ગયા મહિને એપલ કંપનીએ ઇતિહાસ સર્જ્યો – ૨ ટ્રિલિયન ડોલરના વેલ્યુએશન સાથે તે જગતની સૌથી મૂલ્યવાન કંપની બની છે! જોકે એપલ બીજા એક કારણસર પણ સમાચારમાં છે.
ભારતમાં લોકોને પબ્જી ગેમનું જબરજસ્ત વળગણ છે, એમ વિદેશોમાં એપિક કંપનીની ફોર્ટનાઇટ નામની ગેમે તહેલકો મચાવ્યો છે. એપલ કે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરેલી કોઈ પણ એપમાં, યૂઝર જ્યારે ઇન-એપ પરચેઝ કરે ત્યારે તે એપની કંપનીએ એપલ કે ગૂગલને ૩૦ ટકા જેટલું કમિશન ચૂકવવું પડતું હોય છે. ફોર્ટનાઇટ એટલી લોકપ્રિય ગેમ છે કે તેનાથી આ બંને કંપનીને દર મહિને લાખો ડોલરની આવક થતી હતી.
હવે એપિક કંપનીએ, આ બંને કંપની સામે બળવો કરીને, પોતાની જ સિસ્ટમથી યૂઝર પાસેથી રકમ લેવાનું શરૂ કર્યું છે. એપલે તરત ફોર્ટનાઇટ ગેમને એપલના પ્લે સ્ટોર પરથી હટાવી લીધી. ગૂગલે પણ એમ જ કર્યું. ફોર્ટનાઇટના રસિયાઓ એન્ડ્રોઇડમાં, ફોર્ટનાઇટની સાઇટ પરથી પણ આ ગેમ ડાઉનલોડ કરી શકે છે, જ્યારે એપલમાં આવું શક્ય નથી. આથી, જેમાં ફોર્ટનાઇટ ગેમ હોય એવા આઇફોન હવે બ્લેકમાં વેચાવા લાગ્યા છે! અમેરિકાની મોટી ટેક કંપનીઝ મોનોપોલી અને એન્ટિ-ટ્રસ્ટના મુદ્દે ભીંસમાં છે ત્યારે એપિક કંપનીએ બરાબર સમય જોઈને બળવો કર્યો છે. તેણે એપલ સામે કેસ પણ માંડ્યો છે.

