છેલ્લા થોડા સમયથી, ભારતમાં ઓનલાઇન પેમેન્ટ ખાસ્સું વેગ પકડી રહ્યું છે. આ ક્ષેત્રે નીતનવા ફેરફાર પણ થઈ રહ્યા છે. તેનાથી અપડેટેર રહેવાના સીધા ફાયદા છે!
ભારતમાં ઓનલાઇન પેમેન્ટ, ખાસ કરીને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત ઓનલાઇન પેમેન્ટને સતત વેગ મળી રહ્યો છે. સીધા એક બીજા બેન્કના ખાતામાંથી બીજી બેન્કના ખાતામાં લેવડદેવડ કરતી આ વ્યવસ્થામાં હવે જુદી જુદી ઘણી બેન્ક્સ અને ખાનગી કંપનીની એપ્સ સંકળાઈ છે. ખાસ કરીને કોરોના પ્રસાર પછી હાથના સંપર્ક વિના રકમની લેવડદેવડ કરવા બાબતે પણ લોકોમાં વધુ જાગૃતિ આવી છે.
ઉપરાંત, મોબાઇલ વોલેટથી વિપરિત, યુપીઆઇમાં વિવિધ એપ્સ એકમેક સાથે કનેક્ટેડ હોવાથી, આપણું અને વેપારીનું એક જ એપમાં એકાઉન્ટ હોવું જરૂરી નથી. આ કારણે પણ યુપીઆઇ એપનો ઉપયોગ વધી રહ્યો છે. યુપીઆઇ ઉપરાંત, બેન્કિંગ ક્ષેત્રે પણ નોંધપાત્ર ફેરફારો આવી રહ્યા છે.
આવો એ બધા પર ફટાફટ એક નજર નાખીએ…
યુપીઆઇ એપ્સ પર અંકુશ
ભારતમાં યુપીઆઇ સર્વિસનું સંચાલન કરતા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ યુપીઆઇના ઉપયોગ પર કેટલીક મર્યાદાઓ મૂકવાનો નિર્ણય કર્યો છે. આમ તો આ મર્યાદાઓ પેમેન્ટ્સ એપને લાગુ પડશે પરંતુ તેની અસર આપણને પણ થશે.
યુપીઆઇ પેમેન્ટ એપમાં કોઈ એક એપની મોનોપોલી ન સર્જાય એ માટે એનપીસીઆઇએ નિર્ણય કર્યો છે કે કોઈ પણ પેમેન્ટ એપ તેની કામગીરીના પહેલા વર્ષમાં કુલ યુપીઆઇ ટ્રાન્ઝેકશનમાં ૫૦ ટકાથી વધુ ટ્રાન્ઝેકશન કરી શકશે નહીં. બીજા વર્ષે ૪૦ ટકા અને ત્રીજા વર્ષથી ૩૩ ટકાની મર્યાદા લાગુ પડશે.
ભારતની જાહેર ક્ષેત્રની બેન્ક્સમાંથી કરોડો-અબજોની લોન લીધા પછી કેટલાય બિઝનેસ લોન ભરતા જ નથી, જેનો બધો બોજ બેન્ક અને ત્યાર પછી સામાન્ય, પ્રામાણિક નાગરિક પર આવે છે. હવે આ સ્થિતિ બદલાય એવી આશા જાગી છે.
અત્યારે ભારતમાં ગૂગલ પે, ફોનપે અને પેટીએમ સૌથી લોકપ્રિય યુપીઆઈ એપ છે. તેની સરખામણીમાં ભીમ એપ અને વિવિધ બેન્ક્સની યુપીઆઇ એપ્સ ઘણી પાછળ રહી ગઈ છે.
વોટ્સએપ પર યુપીઆઇ પેમેન્ટ્સને મંજૂરી મળ્યા પછી આ તફાવત હજી વધુ તીવ્ર બનશે. કદાચ વોટ્સએપને ધ્યાનમાં રાખીને જ, આ મર્યાદા નક્કી કરવામાં આવી હોય તેવી પણ શક્યતા છે, જેથી કોઈ એક એપ પર વધુ પડતાં યુપીઆઇ ટ્રાન્ઝેક્શન ન થાય અને એક જ એપને વધુ પડતો ફાઇનાન્શિયલ ડેટા મળે નહીં.
