(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

દુનિયાની દરેક જગ્યા માટે ત્રણ શબ્દનાં સરનામાં

જુદાં જુદાં સ્થળોને પોસ્ટલ સરનામાં આપવાની વ્યવસ્થામાં ઘણી ખામીઓ છે. તેના બદલે, હવે આખી દુનિયામાં ૩ બાય ૩ મીટરના દરેકે દરેક ખૂણાને, ફક્ત ૩ શબ્દોનું સરનામું આપવાની વ્યવસ્થા વિકસી છે. આ લેખમાં આ નવી વ્યવસ્થાનાં લેખાં-જોખાં તપાસીએ.

સ્માર્ટફોનમાં મેપ્સના ઉપયોગની ઘણી મર્યાદાઓ છે. તેના રસપ્રદ ઉપયો અજમાવવામાં આવી રહ્યાં છે, જે ઇમર્જન્સીથી માંડીને ડ્રોથી ડિલિવરીમાં કામ લાગી શકે છે.

અમદાવાદમાં પુસ્તક મેળો આ વખતે ખોરવાઈ ગયો, પણ શરૂઆતમાં એ મે મહિનામાં અને પછી શિયાળામાં પણ, મજાના એરકન્ડિશન્ડ ડોમમાં યોજાતો હતો. છે. ૩ બાય દ મીટરના દરેક સ્ટોલને ચોક્કસ નંબર આપવામાં આવ્યો હોય અને પુસ્તક મેળાના પ્રવેશદ્વારે સ્ટોલ નંબર સાથે આખા ડોમનો નકશો પણ આપવામાં આવ્યો હોય. તેમ છતાં ઘણા લોકોને પોતાના મનગમતા પ્રકાશકના સ્ટોલ સુધી પહોંચવામાં તકલીફ પડતી હોય છે. ક્યારેક તમને પણ પડી હશે.

હવે વિચારો કે પુસ્તક મેળામાં કોઈ સ્ટોલને નંબર આપવામાં આવ્યા ન હોય અને પ્રવેશદ્વારે કોઈ નકશો પણ આપવામાં આવ્યો ન હોય તો? તમારી પાસે કોઈ સ્ટોલધારક પ્રકાશકનો ફોન નંબર હોય અને તમે તેનો સંપર્ક કરો તો પણ એ તમને પોતાના સ્ટોલનું સરનામું કેવી રીતે સમજાવે? સરનામું આખા પુસ્તક મેળાનું છે, પણ જે તે સ્ટોલનું નથી!

હવે આખી વાત જુદી રીતે વિચારો. અમદાવાદ-રાજકોટના હાઇવે પર તમારી કારને અકસ્માત થયો અને તમારે મદદની જરૂર છે. ૧૦૮ નંબર ડાયલ કરીને તમે એમ્બ્યુલન્સ તો બોલાવશો પણ તેને તમારું એક્ઝેક્ટ લોકેશન કેવી રીતે કહેશો?

ગૂગલ મેપ પર આપણું લાઇવ લોકેશન દેખાતું હોય છે તે આપણું લોકેશન છે, એ જગ્યાનું કાયમી સરનામું નથી. મેપ પરનું લોકેશન બીજા સાથે શેર કરી શકાય એ સાચું, પણ મોબાઇલમાં લોકેશન જીપીએસને આધારે નક્કી થાય છે અને તે સચોટ હોતું નથી. આ પણ તમારો અનુભવ હશે.

તમારું લોકેશન એકદમ સચોટ રીતે કહેવું હોય તો એ સ્થળનું પૃથ્વી પરનું પાકું સરનામું કહેવું પડે, જેને માટે અક્ષાંશ-રેખાંશ સૌથી વધુ ઉપયોગી થાય, પણ એ તાબડતોબ જાણવા કઈ રીતે?

