ગૂગલ ફોટોઝ એપ આપણા તમામ ડિજિટલ ફોટોઝ-વીડિયોઝ સાચવવાનું એક કાયમી સરનામું બની શકે છે. જૂની યાદગીરી સાચવવા ઉપરાંત, આ એપમાં ઘણી રોમાંચક ખૂબીઓ છે. જાણો તેનાં મહત્ત્વનાંં સેટિંગ્સ.
આપણા ફોટો-વીડિયો એટલે વીતી ગયેલા સમયની યાદગીરી, આવતા સમય માટે. એવા ફોટોઝ અને વીડિયોઝ, જે આપણને વારંવાર જોવાનું મન થાય!
જો તમને સ્માર્ટફોનથી સેલ્ફી અને સ્વજનો કે મિત્રોના કે અન્ય ફોટોઝ-વીડિયોઝ લેવાનો શોખ હોય તો પાર વગરના ફોટો-વીડિયો કેવી રીતે સાચવવા તેની મૂંઝવણ થતી હશે. આ મૂંંઝવણનો સરસ ઉકેલ આપે છે ગૂગલની એક વેબ સર્વિસ અને એપ – ગૂગલ ફોટોઝ.
તેની વિગતોમાં ઊંડા ઊતરતાં પહેલાં, આવી કોઈ સર્વિસ-એપની જરૂર કેમ છે એ સમજીએ.
મોટા ભાગે આપણા સાદા ફોટોઝ પ્રિન્ટ કોપી માટેના આલબમમાં અને ડિજિટલ ફોટોઝ કમ્પ્યુટરનાં વિવિધ ફોલ્ડર, સ્માર્ટફોનની ઇન્ટર્નલ મેમરી કે એક્સટર્નલ કાર્ડ, પેનડ્રાઇવ વગેરે કેટકેટલી અલગ અલગ જગ્યાએ વિખરાયેલા પડ્યા રહે છે. ચાર-પાંચ વર્ષ પહેલાંના, કોઈ ખાસ ફોટો અત્યારે ફરી જોવા હોય તો?
ક્યાં ક્યાં શોધવા જશું?
જે ક્ષણો કાયમ માટે સાચવી લેવા માટે આપણે જે તે ક્ષણનો આનંદ પણ જતો કર્યો હોય, એ જ તસવીરો આપણે ફરી જોવા માગીએ ત્યારે સહેલાઈથી મળતી નથી!
બસ આ જ કારણસર, ગૂગલ ફોટોઝ સર્વિસની આપણે જરૂર છે. આપણા તમામ ડિજિટલ ફોટોઝ એક જગ્યાએ સાચવવા ઉપરાંત, તેમાં બીજી પણ ઘણી સુવિધાઓ મળે છે. આવો સમજીએ આ સર્વિસનાં શરૂઆતી સેટિંગ્સ.
સૌથી મહત્ત્વની વાત, આપણા તમામ ફોટો-વીડિયોનો આપોઆપ, આપણા ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ લેવાય છે!એટલે, ફોનમાંથી ફોટો-વીડિયો ડિલીટ કરી સ્પેસ બચાવી શકાય!
તમે ગૂગલ એકાઉન્ટને જેટલું સલામત રાખી શકશો, એટલા સલામત તમારા ફોટો-વીડિયો રહેશે. તેને સ્માર્ટફોન, ટેબલેટ, પીસી, લેેપટોપમાં ગમે ત્યારે જોઈ શકશો.
ગૂગલ ફોટોઝની મહત્ત્વની ખૂબીઓ
આપણે ફક્ત ફોટો-વીડિયો અપલોડ કરવાના. તે આપોઆપ તારીખ, મહિના, વર્ષ મુજબ ગોઠવાતા જશે.
ફોનમાં લીધેલા ફોટો-વીડિયો આપોઆપ આપણા ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ થાય, ફ્રી અનલિમિટેડ સ્ટોરેજ છે.
વસ્તુ, વ્યક્તિ, રંગ, સ્થળ, શહેર વગેરે અનેક રીતે ફોટો સર્ચ કરી શકાય, આપણે પોતે કોઈ માહિતી ઉમેરવાની જરૂર નહીં.
