અસાધારણ ઝડપી લોકપ્રિયતા મેળવનાર ગેમ ‘પોકેમોન ગો’ના સંદર્ભે આપણે વાત કરી હતી કે ઇન્ટરનેટ પર અત્યાર સુધીના સમયમાં બધું ધ્યાન કમ્યુનિકેશન પર કેન્દ્રિત હતું, પરંતુ હવે પછીનો સમય અનુભવનો રહેશે. એવો અનુભવ જે ડિજિટલ ટેકનોલોજીની મદદથી આપણે જ્યાં ન હોઈએ તે સ્થળનો અનુભવ કરાવે.
એ આગાહી સાચી પડતી હોય તેમ હમણાં ગૂગલે એન્ડ્રોઇડ પ્લે સ્ટોરમાં એક નવી અને અનોખી ગેમ રજુ કરી છે. જોકે આને ખરેખર ‘ગેમ’ કહી શકાય તેમ નથી કારણ કે તેમાં હાર-જીતની કોઈ વાત જ નથી. આપણે ફક્ત મોકળા મને સ્માર્ટફોનના સ્ક્રીન પર એક મજાની સફરે નીકળી પડવાનું છે અને આસપાસ જે દેખાય તે જોઈને આનંદ માણવાનો છે.
આ એપ અત્યારે માત્ર એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ છે. એપ બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, પણ તેમની સાથે મોટાંને પણ મજા કરાવે એવી છે. ગૂગલ તેને શૈક્ષણિક અને પ્રયોગાત્મક એપ કહે છે.
આ ગેમ ૨૧૧ એમબી જેટલી હેવી છે એટલે પ્લે સ્ટોર તમને પહેલેથી ચેતવશે તેમ તમને વાઇ-ફાઇ મળતું હોય ત્યારે આ એપ ડાઉનલોડ કરવી ઠીક રહેશે.
તો હવે સીધા ખાબકીએ આ મજાની એપમાં! તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોરમાં ‘વર્ન: હિમાલયાઝ’ (Vern: Himalayas) સર્ચ કરીને આ એપ ડાઉનલોડ કરી લો. એપ ઓપન કરશો એટલે અંતરીક્ષમાંથી પૃથ્વી તરફ આપણે નજર માંડી રહ્યા હોઈએ એવું લાગશે અને અવકાશમાંથી અચાનક એક વિરાટ હિમમાનવ પૃથ્વી તરફ ઊડતો જતો દેખાશે. હિમમાનવ પૃથ્વીની નજીક પહોંચશે અને હિંદ મહાસાગર પરથી શ્રીલંકા અને ભારતનો ઘણો ખરો ભાગ વટાવીને આવી પહોંચશે હિમાલયના પ્રવેશદ્વારે. વાસ્તવમાં હિમાલય પર્વતમાળાનું કોઈ એક પ્રવેશદ્વાર નથી પરંતુ આ તો ડિજિટલ ટેકનોલોજીની મદદથી ઊભી થઈ રહેલી આભાસી દુનિયા છે!
આપણે આ હિમમાનવના સાથમાં જુદી જુદી રીતે હિમાલય ખૂંદી શકીશું. એપનાં નેવિગેશન અને કંટ્રોલ સરળ છે. ગૂગલના કેટલાક એન્જિનીયર્સે ગૂગલ મેપની ૩ડી ઇમેજરી અને ૩ડી ગેમ્સ બનાવવા માટેના પાવરફૂલ ટૂલ યુનિટી ગેમ એન્જિનને એકમેક સાથે સાંકળીને આ એપ બનાવી. ટેક્નોલોજીથી કંઈક નવો અનુભવ માણવા આ એપ ગમશે.
(‘સાયબરસફર’ના સપ્ટેમ્બર, ૨૦૧૬ અંકમાંથી ટૂંકાવીને. આખો લેખ વાંચો ‘સાયબરસફર’ની વેબસાઇટ પર)

