આંગળીના ઇશારે રૂપિયાની આપલે – આ શબ્દો અગાઉ જેટલા રોમાંચક લાગતા હતા એટલા જ હવે, ઘણા લોકોને ડરામણા લાગે છે. અખબારોમાં આપણે લગભગ રોજેરોજ લોકોએ સાયબર ફ્રોડનો ભોગ બનીને અમુક હજાર કે લાખ રૂપિયા ગુમાવ્યા હોવાના સમાચાર વાંચીએ છીએ. ઠગનો શિકાર બનતા લોકોમાં ઉચ્ચ અધિકારીઓ, ડોક્ટર, પ્રોફેસર જેવા લોકો પણ સામેલ હોય છે.
આ જ કારણે, જે ખરેખર સૌને ઉપયોગી સગવડ છે એને હવે સૌ શંકાની નજરે જોવા લાગ્યા છે. આજના સમયમાં, કોન્ટેક્ટલેસ પેમેન્ટ અનિવાર્ય બન્યું છે, પાણીપુરીના ખૂમચાથી શરૂ કરીને બધી જગ્યાએ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે ક્યૂઆર કોડનાં પાટિયાં દેખાવા લાગ્યાં છે, એટલે લોકોએ પણ તેનો ઉપયોગ શરૂ તો કર્યો છે, પણ તેની બારીક આંટીઘૂંટીઓ હજી સૌ સમજ્યા નથી.
હવે તો વોટ્સએપમાં પણ મેસેજની જેમ જ રૂપિયાની આપલે શક્ય બની છે એ ધ્યાનમાં લેતાં જોખમ અનેકગણું વધી ગયું છે.
બીજી તરફ ઝારખંડ, બિહાર, રાજસ્થાન જેવાં ઘણાં રાજ્યોમાં સાયબર ફ્રોડ કરીને લોકોને લૂંટવા એ જાણે ગૃહ ઉદ્યોગ બની ગયો છે. આમ જુઓ તો આ લોકોની મોડસ ઓપરેન્ડી લગભગ એક સરખી છે – કોઈ ને કોઈ રીતે આપણને ડરાવવા કે લલચાવવા, પછી ગાફેલ બનાવવા ને પછી આપણા ખાતામાંથી રકમ સેરવી લેવી. લોકો ઓનલાઇન પેમેન્ટ એપ્સના ઉપયોગમાં રાખવી જોઈતી સાવધાનીની કેટલીક પાયાની બાબતો જાણતા નથી એનો ઠગ લોકો પૂરો ગેરલાભ લે છે. વોટ્સએપમાં પેમેન્ટ સર્વિસથી આ જોખમ હજી વધશે.
અજાણી વ્યક્તિના કહેવાથી આપણે ક્યારેય પોતાના ફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ ન કરવી જોઈએ, પણ લોકો કરે છે. અજાણી વ્યક્તિના કહેવાથી આપણે ક્યારેય કોઈ જગ્યાએ (પોતાના ખાતામાં પણ નહીં) ટ્રાન્ઝેક્શન ન કરવું જોઈએ, છતાં લોકો કરે છે. પોતે રકમ મેળવવી હોય તો પોતાનો પિન આપવાની શી જરૂર એવી સાદી વાત પણ લોકો ભૂલી જાય છે (કારણ કદાચ એ કે એટીએમમાં રકમ મેળવવા પિન આપવો પડે છે!)
આવું કેમ થાય છે? સાયબર ફ્રોડનો ભોગ બનેલી લગભગ દરેક વ્યક્તિ કબૂલે છે કે ઠગ તેમને વાતચીતમાં એવા પરોવી લે છે કે એ સમયે જાણે બુદ્ધિ ફરી જાય છે! હકીકત એ છે કે ઠગ આપણી નબળાઈઓ જાણે છે, એટલા આપણે ઠગની તરકીબો જાણતા નથી. આવા ઘણા લોકોનો અનુભવ છે કે એક વાર સાયબર ફ્રોડનો ભોગ બનીએ એ પછી ગુમાવેલા રૂપિયા પરત મેળવવા એ મુશ્કેલ, બહુ લાંબી અને ઘણા કિસ્સામાં અશક્ય પ્રક્રિયા બની જાય છે.
