પાસવર્ડ કોરોના વાઇરસ જેવા છે, તેની સાથે જીવતાં શીખવું જ પડે! પરંતુ કેટલીક વાતની કાળજી લઈએ અને થોડું ‘હટ કે’ વિચારીએ તો પાસવર્ડ આપણા ફ્રેન્ડ, ફિલોસોફર ને ગાઇડ પણ બની શકે.
તમને જાણીને કદાચ નવાઈ લાગશે દર વર્ષે મે મહિનાનો પહેલો ગુરુવાર વર્લ્ડ પાસવર્ડ ડે તરીકે ઉજવાય છે. વર્ષ ૨૦૦૫માં કોઈ સિક્યોરિટી રિસર્ચરે તેની શરૂઆત કરી અને પછી ઇન્ટેલ સિક્યોરિટી કંપનીએ એ વિચારને આગળ ધપાવ્યો. એ નિમિત્તે, તમને તમારા પાસવર્ડની સલામતી વિશે ચિંતા કરવાની ખાસ ભલામણ!
આવો કોઈ વિશ્વ દિન ઉજવાય કે નહીં, આપણા પાસવર્ડ આજની ડિજિટલ દુનિયામાં આપણી મહામૂલી જણસ છે, એને એ જ રીતે સાચવવા જરૂરી છે. એટલે જો તમે એકનો એક પાસવર્ડ ઘણી જગ્યાએ વાપરતા હો તો ચેતી જાવ. આ જ સંદર્ભમાં એક વાત જાણવા જેવી છે.
થોડા સમય પહેલાં, ઇન્ટરનેટની એક અત્યંત જાણીતી કંપનીએ પત્રકારો માટે યોજેલી સેમિનારમાં આ નવાઈની વાત જાણવા મળી.
એ સેમિનાર પત્રકારો માટે હતી અને એમાં હાજર પત્રકારોને, તેમણે પોતાના ઓનલાઇન એકાઉન્ટ્સને કેવી રીતે સલામત રાખવા જોઈએ તેની સમજ આપવા માટે એક આખા પ્રેઝન્ટેશનનો સમય ફાળવવામાં આવ્યો હતો!
આપણી આસપાસ નજર નાખીએ તો મોટા ભાગના લોકોને જુદા જુદા પાસવર્ડ યાદ રાખવાની પળોજણ વિશે બળાપા કાઢતાં આપણે જોઈએ છીએ. કંટાળીને લોકો એકનો એક પાસવર્ડ બધી જ જગ્યાએ હાંકે રાખે છે, એ પણ હવે જાણીતી વાત છે.
લગભગ બધી જાણીતી ઓનલાઇન સર્વિસીઝ એકાઉન્ટ સલામત રાખવા હવે ટુ-સ્ટેપ વેરિફિકેશનની સુવિધા આપે છે, છતાં હજી પણ બહુ મોટા પ્રમાણમાં લોકો તેનો ઉપયોગ કરતા નથી.
આ બધી નવાઈની વાત નથી.
નવાઈની વાત તો એ હતી કે પત્રકારોને આ બધું શીખવવું પડે? સેમિનારના સંચાલકો સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે એમના અનુભવ પ્રમાણે આખા દેશમાં – પત્રકારો સહિત – લોકો પોતાના પાસવર્ડની સલામતી પ્રત્યે હોવા જોઈએ એટલા સભાન નથી!
સેમિનારમાં એક એવો વીડિયો પણ બતાવવામાં આવ્યો, જેમાં કોઈ અમેરિકન ન્યૂઝ ચેનલે લોકો પાસવર્ડની સલામતી માટે કેટલાક સજાગ છે એ જાણવા કરેલો પ્રયાસ દર્શાવવામાં આવ્યો હતો.
તેમાં રસ્તે જતા જુદા જુદા લોકોને તેમના જુદા જુદા એકાઉન્ટના પાસવર્ડ પૂછવામાં આવ્યા અને લોકોએ હસતા મોંએ ટીવી ચેનલને પોતાના પાસવર્ડ કહી પણ દીધા, કેટલાકે ફક્ત કહેવું ઓછું હોય એમ પાસવર્ડના સ્પેલિંગ પણ કહી બતાવ્યા!
મતલબ કે, પેલી કંપનીએ સેમિનારમાં પાસવર્ડની સલામતી અંગે જેટલો સમય ફાળવ્યો એ યોગ્ય તો હતો!
પાસવર્ડ સલામત રાખો છોને?
‘સાયબરસફર’માં આપણે પાસવર્ડની સલામતી વિશે અવારનવાર વાત કરતા રહીએ છીએ, થોડું પુનરાવર્તન થશે, પણ આ કેટલીક મહત્ત્વની વાત…
તમે તમારા ગૂગલ અને અન્ય મહત્ત્વના એકાઉન્ટ્સ માટે ‘ટુ-સ્ટેપ-વેરિફિકેશન’નો ઉપયોગ કરો છો? ન કરતા હો તો અચૂક કરો.
તમે એકના એક પાસવર્ડનો જુદી જુદી સાઇટ્સ પર ઉપયોગ કરો છો? જો કરતા હો અને તેમાંની કોઈ સર્વિસનો ડેટા હેક થાય તો તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. સદનસીબે, ગૂગલ આવા ચોરાયેલા પાસવર્ડનો ડેટાબેઝ જાળવે છે અને આપણે પોતાના ચોરાયેલા પાસવર્ડનો ક્યાંય ઉપયોગ કરીએ તો તે આપણને ચેતવે પણ છે.
આ બધું જાણવું અને અમલમાં મૂકવું બહુ જરૂરી છે!
આવું પણ કરી જુઓ…
જો તમે ‘સાયબરસફર’ વર્ષોથી વાંચતા હશો તો આ બધું તો તમે જાણતા હશો, પણ હમણાં વોટ્સએપમાં વાંચેલી, પાસવર્ડ સંબંધિત એક મજાની વાત જાણી લેવા જેવી છે…
એક ભાઈએ પોતાનો અનુભવ લખ્યો છે કે તેમણે છૂટાછેડા પછીની મનોયાતનામાંથી છૂટવા પોતાના કમ્પ્યુટરનો પાસવર્ડ Forgive@her રાખ્યો અને ધીમે ધીમે તેમનો સંતાપ ઘટતો ગયો. આ જ કીમિયો એમણે જરા વહેલો કામે લગાડીને, Forgive@me પાસવર્ડ રાખ્યો હોત, તો કદાચ છૂટાછેડા જ ન થયા હોત! પણ જાગ્યા ત્યારથી સવાર.
હવે એ વ્યક્તિ થોડા થોડા સમયે, પોતે જે કંઈક નવું ધ્યેય નક્કી કરે એને પોતાનો પાસવર્ડ બનાવે છે અને એમના માનવા પ્રમાણે, આ કીમિયાએ એમનું જીવન બદલી નાખ્યું છે.
તમે પણ પાસવર્ડથી કંટાળો નહીં, એને ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ બનાવી જુઓ!

