(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓનલાઇન શોપિંગમાં શું ધ્યાન રાખશો?

કોરોનાના પ્રસાર પછી ‘કોન્ટેક્ટલેસ’ ઓનલાઇન શોપિંગ વધુ લોકપ્રિય થઈ રહ્યું છે ત્યારે તેના ઉપયોગમાં સાવચેતીનાં પગલાં સમજી લેવા જેવાં છે.

તહેવારો નજીક આવતાં બજારોમાં જબરી ભીડ’’, ‘‘ફલાણા બજારમાં નવરાત્રી-દીવાળીની ખરીદીની ધૂમ’’ આવા સમાચારો આ વર્ષે અખબારોમાં જોવા નહીં મળે. આપણે ત્યાં તહેવારો આવે એની રોનક બજારોમાં પહેલી દેખાય. બજારો લોકોથી ઊભરાવા લાગે, દુકાનદારને શ્વાસ લેવાની નવરાશ ન હોય, દુકાને દુકાને ભાવતાલ ચાલતા હોય, એ બધું હવે બહુ ઓછું જોવા મળશે. કોરોનાએ દુનિયાઆખીનાં સમીકરણો બદલી નાખ્યાં છે અને હજી પણ આગળ કેવી પરિસ્થિતિ હશે તેના વિશે છાતી ઠોકીને કોઈ કંઈ કહી શકે તેમ નથી. એટલે આ વખતે કદાચ છાપામાં આવા સમાચારો વધુ જોવા મળશે… ‘‘ફલાણી શોપિંગ વેબસાઇટે ફક્ત એક દિવસમાં આટલા કરોડની કમાણી કરી’’, ‘‘ઓનલાઇન શોપિંગ માટે ઢીંકણી વેબસાઇટ પર ભારે ધસારો, સાઇટ ક્રેશ થઈ ગઈ’’.

ઓનલાઇન શોપિંગનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે તેમાં રહેલાં જોખમો પણ બરાબર સમજવાં જરૂરી છે. ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ્સની સંખ્યા એટલી વધી રહી છે કે તેમાંથી કોને વિશ્વાસપાત્ર ગણવાં તે નક્કી કરવું મુશ્કેલ છે.

કોરોનાકાળમાં ઓનલાઇન શોપિંગ ન્યુ નોર્મલ બની રહ્યું છે. આંગળીને ટેરવે, ગણતરીના સમયમાં જ તમે એક માગો ને હજાર વસ્તુ તમારા મોબાઇલ કે કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાવા માંડે, જે જોઈએ તે પસંદ કરો, ઓર્ડર કરો. કેટલું સહેલું! પણ આપણે ત્યાં કહેવત છે ચોરનારની ચાર આંખ. એટલે આ ઘેરબેઠાં શોપિંગમાં પણ ખિસ્સાકાતરુ કે ગઠિયાના નવા અવતાર જેવા હેકર્સ કે ફ્રોડસ્ટર્સથી સાવધાન રહેવું એટલું જ અગત્યનું છે.

એમાંય કોરોનાને લીધે નવરાત્રી, દીવાળી જેવા તહેવારોની ખુશાલી આ વખતે ધીમે પગલે આગમન કરી રહી છે. ઓનલાઇન શોપિંગ વેબસાઇટ્સ સેલ લઈને આવવા માંડી છે અને પાછલા પાંચ-છ મહિનાઓમાં જે ધંધો નથી થયો તેનું સાટું વાળી લેવા કમર કસીને તૈયાર છે. તો આપણે પણ કોઈ છેતરપિંડીનો ભોગ ન બનીએ કે જે પૈસા ખરચીએ તેનું બરાબર વળતર એટલે કે વસ્તુ સારી મળે તે માટે કઈ સાવચેતી રાખવી તે વિશે થોડીક વાત કરી લઈએઃ

જાણીતી અને વિશ્વાસુ વેબસાઇટ પરથી શોપિંગ

ઓનલાઇન શોપિંગનો ખાસ અનુભવ ન હોય ત્યારે તો ખાસ. જાણીતી અને વિશ્વાસુ હોય એવી વેબસાઇટ પર સર્ચ કરો. દીવાળીમાં ઘર માટે નવા પડદાની ખરીદી કરવી હોય અને તમે ગૂગલ સર્ચ પર curtains એટલું ટાઇપ કરો ત્યાં તો અનેક વેબસાઇટ્સનાં નામ આવી જાય. પણ https:// ધરાવતી વેબસાઇટ્સ જ જુઓ. આવી વેબસાઇટ પર તમે પેમેન્ટ માટે કાર્ડની વિગતો આપશો તો એ સલામત રહેશે.