એટલે જ, અકસ્માતની જેમ જ અહીં પણ સાવચેતીમાં જ સલામતી છે. અહીંથી આગળ, અત્યારના સમયમાં રૂપિયાને સંબંધિત ઓનલાઇન ફ્રોડ કરવા માટે ઠગ લોકો જે સામાન્ય તરકીબો અજમાવે છે તેની વાત કરી છે. કેટલાક લોકોને આ બધી બિલકુલ પ્રાથમિક વાત લાગશે, તો કેટલાકને થશે કે આ પહેલાં વાંચ્યું હોત તો સારું હતું!
આ વિષય બહુ ગંભીર છે અને દરેક પાસામાં ખાસ્સા ઊંડા ઊતરી શકાય તેવું છે (‘સાયબરસફર’માં આપણે અગાઉ વિગતવાર વાતો કરી પણ છે, છતાં આ મુદ્દાઓ ફરી, એક સાથે લખવા જરૂરી લાગે છે). અત્યારે માત્ર સામાન્ય રીતે શું થાય છે અને તેનાથી બચવા માટે શું ધ્યાન રાખવું જરૂરી છે એટલા પર ફોકસ કર્યું છે. તમે આ બધું જાણતા હો તો બહુ સારી વાત છે, ફક્ત એટલી વિનંતી કે તમારા પરિવારના અન્ય સભ્યોને, ખાસ કરીને, પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરતા પણ તેની બારિકીઓ ન જાણતા લોકોને પણ આ જાણકારી આપો.
રિમોટ એક્સેસ એપ
મોટા ભાગના સાયબર ફ્રોડ કેવાયસી પ્રક્રિયા પૂરી કરવાના બહાને, ફોનમાં રિમોટ એક્સેસ એપ ડાઉનલોડ કરાવીને કરવામાં આવે છે.
શું થાય છે? ઓનલાઇન છેતરપિંડી કરવાની આ કદાચ સૌથી વધુ ઉપયોગ કરાતી ટ્રીક છે. ઠગ લોકો કોઈને કોઈ બહાને તેમના શિકારને પોતાના ફોનમાં ‘રિમોટ એક્સેસ એપ’ તરીકે ઓળખાતી એપ ડાઉનલોડ કરાવે છે. બીજી ઘણી રીતે ઉપયોગી એવી આવી એપની મદદથી ઠગ આપણા ફોન પર અંકુશ મેળવી શકે છે. પછી ઠગ આપણી પાસે કોઈને કોઈ રીતે, કોઈ પણ જગ્યાએ નજીવી રકમનું પેમેન્ટ કરાવે છે. પેમેન્ટ ઓથેન્ટિકેશન માટે આપણે નેટબેન્કિંગ કે કાર્ડનો ઉપયોગ કરીએ તો તેની વિગતો ને ફોનમાં જે ઓટીપી આવે તે ઠગ મેળવી શકે છે. આ પછી તે તરત આપણી વિગતોને આધારે મોટી રકમનું ટ્રાન્ઝેકશન કરી લે છે.
શું ધ્યાન રાખવું? કોઈ પણ અજાણી વ્યક્તિના કહેવાથી ફોનમાં કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરો નહીં. એ વ્યક્તિ જાણીતા મોબાઇલ વોલેટ કે બેન્કનો કર્મચારી હોવાનો દાવો કરે તો પણ નહીં. બીજી કોઈ પણ વ્યક્તિના કહેવાથી ક્યારેય કોઈ રકમની લેવડદેવડ કરો નહીં, પછી ભલે રકમ બિલકુલ નજીવી હોય. તમારો ઓટીપી કોઈને જાણવા દેશો નહીં.
કેવાયસી પ્રોસેસ
ઠગ લોકો બહુ નજીવા ખર્ચે લાખો લોકોને, તેમની કેવાયસી પ્રક્રિયા અધૂરી હોવાનું જણાવતા મેસેજ મોકલી શકે છે.
શું થાય છે? આપણી બેન્કની વિગતો/ઓટીપી તફડાવવામાં ઠગને રિમોટ એક્સેસ એપ ઉપયોગી થાય છે અને આવી એપ આપણે પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરવી જરૂરી છે એવું ઠસાવવા માટે ઠગને કોઈ મજબૂત કારણ જોઇતું હોય છે.