જેમ કે અમદાવાદના કાંકરિયા તળાવની વચ્ચોવચ આવેલ નગીનાવાડીના અક્ષાંશ-રેખાંશ ૨૩.૦૦૬૦૭૯, ૭૨.૬૦૧૨૨૯ એટલી ચોક્સાઈ સાથે લખીએ તો તેનું સ્થાન દસેક મીટરની ચોક્સાઈ સાથે જાણી શકાય. પરંતુ ગૂગલ મેપ પર તમે તમારા ઘરના અક્ષાંશ-રેખાંશ શોધવાનો પ્રયાસ કરી જુઓ! અઘરું પડશે!

જે જગ્યાઓનું કોઈ ઔપચારિક સરનામું નથી, તેને પણ ‘જિઓકોડિંગ’થી એક ચોક્કસ સરનામું આપી શકાય છે. તેના ઘણા ફાયદાઓ છે.

તો કટોકટીની પળે, જ્યારે પળે પળ કિંમતી હોય ત્યારે કોઈ સ્થળનું સચોટ સરનામું કેવી રીતે જાણવું અને કેવી રીતે બીજાને કહેવું?

આનો ઉપાય શું હોઈએ શકે?

સચોટ સરનામું કેમ જરૂરી?

ઇંગ્લેન્ડમાં થોડા સમય પહેલાં, કેટલાક મિત્રો જંગલોમાં ટ્રેકિંગ માટે ગયા હતા. એ રસ્તો ભૂલ્યા. મદદ માટે તેમણે ઇમર્જન્સી સર્વિસનો સંપર્ક કર્યો. એ સર્વિસ તરફથી એ યુવાનોને પોતાના ફોનમાં એક એપ ઇન્સ્ટોલ કરવા કહેવામાં આવ્યું.


આ એપમાં, એ યુવાનોએ જોયું કે આખું જંગલ દસ ૩ બાય ૩ મીટરના ચોકઠાવાળી ગ્રિડમાં વહેંચી નાખવામાં આવ્યું હતું. તેમાં પોતે જે ચોકઠામાં હતા એ પસંદ કરતાં, તેનું ફક્ત ત્રણ શબ્દનું સરનામું જોવા મળ્યું. એ ત્રણ શબ્દ ઇમર્જન્સી ટીમને કહેવામાં આવ્યા, એમણે તરત ભૂલા પડેલા યુવાનોનું લોકેશન પિનપોઇન્ટ કર્યું અને તેમને ઉગારી લેવામાં આવ્યા!

આ બાબત ગૂગલ મેપ્સ જેવી સર્વિસમાં પણ શક્ય છે, પરંતુ તેમાં લાઇવ લોકેશન શેર કરવા માટે ઇન્ટરનેટ કનેક્શન જોઈએ!

ઇમર્જન્સીની વાત બાજુએ રાખીએ તો પણ દુનિયાના ઘણા ખરા દેશોમાં પોસ્ટલ એડ્રેસની વ્યવસ્થા હોવી જોઈએ તેટલી વ્યવસ્થિત નથી. ભારત જેવા દેશમાં તો જુદાં જુદાં ગામનાં નામ અને તેમાં શેરી-ગલી, પોળ વગેરેનાં નામ પણ સરખાં હોઈ શકે.

વ્હોટ૩વર્ડ્સ વ્યવસ્થામાં આખી દુનિયા ને ૩ બાય ૩ મીટરનાં ચોકઠામાં વહેંચી નાખવામાં આવી છે અને એ દરેક ત્રણ શબ્દોનાં સરનામાં આપવામાં આવ્યાં છે.

ઇમર્જન્સી ઉપરાંત, ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ વગેરે ઘણી સર્વિસમાં જે તે સ્થાનનું એકદમ સચોટ સરનામું હોવાના ઘણા ફાયદા છે. આથી ‘જિઓકોડિંગ’ નામે એક મથામણ શરૂ થઈ, જેમાં દુનિયાના તમામ ભાગને એક ચોક્કસ, કાયમી સરનામું આપવાનું લક્ષ્ય હતું.