બીજું એક ખાસ ધ્યાન રાખવું કે તમે કોઈ જાણીતી વેબસાઇટ પરથી શોપિંગ કરવા માગો છો તો તે ટાઇપ કરવા જતાં સ્પેલિંગ ભૂલથી પણ ખોટો ટાઇપ ન થાય, .કોમ .નેટ એમાં પણ ભૂલ ન થાય નહીં તો કદાચ ભળતી જ, એના જેવી જ લાગતી વેબસાઇટ પર પહોંચી જવાય અને ચમકે એ બધું સોનુ ન હોય એમ એ નકલી વેબસાઇટ અસલી કરતાં વધારે ચમકઝમકવાળી હોય અને આપણે કંઈ ખરીદવા બદલે આપણી માહિતી હેકર્સને શેર કરી દઈએ એવું બને.

વધારાની કોઈ જ માહિતી આપવી નહીં

ઓનલાઇન શોપિંગની કોઈ પણ વેબસાઇટને તમારા પાન કાર્ડ કે આધાર કાર્ડ કે જન્મતારીખની જરૂર નથી હોતી. એટલે એવી કોઈ પણ માહિતી ભૂલેચૂકેય શેર ન કરવી. હેકર્સ એટલે કે ઓનલાઇન ચોર-ધુતારા એવી કોઈ માહિતી અને તમારા ક્રેડિટ કાર્ડનો નંબર મેળવી લે તો તેમનું કામ બહુ આસાન થઈ જાય. જાણીતી, વિશ્વાસુ વેબસાઇટ્સમાંથી પણ ડેટા લિક થવાના – ડેટા બ્રિચના કિસ્સા વારંવાર બનતા રહે છે. એટલે વધારે કશી જ માહિતી આપવી નહીં.

બેન્ક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડનાં સ્ટેટમેન્ટ્સ ચેક કરતા રહેવું

મહિનાને અંતે બેન્ક કે ક્રેડિટ કાર્ડનાં બિલ આવે પછી એક સાથે ચેક કરીએ એવી રાહ જોવાને બદલે સમયાંતરે, ખાસ તો તહેવારો, રજાઓના સમયમાં બધાં જ ઇલેક્ટ્રોનિક સ્ટેટમેન્ટ જોતા રહો. કોઈ ખોટા ચાર્જ લાગ્યા હોય કે જે તમે ખર્ચ્યા જ ન હોય, કોઈ પણ ડિજિટલ વોલેટની સાઇટ પરથી પણ કોઈ ખોટાં બિલ બતાવાયાં હોય તો તે તપાસો.

મોબાઇલમાંથી ઓનલાઇન શોપિંગ કરવું ખાસ્સું સુવિધાજનક છે, પરંતુ તેમાંથી પેમેન્ટ કરતી વખતે આપણે બિનજરૂરી માહિતી ન આપીએ. ડેબિટ કાર્ડ કરતાં, ક્રેડિટ કાર્ડ કે યુપીઆઇનો વિકલ્પ વધુ સલામત રહેશે. જરૂર ન હોય ત્યારે ક્રેડિટ કાર્ડ બ્લોક પણ રાખી શકાય.

શક્ય હોય તો ક્રેડિટ કાર્ડથી જ ઓનલાઇન શોપિંગ કરવું સલામત છે. ડેબિટ કાર્ડનો ઉપયોગ જોખમી છે કેમ કે ગુનાખોરો તેનાથી સીધા તમારા બેંક એકાઉન્ટમાં પહોંચી શકે છે. ક્રેડિટ કાર્ડ કે કેશ ઓન ડિલિવરી કે ડિજિટલ વોલેટ સિવાયના કોઈ ઓપ્શનથી પૈસા ટ્રાન્સફર કરવાના હોય તો ચેતી જવું. ક્રેડિટ કાર્ડ ન હોય અને તમે યુપીઆઇ આઇડી ધરાવતા હો તો તેનાથી પેમેન્ટ કરવું પણ સલામત છે. શક્ય હોય તો બે બચત ખાતાં રાખી, એક ખાતામાં જરૂર પૂરતી જ રકમ રાખીને તેને યુપીઆઇ સાથે લિંક કરવું વધુ સલાહભર્યું છે.

