(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ સર્ચમાં સેલિબ્રિટિના પ્રોફાઇલ કઈ રીતે તૈયાર થાય છે?

ગૂગલ પર ક્રિકેટર, એક્ટર વિશે સર્ચ કરતાં અમુક પ્રકારની માહિતી પહેલેથી તારવેલી જોવા મળે છે અને કોઈ ઇમારત, શહેર વગેરે વિશે સર્ચ કરતાં જુદા પ્રકારની માહિતી મળે છે. આવું કઈ રીતે થાય છે?

ઇન્ટરનેટ અને ખાસ તો, સોશિયલ મીડિયાને કારણે આપણા જૂના પરિચિતોને ફરી શોધવાનું કામ હવે ઘણું સહેલું થઈ ગયું છે. ફેસબુક આ બાબતમાં જબરજસ્ત પાવરફુલ છે – તમે એના પર એકાઉન્ટ ખોલાવો અને બે-ચાર લોકોને પોતાના ફ્રેન્ડ તરીકે ઓળખાવો એ સાથે ફેસબુકનાં કમ્પ્યુટર્સ જટીલ ગણતરીઓ કરવા લાગી જાય છે અને ફેસબુક પર બીજી કઈ કઈ વ્યક્તિોને આપણે ઓળખતા હોઈશું અને કોને ફેસબુક ફ્રેન્ડ બનાવવામાં આપણને રસ હશે એ તે નક્કી કરી લે છે અને એમનાં નામ આપણને સૂચવવા લાગે છે. ક્યારેક તો જે વ્યક્તિ સાથેનો સંપર્ક વર્ષોથી આપણે ગુમાવી બેઠા હોઈએ (ફેસબુકની શરૂઆત થઈ એની પણ પહેલાંથી) એવી વ્યક્તિને પણ ફેસબુક આપણા માટે શોધી લાવે છે.

એ જ રીતે, વોટ્સએપ પર સ્કૂલના સમયના મિત્રમાંંથી કોઈ જાગે અને જૂના મિત્રોનું ગ્રૂપ બનાવે એ પછી, મિત્રો પોતે જ, ક્લાસમાં પોતાની સાથે અભ્યાસ કરનારા બીજા તમામ મિત્રોને શોધી લાવીને ગ્રૂપમાં ઉમેરી દે છે.

ફેસબુક, ટવીટર, ઇન્સ્ટાગ્રામ વગેરે વિવિધ સોશિયલ પ્લેટફોર્મ્સ પર એક્ટિવ દરેક વ્યક્તિના પ્રોફાઇલ પેજ હોય છે અને તેમાં તેણે આપેલી માહિતી (તેણે નક્કી કરેલ સેટિંગ્સ અનુસાર) અન્ય લોકો જોઈ શકે છે.

એ રીતે જોઈએ તો, ઇન્ટરનેટ પર લોકોને શોધવાની બાબતમાં ગૂગલ કંપની – તેનું પોતાનું દુનિયાનું પહેલા ક્રમનું સર્ચ એન્જિન હોવા છતાં – ઘણી પાછળ રહી ગઈ છે. થોડા સમય પહેલાં તેણે ગૂગલ પ્લસ નામે સોશિયલ પ્લેટફોર્મ વિક્સાવીને ફેસબુકની હરીફાઈ કરવાની કોશિશ કરી ત્યારે તેના યૂઝર્સને પોતાનાં પ્રોફાઇલ બનાવવાની તક આપી હતી. પછી તો ગૂગલ પ્લસ સર્વિસ જ સમેટાઈ ગઈ. જોકે ગૂગલ પરનાં આપણાં પ્રોફાઇલ યથાવત રહ્યાં.

અત્યારે તમે aboutme.google.com પેજ પર જઈને, ગૂગલ પરનું તમારું પોતાનું પ્રોફાઇલ પેજ જોઈ શકો છો અને તેમાંની વિગતોમાં સુધારા-વધારા કરી શકો છો.