એ માટે મોટા ભાગે તેઓ વોલેટ કે બેન્કની કેવાયસી પ્રોસેસ પૂરી કરવાનું કારણ આપે છે. ઠગ સાવ નજીવા ખર્ચે હજારો-લાખો લોકોને તેમની કેવાયસી પ્રોસેસ પૂરી કરવી જરૂરી હોવાના મેસેજ મોકલી શકે છે. આમાંથી કોઈ ને કોઈ વ્યક્તિ ઠગે જણાવેલ વોલેટ કે બેન્કનો ઉપયોગ કરતી હોય એ સ્વાભાવિક છે. તેઓ છટકામાં આવી જાય છે.
શુું ધ્યાન રાખવું? એસએમએસ કે અન્ય રીતે આવેલ કેવાયસી સંબંધિત મેસેજ પર ધ્યાન આપો નહીં. તેમાં જણાવેલ નંબર પર ક્યારેય કોલ કરશો નહીં કે એ વ્યક્તિના કહેવાથી કોઈ એપ ઇન્સ્ટોલ કરશો નહીં અને ટ્રાન્ઝેકશન કરશો નહીં. તમારા વોલેટની કેવાયસી પ્રક્રિયા કદાચ ખરેખર અધૂરી હોય તો બહુ બહુ તો વોલેટનો ઉપયોગ બંધ થશે, પરંતુ મોટા નુકસાનમાંથી તમે બચી શકશો.
ફેક સપોર્ટ સેન્ટર્સ
ઇન્ટરનેટ પર ગમે ત્યાં લખેલો, કોઈ કંપનીનો સપોર્ટ સેન્ટરનો નંબર સાચો જ હશે એવું ક્યારેય માનશો નહીં.
શું થાય છે? કેવાયસી સંબંધિત મેસેજ અને રિમોટ એક્સેસ એપના છટકામાં જે લોકો ફસાતા નથી તેમને ફસાવવા માટે બનાવટી સપોર્ટ સેન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ગૂગલ મેપ જેવી સર્વિસમાં કોઈ પણ નામે બિઝનેસ રજિસ્ટર કરવા બહુ સહેલા છે. આથી ઠગ લોકો જાણીતી કંપનીઓના સપોર્ટ સેન્ટરને નામે પોતાના નંબરનું લિસ્ટિંગ કરે છે. કેવાયસી સંબંધિત મેસેજની ખરાઈ કરવા કે અન્ય પ્રકારની સહાય માટે જે તે કંપનીના સપોર્ટ સેન્ટરનો નંબર જો તમે ગૂગલ પર સર્ચ કરો તો તમે આવા બનાવટી નંબર પર કોલ કરીને નવા છટકામાં ફસાવ તેવું બની શકે છે.
શું ધ્યાન રાખવું? કોઈ પણ પ્રકારની મદદ મેળવવા માટે સપોર્ટ સેન્ટરનો નંબર ક્યારેય ગૂગલ પર સર્ચ કરશો નહીં. ઘણા લોકો ઓનલાઇન ખરીદેલી વસ્તુ રિટર્ન કરીને તેનું રિફંડ મેળવવા આવા બનાવટી સપોર્ટ સેન્ટરમાં ફોન કરી બેસતા હોય છે. બનાવટી સપોર્ટ સેન્ટર ચલાવતા ઠગ આવા ફોન કોલની રાહ જોતા જ બેઠા હોય છે. તેઓ રિફંડ માટે તમારા બેન્ક એકાઉન્ટની વિગતો માગીને, મોટી રકમ સેરવી શકે છે.
ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ
સોશિયલ મીડિયામાં સહેલાઈથી બનાવટી એકાઉન્ટ્સ ખોલાવી શકાય છે. મદદ માટે તેનો ભરોસો કરશો નહીં.
શું થાય છે? યુપીઆઈ, ભીમ એપ કે અન્ય જાણીતી યુપીઆઈ એપની લોકપ્રિયતા વધ્યા પછી ઠગ લોકો તેના નામે સોશિયલ મીડિયા પર બનાવટી એકાઉન્ટ ખોલવા લાગ્યા છે. જે રીતે, ગૂગલ માય બિઝનેસ સર્વિસમાં જાણીતી કંપનીના નામે ખોટા સપોર્ટ નંબર આપવામાં આવે છે, એ જ રીતે, ટ્વીટર જેવી સર્વિસમાં યુપીઆઇ એપ્સની ‘હેલ્પ સર્વિસ’ તરીકે ખોટાં હેન્ડલ (એકાઉન્ટ) ક્રિએટ કરવામાં આવે છે. યુપીઆઇ સંબંધિત સપોર્ટ મેળવવા માગતી વ્યક્તિ આવા બનાવટી એકાઉન્ટની ‘મદદ’ મેળવવા જતાં, તેના છટકામાં ફસાઈ જાય છે.