ગૂગલ પ્લસ કોડ્સ

ગૂગલે તેની મેપિંગ સર્વિસમાં, ‘પ્લસ કોડ્સ’ નામે એક વ્યવસ્થા વિક્સાવી છે (જુઓ https://plus.codes/). તેમાં દુનિયાના દરેક ભાગને, અક્ષાંશ-રેખાંશને આધારે, પણ સમજવા-યાદ રાખવા થોડા સરળ પડે એવા કોડ આપવામાં આવ્યા છે.

તમે તમારા ફોનમાં ગૂગલ મેપ્સ ઓપન કરી, તેમાં તમારું ઘર શોધી તેના પર ડબલ ટેપ કરી લોકેશન પિન ડ્રોપ કરશો, તો ઉપરના સર્ચ બોક્સમાં તમારા ઘરના અક્ષાંશ-રેખાંશ જાણવા મળશે! નીચેના ભાગને ક્લિક કરશો તો તમારા ઘરને ગૂગલે આપેલો પ્લસ કોડ પણ જાણવા મળશે!

પરંતુ તમે જોશો તેમ, આ પ્લસ કોડ પણ ગૂગલ કહે છે એટલો યાદ રાખવો સહેલો નથી.

આ પ્લસ કોડ્સની કેટલીક મર્યાદાઓ છે. કેટલાક દેશોમાં હજી જુદાં જુદાં સ્થાન માટે આ રીતે પ્લસ કોડ બતાવવામાં આવતા નથી. ઉપરાંત, તેમાં છ-સાત કે દસ લેટર્સ અને નંબરનો એરિયા કોડ અને ત્યાર પછી શહે, રાજ્ય કે દેશ લખવામાં આવે છે. એરિયા કોડમાં પહેલા ચાર કેરેક્ટર્સ અંદાજે ૧૦૦ બાય ૧૦- કિલોમીટરનો વિસ્તાર બતાવે છે. છેલ્લા છ કેરેક્ટર્સ અંદાજે ૧૪ બાય ૧૪ મીટરનો વિસ્તાર બતાવે છે.

ગૂગલની આ સિસ્ટમમાં, ૩ બાય ૩ મીટર સુધીની ચોક્સાઇથી સ્થાન બતાવી શકાય તેવી વ્યવસ્થા છે.

પ્લસ કોડ્સ આપણા રોજિંદા જીવનમાં કદાચ બહુ ઉપયોગી ન થાય, પણ નેવિગેશન અને તેને આધારિત એપ્લિકેશન્સમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે.

કાંકરિયાની નગીનાવાડીનું ઉદાહરણ આગળ વધારીએ તો તેના અક્ષાંશ-રેખાંશ  ૨૩.૦૦૬૦૭૯, ૭૨.૬૦૧૨૨૯ છે અને તેનો પ્લસ કોડ 2J42+8F Ahmedabad, Gujarat છે.

વ્હોટ૩વર્ડ્સ

નગીનાવાડીના ઉપર આપેલાં બંને સરનામા અઘરાં પડતાં હોય તો આ જોઈ જુઓ : ///wheat.reserved.bond

આ સહેલું પડે? યુકેની વ્હોટ૩વર્ડ્સ નામની એક કંપનીએ આખી દુનિયાના ખૂણેખૂણાને ૩ બાય ૩ મીટરના ચોકઠામાં વહેંચીને દરેક ચોકઠાને ફક્ત ૩ શબ્દનું એક કાયમી સરનામું આપ્યું છે.

તેની શરૂઆત અધૂરા સરનામાની મુશ્કેલીમાંથી જ થઈ. ક્રિસ શેલ્ડ્રિક નામનો એક યુવાન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતા અને આખા વિશ્વમાં લાઇવ ઇવેન્ટ્સ યોજતો હતો. એણે અનુભવ્યું કે લોકો તરફથી ખરાબ રીતે સરનામું મળવાને કારણે ઇવેન્ટમાં સંકળાયેલા ઘણા લોકો ઇવેન્ટ શરૂ થવાની હોય એ સમયે કોઈ ભળતા સરનામે પહોંચતા હતા!

