(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ ફોટોઝમાંથી ‘ફોર યુ’ ફીચર ગાયબ થયું!

દુનિયાના અનેક લોકોને આ એક ફીચરને ફોટોઝ એપ ગમતી હતી. હવે એ જ ફીચર ગૂગલે મોબાઇલ એપમાંથી ગાયબ કરી નાખ્ુયં છે. તમારું પણ એ ફેવરિટ ફીચર હોય તો તેનો ઉપાય જાણી લો.

સાયબરસફર’માં અવારનવાર આપણા ડિજિટલ ફોટોઝ સાચવવા માટે ગૂગલની ‘ફોટોઝ’ સર્વિસની વાત કરી છે. આ સર્વિસમાં આપણે સારા રેઝોલ્યુશનમાં, કોઈ લિમિટ વિના, મફતમાં, આપણા તમામ ડિજિટલ ફોટોઝ સ્ટોર કરી શકીએ છીએ. સ્માર્ટફોનથી લીધેલા ફોટોઝનો તેમાં આપોઆપ બેકઅપ લઈ શકાય છે. બધા ફોટો તારીખ, મહિના, વર્ષ મુજબ આપોઆપ સોર્ટ થયા છે. આપણે કોઈ માહિતી ઉમેર્યા વિના, આપણા ફોટોઝને સ્થળ, વ્યક્તિ વગેરે જુદી જુદી રીતે સર્ચ કરી શકીએ છીએ…

આ બધા તો ‘ફોટોઝ’ના ફાયદા છે જ, પણ તેમાંનું એક ફીચર સૌથી વધુ લોકપ્રિય થયું છે. એ છે – ‘ફોર યુ’ નામની સુવિધા.

જો આપણે મોટા પ્રમાણમાં આપણા ફોટોઝ અને વીડિયોઝ આ સર્વિસમાં અપલોડ કર્યા હોય તો આ સર્વિસ – આપણે એ મુજબ સેટિંગ્સ કર્યાં હોય તો – આપણા ફોટો-વીડિયોમાંથી આપોઆપ મજાનાં નવાં ક્રિએશન કરીને આપણને બતાવે છે.

જેમ કે આજની તારીખ, પણ વર્ષ બે-પાંચ વર્ષ પહેલાંનું હોય એવા ફોટો તે આપોઆપ તારવી આપે છે, જેથી જૂની યાદો તાજી થાય. વેલેન્ટાઇન ડે નજીક હોય તો આપણા ફોટોઝમાંથી પતિ-પત્નીના ફોટો આપોઆપ સિલેક્ટ કરીને તેમાંથી મજાનો વીડિયો બનાવી આપે. મા-દીકરા કે પપ્પા-દીકરીના ફોટોઝ હોય તો ‘ધેન એન્ડ નાઉ’ એવા શીર્ષક સાથે, એમની જોડીના જૂના અને હાલના ફોટોના કોલાજ બનાવી આપે. એક સરખા ફોટોઝ મળે તો તેમાંથી એનિમેશન બનાવી આપે. વર્ષનો અંત નજીક હોય તો ‘સ્માઇલ્સ ઓફ ધ યર’ એવા શીર્ષક સાથે આપણા પરિવારના સભ્યોના સ્માઇલવાળા ફોટોઝનો વીડિયો બનાવી આપે, કોઈ વ્યક્તિનો સરસ ફોટોગ્રાફ હોય તો માત્ર તેને કલરમાં રાખી, બાકીનું બધું ગ્રેસ્કેલ કરીને નવો ફોટો બનાવી આપે…

પહેલાં એપની સિસ્ટમ પોતાની મરજીથી આપણા ફોટોઝમાંથી ભાતભાતનાં ક્રિએશન્સ બનાવતી હતી. પછી આપણે પણ બનાવી શકીએ એવી સગવડ મળી, પણ તેની સાથે મોબાઇલમાંથી એ ફીચર જ દૂર કરી દેવામાં આવ્યું.

આ બધું જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ‘ફોર યુ’ નામના ફીચરમાં આપોઆપ થાય છે અને આપણને બતાવવામાં આવે છે. આપણને ગમે તો આ નવા ક્રિએશનને આપણી ગેલેરીમાં સેવ કરી શકીએ.