પાસવર્ડ મજબૂત રાખવો અથવા સમયાંતરે બદલતા રહેવું

ઇ-કોમર્સ વેબસાઇટ્સ કે ઓનલાઇન શોપિંગ વેબસાઇટ્સ પર કેટલાય લોકો પાસવર્ડ ક્યારેય બદલતા નથી તો કેટલાક એવા હોય છે કે રોજ બદલે. એ જરા વધારે પડતું થઈ જાય પણ સમયાંતરે પાસવર્ડ બદલતા રહેવું જોઈએ અને બને એટલો સ્ટ્રોંગ, યુનિક પાસવર્ડ રાખવો જોઈએ. પરફેક્ટ પાસવર્ડ પણ ક્યારેય પરફેક્ટ હોતો નથી, પણ આપણી પોતાની કે બાળકોની જન્મતારીખ કે એવા કોઈ પાસવર્ડ ન જ રાખવા જોઈએ, જે બીજા સહેલાઈથી ધારી શકે. યુનિક કે કોઈ ક્રેક ન કરી શકે એવા પાસવર્ડ માટે પાસવર્ડ મેનેજર જેવા ફીચરની મદદ લઈ શકાય.


કમ્પ્યુટરને વાઇરસ-ફ્રી રાખવું

કમ્પ્યુટરને રોગપ્રતિકારક રસી આપો એટલે કે તેમાં એન્ટીવાઇરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી રાખો જેથી કોઈ પણ પ્રકારના માલવેર ઘૂસી ન જાય. એન્ટીવાઇરસ પ્રોગ્રામ સ્પામ ઇમેલ કે ફિશિંગ મેઇલ્સથી તમારા કમ્પ્યુટરને બચાવે છે. ઘણી બનાવટી વેબસાઇટ સાચા લાગે તેવા મેઇલ્સ મોકલે અને ભૂલથી તમે ઓપન કરો તો તમારી બધી જ અંગત માહિતી ગુનાખોરોના હાથમાં એટલે કે તેમના કમ્પ્યુટરમાં પહોંચી જાય. એન્ટીવાઇરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાની સાથે જ તેને હંમેશાં અપડેટ પણ રાખવો જરૂરી છે. કારણ કે સાયબર ગુનાખોરો હંમેશાં નવી નવી તરકીબો સાથે પોતાને અપડેટ કરતા જ રહે છે.

વાઇ-ફાઇને પ્રાઇવેટ અને સલામત રાખવું

બને ત્યાં સુધી ઓનલાઇન શોપિંગ માટે જાહેર વાઇ-ફાઇનો ઉપયોગ ટાળવો જોઈએ. કદાચ કરવો પડે તો એ જાણીતું નેટવર્ક હોય તો જ કરવો જોઈએ અને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે વીપીએન સાથે કરવો સલામત રહે છે. વીપીએનના લીધે કોઈ તમારી માહિતીને આંતરી નહીં શકે. ઘરનું વાઇ-ફાઇ વાપરતા હો ત્યારે પણ ખાસ વીપીએનનો ઉપયોગ કરવો. તમારા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (આઇએસપી) તમે ઓનલાઇન શું જુઓ છો, શું ખરીદો છો એ બધું અને તમારી અંગત માહિતી જાણી શકે છે પણ વીપીએનથી તમારી સલામતી વધી જાય છે અને એ રીતે આઇએસપીને પણ તમે તમારી માહિતી બીજાને પહોંચાડતાં રોકી શકો છો.

જાહેર સ્થળોએ ઓનલાઇન શોપિંગ ટાળવું

આપણે બહાર હોઈએ અને ઓનલાઇન શોપિંગ કરવાની ચળ ઊપડે તો શું કરવું? પહેલી વાત તો એ કે એ જોખમ લેવું જ નહીં. પણ તેમ છતાં લેપટોપ સાથે હોય કે મોબાઇલ તો હાથવગો જ હોય અને કાફે કે ક્યાંય ફુરસતમાં બેઠા હોઈએ અને કંઈ ખરીદી કરવાની ઇચ્છા થઈ ગઈ તો ઘણાની નજર આપણા પર અનાયાસ હોય એવું બને. કોઈ ચોરીછૂપીથી પણ જોતું હોય. એનો ઉપાય એ કે ભીંત તરફ સ્ક્રીન આવે તે રીતે બેસીએ. વિશ્વાસુ સાઇટ્સ જેના પર તમારા ક્રેડિટ કાર્ડની વિગતો સ્ટોર કરેલી હોય તેનો ઉપયોગ કરવો કદાચ સલામત રહે. પણ સૌથી સલામત રસ્તો છે – ઘરે હોઈએ ત્યારે જ ઓનલાઇન શોપિંગ કરવું.