આવો અનુભવ વારંવાર થવાને કારણે ક્રિસને લાગ્યું કે લોકોને ચોક્કસ જગ્યાનું સરનામું આપવાની વ્યવસ્થા કંઈક જુદી અને વધુ સચોટ હોવી જોઈએ. શરૂઆતમાં એણે પોતાની ટીમના લોકોને એડ્રેસ આપવા માટે એક્ઝેટ અક્ષાંશ-રેખાંશ મોકલવાનો રસ્તો અપનાવ્યો પરંતુ એ પણ ઝંઝટભર્યું હતું.

ક્રિસે પોતાની આ સમસ્યા સ્કૂલના સમયથી ગણિતના ખાટું ગણાતા તેના એક દોસ્તને કહી. દોસ્તનું નામ મોહન ગણેશલિંગમ!

ક્રિસે મોહનને કહ્યું કે એ કંઈ એવો રસ્તો શોધી આપે જે જીપીએસ કોઓર્ડિનેટ જેટલી જ સચોટ રીતે કોઈ જગ્યાનું એક્ઝેટ લોકેશન બતાવતો હોય પરંતુ તેનો ઉપયોગ કરવામાં કોઈ ઝંઝટ ન હોય.

મોહને ત્યાં બેઠા બેઠા વાતવાતમાં એક એન્વેલપના પાછળના ભાગમાં થોડી ગણતરીઓ માંડીને ત્રણ શબ્દોમાં એડ્રેસને સમાવતું અલ્ગોરિધમ વિચાર્યું.

વ્હોટ૩વર્ડ્સનું અલ્ગોરિધમ

ગણતરી એવી હતી કે આખી દુનિયાના દરેક ભાગને ૩ બાય ૩ મીટરના ચોકઠામાં વહેંચવામાં આવે તો સરનામું પિનપોઇન્ટ કરવું ખાસ્સું સચોટ બને. પૃથ્વીનું ક્ષેત્રફળ જોતાં, આવાં ૫૭ ટ્રિલિયન ચોકઠાં બને.

બીજી તરફ, ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી મુજબ, અંગ્રેજી ભાષામાં ૧,૭૧,૪૭૬ શબ્દો છે. તેમાંથી હાઇફનવાળા, અપશબ્દો અને લગભગ સરખો ઉચ્ચાર ધરાવતા શબ્દો દૂર કર્યા પછી  ૪૦,૦૦૦ શબ્દો રહ્યા. આ શબ્દોમાંથી ત્રણ ત્રણ શબ્દોનાં ઝૂમખાં બનાવવામાં આવે તો કુલ ૬૪ ટ્રિલિયન ત્રિશબ્દો બનાવી શકાય! સામે જોઈતાં હતાં ૫૭ ટ્રિલિયન શબ્દઝૂમખાં – કામ થઈ ગયું!

ત્રણમાંથી એક કે બે શબ્દ બીજા કોઈ સ્થળના સરનામામાં કોમન હોય એવું બની શકે પરંતુ એપની અલ્ગોરિધમ આવા સ્થળને એકબીજાથી વધુમાં વધુ અંતરે રાખે છે.

ક્રિસ અને મોહન દોસ્તને જેક વેલી-કોહેન નામના ત્રીજા સ્કૂલ ફ્રેન્ડનો સાથ મળ્યો. ત્રણેયે સાથે મળીને વ્હોટ૩વર્ડ્સની સ્થાપના કરી. આજે આખી દુનિયામાં લોકો એકબીજાને પોતાનું લોકેશન બતાવવાની આ નવી રીતનો ઉપયોગ કરવા લાગ્યા છે.

ગૂગલના પ્લસ કોડ્સની સરખામણીમાં ત્રણ શબ્દનું સરનામું પ્રમાણમાં સહેલું છે. જોકે ગૂગલે પ્લસકોડની ટેક્નોલોજી ઓપનસોર્સ કરી છે, એટલે કોઈ પણ તેને વધુ વિક્સાવી શકે છે કે જુદી જુદી રીતે ઉપયોગમાં લઈ શકે છે, જ્યારે વ્હોટ૩વર્ડ્સ કંપનીએ પોતાની ટેક્નોલોજી ખાનગી રાખી છે.