આપણા ફોટોમાંથી આપોઆપ એનિમેશન, વીડિયો, કલર ઇફેક્ટ વગેરે ઉમેરીને બતાવવામાં આવે, ઇચ્છો તો સેવ કરો!
આલબમ અન્યો સાથે શેર કરી શકાય, જેમાં સૌ પોતપોતાની રીતે ફોટો ઉમેરી શકે અને સૌ એક સાથે જાેઈ શકે.
ટુર જેવા કોઈ સમયે, એક સાથે વધુ ફોટોઝ લીધા હોય તો તેનાં આપોઆપ આલબમ બને અને તારીખવાર ફોટો જાેઈ શકાય.
સ્માર્ટફોનમાંના ફોટો, ગૂગલ ફોટોઝમાં અપલોડ કરવા…
હવે લગભગ બધા ફોનમાં આ જ એપ ડિફોલ્ટ ફોટો ગેલેરી તરીકે ઇન્સ્ટોલ્ડ હોય છે. તમારા ફોનમાં ન હોય તો એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને ફોટો-વીડિયો લેવાનું શરૂ કરો. એ બધું આ એપમાં જમા થવાનું શરૂ થશે.
પીસીમાંના ફોટો, ગૂગલ ફોટોઝમાં અપલોડ કરવા…
પીસીમાં, https://photos.google.com પર જઈ, તમારા ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થાઓ.ઉપર આપેલ `અપલોડ’ બટન ક્લિક કરી, પીસીમાંથી ફોટોઝ સિલેક્ટ કરી અપલોડ કરો. અથવા, https://photos.google.com/apps પર જઈ, `બેકઅપ એન્ડ સિન્ક’ સોફ્ટવેર ડાઉનલોડ કરો.પીસીમાં તેને ઓપન કરો. ગૂગલ એકાઉન્ટથી લોગઇન થાઓ. પીસીમાં તમારા કયા ફોલ્ડરમાંથી ફોટોઝ અપલોડ કરવા છે તે જણાવી દો.
ફેસબુકમાંના ફોટો, ગૂગલ ફોટોઝમાં અપલોડ કરવા…
- ફેસબુકના ડેસ્કટોપ વર્ઝનમાં લોગઇન થઈ, સેટિંગ્સમાં જાઓ.
- ડાબી પેનલમાં `યોર ફેસબુક ઇન્ફર્મેશન’ ટેબ પર ક્લિક કરો.
- `ટ્રાન્સફર એ કોપી ઓફ યોર ફોટોઝ ઓર વીડિયોઝ’ પસંદ કરો.
- તમારે એક વાર ફેસબુકનો પાસવર્ડ આપવાનો રહેશે.
- એ પછી ડ્રોપડાઉન મેનૂમાં `ગૂગલ ફોટોઝ’ પસંદ કરો.
- તમારા જે ગૂગલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માગતા હો તેના યૂઝરનેમ-પાસવર્ડ આપો.
- તમારા ફોટોઝ અને વીડિયો ગૂગલ ફોટોઝમાં ટ્રાન્સફર થઇ જશે. ફેસબુક તરફથી નોટિફિકેશન અને ઇમેઇલ દ્વારા જાણ કરાશે.
ગૂગલ ફોટોઝ એપના મુખ્ય ભાગ
ફોટોઝ : આ એપનો મેઇન સ્ક્રીન છે. અહીં આજે, ગઈકાલે એમ ઉપરથી નીચે ફોટોઝ ગોઠવાતા જાય છે. પેજ સ્ક્રોલ કરતાં, સ્ક્રીન પર જમણી બાજુ વર્ષ અને મહિના સિલેક્ટ કરવાનું ટૂલ મળશે. આંગળીથી વ્યૂ ઝૂમ-ઇન કે ઝૂમ-આઉટ કરી શકાશે.