મોબાઇલથી ઓનલાઇન શોપિંગમાં સાવધાની

ડિજિટલ પેમેન્ટ કે ઇ-વોલેટ કે મોબાઇલ વોલેટની મદદથી ઓનલાઇન શોપિંગ કરવામાં એક ફાયદો એ છે કે તમારું ક્રેડિટ કાર્ડ સલામત રહે. કાર્ડ સ્કિમર્સ જેવી કાર્ડ રીડર ડિવાઇસથી ગુનાખોરો તમારા ક્રેડિટ કાર્ડની બધી જ માહિતી ચોરી શકે છે. પણ ઘણી એવી સાઇટ છે જેમાં મોબાઇલથી શોપિંગ કરો તો એમાંના વોલેટથી પૈસા ચૂકવી શકાય છે અને એમાં વન-ટાઇમ-યુઝ ઓથેન્ટિકેશન કોડની સુવિધા હોવાથી કોઈ તેને ચોરી કે બીજી વખત વાપરી શકે નહીં.

ખરીદી કરતાં પહેલાં ઓનલાઇન રિવ્યૂઝ ખાસ જોવા, બરાબર રિસર્ચ કરવું

નવી કોઈ વેબસાઇટ પરથી ખરીદી કરવાની હોય કે જાણીતી, ભરોસાવાળી સાઇટ્સ પર શોપિંગ કરવાના હો ત્યારે, બે પ્રકારના રિવ્યૂ તપાસવા બહુ જરૂરી છે. એક આપણને પસંદ પડેલી પ્રોડક્ટ વિશે, તથા બીજા, એ વેચનાર સેલર વિશના રિવ્યૂ. ફક્ત પોઝિટિવ રિવ્યૂઝ હોય તો જરા વધુ ધ્યાનથી ચકાસો. કારણ કે રિવ્યૂઝમાં પણ બનાવટ થઈ શકે છે. સાઇબર ગુનાખોરીમાં સૌથી વધુ ફરિયાદ ઓર્ડર કર્યા પછી ડિલિવરી ન મળવી કે રિફંડ ન મળવું એના વિશે હોય છે. એટલે જ અજાણી કે નવી વેબસાઇટ પરથી ખરીદતી વખતે વેચનાર વિશે અન્ય લોકોના અભિપ્રાયો જાણ્યા પછી જ ઓર્ડર આપવો.

પ્રોડક્ટનું વર્ણન ખાસ વાંચવું, કિંમતો અચૂક સરખાવવી

સાઇટ પર તમને જે પ્રોડક્ટ ખરીદવી હોય તેની નીચે તેની બધી જ વિગતો મોટા ભાગે આપેલી હોય છે. તેને ખૂબ ધ્યાનથી વાંચો. રિફર્બિશ્ડ, વિન્ટેજ, ક્લોઝ આઉટ એવા બધા શબ્દોનો અર્થ છે કે જે તે વસ્તુ નવીનક્કોર નથી. પણ તેમાં કંઈક સુધારાવધારા કરીને કે જૂની થઈ ગઈ હોય કે પછી ઓછા ભાવે વેચવાની હોય. ઘણી વાર મૂળ કિંમત કરતાં બહુ ઓછી કિંમતે બ્રાન્ડ ન્યુ વસ્તુ મળતી હોય તો ડબલ ચેક કરવું. ખાસ કરીને સેલ ચાલતા હોય ત્યારે આ બધી વિગતો પર ખાસ ધ્યાન આપવું. જે વસ્તુ ખરીદવી હોય તેની કિંમત બીજી સાઇટ્સ પર પણ સરખાવી જોવી એટલે પછી મિત્ર સાથે વાત થાય અને ખબર પડે કે એ જ વસ્તુ એને બીજી સાઇટ પરથી ઘણા ઓછા પૈસામાં મળી તો વસ્તુ ખરીદ્યાનો આનંદ ઊડી જાય.

રિફંડ પોલિસી ચકાસવાનું ન ભૂલવું

દરેક ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર જુદી જુદી પ્રોડક્ટ માટે જુદી જુદી રિટર્ન પોલિસી હોય છે. આથી આણે જે પ્રોડક્ટ ખરીદી રહ્યા છીએ તેના માટે રિટર્ન પોલિસી શું છે તે પહેલેથી જાણી લેવું જરૂરી છે. ઓનલાઇન શોપિંગ કર્યા પછી આપણને સંતોષજનક કે સાઇટ પર દર્શાવ્યા મુજબની પ્રોડક્ટ ન મળે ત્યારે આ વાત ખાસ કામ લાગે છે. એટલં ખાસ યાદ રાખવું કે પ્રોડક્ટ રિટર્ન કરવી હોય કે અન્ય કોઈ બાબતની ફરિયાદ કરવી હોય તો જે તે શોપિંગ પ્લેટફોર્મની સાઇટ કે એપ પરથી જ તેની ફરિયાદ મોકલવી.