શુ ધ્યાન રાખવું? ટ્વીટર જેવી સર્વિસમાં, વિવિધ એકાઉન્ટ અધિકૃત અને આધારભૂત છે કે નહીં તે દર્શાવવા માટે બ્લુ ટિકનું ચિહ્ન હોય છે. આવું ચિહ્ન ન હોય તે એકાઉન્ટ સાથે, તમારી યુપીઆઇ એપ સંબંધિત કોઈ સમસ્યાની ચર્ચા કરો નહીં. તમારી સમસ્યાના ઉકેલ માટે સોશિયલ મીડિયા પર જવાને બદલે, જે તે કંપનીની વેબસાઇટ કે એપમાં આપેલ નંબર પર સીધો કોલ કરીને જ મદદ મેળવવાનો પ્રયાસ કરો.
યુપીઆઈ પેમેન્ટ લિંક્સ
યુપીઆઈમાં પેમેન્ટ મેળવવું હોય તો ક્યારેય તમારો પિન આપવાની જરૂર નથી – આટલી સાદી વાત તમને ફ્રોડથી બચાવશે.
શું થાય છે? અત્યારે રૂપિયાની ઓનલાઇન લેવડદેવડ માટે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) સૌથી સહેલો રસ્તો છે. પરંતુ આપણે ગાફેલ રહીએ તો તે અસલામત બની શકે છે. કારણ કે તેમાં રકમની તરત ને તરત – ઇન્સ્ટન્ટ આપલે થાય છે. મોટા ભાગે ઠગ લોકો ઇન્ટરનેટ પર પોતાની જૂની ચીજવસ્તુ વેચવા માગતા લોકોને નિશાન બનાવે છે. આવા લોકોની વસ્તુ ખરીદવામાં રસ હોવાનું જણાવીને ઠગ લોકો યુપીઆઈથી પેમેન્ટ આપવાનો આગ્રહ રાખે છે. તેઓ પેમેન્ટ આપવાના બદલે પેમેન્ટ મેળવવા માટેની લિન્ક મોકલે છે અને બરાબર એ જ સમયે ફોન કોલ કરીને શિકારને વાતમાં પરોવી રાખે છે. પરિણામે આપણે રકમ મેળવવાને બદલે ગુમાવી બેસીએ છીએ.
શું ધ્યાન રાખવું? યુપીઆઈથી પેમેન્ટ મેળવવાનો પૂરતો અનુભવ ન હોય તો તમારી વસ્તુની સારી કિંમત મળતી હોવાની લાલચ જતી કરીને પણ યુપીઆઇથી પેમેન્ટ સ્વીકારવાના આગ્રહને વશ ન થાઓ. યુપીઆઈથી પેમેન્ટ મેળવવાનું હોય તો આપણે પોતાનો કોઈ પિન એન્ટર કરવાની જરૂર હોતી નથી એ અચૂક યાદ રાખો.
યુપીઆઈ ક્યૂઆર કોડ
ઠગ લોકો પોતે પેમેન્ટ કરી રહ્યા છે એવું જણાવે છે, પણ વાસ્તવમાં પેમેન્ટ મેળવવા માટેનો ક્યૂઆર કોડ મોકલે છે.
શું થાય છે? યુપીઆઈ એપમાં, રકમ મેળવવા ઇચ્છતી વ્યક્તિ નિશ્ચિત રકમનો ક્યૂઆર કોડ જનરેટ કરીને રકમ આપનારી વ્યક્તિને મોકલી શકે એવી સગવડ હોય છે. તેને કારણે રકમ આપનારી વ્યક્તિએ સામેની વ્યક્તિનું યુપીઆઈ એડ્રેસ કે બીજી કોઈ વિગતો આપવાની જરૂર હોતી નથી. આવી વિગતો આપવામાં ભૂલચૂક ન થાય એ માટે ક્યૂઆર કોડ ઉપયોગી છે, પરંતુ ઠગ લોકો તેનો ગેરલાભ લે છે. ઓનલાઇન જૂની વસ્તુ વેચવા માગતા કે ઓનલાઇન શોપિંગ કરેલી વસ્તુ રિટર્ન કર્યા પછી રિફંડ મેળવવા માગતા લોકો ઠગના સાણસામાં ફસાય તો તેને ઠગ લોકો રકમ આપવાના નામે રકમ મેળવવાનો ક્યૂઆર કોડ મોકલી આપે છે.
