હમણાં જૂન ૧૫, ૨૦૨૦ના રોજ ગુજરાતના વિવિધ ભાગમાં ભૂકંપનો પ્રમાણમાં મોટો આંચકો અનુભવાયો, તેની થોડી જ ક્ષણોમાં, અમદાવાદમાં આ સ્ક્રીનશોટ લેવાયો હતો. તેમાં જોઈ શકાય છે તેમ, ગૂગલે લોકોને પૂછવાનું શરૂ કર્યું છે કે ‘‘તમને આંચકો અનુભવાયો હતો?’’
હવે ગૂગલ એક ડગલું આગળ વધીને, આપણને ચેતવી પણ શકશે કે ‘‘સાબદા રહેજો, થોડી સેકન્ડમાં ભૂકંપ આવી રહ્યો છે!’’
અઢી મહિના પહેલાં આપણે સૌ કોરોનાને કારણે ઘરમાં પૂરાયેલા હતા, ત્યારે પંદરમી જૂને લગભગ આખા ગુજરાતમાં અનુભવાયેલો ભૂકંપનો આંચકો તમે પણ અનુભવ્યો હતો?
મધ્યમથી વધુ કહી શકાય એવી તીવ્રતાનો એ આંચકો અનુભવ્યા પછી એ ભૂકંપ જ હતો કે કેમ તેની ખાતરી કરવા માટે જો તમે સ્માર્ટફોનમાં ‘અર્થક્વેક’ લખીને સર્ચ કર્યું હોત તો અહીં આપેલા સ્ક્રીનશોટ મુજબનું નોટિફિકેશન તમે પણ જોયું હોત અને ગૂગલે તમને પૂછ્યું હોત કે ‘‘તમારા વિસ્તારમાં આંચકો આવ્યાના રિપોર્ટ છે, તમે તે અનુભવ્યો હતો કે નહીં?’’
જો એ દિવસે તમે પણ ગૂગલનું આવું નોટિફિકેશન જોયું હોય તો અભિનંદન, સ્માર્ટફોનનો ખરેખર સ્માર્ટ કહેવાય તેવો ઉપયોગ કરતી એક નવી અને વિશ્વવ્યાપી સિસ્ટમના પ્રારંભિક હિસ્સામાં તમે પણ સામેલ થઈ ગયા છો!
સમગ્ર વિશ્વમાં લગભગ દરેક સમયે કોઈ ને કોઈ ખૂણે ભૂકંપ કે આફટરશોક આવતા જ હોય છે અને તેને સંબંધિત માહિતી આપતી વેબસાઇટ્સ પરથી ગૂગલ આપણને આ વિગતો તારવી આપે છે. પરંતુ હવે તેમાં એક મોટું પરિવર્તન આવી રહ્યું છે.
સામાન્ય રીતે આપણે ગૂગલમાં ગમે ત્યારે ‘અર્થક્વેક’ કે ‘અર્થક્વેક નીયર મી’ જેવું કંઈક સર્ચ કરીએ ત્યારે ગૂગલ આપણને તેને સંબંધિત માહિતી બતાવે છે. સમગ્ર વિશ્વમાં લગભગ દરેક સમયે કોઈ ને કોઈ ખૂણે ભૂકંપ કે આફટરશોક આવતા જ હોય છે અને તેને સંબંધિત માહિતી આપતી વેબસાઇટ્સ પરથી ગૂગલ આપણને આ વિગતો તારવી આપે છે.
પરંતુ હવે તેમાં એક મોટું પરિવર્તન આવી રહ્યું છે. અત્યારે ગૂગલ આંચકો આવ્યા પછી આપણને પૂછે છે કે તમે આંચકો અનુભવ્યો હતો કે નહીં, પરંતુ તેનું લક્ષ્ય આંચકો આવ્યા પહેલાં આપણને ચેતવવાનું છે.