દેખીતું છે કે ફોટોઝનું આ ફીચર જબરું હિટ થયું. આપણી તસવીરો જૂની યાદગીરી તો તાજી કરે જ છે, પણ આ રીતે તેમાંથી કંઈક નવું, મજાનું ક્રિએશન થાય અને અણધાર્યું આપણને જોવા મળે તો કોઈને પણ મજા પડી જાય. લોકો આ જ કારણે ફોનમાં અવારનવાર ફોટોઝ એપ ઓપન કરીને કંઈક નવું આવ્યું છે કે નહીં એ તપાસી લેતા હતા.

પણ પછી અચાનક…

ગૂગલે અચાનક આ મજાનું ફીચર ખતમ કરી નાખ્યું. હમણાં એક-બે મહિના પહેલાં ફોટોઝ સર્વિસને પાંચ વર્ષ પૂરા થયાં ત્યારે ગૂગલે આ સર્વિસમાં નાના મોટા ફેરફાર કર્યા. તેના લોગોને વધુ સરળ બનાવ્યો (ઘણાના મતે જૂનો લોગો વધુ સરસ હતો). એ ઉપરાંત પણ બીજા કેટલાક ફેરફારો થયા.

અને લોકોની નવાઈ વચ્ચે એપમાં ‘ફોર યુ ફીચર’ દેખાતું ગાયબ થયું.

અનેક લોકો માટે ફક્ત આ એક ફીચરને કારણે ફોટોઝ એપ ફેવરિટ એપ હતી.


આ ફીચર બધી રીતે સરળ હતું પણ શરૂઆતમાં તકલીફ એ હતી કે આપણે પોતાની મરજી મુજબ આપણા ફોટોઝમાંથી કોઈ નવું ક્રિએશન કરી શકતા નહોતા. ફોટોઝની સિસ્ટમ તેની મરજી મુજબ ક્રિએશન કરે તો જ તે આપણને મળે. એપ અપડેટ થયા પછી લોકો વારંવાર એપ ઓપન કરીને ફોર યુ ફીચર શોધતા રહ્યા પરંતુ તેમાં કંઈ નવું ન દેખાતાં છેવટે લોકોએ સોશિયલ મીડિયા પર અને ગૂગલના કમ્યુનિટી ફોરમ પર આ વિશે નારાજગી બતાવવાનું શરૂ કર્યું.

મોબાઇલ એપમાં જાતે ફોટો ક્રિએશન્સ બનાવી શકીએ છીએ, વેબ વર્ઝનમાં સિસ્ટમે બનાવેલાં ક્રિએશન્સ જોઈ શકાય છે (અત્યાર સુધી આ સગવડ મોબાઇલમાં પણ હતી).

થયું છે એવું કે ગૂગલે એપમાં આપણા ફોટોઝમાંથી આપણે પોતે નવું ક્રિએશન કરી શકીએ એવી સુવિધા ઉમેરી છે. તમારે પોતાના ફોટોઝમાંથી એનિમેશન, કોલાજ કે મૂવી બનાવવી હોય તો એપ ઓપન કરીને લાઇબ્રેરી ટેબમાં યુટિલિટિઝ ટેબ ક્લિક કરો અથવા સર્ચ ટેબમાં જઈ, નીચેની તરફ સ્ક્રોલ કરો. અહીં તમને નવું ક્રિએશન કરવાના વિકલ્પ મળશે.

ક્રિએશન જાતે કરવાની સગવડ તો મળી  પરંતુ સિસ્ટમ પોતે નવું ક્રિએશન કરી આપે એ સરપ્રાઇઝનું તત્વ ખતમ થઈ ગયું.