શું ધ્યાન રાખવું? આપણે કોઈ દુકાનદારને પેમેન્ટ કરવા માટે તેનો ક્યૂઆર કોડ સ્કેન કરીએ છીએ બરાબર એ જ રીતે ઠગે મોકલેલો ક્યૂઆર કોડ આપણા ફોનમાંની એપમાં સ્કેન થાય છે અને આપણા ખાતામાંથી રકમ તેના ખાતામાં ટ્રાન્સફર થાય છે. યાદ રાખો કે રકમ મોકલવાની હોય ત્યારે જ ક્યૂઆર કોડ સ્કેન કરવાનો હોય અને પિન આપવાનો હોય, રકમ મેળવવા માટે નહીં.
વીમા ટેક્સ રિફંડ
કોઈ પણ પ્રકારનું રિફંડ, મનીબેક વગેરે આપવાના નામે કોઈ તમારી બેન્ક વિગતો માગે તો ક્યારેય આપશો નહીં.
શું થાય છે? ભારતમાં વીમા ક્ષેત્રનું નિયમન ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી (આઇઆરડીએ) દ્વારા કરવામાં આવે છે. લગભગ તમામ વ્યક્તિએ કોઈને કોઈ પ્રકારનો વીમો ઉતરાવ્યો હોવાથી તેમને નિશાન બનાવવા એ ઠગ માટે સહેલું કામ છે. તેઓ આઇઆરડીએ અથવા વીમા કંપનીના નામે આપણને ફોન કરીને આપણા વીમા કે મનીબેક સંબંધિત રકમ ટ્રાન્સફર કરવાના બહાને આપણી પાસે બેન્કની વિગતો માગે છે. ઇન્કમટેક્સ રિફંડને નામે પણ આવી વિગતો મેળવવાનો પ્રયાસ કરાય છે. આપણે આનાકાની કરીએ તો ‘આપણા હકની રકમ’ જપ્ત થઈ જશે એવું કહી આપણને ડરાવવામાં આવે છે.
શું ધ્યાન રાખવું? વીમા સંબંધિત કોલ કરનાર સાથે વાત કરતી વખતે સજાગ હશો તો તમે પારખી શકશો કે કોલ કરનાર ખરેખર વીમા કંપનીનો કર્મચારી છે કે નહીં. સલામત રસ્તો એ છે કે આવી વ્યક્તિ સાથે વાત કરવી જ નહીં અથવા એ જે કંઈ કહે તે માત્ર સાંભળવું અને એ જ વિગતો તમારા રજિસ્ટર્ડ ઇ-મેઇલ એડ્રેસ પર મોકલી આપવા કહેવું. ફોન પર કોઈ પણ પ્રકારની વિગતો આપવી નહીં.
એટીએમ છેતરપિંડી
હેકિંગના જાણકાર લોકો તમારા એટીએમ કાર્ડની વિગતો ચોરીને તમારા ખાતામાંથી રકમ ઉપાડી શકે છે.
શું થાય છે? આ ઓનલાઇન ફ્રોડ કરતાં અલગ બાબત છે, પરંતુ તેનો પણ ઘણા લોકો શિકાર બને છે. એટીએમમાં રકમ ઉપાડવા ગયેલી વ્યક્તિ કોઈ કારણસર રકમ મેળવી ન શકે ત્યારે એટીએમમાં હાજર બીજી વ્યક્તિ મદદ કરવાની ઓફર કરે છે. એ સમયે આપણે જોઇતી રકમ મળી જતાં રાહતનો શ્વાસ લઇએ છીએ, પરંતુ એ જ વ્યક્તિ પછી કાર્ડ અને તેના પિનની મદદથી મોટી રકમ સેરવી શકે છે. આવું કઈ રીતે શક્ય છે એ સમજવું સામાન્ય વ્યક્તિ માટે મુશ્કેલ છે, પરંતુ ઠગ લોકો આવી પદ્ધતિઓમાં માહેર હોય છે.