આપણે માટે મુશ્કેલી એ થશે કે આપણે કોઈ એક જ ફેવરિટ યુપીઆઇ એપનો ઉપયોગ કરતા હોઈએ અને તેના પરનાં ટ્રાન્ઝેક્શન તેની મર્યાદા કરતાં વધી જશે, તો પછી આપણે તેનો ઉપયોગ કરી શકીશું નહીં!
યુપીઆઇ એપ્સમાં અમુક સંખ્યામાં યૂઝર્સ રજિસ્ટ્રેશન થયા પછી નવા યૂઝરની નોંધણી પર જ અંકુશ મૂકવામાં આવે એવું પણ બની શકે છે.
કરન્ટ એકાઉન્ટ્સ ખોલવા પર અંકુશ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ કઈ વ્યક્તિ કે કંપની કઈ બેન્કમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવી શકે તેની મર્યાદાઓ નક્કી કરી છે. ઓગસ્ટ ૬, ૨૦૨૦ના રોજ રિઝર્વ બેન્કે ‘‘બેન્ક દ્વારા કરન્ટ એકાઉન્ટ ખોલવા શિસ્તની જરૂર’’ એવા શીર્ષક સાથે એક નવી નીતિ જાહેર કરી છે.
જેને પગલે ભારતમાં કાર્યરત ખાનગી અને વિદેશી બેન્કમાં ખાસ્સી નારાજગી વ્યાપી છે. રિઝર્વ બેન્કે નક્કી કર્યું છે કે એક બેન્કમાંથી લોન લેનાર વ્યક્તિ કે કંપની બીજી બેન્કમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવી શકશે નહીં. જરૂર હોય તો લોન આપનાર બેન્કમાં જ કરન્ટ એકાઉન્ટ ખોલાવી શકાશે પરંતુ બીજી બેન્કમાં નહીં. બેન્કને કરન્ટ એકાઉન્ટમાં ખાસ્સી કમાણી હોવાથી તેમને પોતાની બેન્કમાં કરન્ટ એકાઉન્ટની સંખ્યા વધે તેમાં રસ હોય છે.
રિઝર્વ બેન્કે આવી મર્યાદા મૂકવાનું કોઈ કારણ?
કારણ એ છે કે ભારતમાં સંખ્યાબંધ બિઝનેસ જાહેર ક્ષેત્રની બેન્કમાંથી લોન લીધા પછી પોતાના બિઝનેસનું અન્ય ખાનગી કે પરદેશની બેન્કમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવી લે છે. આ રીતે બિઝનેસની બધી આવક આ નવા કરન્ટ એકાઉન્ટમાં જમા કરવા લાગે છે. આ પછી આવા બિઝનેસ તેમણે જે જાહેર ક્ષેત્રની બેન્કમાંથી લોન મેળવી હોય તેમાં લોનના હપ્તા ભરવાનું બંધ કરી દે છે. બિઝનેસનું કરન્ટ એકાઉન્ટ જાહેર ક્ષેત્રની બેન્કમાં ન હોવાથી, એ બેન્કને જાણ થતી નથી કે બિઝનેસ લોન ભરપાઈ કરવા માટે આર્થિક રીતે સદ્ધર રહ્યો છે કે નહીં.
અત્યારે લોકોને નાની રકમ અને ટૂંકી મુદતની ફટાફટ લોન આપતી અનેક એપ્સ શરૂ થઈ ગઈ છે. પરંતુ આવી લોન ક્યારેક બહુ મોંઘી પડી શકે છે. હવે યુપીઆઇ એપ્સમાંથી જ, આપણી હિસ્ટ્રીના આધારે ટૂંકી લોન મળી શકશે.
બેન્કિંગ વ્યવસ્થાનું આ છીંડું પૂરવા માટે સરકારે જે બેન્કમાંથી લોન મેળવી હોય તેના સિવાય અન્ય કોઈ બેન્કમાં કરન્ટ એકાઉન્ટ ખોલવા પર પ્રતિબંધ મૂકવાનું વિચાર્યું છે. આ પગલાંથી, લાંબા ગાળે જાહેર ક્ષેત્રની બેન્કનાં લોનનાં નાણાં ડૂબવાનું પ્રમાણ ઘટશે અને તેનો ભાર, અન્ય પ્રામાણિક ખાતાધારકો પર આવશે નહીં એવી આશા રાખી શકાય.
