આરોગ્ય સેતુ એપમાં નવાં ફીચર્સ ઉમેરાયાં છે, પરંતુ તે ખરેખર ઉપયોગી ત્યારે થઈ શકે જ્યારે વધુમાં વધુ લોકો તેનો ઉપયોગ કરતા થાય.
કોરોના વાઇરસના પ્રસારનો સામનો કરવા માટે વિશ્વના દરેક દેશ પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે અને તેમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થવા લાગ્યો છે. ભારત સરકારે કોન્ટેક્ટ ટ્રેસિંગની મદદથી કોરોના વાઇરસથી સંક્રમિત થવાની વધુ સંભાવના ધરાવતા લોકોને ઓળખીને વાઇરસના પ્રસારની સાંકળ તોડવા માટે ‘આરોગ્ય સેતુ એપ’ વિકસાવી છે.
સરકારના પ્રયાસોમાં આ એપ ત્યારે જ અસરકારક રીતે મદદરૂપ થઈ શકે જ્યારે વધુમાં વધુ લોકો તેનો ઉપયોગ કરતા થાય. આ માટે સરકારે એપમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ વર્ઝન લોન્ચ કર્યા પછી ફીચર ફોન માટેનું વર્ઝન પણ લોન્ચ કર્યું છે. એપના ભરપૂર પ્રચાર પછી અત્યારે, એપના દાવા મુજબ તેના યૂઝર્સની સંખ્યા લગભગ ૧૪ કરોડના આંકે પહોંચી શકી છે. ભારતની કુલ વસતી જોતાં આ સંખ્યા એપને ખરેખર ઉપયોગી બનાવવા માટે ઘણી ઓછી છે, તેમ છતાં કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા ધરાવતા લોકોની ઓળખ કરવામાં તેમજ ક્યા વિસ્તારોમાં સંક્રમણનું વધુ જોખમ છે તે નક્કી કરવામાં આ એપ ખાસ્સી મદદરૂપ થઈ રહી છે.
અલબત્ત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) મુંબઈ અને દિલ્હીના કમ્પ્યુટર સાયન્સના નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો છે જીપીએસ અને બ્લુટૂથની મદદથી થતા કોન્ટેક્ટ ટ્રેસિંગની ઘણી મર્યાદાઓ છે, ઉપરાંત આરોગ્ય સેતુ એપમાં યૂઝરની પ્રાઇવસી જાળવવામાં આવતી નથી. એ જોતાં કોરોના વાઇરસના પ્રસારને એક માત્ર આરોગ્ય સેતુ એપની મદદથી અંકુશમાં લઈ શકાશે એવું માની ન શકાય.
તેમ છતાં, એ બાબત નિર્વિવાદ છે કે કોરોનાનો સામનો કરવામાં જે વિવિધ ઉપાયો થઈ રહ્યા છે તેમાં આરોગ્ય સેતુ એપ એક મહત્ત્વપૂર્ણ કદમ છે.
સરકારે આ એપ સામેના સવાલોના જવાબરૂપે એપમાં ઘણા ફેરફારો પણ કર્યા છે. આરોગ્ય સેતુ એપને વધુ સ્વીકાર્ય બનાવવા માટે તેનો ઉપયોગ બંધ કરવાનો વિકલ્પ પણ હવે આપવામાં આવ્યો છે. હવે કોઈ વ્યક્તિ ઇચ્છે તો તે આરોગ્ય સેતુ એપમાં તેણે આપેલો ડેટા ડિલીટ કરીને પોતાનું આખું એકાઉન્ટ ડિલીટ કરી શકે છે. જોકે આપણે એકાઉન્ટ ડિલીટ કર્યા પછી પણ, આરોગ્ય સેતુના સર્વર પરનો આપણો ડેટા ૩૦ દિવસ સુધી સચવાઈ રહે છે અને ત્યાર પછી ડિલીટ થાય છે.
ગૂગલ-એપલની સર્વિસ વ્યક્તિની ઓળખ સંપૂર્ણપણે ખાનગી રાખવા માટે વિકસાવવામાં આવી છે. જ્યારે આરોગ્ય સેતુ એપમાં આ વિગતો માગવામાં આવતી હોવાના કારણે બંને સંકળાય તેવું શક્ય લાગતું નથી.