મેમરીઝ : સેટિગ્સમાં આ ઓપ્શન ઓન રાખો તો હોમ સ્ક્રીન પર, જે તે તારીખ-મહિના મુજબ, વર્ષો જૂના ફોટોઝ-આલબમ બતાવવામાં આવશે. તમે જેમ વધુ ફોટો અપલોડ કરશો તેમ આ સુવિધા વધુ રોમાંચક બનતી જશે.
સર્ચ : એપ `કમ્પ્યુટર વિઝન’થી, દરેક ફોટોમાં શુું છે તે જાણી શકે છે. તે વ્યક્તિ, સ્થળ, ફૂડ, કાર, સાયકલ, વરસાદ, સૂર્યોદય, ફોટોનો મુખ્ય રંગ, સનસેટ, પ્રાણી વગેરે બધું જ ઓળખી શકે છે. આ બધું આપણે સર્ચ કરી શકીએ!
ફોર યુ : આ એપ આપણા ફોટોમાંથી વીડિયો, કોલાજ, એક જ વ્યક્તાિ નવા-જૂના ફોટો, એનિમેશન વગેરે બનાવી આપણને બતાવે છે. આપણે પોતે જ પણ ફોટોઝ સિલેક્ટ કરી તેનાં આલબમ, મૂવી, કોલાજ વગેરે બનાવી શકીએ.
લાઇબ્રેરી : ફોનમાંની બધી એપ અનુસાર, જુદાં જુદાં આલબમમાં અહીં ફોટોઝ જાેઈ શકાય છે. તમે ફેવરિટ તરીકે નોંધેલા ફોટો, આર્કાઇવ કરેલા ફોટો, બિનમાં નાખેલા ફોટો, અન્યો સાથે શેર કરેલાં આલબમ વગેરે બધું અહીં જાેઈ શકાશે.
એડિટ : દરેક ફોટો ઓપન કરી, તેને જુદી જુદી રીતે એડિટ કરવાની સગવડ પણ છે. એડિટિગનાં ફીચર્સ સતત ઉમેરાઈ રહ્યાં છે.
ગૂગલ ફોટોઝ એપનાં મહત્ત્વનાં સેટિગ્સ સમજીએ
૧ એપનાં મુખ્ય સેટિગ્સ તપાસીએ
એપ ઓપન કરી, પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરીને અથવા જૂનું વર્ઝન હોય તો ઉપર ડાબી તરફની ત્રણ આડી લિટી પર ક્લિક કરી, ફોટોઝ એપનાં સેટિગ્સમાં જાઓ.અહીં એપનાં તમામ મહત્ત્વનાં પાસાં જોઈ શકાશે. દરેક મુદ્દા સહેલાઈથી સમજાય તેવા છે, છતાં, આગળ આપણે આ દરેક મુદ્દાના ઉપયોગ જાણીશું.
૨ બેકઅપ એન્ડ સિન્ક એકાઉન્ટ
તમારા ફોનથી તમે જે કોઈ ફોટો-વીડિયો લો તેનો બેકઅપ, ગૂગલ ફોટોઝ એપમાં, તમારા કયા ગૂગલ એકાઉન્ટમાં લેવાય તે અહીંથી નક્કી કરવાનું રહેશે. પછી કોઈ પણ સાધનમાં, photos.google.com સાઇટ પર જઈ, તમારા એ ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થતાં તમારા તમામ ફોટો તેમાં પણ જાેઈ શકાશે.
૩ અપલોડ સાઇઝ, મોબાઇલ ડેટા
આપણને ગૂગલ ફોટોઝમાં અનલિમિટેડ સ્ટોરેજ મળે છે, પરંતુ કેટલીક મર્યાદા સાથે. જાે તમે પ્રોફેશનલ ફોટોગ્રાફર ન હોય તો સામાન્ય ઉપયોગ માટે આ મર્યાદા નડશે નહીં. ફોટોઝ એપ માટે તમારા મોબાઇલના ડેટા પ્લાનનો કેટલો ડેટા વપરાય તેની મર્યાદા પણ તમે અહીંથી નક્કી કરી શકશો.