સરેરાશ લોકો અને ઇમર્જન્સી સર્વિસીઝ તેનો મફત ઉપયોગ કરી શકે, પણ કમર્શિયલ ઉપયોગ કરવા ઇચ્છતી કંપનીએ એ માટે નાણાં ચૂકવવાં પડે. આ કંપની બંધ પડે તો બધાં ૩ શબ્દોનાં સરનામાં નકામાં થઈ જાય એવી ભીતિ પણ ઘણા વ્યક્ત કરી રહ્યા છે.

છતાં હવે લોકો પોતાની વેબસાઇટ, બ્રોસર કે વિઝિટિંગ કાર્ડ પર કે ઇમેઇલ એડ્રેસમાં પોતાના એડ્રેસ તરીકે માત્ર ત્રણ શબ્દો લખતા થઈ ગયા છે. મર્સીડીઝ કંપનીએ વ્હોટ૩વર્ડ્સ કંપનીમાં મોટું રોકાણ કર્યું છે અને પોતાની કારમાં આ સિસ્ટમથી નેવિગેશન સર્વિસ આપવાનું શરૂ કર્યું છે.

ભારતમાં ટાટા મોટર્સે પણ ગયા વર્ષથી આ વ્યવસ્થા અપનાવી લીધી છે અને થોડા સમયમાં ટાટા મોટર્સના દરેક નવા વાહનમાંની નેવિગેશન એપમાં આ વ્યવસ્થાનો ઉપયોગ શરૂ થઈ જશે.  લોનલી પ્લેનેટની ટ્રાવેલ ગાઇડ્સમાં પણ તેનો ઉપયોગ થાય છે. આપણા ફોનમાં આ એપને પણ સ્થાન આપીએ એ દિવસો કદાચ દૂર છે, પણ આપણે માટે કામની કંપનીઓ તેનો ઉપયોગ કરવા લાગી છે!

વ્હોટ૩વર્ડ્સ પાછળનો મૂળ વિચાર શું છે?

સ્ટેડિયમ જેવી જગ્યાએનું એક સરનામંુ હોય, પણ તેની આસપાસનાં ચોક્કસ સ્થાનોનું કોઈ સરનામું હોતું નથી. આથી આવી જગ્યાઓ કોઈને કહેવી કે મેપ પર શોધવી મુશ્કેલ હોય છે. પૃથ્વીના દરેક સ્થળનું કાયમી સરનામું ઉપયોગી છે.

વ્હોટ૩વર્ડ્સમાં આખી પૃથ્વીને ૩ બાય ૩ મીટરનાં ચોકઠાંઓમાં વહેંચીને દરેક ચોકઠાને ૩ શબ્દનું સરનામું આપવામાં આવ્યું છે. તેની એપમાં દરેક ચોકઠા માટેનું સરનામું શોધી, બીજાને કહી શકાય છે કે કોઈ પણ રીતે શેર કરી શકાય છે.

કોઈ પણ વ્યક્તિ આવું ૩ શબ્દનું સરનામંુ વોટ્સએપ પર કે અન્ય રીતે મળે ત્યારે તેને ક્લિક કરતાં, તે જગ્યા વ્હોટ૩વર્ડ્સની એપ  કે સાઇટમાં, મેપ પર જોવા મળે છે. ત્યાંથી ગૂગલ કે બિંગ કે અન્ય મેપ સર્વિસમાં ત્યાં પહોંચવાનો રસ્તો જાણી શકાય છે.

વ્હોટ૩વર્ડ્સ સર્વિસમાં આખી દુનિયાની તમામ – ઔપચારિક સરનામાવાળી અને સરનામા વિનાની – જગ્યાઓને ૩ શબ્દોનું સરનામું આપવામાં આવ્યું છે. આથી તેનો વિવિધ રીતે ઉપયોગ શક્ય બને છે.

આપણે વ્હોટ૩વર્ડ્સનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ?