આ સગવડ હોવા છતાં, બહુ જાણીતા ન હોય એવા લોકો વિશેની માહિતી ગૂગલ પર શોધવી મુશ્કેલ હતી. હવે ગૂગલે ‘પીપલ્સ કાર્ડ’ નામે આપણાં ડિજિટલ વિઝિટિંગ કાર્ડ બનાવવાની સગવડ આપી છે.

આ કારણે, હવે તમે કોઈ પણ વ્યક્તિનું નામ સર્ચ કરીને, તેમણે ગૂગલ પર પોતાનું વિઝિટિંગ કાર્ડ બનાવ્યું હોય તો તેની વિગતો મેળવી શકો છો.

આગલા લેખમાં આપણે આવાં કાર્ડ કેવી રીતે બનાવી શકાય એ વિશે જાણ્યું, હવે  ગૂગલ પર જાણીતી વ્યક્તિઓની માહિતી સર્ચ કરવાથી કેવાં પરિણામો  મળે છે એનું પણ બેકગ્રાઉન્ડ મેળવી લઈએ.

ગૂગલ પર સેલિબ્રિટિ સર્ચ


‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ જેવા ભારે શબ્દથી અંજાઈ જઈએ છીએ, પણ રોજબરોજ એનો ઉપયોગ કરતા હોઈએ તોય એની તરફ ધ્યાન આપતા નથી!

ઉદાહરણ તરીકે, સ્માર્ટફોન કે સર્ચ એન્જિનમાં ‘વિરાટ કોહલી’ સર્ચ કરી જુઓ. સર્ચ પેજ પર એક બોક્સ જોવા મળશે, જેમાં બીજી ઘણી માહિતી ઉપરાંત, વિરાટની જન્મતારીખ અને ઊંચાઈ પણ આપેલી દેખાશે. હવે ‘તાજ મહાલ’ સર્ચ કરી જુઓ, સર્ચ પેજ પર દેખાતા બોક્સમાં, તેનું કન્સ્ટ્રક્ટશન ક્યારે શરૂ થયું તે અને તેની ઊંચાઈ કેટલી તેની માહિતી જોવા મળશે.

સર્ચ એન્જિનને કેમ ખબર પડી કે ‘વિરાટ કોહલી’ એક વ્યક્તિ છે એટલે તેની જન્મતારીખ હોય અને તાજ મહાલ એક ઇમારત છે એટલે તેનું બાંધકામ શરૂ થયાની તારીખ હોય?

બસ આ જ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ!

હજી થોડાં વર્ષ પહેલાં, સર્ચ એન્જિન આટલાં સ્માર્ટ નહોતાં. આપણે કોઈ શબ્દો સર્ચ કરીએ ત્યારે સર્ચ એન્જિન ઇન્ટરનેટ પર વિખરાયેલાં અનેક વેબપેજીસમાંથી, કયાં કયાં પેજમાં આપણે સર્ચ કરેલા શબ્દો છે એટલું તપાસતું હતું.

ગૂગલ જેવું સર્ચ એન્જિન આ ઉપરાંત, બીજા કેટલાક માપદંડોને આધારે નક્કી કરી શકતું હતું કે ઇન્ટરનેટ પર જેટલાં પેજીસમાં આપણે સર્ચ કરેલા શબ્દો છે, તેમાંથી આપણને જોઈતી માહિતી કયા પેજમાં મળવાની વધુમાં વધુ શક્યતા છે. તેના આધારે સર્ચ રિઝલ્ટ પેજ પર આપણને એ પેજીસ બતાવવામાં આવે.

મતલબ કે, સર્ચ એન્જિન ફક્ત કોરા શબ્દો જ સૂંઘી શકતાં હતાં. આપણે વિરાટ કોહલી કે તાજ મહાલ સર્ચ કરીએ તો એના માટે આ જુદા જુદા શબ્દો માત્ર હતા. એને ‘વિરાટ’ અને ‘કોહલી’ શબ્દ વચ્ચે કોઈ સીધો સંબંધ છે એવી પણ ખબર પડતી નહોતી!