ભારતમાં લાંબા સમયથી, સેવિંગ્સ એકાઉન્ટની સંખ્યા પર પણ અંકુશ મૂકવાની વિચારણા ચાલી રહી છે.
સ્માર્ટફોન ટેપ કરી પેમેન્ટ કરી શકાશે
જો આપણી પાસે ‘નીયર-ફીલ્ડ કમ્પ્યુનિકેશન (એનએફસી)ની સુવિધા ધરાવતું, બેન્કનું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ હોય તો આપણે આ કાર્ડને કોઈ શોપમાં કાર્ડ સ્વાઇપિંગ મશીનમાં સ્વાઇપ કરવાને બદલે, ફક્ત કાર્ડને મશીન નજીક લઈ જઈને કાર્ડથી પેમેન્ટ કરી શકીએ છીએ. વિવિધ કાર્ડ નેટવર્ક્સ આ ફીચર દર્શાવતી જાહેરાતો પણ ટીવી પર બતાવે છે.
હવે યુપીઆઇ પેમેન્ટમાં પણ આ શક્ય બનશે. અલબત્ત આપણા ફોનમાં એનએફસીની સુવિધા હોવી જોઈશે. આ રીતે, આપણે શોપ કે રેસ્ટોરાંમાં સ્વાઇપ મશીન પર આપણો સ્માર્ટફોન ટેપ કરવાનો રહેશે કે તેની તદ્દન નજીક લાવવાનો રહેશે. આથી મશીન અને સ્માર્ટફોન વચ્ચે સંપર્ક સ્થાપિત થશે. પછી જો આપણા સ્માર્ટફોનમાં એકથી વધુ યુપીઆઇ એપ્સ ઇન્સ્ટોલ કરી હશે, તો તેમાંથી કોઈ એક ઓપન કરવાનું કહેવામાં આવશે. પછી આપણે રાબેતા મુજબ, યુપીઆઇ પિન આપીને પેમેન્ટ કરવાનું કામ પૂરું કરી શકીશું.
અત્યારે આ રીતે કોન્ટેક્ટલેસ પેમેન્ટના ક્ષેત્રે વિસા, માસ્ટકાર્ડ અને રૂપે જેવા કાર્ડ નેટવર્કની મોનોપોલી છે. યુપીઆઇથી પેમેન્ટ સતત વધુ ને વધુ લોકપ્રિય બની રહ્યું છે ત્યારે એનએફસી આધારિત કોન્કેક્ટલેસ પેમેન્ટથી તેનો વ્યાપ હજી વધવાની નેશનલ પેમેન્ટ કોર્પોરેશનને આશા છે. જોકે ક્યુઆર કોડથી યુપીઆઇ અત્યંત સરળ છે જ અને ભારતમાં હજી ઘણા સ્માર્ટફોનમાં એનએફસી સુવિધા નથી એ ધ્યાને લેવા જેવું છે.
યુપીઆઇ આધારિત લોન વ્યવસ્થા
ભારતમાં લાંબા સમયથી, જરૂરિયાતમંદ લોકોને નાની રકમની લોન આપતી અનેક એપ્સ કાર્યરત થઈ છે. સામાન્ય રીતે બેન્કમાંથી લોન મેળવવી હોય તો ડોક્યુમેન્ટ્સની લાંબી વિધિ કરવી પડે, પણ એપ પરથી લોન મેળવવામાં આવી કોઈ ઝંઝટ હોતી નથી. આવી એપ્સ ટૂંકી મુદત માટે, ઓછી રકમની લોન ફટાફટ આપી દે છે, પરંતુ ઘણા કિસ્સામાં આવી લોન ખાસ્સી મોંઘી પડતી હોય છે.
આના ઉપાય તરીકે, હવે યુપીઆઇ એપ્સ તરફથી આપણને લોન મળી શકે એવી વ્યવસ્થા આવી રહી છે.
આ વ્યવસ્થા લોન આપનાર કંપની અને લોન મેળવનાર બંનેને ફાયદાકારક બની શકશે. હાલની વ્યવસ્થામાં, એક વ્યક્તિ, બીજી વ્યક્તિ સાથે યુપીઆઇ એપથી રકમની લેવડદેવડ કરે તો તેનાથી એપને કોઈ કમાણી થતી નથી. હા, જ્યારે કોઈ વેપારી યુપીઆઇ દ્વારા રકમ મેળવે ત્યારે તેની પાસેથી યુપીઆઇ એપ અમુક રકમ મેળવી શકે છે. યુપીઆઈ વ્યવસ્થા અને તેની સલામતી જાળવવી ખર્ચાળ હોવાથી, યુપીઆઇ એપને કોઈક બીજી રીતે પણ આવક થાય તે જરૂરી છે.