આ વાક્ય વાંચીને તમે નવો આંચકો અનુભવ્યો? અત્યાર સુધી આપણે એવું જ માનતા આવ્યા છીએ કે ભૂકંપની આગોતરી આગાહી શક્ય નથી. ભૂકંપ આવવાની ક્યાં વધુ સંભાવના છે એ વિસ્તારો જાણી શકાય છે પરંતુ એ વિસ્તારોના પેટાળમાં રહેલી ફોલ્ટ લાઇન્સ ગમે ત્યારે સક્રિય થયા પછી ભૂકંપનો મોટો આંચકો અણધાર્યો અને અચાનક આવતો હોય છે.
આખી દુનિયાના અમુક ભાગોમાં ભૂકંપનું મોટું જોખમ રહેલું હોવાથી વૈજ્ઞાનિકો લાંબા સમયથી ભૂકંપની આગોતરી જાણ થઈ શકે એવી વ્યવસ્થા વિકસાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ હજી સુધી તેમાં ધારી સફળતા મળી નથી.
નવી પદ્ધતિ શી છે?
ગયા મહિને ગૂગલે જાહેર કર્યું છે કે તેણે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોકોને ભૂકંપના એલર્ટસ મોકલવાની શરૂઆત કરી છે. આ માટે ગૂગલે યુનાઇટેડ સ્ટેટ્સ જિઓલોજિકલ સર્વે અને કેલિફોર્નિયા ઓફિસ ઓફ ઇમરજન્સી સર્વિસિસ સાથે જોડાણ કર્યું છે. કેલિફોર્નિયા સ્ટેટમાં ભૂકંપનું મોટું જોખમ હોવાથી અહીં સરકારે પરંપરાગત સિસ્મોમીટર્સની મદદથી ‘શેકએલર્ટ સિસ્ટમ’ વિકસાવી છે. સિસ્મોમીટર્સ જમીનનું કંપન બહુ ઝડપથી પારખી શકે છે અને તે ડેટાને આધારે શેકએલર્ટ સિસ્ટમ જે તે વિસ્તારમાંના લોકોને ચેતવે છે. આ માહિતી ભૂકંપના એપીસેન્ટરથી દૂર રહેલા લોકોને ગણતરીની સેકન્ડસ પહેલાં મળી શકે છે.
નિષ્ણાતો કહે છે કે આવા સિસ્મોમીટર આખી દુનિયામાં ફેલાયેલા હોય તો ભૂકંપથી જાનહાનિ થવાનું જોખમ ઘણું ઓછું કરી શકાય.
આપણા ગુજરાતમાં ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (આઇએસઆર) આવી જ પદ્ધતિ વિક્સાવી રહ્યું છે. આ સંસ્થાના વિજ્ઞાનીઓ છેલ્લાં ચાર વર્ષથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અલ્ગોરિધમ વિક્સાવી રહ્યા છે. જેના કારણે કચ્છમાં ભૂકંપનું એપીસેન્ટર હોય તો ઇન્સ્ટિટ્યૂટને ૧૫ સેકન્ડમાં તેની જાણ થશે અને ભૂકંપની અસર અમદાવાદ પહોંચે તે ૪૦ સેકન્ડમાં, અમદાવાદમાંના લોકોને એસએમએસ દ્વારા ચેતવણી મોકલી શકાશે.
કંઈક આ જ રીતે, ગૂગલની હાલની વ્યવસ્થા, પરંપરાગત રીતે મળતી માહિતી વધુ ઝડપથી સ્માર્ટફોન દ્વારા લોકોને પહોંચાડવા પૂરતી સીમિત છે. જેને આગળ જતાં, વિસ્તારીને ગૂગલ આખી દુનિયામાં ફેલાયેલા ‘એલર્ટ નેટવર્ક’ તરીકે વિક્સાવવા માગે છે.
મુશ્કેલી એ છે કે પરંપરાગત સિસ્મોમીટર્સ આધારિત એલર્ટ સિસ્ટમ વિકસાવવી ઘણી ખર્ચાળ છે અને સમગ્ર વિશ્વમાં તેનો ઉપયોગ કરી શકાય તેવી શક્યતા નહીંવત છે. આથી ગૂગલ આપણા સ્માર્ટફોનને જ મિનિ સિસ્મોમીટરમાં ફેરવી નાખવા માગે છે.
વૈજ્ઞાનિકો લાંબા સમયથી ભૂકંપની આગોતરી જાણ થઈ શકે એવી વ્યવસ્થા વિકસાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ હજી સુધી તેમાં ધારી સફળતા મળી નથી.