સર્ચમાં ઉમેરાઈ સ્માર્ટનેસ

આઠ વર્ષ પહેલાં, વર્ષ ૨૦૧૨માં આ સ્થિતિ બદલાઈ. ગૂગલ ‘નોલેજગ્રાફ સર્ચ’ તરીકે ઓળખાતી નવી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સર્ચ ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કર્યો.

તેનાથી ગૂગલે આપણે જે શબ્દો સર્ચ કરીએ, તેના અર્થ સમજવાનું પણ શરૂ કર્યુ છે. હવે આપણે ‘ન્યૂ યોર્ક’ સર્ચ કરીએ તો તેને તેને ‘સમજાય’ છે કે ‘ન્યૂ’ અને ‘યોર્ક’ શબ્દ સાથે હોય એ ફક્ત કોરા શબ્દો નથી, એ નામનું એક શહેર છે, જ્યાં વસતિ છે, જેનો વિસ્તાર છે, જ્યાં જોવાલાયક પ્રવાસન સ્થળો છે, જ્યાં ચોક્કસ હવામાન છે, જ્યાં જુદી જુદી ઇવેન્ટ્સ યોજાય છે… અને આ બધું જ જાણવામાં ‘ન્યૂ યોર્ક’ શબ્દ સર્ચ કરનારા લોકોને રસ હોઈ શકે છે!

એટલે જ હવે તમે ગૂગલમાં ‘વિરાટ કોહલી’ સર્ચ કરો તો, પીસીમાં સર્ચ કર્યું હોય તો સ્ક્રીન પર જમણી તરફ એક મોટા બોક્સમાં ઉપરની તરફ વિરાટ કોહલીની ઇમેજિસ જોવા મળે. મોબાઇલમાં આજ માહિતી જુદી રીતે જોવા મળે.

તેમાં વિકિપિડીયામાંથી વિરાટ કોહલી વિશેના લેખની થોડી વિગતો જોવા મળે. વિરાટ કોહલીનો જન્મ ક્યારે થયો, તેની ઊંચાઈ કેટલી છે, તેણે વનડે અને ટેસ્ટમાં રમવાની ક્યારે શરૂઆત કરી, તેની લેટેસ્ટ વનડે મેચ કઈ હતી વગેરે વિગતો જોવા મળે છે. એ ઉપરાંત બેટસમેન તરીકે તેની કારકિર્દીના નોંધપાત્ર આંકડાનું ટેબલ મળે છે. તેની સાથોસાથ વિરાટ કોહલી વિશેનાં પુસ્તકો, ટવીટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે પર તેના પ્રોફાઈલ વગેરે ઘણી બધી માહિતી ગૂગલ પોતે અલગ અલગ વેબપેજિસમાં તારવીને આપણને બતાવે છે. અહીં વિરાટ કોહલી વિશેના ન્યૂઝ, વીડિયો વગેરે પણ જોવા મળે!

આ તો સેલિબ્રિટી વિશેનાં સર્ચ રિઝલ્ટની વાત થઈ, જેમના વિશે ઇન્ટરનેટ પર અનેક જગ્યાએ, અનેક પ્રકારની માહિતી હોઈ શકે છે. ગૂગલ આ બધું તારવીને આપણને બતાવે છે.

સેલિબ્રિટી સિવાય, સરેરાશ લોકો વિશે આટલી માહિતી ઇન્ટરનેટ પર હોય નહીં. પરંતુ એ લોકોને પણ, બીજા લોકો તેમના વિશે જાણે એવી ઇચ્છા તો જરૂર હોય. નાનો-મોટો બિઝનેસ કરતા લોકો, વીમા એજન્ટ, ફ્રીલાન્સર વગેરેને પણ, પોતાની વ્યક્તિગત સંપર્ક માહિતી, તેમના સંભવિત કસ્ટમર્સ કે ક્લાયન્ટ્સ સહેલાઈથી મેળવી શકે એમાં રસ હોય. આથી ગૂગલે તમામ લોકો માટે, ‘પીપલ કાર્ડ’ નામે ડિજિટલ વિઝિટિંગ કાર્ડની સુવિધા લોન્ચ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!