તમે પીસી લેપટોપમાં https://what3words.com/ પર જઈને કે આઇફોન/એન્ડ્રોઇડમાં તેની એપ ઇન્સ્ટોલ કરી, તેમાંના મેપ પર તમારા ઘરનું ૩ બાય ૩ મીટરનું એક ચોકઠું પસંદ કરીને તેનું ૩ શબ્દોનું સરનામું જાણી શકો છો. તમારા એપાર્ટમેન્ટના દરવાજા કે ઓફિસ બિલ્ડિંગના ગેટ માટે પણ આવું સચોટ સરનામું મેળવી શકાય છે.

આ સરનામું ક્યારેય બદલાશે નહીં (પરંતુ જો તમે ક્યારેક તમે અગાઉ પસંદ કરેલા ચોકઠાંની બાજુનું સરનામું પસંદ કરશો તો એ બદલાઈ જશે).

કેમ કે આ રીતે તમારા લોકેશનનું ત્રણ  શબ્દોનું સરનામું જાણ્યા પછી તમારે ફક્ત એને સેવ કરી રાખવાનું છે. પછી ચાહો તે રીતે તેને અન્ય લોકો સાથે શેર કરો. બીજા લોકો તમે આપેલું સરનામું વ્હોટ૩વર્ડસની એપ કે તેનો ઉપયોગ કરતી અન્ય કોઈ પણ સર્વિસ કે એપમાં આ શબ્દો લખશે એટલે તેને તમારું સચોટ સરનામું મળી જશે.

મજાની વાત એ છે કે આ રીતે આપણે હિન્દી કે ગુજરાતીમાં પણ ત્રણ શબ્દોનું સરનામું મેળવી શકીએ છીએ. આખી દુનિયામાં લોકેશન ટ્રેકિંગ અને સચોટ બનાવતી આ વ્યવસ્થા ધીમી પણ મક્કમ ગતિએ સતત વિસ્તરી રહી છે.

કોઈ પણ સર્વિસમાં બને તેમ આ સર્વિસનો વધુ ને વધુ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થશે તેમ તેમ તે આપણને વધુ ઉપયોગી થતી જશે. પછી તમે મુંબઈના દરિયા કિનારે ચોપાટી પર ફરી રહ્યા હશો અને તમારા કોઈ મિત્ર તમને ત્યાં મળવા આવવાના હશે તો તમે તેમને ચારે તરફ વિસ્તરેલી અને સામાન્ય સરનામા વ્યવસ્થા વિનાની ચોપાટી પર પણ તમારું સરનામું ૩ બાય ૩ મીટરની ચોકસાઈ સાથે જણાવી શકશો અને પેલા મિત્ર સહેલાઇથી તમારા સુધી પહોંચી શકશે!

સરેરાશ લોકો માટે વ્હોટ૩વર્ડ્સનો ઉપયોગ ફ્રી છે. તમે તેની એપ ઇન્સ્ટોલ કરી તેમાં ઘર, ઓફિસ વગેરે માટે ૩ શબ્દનું સરનામંુ જાણી શકો છો. આ ૩ શબ્દો વિઝિટિંગ કાર્ડ, વેબસાઇટ વગેરમાં પ્રિન્ટ કરી શકાય કે અન્ય રીતે શેર કરી શકાય. ઉપરનો સ્ક્રીનશોટ, અમદાવાદના ઇન્કમટેક્સ ચાર રસ્તે, ગાંધીજીની પ્રતિમાનું સરનામું બતાવે છે.

કોઈના વિઝિટિંગ કાર્ડ પર આવું એડ્રેસ જોવા મળે તો તેને વ્હોટ૩વર્ડ્સની એપની મદદથી સ્કેન કરી શકાય છે અથવા એપમાં ૩ શબ્દો લખી શકાય છે. ગૂગલ મેપ્સ જેવી એપમાં તેનો સીધો ઉપયોગી હજી શક્ય નથી, પણ વ્હોટ૩વર્ડ્સની એપમાં સરનામું લખી કે સ્કેન કર્યા પછી તેને ગૂગલ મેપમાં ઓપન કરી, ત્યાંથી તેનું નેવિશન શરૂ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!