માઇક્રોસોફ્ટની એસએમએસ ઓર્ગેનાઇઝર નામની એક એપની આપણે અગાઉ વિગતવાર વાત કરી ગયા છીએ. આ એપની ખૂબીઓમાંની એક એ છે કે તેમાં આપણા પર આવતા મેસેજને આપોઆપ પર્સનલ, પ્રમોશનલ, ટ્રાન્ઝેકશન વગેરે જુદી જુદી કેટેગરીમાં ગોઠવી શકાય છે.
આ જ પ્રકારનું ફીચર હવે ગૂગલ મેસેજિસ એપમાં આવી રહ્યું છે. તેમાં પણ પર્સનલ, ટ્રાન્ઝેકશન, વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી), ઓફર્સ વગેરે કેટેગરીમાં મેસેજ ગોઠવાતા જશે. આમ તો આ બધુ ઓટોમેટિક થશે. પરંતુ આપણે ઇચ્છીએ તો કોઈ મેસેજની કેટેગરી બદલી શકીએ છીએ. દરેક વાતમાં હવે મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયાં છે એટલે આમાં પણ જો આપણે મેસેજની કેટેગરી બદલીએ તો પછી એપ ભવિષ્યમાં મેસેજનું એ પ્રમાણે આપોઆપ વર્ગીકરણ કરશે. આપણે કોઈને એસએમએસ કરીએ એવું પ્રમાણ હવે ઘટ્યું છે પણ આપણા પર આવતા મેસેજિસનો મારો સતત વધતો જાય છે એ જોતાં મેસેજિસનું આવું આપોઆપ વર્ગીકરણ બહુ ઉપયોગી થાય તેમ છે.
એ ઉપરાંત, હવે ગૂગલની મેસેજિસ એપમાંની રીચ કમ્યુનિકેશન સર્વિસીઝ (આરસીએસ) હવે સમગ્ર વિશ્વમાં શરૂ કરી દેવામાં આવી છે (આ વિશે પણ આપણે અગાઉ બહુ વિગતવાર વાત કરી છે). આ કારણે હવે આ એપ દ્વારા વોટ્સએપ જેવી એપમાં મળતી સુવિધાઓ એસએમએસમાં મળશે. વાઇ-ફાઇ કે ડેટા પર એસએમએસ ચેટિંગ, હાઇક્વોલિટી વીડિયોઝ અને ફોટોઝનું શેરિંગ, ગ્રૂપ ચેટિંગ, મેસેજિસ વંચાયાની રિસિપ્ટ, ફાઇલ્સ અને લોકેશન શેરિંગ વગેરે સુવિધાઓ હવે એસએમએસ એપમાં જ શક્ય બનશે.
આ નવા પ્રકારના એસએમએસમાં હજી વોટ્સએપની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સુવિધા મળતી નથી. પરંતુ ગૂગલે જાહેર કર્યા અનુસાર એપના આવનારા બીટા વર્ઝનમાં આવું એન્ક્રિપ્શન મળવાનું શરૂ થઈ જશે.