૪ બેકઅપ માટેફોલ્ડરની પસંદગી
તમે ફોનમાં કેમેરાથી જે ફોટોઝ કે વીડિયો લો તેનું એક અલગ ફોલ્ડર બને છે. આ ફોલ્ડરમાંના તમારા ફોટો-વીડિયો તમારા ગૂગલ એકાઉન્ટમાં આપોઆપ બેકઅપ થશે જ.એ સિવાય, ફોનમાંની એપ્સ મુજબ (જેમ કે વોટ્સએપ) જુદાં જુદાં ફોલ્ડર બને છે. તેમાંના મીડિયાનો બેકઅપ લેવાય કે નહીં તે અહીંથી નક્કી કરી શકાશે.
૫ ફોનમાં રોકાતી સ્પેસ ખાલી કરો
આપણા ફોનમાં ફોટો-વીડિયો ખાસ્સી જગ્યા રોકતા હોય છે. એપના સેટિગ્સમાં જઈને, `ફ્રી અપ ડિવાઇસ સ્ટોરેજ’ પર ક્લિક કરતાં, જે ફોટો-વીડિયોનો ફોટોઝ એપમાં બેકઅપ લેવાઈ ગયો હોય તેેે ડિલીટ કરવાનું સૂચન મળશે. આમ કરવાથી ફોનમાં કેટલી જગ્યા ખાલી થશે એ પણ જાણવા મળશે!આ કામ થોડા થોડા વખતે કરવા જેવું છે!
૬ વ્યક્તિઓના ફોટોગ્રૂપ કરો
ફોટોઝની એક બ મજાની સુવિધા!તેનો લાભ લેશો તો તમારા ફોટો કલેક્શનમાં જેટલી વ્યક્તિના ફોટોઝ હશે તે દરેકનાં આગવાં આલબમ બનતાં જશે.તમારું કલેક્શન મોટુ હશે તો તમને નવાઈ લાગે એટલી હદે, ખૂણેખાંચરે રહેલી વ્યક્તિને પણ ઓળખીને એ ફોટો તેમના આલબમમાં સામેલ કર્યાનું તમે જાેઈ શકશો.
૭ કયાં સજેશન ગમશેતે નક્કી કરો
એપનું વધુ એક મજાનું ફીચર! આ એપ આપણા ફોટો-વીડિયોમાંથી આપણને જાેવા ગમે તેવા નવા વીડિયો, કોલાજ, એનિમેશન વગેરે બનાવીને આપણને બતાવે છે.ઉપરાંત, આજની તારીખના અગાઉના ફોટોઝ, આડા ફોટો રોટેટ કરવાનાં સજેશન, હવે કામના ન લાગે તેવા ફોટો આર્કાઇવ કરવાનું સજેશન વગેરેમાંથી તમે શું જાેવા ઇચ્છો છો તે અહીં નક્કી કરી લો!
૮ જૂની યાદો નવેસરથી તાજી કરો
છેક શરૂઆતમાં વાત કરી તેમ, એપના હોમ સ્ક્રીન પર મેમરીઝ જાેવી હોય તો તે અહીં ઓન કરી દો. કલેક્શન મોટુ થતું જશે તેમ તેમ, વર્ષો જૂના ફોટો જાેઈને જૂની યાદોમાં તરબોળ થવાની મજા આવશે.હા, જેમની યાદો હવે દુઃખ પહોંચાડે તેમ હોય તેમના ફોટોઝ મેમરીમાં ન દેખાય તેવું સેટિગ પણ તમે કરી શકો છો.
અહીં જેની વાત કરી એ બધા ઉપરાંત પણ આ એપમાં ઘણી ખૂબીઓ છે. જેમ કે તમે ઇચ્છો તો તમારા એકાઉન્ટનું આખું કલેક્શન તમે તમારા જીવનસાથી સાથે શેર કરી શકો છો!પરંતુ આટલાં સેટિગ્સ બરાબર સમજી લેવાથી તમારો એપનો ઉપયોગ ઘણો સહેલો બની જશે, પછી તમારું કલેક્શન જેમ જેમ મોટુ થતું જશે તેમ ફોટોઝની આનંદસફર વધુ ખુશી આપતી રહેશે!

