ફેસબુક કંપનીએ જિફ ફાઇલ્સના લોકપ્રિય સર્ચ એન્જિન અને શેરિંગ પ્લેટફોર્મ જિફી (giphy.com) ને ૪૦૦ ડોલર એટલે કે અંદાજે ૨૮૦૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધાના સમાચાર છે!
શરૂથી અંત સુધી ચાલ્યા પછી ફરી ચાલુ થઈ જતા નાના વીડિયો જેવી જિફ ફાઇલ્સ આપણે સોશિયલ મીડિયા પર વારંવાર જોઈએ છે. ફેસબુકના કહેવા પ્રમાણે જિફી.કોમ પરનો અડધોઅડધ ટ્રાફિક ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર અને વોટ્સએપ જેવી ફેસબુકની પોતાની સર્વિસ પરથી જ આવતો હતો.
જિફી.કોમની શરૂઆત ૨૦૧૩માં થઈ. લોકો તેના પર વિવિધ વિષયની જિફ ફાઇલ્સ શેર કરી શકતા હતા. ૨૦૧૩માં જ, જિફી.કોમ પરથી પહેલાં ફેસબુક પર અને ત્યાર પછી ટ્વીટર પર જિફ શેર કરવાની સગવડ ઉમેરાઈ અને જિફી.કોમ પરનો ટ્રાફિક સતત વધતો ગયો. હવે ફેસબુક જિફી સર્ચ એન્જિનને ઇન્સ્ટાગ્રામ ટીમનો એક ભાગ બનાવશે. જોકે ફેસબુકના આ પગલાનો અમેરિકામાં વિરોધ શરૂ થયો છે. રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ બંને પક્ષના સેનેટર્સ આ મુદ્દે એક છે. તેમને લાગે છે કે ફેસબુક લોકોનો ડેટા વધુ ને વધુ પ્રમાણમાં એકઠો કરવા માટે વિવિધ કંપની ખરીદી રહી છે અને તેની સામે હજી અગાઉની ખરીદીઓની તપાસ ચાલી રહી હોય ત્યારે ફેસબુકને નવી કંપની હસ્તગત કરવાની છૂટ આપી શકાય નહીં.
