ધીમે ધીમે આપણે સૌ ક્લાઉડ કમ્પ્યુટિંગ તરફ વળી રહ્યા છીએ. એટલે કદાચ તમે પણ માઇક્રોસોફ્ટ વર્ડને બદલે ગૂગલ ડ્રાઇવમાં ગૂગલ ડોક્સ પર હાથ અજમાવવાનું શરૂ કર્યું હશે.
માઇક્રોસોફ્ટ વર્ડની જેમ ગૂગલ ડોક્સમાં પણ ઇંગ્લિશ ભાષામાં સ્પેલિંગ ચેક કરવાની ઘણી સારી સગવડ છે. ડોક્સમાં તમારા ડોક્યુમેન્ટમાં કોઈ કારણસર સ્પેલ ચેકિંગ ન થતું હોય તો નીચેની પદ્ધતિઓ અજમાવી જુઓ. તમને હળવું આશ્ચર્ય ત્યારે થશે જ્યારે ગુજરાતી કે હિન્દી ડોક્યુમેન્ટમાં પણ સ્પેલ ચેકિંગ સુવિધાનો લાભ મળશે. અલબત્ત હજી એ પરફેક્ટ નથી (ગુજરાતીમાં તો ખાસ્સી ભૂલો છે!).
મુખ્ય મેનૂમાં ટૂલ્સમાં સ્પેલિંગ એન્ડ ગ્રામર વિભાગમાં સ્પેલિંગ એન્ડ ગ્રામર ચેક પર ટીક કરો. આખા ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ અને ગ્રામરને લગતી ભૂલો તપાસવામાં આવશે.
તમે ડોક્યુમેન્ટ પર કામ કરી રહ્યા તો તેની સાથે સાથે સ્પેલિંગની ભૂલો બતાવવામાં આવે તેવું ઇચ્છતા હો તો મેઇન મેનૂમાં ટૂલ્સમાં સ્પેલિંગ એન્ડ ગ્રામર વિભાગમાં ‘શો સ્પેલિંગ સજેશન’ પર ક્લિક કરો. આમ કર્યા છતાં ડોક્યુમેન્ટમાં ભૂલો ન દેખાય તો તે જ રીલોડ કરી જુઓ.
ક્યારેક એવું બને કે તમે અન્ય કોઈ સોર્સમાંથી ટેકસ્ટ કોપી કરીને ગૂગલ ડોક્સમાં પેસ્ટ કરી હોય તો તેમાંની ફોર્મેટિંગની ભૂલોને કારણે ગૂગલ ડોક્સમાં સ્પેલ ચેક ન થાય. ફોર્મેટિંગની આવી ભૂલો દૂર કરવા માટે જ્યારે તમે ટેકસ્ટ કોપી કરી પેસ્ટ કરો ત્યારે માઉસથી રાઇટ ક્લિક કરતાં ‘પેસ્ટ વિધાઉટ ફોર્મેટિંગ’નો વિકલ્પ મળશે. Ctrl+Shift+V શોર્ટ કટનો ઉપયોગ કરીને ટેકસ્ટ પેસ્ટ કરવાથી તે ફોર્મેટિંગ વિના પેસ્ટ થશે.
જો તમે પહેલેથી ફોર્મેટિંગ સાથેની ટેકસ્ટ પેસ્ટ કરી હોય તેને સિલેક્ટ કરી માઉસથી રાઇટ ક્લિક કરતાં ક્લિયર ફોર્મેટિંગનો વિકલ્પ મળશે. હવે તમારા ડોક્યુમેન્ટમાં સ્પેલ ચેકનું કામ બરાબર રીતે થવું જોઈએ.
ક્યારેક એવું બને કે બ્રાઉઝરમાં સેવ થયેલી કેશ ફાઇલ કે પછી જૂના ડેટાને કારણે ગૂગલ ડોક્સની કામગીરીમાં ખામી સર્જાય અને તે યોગ્ય રીતે સ્પેલ ચેકિંગ ન કરે. આના ઉપાય તરીકે બ્રાઉઝરના સેટિંગ્સમાં ‘ક્લિયર બ્રાઉઝિંગ ડેટા’માં જાઓ અને બ્રાઉઝિંગ હિસ્ટ્રી, કૂકીઝ અને અન્ય ડેટા, કેશ ઇમેજિસ વગેરે બધું સિલેક્ટ કરીને તેને ડિલીટ કરો (જોકે આમ કરવા જતાં તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી ડિલીટ થશે અને તેથી તમે જે કોઈ સાઇટમાં લોગ્ડઇન હશો તેમાં ફરીથી લોગ-ઇન થવું પડશે). હવે સ્પેલ ચેક યોગ્ય રીતે થવું જોઈએ.