હવે રહી રહીને ગૂગલે સ્પષ્ટતા કરી છે કે તેણે આપણે માટે આપોઆપ નવા ક્રિએશન્સ કરવાનું બંધ કર્યું નથી, ફક્ત તેને મોબાઇલ એપમાંથી દૂર કરવામાં આવ્યું છે. લોકોનું આ ફેવરિટ ફીચર હોવા છતાં તેને મોબાઇલ એપમાંથી ગાયબ કરી દેવાનું કારણ શું એ તો ગૂગલ જાણે, પણ અનેક લોકો નિરાશ અને નારાજ થયા છે! બધા લોકો પાસે પીસી કે લેપટોપની સુવિધા ન હોય. મોટા ભાગના લોકો મોબાઇલમાં જ ફોટોઝ એપનો ઉપયોગ કરે છે, છતાં ગૂગલ આ પગલું ભર્યું છે.

હવે આપણે રાહ જોવાની રહી કે ગૂગલને પોતાની ભૂલ સમજાય અને તે મોબાઇલ એપમાં ફરી ‘ફોર યુ’ ફીચર ઉમેરે.

આનો ઉપાય છે!

આટલે સુધી વાંચીને તમને વાતમાં રસ પડ્યો? તેનાં બે કારણ હોઈ શકે છેઃ

  1. તમે ‘ફોર યુ’ ફીચરથી પરિચિત હશો, તમે ફોટોઝમાં તેની મજા પણ માણતા હશો અને એપમાંથી અચાનક આ ફીચર ગાયબ થતાં અકળામણ અનુભવતા હશો.
  2. તમે ‘ફોર યુ’ ફીચરથી બિલકુલ અજાણ હશો પરંતુ તેની મદદથી આપણા ફોટોઝમાંથી કેવાં મજાનાં ક્રિએશન તૈયાર થાય છે એ વિશે જાણીને તમને પણ એનો લાભ લેવાનું મન થયું હશે.

આપણે આ બંને સ્થિતમાં શું થઈ શકે તેની વાત કરીએ.

પહેલી વાત એ કે તમારે ફોનમાં ગૂગલ ફોટોઝ એપ ઇન્સ્ટોલ કરીને તેમાં ઠીક ઠીક પ્રમાણમાં ફોટોઝ અપલોડ કરવા પડશે. સ્માર્ટફોનથી નવા ઢગલાબંધ ફોટોઝ લેતા રહેશો તો એમાંથી પણ મજાનાં નવાં ક્રિએશન તૈયાર થતાં રહેશે. તમારે ફક્ત ગૂગલની સિસ્ટમ આ રીતે ક્રિએશન્સ તૈયાર કરે એ માટે જરૂરી સેટિંગ્સ કરવાં પડશે.

તકલીફ એ છે કે ગૂગલે આ સેટિંગ પણ એપમાંથી કાઢી નાખ્યાં છે. જો તમારી પાસે કમ્પ્યુટર હોય તો તેમાં ક્રોમ બ્રાઉઝરમાં photos.google.comમાં જાઓ. જો પીસી ન હોય, તો મોબાઇલમાં જ એપ ઓપન કરવાને બદલે, ક્રોમ બ્રાઉઝરમાં આ સાઇટ ઓપન કરો. તમે તેમાં લોગ્ડ-ઇન હશો જ. તેમાં સેટિંગ્સમાં જાઓ અને તેમાં સજેશન્સ વિભાગમાં બધા વિકલ્પો ઓન કરી દો.

આટલું કરવાથી જો ફોટોઝ સર્વિસ પાસે આપણા ઢગલાબંધ ફોટોઝ હશે અથવા તેને નવા ફોટો મળતા રહેશે તો તે તેનાથી નવા નવા ક્રિએશન બનાવવાનું ચાલુ રહેશે.

વેબ વર્ઝન તપાસતા રહો

ગૂગલે સ્પષ્ટતા કરી છે કે ‘ફોર યુ’ ફીચર મોબાઇલ એપમાંથી ગાયબ થયું છે પરંતુ આ સર્વિસના વેબ વર્ઝનમાં તે ચાલુ છે. આથી જો આપણી પાસે પીસી કે લેપટોપ ન હોય (આમ પણ મોબાઇલ હંમેશા હાથવગા હોવાથી આપણે ફોટોઝ એપનો સૌથી વધુ ઉપયોગ મોબાઇલમાં જ કરીએ છીએ) તો આપણે ડાબા હાથે કાન પકડવો પડશે.ભલે ગૂગલે મોબાઇલ એપમાંથી આ ફીચર ગાયબ કર્યું, આપણે હજી પણ મોબાઇલમાં તેનો લાભ લઈ શકીએ છીએ.

