કારણ કે પ્રોગ્રામ બનાવતી વખતે વિચારવું પડે. જોકે માતાપિતાએ બાળક સાથે મળીને પોઝિટિવ સ્ક્રીન ટાઇમ પણ ફિક્સ કરવો જ રહ્યો. ફિઝિકલ એક્ટિવિટીઝ, આર્ટ, પૂરતી ઊંઘ વગેરે માટે યોગ્ય સમય ફાળવવો એ રીતે દિવસ પ્લાન કરી શકાય.

કોડિંગ રોજબરોજની જિંદગીમાં કોઈ અસરકારક, સકારાત્મક ફેરફાર લાવી શકે? અત્યારે ક્યાં, કયાં ક્ષેત્રોમાં કોડિંગનો ઉપયોગ થઈ રહ્યો છે?

કોડિંગ અત્યારે એગ્રિકલ્ચરમાં ખૂબ ઉપયોગમાં લેવાય છે. એવા રોબોટ બનાવાયા છે જે એક એક બીજ કે છોડ ઊગી રહ્યા છે તેને તાપમાનના હિસાબે, તેના તબક્કાને આધારે તેનું જતન કરે, જેથી પાકનું ઉત્પાદન વધે. જે રીતે વસ્તી વધી રહી છે તે જોતાં જમીનમાંથી આઉટપુટ વધુ મળે એ આપણા માટે બહુ જ અગત્યનું છે. મહામારીના લીધે બધું બંધ થઈ ગયું હતું પણ શિક્ષણ ચાલુ રહ્યું તે કોડિંગના કારણે.

લગભગ બધે જ કોડિંગ જોવા મળે છે. નાસા સ્પેસક્રાફ્ટ મોકલે ત્યારે એવાં કેલ્ક્યુલેશન્સ કરવાં પડે જે હ્યુમન બ્રેઇન ન કરી શકે તો એ કોડિંગની મદદથી થાય છે. મોબાઇલમાં વપરાતા ડિજિટલ મનીમાં પણ કોડિંગ છે. આપણી આજુબાજુ બધે કોડિંગ છે અને તેમાં વધારો થવાનો છે.

આ બધા ક્રિએટિવ ઉપયોગ છે. બધી વસ્તુની બંને બાજુ હોય છે એમ આનો સાયબર અટેકના રૂપમાં નેગેટિવ ઉપયોગ કરવાવાળા પણ હોઈ શકે. પણ આપણે બાળકોને એ શીખવીએ કે સમાજની ઉન્નતિમાં યોગદાન આપી શકે તે રીતે આનો પોઝિટિવ ઉપયોગ કઈ રીતે કરી શકીએ.

તમારા પુસ્તક “કોડિંગ વિથ સ્ક્રેચ” વિશે થોડું કહો.

મેં જ્યારે કોડિંગ શીખવવાનું શરૂ કર્યું ત્યારે હું લેસન પ્લાન કરતો હતો. મને વિચાર આવ્યો કે હું જે શીખ્યો છું તે જ્ઞાન બીજા લોકો સુધી કઈ રીતે પહોંચાડું. ત્યારે ભારતમાં રિસોર્સિસની અછત હતી. બાળકોને કોડિંગ શીખવવા માટેના કોઈ રિસોર્સિસ નહોતા. હું પોતે શીખવા માટે, પુસ્તકો માટે, ઇન્ટરનેટ માટે ફંડ ઊભું કરતો. યુએસ, યુકેથી પુસ્તકો આવતાં તે બહુ જ મોંઘાં હતાં. શિક્ષકો માટે, મિડલ-ક્લાસ પેરેન્ટ્સ માટે એ પોસાય એમ નહોતાં. મેં નક્કી કર્યું કે પુસ્તકની કિંમત પ્રમાણમાં ઓછી હોય, બાળકો તેને એન્જોય કરે અને તેમાંથી શીખે. એવા વિચાર સાથે મેં મારા લેસન પ્લાન્સને સંકલિત કરી, ઇન્ટરએક્ટિવ બનાવ્યા અને પુસ્તક લખવાની કોશિશ કરી. ૬૦ પાનાનું આ પુસ્તક કોડિંગ વિશે બેઝિક આઇડિયાઝ આપે છે, જેથી બાળકો જાતે શીખી શકે.