હમણાં જ તેમાં ઉમેરાયેલા નવા ફીચરને કારણે આપણે પાછલા ૩૦ દિવસમાં જે જે લોકોના સંપર્કમાં આવ્યા હોઇએ તે સૌ સામે કોરોનાના ચેપનું કેટલું જોખમ છે અને એ દૃષ્ટિએ આપણે સલામત છીએ કે નહીં તે એપમાં જોઈ શકાય છે. આ ઉપરાંત, જો આપણે પોતાનો ડેટા સરકારના સર્વર પર અપલોડ કરીએ તો આપણે જેના સંપર્કમાં આવ્યા હોઈએ તેમાંથી કેટલી વ્યક્તિને હળવું કે ઊંચું જોખમ છે અને કેટલા ચેપગ્રસ્ત છે. આપણે કઈ તારીકે, કેટલા સમય માટે અને અંદાજે કયા સ્થળે સંપર્કમાં આવ્યા હતા એ પણ જણાવવામાં આવે છે.
ભારતમાં જેટલા લોકોનો કોરોના ટેસ્ટ થાય છે તેનાં પરિણામો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઇસીએમઆર)ના ડેટાબેઝમાં અપલોડ થાય છે અને આ ડેટાને આધારે, આરોગ્ય સેતુના યૂઝરને આ વિગતો આપવામાં આવે છે.
આમાં કેટલાક છબરડા થતા હોવાનું પણ બહાર આવ્યું છે. આરોગ્ય સેતુનો ઉપયોગ શરૂ કરતી વખતે આપણે પોતાનો મોબાઇલ નંબર, નામ આપવાનું હોય છે. એક વ્યક્તિએ આ રીતે આ એપનો ઉપયોગ શરૂ કર્યા પછી એક દિવસ અચાનક એપ મારફત તે ‘કોરોના પોઝિટિવ’ હોવાની તેને જાણ થઈ – તેણે કોઈ ટેસ્ટ ન કરાવ્યો હોવા છતાં. તપાસ કરતાં ખબર પડી કે બીજી કોઈ વ્યક્તિએ ટેસ્ટ કરાવ્યો હતો અને ત્યારે તેણે ભૂલથી પેલી વ્યક્તિનો મોબાઇલ નંબર આપ્યો હતો. ટેસ્ટ કરાવતી વખતે દરેક વ્યક્તિના મોબાઇલ નંબર ઉપરાંત નામ, સરનામું વગેરે અન્ય વિગતો પણ નોંધવામાં આવે છે. તેમ છતાં આરોગ્ય સેતુ એપમાં ફક્ત મોબાઇલ નંબરને આધારે જે તે વ્યક્તિ પોઝિટિવ હોવાની નોંધ કરી લેવામાં આવે તે નવાઈજનક બાબત છે. પરંતુ આ જ બાબત બતાવે છે કે ટેકનોલોજીને પણ તેની મર્યાદાઓ છે.
આગળના લેખમાં નોંધ્યું તેમ આરોગ્ય સેતુ એપમાં યૂઝરની ઓળખ અને ગૂગલ-એપલની સર્વિસમાં આરોગ્ય સેતુ એપને સાંકળવામાં આવી નથી. એ સર્વિસની જેમ આરોગ્ય સેતુમાં પણ હવે બ્લુટૂથથી ટ્રેકિંગ અને એલર્ટ ઉમેરી દેવામાં આવ્યા હોવાથી આરોગ્ય સેતુ એપને ગૂગલ-એપલ સર્વિસ સાથે સાંકળવામાં આવે તેવી શક્યતાઓ ઓછી છે.
આમ પણ ગૂગલ-એપલની સર્વિસ વ્યક્તિની ઓળખ સંપૂર્ણપણે ખાનગી રાખવા માટે વિકસાવવામાં આવી છે. જ્યારે આરોગ્ય સેતુ એપમાં આ વિગતો માગવામાં આવતી હોવાના કારણે પણ બંને સંકળાય તેવું શક્ય લાગતું નથી.