એ માટે આ સાથે આપેલાં સ્ટેપ્સ અનુસરો અને મન થાય ત્યારે ‘ફોર યુ’ ફીચર તપાસી, તમારા જ ફોટોઝથી સરપ્રાઇઝ માણતા રહો!

પહેલાં એપની સિસ્ટમ પોતાની મરજીથી આપણા ફોટોઝમાંથી ભાતભાતનાં ક્રિએશન્સ બનાવતી હતી. પછી આપણે પણ બનાવી શકીએ એવી સગવડ મળી, પણ તેની સાથે મોબાઇલમાંથી એ ફીચર જ દૂર કરી દેવામાં આવ્યું.

મોબાઇલ એપમાં જાતે ફોટો ક્રિએશન્સ બનાવી શકીએ છીએ, વેબ વર્ઝનમાં સિસ્ટમે બનાવેલાં ક્રિએશન્સ જોઈ શકાય છે (અત્યાર સુધી આ સગવડ મોબાઇલમાં પણ હતી).

મોબાઇલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરો તેમાં photos.google.com પર ઓપન કરો. તમે તેમાં લોગ્ડ-ઇન હશો. આ પેજ પર ડાબી તરફ ત્રણ આડી લીટી પર ક્લિક કરો. અહીં ‘ફોર યુ’ સેક્શનમાં, એપે તમારા ફોટોઝમાંથી કોઈ નવાં ક્રિએશન બનાવ્યાં હશે તો તે જોવા મળશે.

‘ફોર યુ’ ક્રિએશન્સ ઓન કરવા, ક્રોમ બ્રાઉઝરમાં photos.google.com પર જાઓ, સેટિંગ્સમાં સજેશન્સનાં વિકલ્પો તપાસો.

અહીં, એપ તમારે કેવા કેવા પ્રકારનાં સૂચન કે ક્રિએશન્સ બતાવી શકે છે તે જોવા મળશે. જે ગમે તેને ઓન કરી દો.

ફોટોઝના વેબ વર્ઝનમાં જઈને ફોર યુમાં કંઈ નવું આવ્યું કે નહીં તે તપાસવા માટે, ક્રોમ બ્રાઉઝરમાં ઉપર જમણી તરફ ત્રણ ડોટ પર ક્લિક કરી ક્રોમના સેટિંગ્સમાં જાઓ. અહીં ‘એડ ટુ હોમ સ્ક્રીન’ પર ક્લિક કરો. આથી ફોનના હોમસ્ક્રીન પર ફોટોઝના વેબવર્ઝનનો શોર્ટકટ ઉમેરાશે. તમે ઇચ્છો ત્યારે તેના પર ક્લિક કરી, ફોટોઝની સિસ્ટમે તમારા માટે ‘ફોર યુ’ સેક્શનમાં કોઈ નવાં ક્રિએશન ઉમેર્યાં છે કે નહીં તે તપાસી શકશો.

તમારા ફોટોઝમાંથી જાતે એનિમેશન, કોલાજ કે વીડિયો બનાવવા હોય તો ફોટોઝ એપમાં જાઓ, નીચે સર્ચ ટેબમાં જાઓ અને તેમાં છેક નીચેની તરફ જાઓ. બીજો રસ્તો, લાઇબ્રેરી ટેબ ક્લિક કરો અને પછી ‘યુટિલિટીઝ’માં જાઓ. અહીં પણ ફોટોઝમાંથી જાતે નવાં, ક્રિએશન્સ બનાવવાનો વિકલ્પ મળશે.

ફોટોઝ સર્વિસમાં ‘ફોર યુ’ એક ખરેખર મજાનું ફીચર છે. તમે તેનો લાભ ન લેતા હો તો લેવા જેવો છે.

તમારી જ જૂની તસવીરોમાંથી કંઈક નવું બને  (જે માત્ર તમે જ જોઈ શકો) એવું તમને ગમતું હોય તો તો ખાસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!