માતાપિતા અને યુવાનો માટે તમારો શો સંદેશ છે?

ફક્ત કોડિંગ નહીં, પણ શિક્ષણ વિશે સમગ્રપણે વાત કરું તો, આપણે બાળકોને બેઝિક મુખ્ય વિષયો ભણાવીએ છીએ એનાથી હવે આગળ વિચારવાની જરૂર છે. આપણો સમાજ જે વિવિધતાથી ભરેલો છે, તે પોઝિટિવ રહે, આપણે હળીમળીને રહીએ એવું ઇચ્છતા હોઈએ તો એની શરૂઆત શાળાઓથી થઈ શકે. માતાપિતા માગ કરશે તો શાળા એ પૂરું પાડશે. ડિમાન્ડ હોય તો સપ્લાય આવે.

એવું શિક્ષણ માગો જેમાં બાળકોમાં વેલ્યુ સિસ્ટમ બહુ જ મજબૂત હોય, તેમનામાં એક રેશનેલ ડેવલપ થાય કે કઈ વસ્તુ મારા માટે યોગ્ય છે અને કઈ નથી. આઇઆઇએમ અને આઇઆઇટી જવું બહુ જરૂરી નથી. બધાની પોતપોતાની યાત્રા છે. પોતપોતાની રુચિ પ્રમાણે આગળ વધી શકાય છે.

મૂળભૂત બાબત છે નાની ઉંમરમાં તેમને મૂલ્યોનું મહત્ત્વ સમજાવવું. શાળા અને માતાપિતા સાથે મળીને કામ કરે તે ખૂબ મહત્ત્વનું છે. એક કહેવત છે કે ઇટ ટેક્સ એ હોલ વિલેજ ટુ એજ્યુકેટ એ ચાઇલ્ડ. બાળકને કેળવવાની જવાબદારી ફક્ત શાળાની કે શિક્ષકની જ નથી, એ સામૂહિક જવાબદારી છે.

યુવાનો માટે એટલું ચોક્કસ કહીશ કે દરેક જણ ભણાવવા માટે આગળ આવે. જીવનમાં એક કે બે વર્ષ માટે પણ ભણાવો. તમે ભણાવો છો ત્યારે તમારી જે  સ્કિલ્સ ડેવલપ થાય છે તે બીજાં ક્ષેત્રોમાં નથી થતી. ઘણી બધી બાબતો એક સાથે કેળવાય છે. બાળકો સાથે સંબંધ કેળવવાની કોશિશ કરો છો તેનાથી તમને પોતાને ડેવલપ કરવાની, સમાજમાં યોગદાન આપવાની ખૂબ સારી તક મળે છે. જે આપો છો તે તમને પાછું મળવાનું જ છે. સમાજને શિક્ષિત કરવાનું બહુ જરૂરી છે.

થોડો સમય કાઢો, ફૂલટાઇમ નહીં, અઠવાડિયામાં બે કલાક પણ કાઢી શકો છો. હું ઘણાનો ઇન્ટરવ્યૂ કરું છું તો મને બહુ નવાઈ લાગે છે કે કોલેજમાંથી પાસ થયા પછી પણ ઘણા યુવાનો આત્મવિશ્વાસ સાથે પોતાના વિચારો વ્યક્ત નથી કરી શકતા.

પણ કોઈને શીખવવાથી એ સ્કિલ મફતમાં શીખવાની તક મળશે. મને પણ મારા વિચારો રજૂ કરવામાં પડકારનો અનુભવ થતો, પણ બાળકોને શીખવવાથી મારા જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. બીજાને શીખવીને સમાજમાં પોતાનો ફાળો આપવાથી પર્સનલ, પ્રોફેશનલ અને ફેમિલી લાઇફમાં ફાયદો થશે જ એ નક્કી.

કોડ ટુ એન્હેન્સ લર્નિંગ (સીઇએલ) વિશે વધુ જાણોઃ http://codetoenhancelearning.org/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!