સાયબરસફર’ના ઓગસ્ટ, ૨૦૧૬ અંકમાં આપણે ‘શઝામ’ (Shazam: Discover songs & lyrics in seconds) નામની એક એપ વિશે વિગતવાર વાર કરી ગયા છીએ. આ એપને રેડિયોમાં કે અન્યત્ર ક્યાંક વાગતા,રેકોર્ડેડ ગીતનો થોડો એવો ભાગ સંભળાવીએ તો એપ ઇન્ટરનેટ પર દોડાદોડી કરી મૂકીને, એ આખું ગીત ઓડિયો અને વીડિયો સ્વરૂપે શોધી લાવે છે તથા ગીતના શબ્દો અને અન્ય જાત ભાતની માહિતી પણ આપણને બતાવે છે.
હવે એપલની માલિકીની બનેલી આ ‘શઝામ’ એપ ઉપરાંત ગૂગલ આસિસ્ટન્ટ અને માઇક્રોસોફ્ટની કોર્ટના સર્વિસ પણ આવી જ સગવડ આપે છે.
હમણાં ગૂગલે આ સર્વિસને બહુ નોંધપાત્ર રીતે, હજી એક ડગલું આગળ વધારી છે.
ઘણી વાર એવું બનતું હોય છે કે કોઈ ગીતની ટ્યૂન મનમાં રમતી હોય, શબ્દો હૈયે હોય, પણ હોઠે આવતા ન હોય. હવે ગૂગલનું સર્ચ એન્જિન આમાં પણ આપણી મદદ કરી શકે છે! આપણે ફક્ત હમિંગ એટલે કે શબ્દ વિનાના ગુંજનથી કે સીટી સ્વરૂપે ગૂગલને કોઈ ગીત ‘સંભળાવી’ને એ ગીતની વધુ માહિતી મેળવી શકીએ છીએ.



આ માટે આપણે સ્માર્ટફોનમાંની ગૂગલ એપ કે ગૂગલ સર્ચ વિજેટ ઓપન કરી (બંનેનાં લેટેસ્ટ વર્ઝન જોઇશે), માઇક પર ક્લિક કરીને ‘વોટ ઇઝ ધીસ સોંગ?’ કહેવાનું રહેશે અથવા ‘સર્ચ એ સોંગ’ બટન ક્લિક કરવાનું રહેશે. એ પછી માંડ ૧૦-૧૫ સેકન્ડ સુધી મનમાં રમતા ગીતની ટ્યૂન (શબ્દોની જરૂર નથી) સંભળાવવાની રહેશે. અત્યારે આ ફીચર આઇઓએસમાં ઇંગ્લિશમાં અને એન્ડ્રોઇડમાં ૨૦ ભાષાઓમાં ઉપલબ્ધ થઈ ગયું છે. નજીકના ભવિષ્યમાં વધુ ભાષાઓ પણ ઉમેરાશે. ગૂગલ કેટલુંક જાણે છે એ તપાસવું હોય તો આ વિધિ પ્રમાણે તેની સામે તમને ખાસ ગમતા કોઈ ગીતની ટ્યૂન સંભળાવી જુઓ.
આ તો ટેકનોલોજીના ઉપયોગની વાત થઈ. આ કરામત કેવી રીતે થાય છે એની પણ ટૂંકમાં વાત કરીએ તો, દરેક ગીતની મેલોડી આપણી ફિંગરપ્રિન્ટની જેમ આગવી હોય છે. ગૂગલ પાસે દુનિયાભરનાં અઢળક ગીતોની આવી ફિંગરપ્રિન્ટ છે. ગૂગલે આ ડેટાબેઝના આધારે એવાં મશીન લર્નિંગ મોડેલ્સ વિક્સાવ્યાં છે કે અગાઉ આપણે જ્યારે તેને રેડિયો કે બીજા સોર્સમાંથી વહેતું રેકોર્ડેડ ગીત સંભળાવતા હતા ત્યારે અને હવે માત્ર પોતે ટ્યૂન ગણગણીને ગીત જેવું ‘કંઈક’ સંભળાવીએ ત્યારે, સિસ્ટમ આ રીતે મળતી ‘ફિંગરપ્રિન્ટ’ને તેની પાસેના ડેટાબેઝ સાથે સરખાવે છે અને જે મેચ મળે તે પરિણામ આપણને બતાવે છે, સાથે કેટલા ટકા મેચિંગ છે તે પણ બતાવે છે. આપણે કંઈક પણ ગણીગણીએ ત્યારે એ ઓડિયોને નંબર આધારિત સિકવન્સમાં ફેરવી નાંખવામાં આવે છે અને પછી તેનો મેચ શોધવાની કસરત શરૂ થાય છે.
અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજી દૃશ્ય અને અવાજ પારખવાની દિશામાં કેટલી આગળ વધી ગઈ છે તેનું આ વધુ એક ઉદાહરણ છે.