દરેક સ્માર્ટફોનમાં વિવિધ પ્રકારનાં સેન્સર્સ હોય છે, તેમાંનું એક સેન્સર એક્સેલેરોમીટર છે. જ્યારે આપણે ફોન હાથમાં ઊભો પક્ડયો હોય ત્યાંથી તેને આડો કરીએ તો આ સેન્સરને કારણે ફોનમાંની સિસ્ટમ સમજી જાય છે કે ફોનની સ્થિતિ બદલાઈ છે. પરિણામે સ્ક્રીનમાંનો ડિસ્પ્લે પણ ઊભામાંથી આડો થઈ જાય છે. હેલ્થ એપ્સ આ સેન્સરની મદદથી આપણાં ડગલાં પારખે છે.
આ સેન્સર જમીનનું હળવું કંપન પણ પારખી શકે છે.
ભૂસ્તરશાસ્ત્રીઓ અને ભૂકંપ નિષ્ણાતો કહે છે કે જ્યારે કોઈ મોટો ભૂકંપ આવે ત્યારે બિલકુલ શરૂઆતમાં ભૂકંપના એપીસેન્ટરમાંથી ‘પી વેવ’ અને ‘એસ વેવ’ તરીકે ઓળખાતાં કંપનનાં બે પ્રકારનાં મોજાં એપીસેન્ટરની ચોતરફ ફેલાય છે.

પી વેવ એટલે કે પ્રાઇમરી વેવ કંપનનું સૌથી પહેલું અને સૌથી ઝડપી મોજું હોય છે. તેની થોડીક ક્ષણો પછી શરૂ થતો એસ વેવ એટલે કે સેકન્ડરી અથવા સરફેસ વેવ ધીમો હોય છે પરંતુ તે જ વ્યાપક નુકસાન કરે છે.
જૂન મહિનાના ગુજરાતના ભૂકંપ વખતે ઘણા લોકોને મૂળ આંચકાનો પણ અનુભવ થયો નહોતો, તેમ ઘણા ખરા ભૂકંપમાં પી વેવ એટલો હળવો હોય છે કે લોકોને તેની જાણ થતી નથી. સેકન્ડ વેવ આવે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
સ્માર્ટફોનમાંનું સેન્સર આપણા સદનસીબે આ પી વેવ અને એસ વેવ બંને પારખી શકે છે.
આ કેવી રીતે શક્ય બનશે?
આપણે જાણીએ છીએ કે ગૂગલ મેપ્સમાં આપણે રસ્તા પર ટ્રાફિક કેટલો ગીચ છે તે જોઈ શકીએ છીએ.
આ માટે ગૂગલના એન્જિનીયર્સ સેટેલાઇટ કેમેરાની મદદથી આખી દુનિયાના ટ્રાફિક પર નજર રાખતા નથી. આપણા સ્માર્ટફોનમાં લોકેશન સેટિંગ ઓન હોય તો ફોનના લોકેશનની માહિતી ગૂગલના સર્વર પર પહોંચે છે. પરિણામે રસ્તા પર જ્યાં વધુ સ્માર્ટફોનની હાજરી વર્તાય ત્યાં ટ્રાફિક ગીચ હોવાનું મેપ્સ આપણને જણાવે છે (‘સાયબરસફર’માં આપણે અગાઉ તેનો વિગતવાર પરિચય મેળવી ગયા છીએ). લગભગ આ જ વ્યવસ્થાનો ઉપયોગ કરીને ભૂકંપની આગાહી કરવામાં આવશે.
અલબત્ત કંપની ઘણી સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે કારણ કે ભૂકંપ આવી રહ્યો હોવાની ખોટી આગાહી વહેતી થાય તો તેનાં પણ ગંભીર પરિણામો આવે.
મુશ્કેલી એ છે કે પરંપરાગત સિસ્મોમીટર્સ આધારિત એલર્ટ સિસ્ટમ વિકસાવવી ઘણી ખર્ચાળ છે અને સમગ્ર વિશ્વમાં તેનો ઉપયોગ કરી શકાય તેવી શક્યતા નહીંવત છે.