પેમેન્ટ કરતાં પહેલાં શિપિંગ ચાર્જ જોઈ લેવા

વેબસાઇટ પર હાયર સેકન્ડરીના એક પાઠ્યપુસ્તકની કિંમત જોઈ ૧૪૦ રૂપિયા, શિપિંગ ચાર્જ હતો બીજા ૧૪૦ રૂપિયા. બીજા પાઠ્યપુસ્તક માટે પણ આવું જ. આ રીતે ઘણી વેબસાઇટ એક એક ચીજની અલગ અલગ શિપિંગ ફી ચાર્જ કરતી હોય છે. જે સરવાળે આપણને મોંઘું પડે.

આપણે ઘણી વખતે વેબસાઇટ પર જોઈએ અને એમ થાય કે આ ઘેરબેઠા એટલા જ ભાવમાં મળી જતું હોય તો શું કામ ન ખરીદી લેવું. પણ તેના શિપિંગ અને ડિલિવરી ચાર્જ ચકાસ્યા વગર ઑર્ડર કન્ફર્મ ન કરવો. આપણે વસ્તુ પસંદ કરવામાં, પછી પેમેન્ટની વિગતો ભરવામાં અને એ બધી કડાકૂટ કરીને ફટાફટ ચેકઆઉટ કરી દેતા હોઈએ છીએ, પણ જોવાની વાત એ છે કે વેબસાઇટ્સે આના માટે સ્માર્ટ રસ્તો અપનાવ્યો છે કે શિપિંગ ફીની વિગત છેક નીચે આપેલી હોય એટલે આપણું ધ્યાન ત્યાં ન જાય.

એક જ સરખી લાગતી પ્રોડક્ટ્સની કિંમત જુદી જુદી સાઇટ્સ પર અલગ અલગ હોઈ શકે છે. આવે સમયે પ્રોડક્ટ્સનાં સ્પેસિફિકેશનમાં ઊંડા ઊતરીએ ત્યારે જ તેમાંનો તફાવત સ્પષ્ટ થાય છે. પ્રોડક્ટ ‘રીફર્બિશ્ડ’ નથીને એ ખાસ તપાસવું.

‘શિફિંગ ફ્રી’ એવું હાઇલાઇટ કર્યું હોય પણ નીચે ઝીણા અક્ષરોમાં લખ્યું હોય કે આટલા રૂપિયાનો ઓર્ડર હોય તો શિપિંગ ફ્રી. અથવા તો ‘ફ્રી ડિલિવરી’ એવું જોઈને પરચેઝ કરી લઈએ પછી ખબર પડે કે એ તો એન્યુઅલ મેમ્બરશિપ ફી ભરી હોય તેમના માટે ફ્રી હતું.

ડિલિવરી ટાઇમ તપાસવો

અત્યારે તહેવારો શરૂ થયા છે એટલે સેલ અને શોપિંગ પર લોકોનો ધસારો વધવાનો એટલે જે ચીજ બહુ ડિમાન્ડમાં હોય તેની ડિલિવરી થવામાં વાર લાગી શકે છે. તેથી જ એ જોઈ લેવું કે તેમાં ઓટોમેટિક નોટિફિકેશન સિસ્ટમ છે કે નહીં, જે બતાવે કે સ્ટોક નથી કે પછી ઓછો છે. મોટા ભાગે જાણીતી કંપનીઓ ગ્રાહકને ડિલિવરીનો અંદાજિત સમયગાળો જણાવી દેતી હોય છે.

ઓર્ડરની વિગતો સાચવી રાખો

દરેક સારા ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર ઓર્ડર કર્યા પછી તરત, તેની વિગતો ધરાવતો ઈ-મેઇલ અને એસએમએસ આવી જતો હોય છે, આમ છતાં, ઓર્ડર કર્યા પછી તેનો સ્ક્રીનશોટ લઈ લેવાનું હિતાવહ છે. ખાસ કરીને તમારી પરચેઝ રિસિપ્ટ અને કન્ફર્મેશન નંબર સેવ કરી લેવાં જરૂરી છે. તમારી પ્રોડક્ટ મળી જાય ત્યાં સુધી તેને સાચવી રાખો. આ બધું તમને પ્રોડક્ટ ભળતી મળે કે રિફંડ ન મળે તો ફરિયાદ કરવામાં કામ લાગે.

(રજૂઆતઃ દામિની દેસાઈ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!