શું ધ્યાન રાખવું? એટીએમમાં ક્યારેય બીજી વ્યક્તિની મદદ ન લો કે બીજી વ્યક્તિની હાજરીમાં રકમ ઉપાડો નહીં (સિંગલ એટીએમના કિસ્સામાં). એટીએમના ચોકીદાર એટીએમની ઠંડકમાં અંદર બેઠા હોય તો તેની હાજરી સામે પણ વાંધો ઉઠાવી શકાય. એટીએમમાં પિન આપતી વખતે અચૂક અાડો હાથ રાખો અને કીબોર્ડ સાથે કોઈ ચેડાં થયાં નથી, એ તપાસી લો. કાર્ડ જેના નામે હોય એ જ વ્યક્તિ રકમ ઉપાડે તેનું પણ ધ્યાન રાખો. પત્નીનું કાર્ડ પતિ વાપરે અને ફ્રોડ થાય તો બેન્ક હાથ ઊંચા કરી શકે છે.
આપણા સિમ કાર્ડનું ડુપ્લિકેટ કાર્ડ મેળવી ઓટીપી આંતરી લઈને કરવામાં આવતા ફ્રોડછેલ્લા થોડા સમયથી, ભારતમાં ‘સિમ કાર્ડ’ સ્વેપ કરીને એટલે કે આપણા અસલી સિમને બદલે ડુપ્લિકેટ સિમ મેળવીને કરવામાં આવતા ફ્રોડનું પ્રમાણ ખાસ્સું વધ્યું છે. આપણે કોઈ પણ રીતે ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરીએ ત્યારે એ રકમ ખરેખર આપણે જ ટ્રાન્સફર કરીએ છીએ તેની ખાતરી કરવા માટે જે તે સર્વિસ તરફથી આપણા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી મોકલાય છે. ઠગ લોકો ‘કોઈક રીતે’ આપણા જ નંબરનું બનાવટી સિમ કઢાવીને આપણા નંબર પર આવતા ઓટીપી પોતાના નંબર પર મેળવી શકે છે. સામાન્ય રીતે, મોબાઈલ કંપની વ્યક્તિની ઓળખની પૂરતી સાબિતી મેળવ્યા પછી જ ટુપ્લિકેટ સિમ ઇસ્યૂ કરે છે અને એક જ નંબરનું બીજું સિમ કાર્ડ આપ્યા પછી ૨૪ કલાક સુધી તેમાં મેસેજિંગ સર્વિસ બંધ કરી દે છે. આથી હવે જોખમ ઓછું છે તેમ છતાં આ રીતે અવારનવાર લોકો મોટી સંખ્યામાં રકમ ગુમાવે છે. આવા ફ્રોડથી બચવા માટે, જો તમારા મોબાઇલમાં તમારી મોબાઇલ કંપનીનાં સિગ્નલ મળતાં બંધ થાય તો તરત ચેતી જાઓ. ફોન રિસ્ટાર્ટ કર્યા પછી પણ સિગ્નલ મળે નહીં તો તરત નજીકના કંપની સપોર્ટ સેન્ટરમાં જઇને મદદ મેળવો અને તમારું સિમ બ્લોક કરાવો. ઠગ મોડી સાંજે કે રજાઓના આગલા દિવસે આવી ટ્રિક અજમાવતા હોય છે. આથી તમારી મોબાઇલ કંપનીનો સપોર્ટ નંબર પણ હાથવગો રાખો. હવે બેન્ક તેની એપ દ્વારા ડેબિટ/ક્રેડિટ કાર્ડ જાતે બ્લોક કરવાની સગવડ આપે છે. એવું કઈ રીતે કરી શકાય એ પણ જાણી રાખો. તમારે વિદેશ જવાનું થતું જ ન હોય, તો બેન્ક પાસેથી ભારતમાં ચાલે એવું કાર્ડ મેળવવાનો આગ્રહ રાખો. જો ઇન્ટરનેશનલ કાર્ડ હોય તો તમે સ્વદેશમાં હોય ત્યારે એ કાર્ડ બ્લોક રાખો – આ કામ તમે જાતે જ બેન્કની એપમાંથી કરી શકો છો. |