ગૂગલના નિષ્ણાતોના કહેવા મુજબ અત્યારે પ્રકાશની ગતિ અને ભૂકંપના મોજાની ગતિ વચ્ચે રેસ ચાલી રહી છે. સ્માર્ટફોનમાંનાં સિગ્નલ્સ લગભગ પ્રકાશની ગતિએ આગળ વધે છે, તેની સરખામણીમાં ભૂકંપનાં મોજાંની ગતિ ઓછી હોય છે. ગૂગલ આ ગતિ ફરકનો લાભ લેવા માગે છે.
જેમ થોડા સમય પહેલાં ગૂગલ અને એપલ કંપનીએ આપણા સ્માર્ટફોનમાં કોરોના ટ્રેસિંગ સિસ્ટમ ઉમેરી દીધી છે, લગભગ એ જ રીતે અર્થક્વેક ટ્રેસિંગ સિસ્ટમ પણ ઉમેરી દેશે. અલબત્ત આપણા ફોનમાંથી અર્થક્વેકનાં સિગ્નલ જાય અને ચેતવણીનું એલર્ટ આવે કે નહીં તે આપણે પોતે નક્કી કરી શકીશું.
આમ થયા પછી જો કોઈ નિશ્ચિત વિસ્તારમાંથી સંખ્યાબંધ ફોન્સમાંથી પી વેવનું કંપન અનુભવાયું હોવાના સિગ્નલ ગૂગલના સર્વર પર પહોંચશે તો ત્યાં ગણતરીની સેકન્ડમાં આ ડેટાનું એનાલિસિસ કરવામાં આવશે અને જો તે ખરેખર ભૂકંપનો સંકેત હોવાનું લાગશે તો તાબડતોબ એ વિસ્તારના અન્ય તમામ સ્માર્ટફોન પર એલર્ટ મોકલવામાં આવશે કે ‘‘ભૂકંપ આવી રહ્યો છે – સાબદા રહેજો!’’
સમય બહુ જ ઓછો મળશે
યાદ રહે, આ બધું કરવા માટે ભૂકંપ ગૂગલની સિસ્ટમને માત્ર ૩૦ થી ૪૦ સેકન્ડનો જ સમય આપશે. આ ખરેખર ભૂકંપની આગોતરી જાણ કરતી સિસ્ટમ નથી, પરંતુ ભૂકંપનો પહેલો આંચકો આવ્યા પછી બીજા મોટા આંચકાની જાણ કરતી સિસ્ટમ છે. આથી એપીસેન્ટરની તદ્દન નજીક રહેલા લોકોને તે કદાચ બહુ મદદરૂપ નહીં થાય, પરંતુ ભૂકંપની અસર થઈ શકે તેવા એપીસેન્ટરથી થોડા દૂરના વિસ્તારોમાં સલામતીનાં પગલાં લેવા માટે થોડી સેકન્ડનો સમય મળશે. આપણો તો અનુભવ છે કે ખરેખરા મોટા ભૂકંપ પહેલાં થોડી સેકન્ડસ જેટલી પણ આગોતરી જાણ થાય તો આપણે ઘરની બહાર દોડી જઈ શકીએ છીએ!
વિશ્વવ્યાપી એલર્ટ સિસ્ટમ અનેક રીતે ઉપયોગી થઈ શકે છેલાંબા ગાળે ગૂગલ તેના અર્થક્વેક એલર્ટ નેટવર્કના આધારે ‘એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (એપીઆઇ)’ વિકસાવવા માગે છે. તેનો અર્થ એ થયો કે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ બીજા વિવિધ પ્રોગ્રામ્સ પણ ગૂગલ તરફથી એલર્ટ મળ્યા પછી તાબડતોબ આગલાં પગલાં આપોઆપ લેવાય તેવી વ્યવસ્થા ગોઠવી શકશે. આ બધું કરવા માટે માત્ર ૩૦-૪૦ સેકન્ડનો સમય મળશે, પરંતુ નીચેની પરિસ્થિતિઓનો વિચાર કરશો તો સમજાશે કે આ પગલાં કેટલાં ઉપયોગી થઈ શકશે :
|