આથી, જો યુપીઆઇ એપ, યુપીઆઇના યૂઝરની રકમની લેવડદેવડની હિસ્ટ્રી જોઈને તેને લોન આપી શકે તો તેના વ્યાજમાંથી તેને વધારાની આવક થઈ શકે છે. બીજી તરફ, લોન મેળવવા માગતી વ્યક્તિ અજાણી લોન એપ્સમાં પડવાને બદલે, પોતે જેનાથી પરિચિત છે અને જેનો ઉપયોગ કરે જ છે, તેવી યુપીઆઇ એપ પાસેથી ફટાફટ લોન મેળવી શકશે.
મોટી રકમના ચેકમાં વધુ સલામતી
જુદાં જુદાં કારણસર ઘણા બધા લોકોને પચાસ હજારથી વધુ રકમના ચેક લખવાના થતા હોય છે. મોટો બિઝનેસ ધરાવતા અને વારંવાર મોટી રકમની આપલે કરતા લોકોને આવે સમયે પેટનું પાણી ન હલે એ સ્વાભાવિક છે, પરંતુ જે લોકોને ક્યારેક જ મોટી રકમનો ચેક લખવાનો થાય ત્યારે ચેક ગેરવલ્લે તો નહીં જાય ને તેવી ચિંતા તેમને સતાવતી હોય છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ‘પોઝિટિવ પે’ નામની એક નવી વ્યવસ્થાથી આવા લોકોની ચિંતા હળવી કરી રહી છે. આ વ્યવસ્થા અનુસાર, રૂપિયા પચાસ હજાર કે તેથી વધુ રકમનો ચેક લખનાર કોઈ પણ વ્યક્તિ આ ચેક સામેની વ્યક્તિના હાથમાં મૂકતાં પહેલાં કે પોસ્ટ-કુરિયર જેવી કોઈ પણ રીતે મોકલતાં પહેલાં ચેકનો ફોટોગ્રાફ લઇને તેને પોતાની બેન્કની મોબાઇલ એપ્લિકેશનમાં અપલોડ કરી શકશે.
આ કારણે ચેક બેનિફિશિયરીના હાથમાં જાય તે પહેલા ચેક નંબર, ચેક તારીખ, પેઈનું નામ, ખાતા નંબર, રકમ વગેરે વિગતો બેન્કને ચેક જમા થયેલા પહેલાં જ મળી જાય છે. જ્યારે બેનિફિશિયરી ચેક વટાવવા માટે તેને બેન્કમાં જમા કરે ત્યારે આ ચેકની વિગતો બેન્ક પોઝિટિવ પે વ્યવસ્થા દ્વારા તેને મળેલી વિગતો સાથે સરખાવે છે. બધું પરફેક્ટ હોય તો રકમ બેનિફિશિયરીના ખાતામાં જમા થાય છે, જો કોઈ પણ વિગતમાં અસંગતિ જણાય તો ચેક મોકલનારને પરત મોકલવામાં આવે છે.
આઇસીઆઇસીઆઈ બેન્કમાં છેક ૨૦૧૬થી કોઈ પણ રકમના ચેક માટે આવી વ્યવસ્થા અપનાવી લેવામાં આવી છે. આ વ્યવસ્થાને કારણે આપણે કોઈને ચેક મોકલીએ અને ત્યાર પછી તેમાં રકમમાં કે બીજી કોઈ પણ રીતે છેડછાડ કરીને વધુ રકમ મેળવવાનો કે બીજી કોઈ વ્યક્તિના ખાતામાં રકમ મેળવી લેવાના પ્રયાસ સામે રક્ષણ મળી શકે છે.
ખાનગી બેન્ક્સમાં યુપીઆઇ ચાર્જછેલ્લા થોડા સમયમાં તમે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) એપથી વિવિધ જગ્યાએ રૂપિયાની ચૂકવણી કરવાનું વધાર્યું હોય તો ધ્યાન આપજો – વિવિધ ખાનગી બેન્કોએ યુપીઆઇથી થતા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવાનું શરