કોરોનાને કારણે આપણા મનમાં જાગેલા ભય અને જિજ્ઞાસા બંનેનો હેકર જુદી જુદી ઘણી રીતે લાભ લેવાની કોશિષ કરે છે. હમણાં માઇક્રોસોફ્ટ કંપનીએ પોતે ટવીટર પર સૌનું ધ્યાન દોર્યું છે કે ઇન્ટરનેટ પર કોરોનાનો ડેટા ધરાવતી એક્સેલ સ્પ્રેડશીટને નામે લોકોને ફસાવવામાં આવી રહ્યા છે.
જો તમને ઇમેઇલમાં એટેચમેન્ટમાં એક્સેલ સ્પ્રેડશીટ મળે અને તેમાં કોરોનાના પ્રસારનો લેટેસ્ટ ડેટા, ચાર્ટ વગેરે હોવાનું કહેવામાં આવ્યું હોય તો કુતુહલથી દોરવાઈને પણ આ એક્સેલ સ્પ્રેડશીટ ડાઉનલોડ કરી ઓપન કરશો નહીં. આ સ્પ્રેડશીટ એક્સેલની અસલી સ્પ્રેડશીટ જ હોય છે, પરંતુ તેમાં મેક્રો એટલે કે નાના પ્રોગ્રામ ઉમેરવામાં આવ્યા હોય છે. આપણે આ સ્પ્રેડશીટ ડાઉનલોડ કરી ઓપન કરીએ તો મેક્રો એક્ટિવ થાય છે અને આપણા સાધનમાં માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે.
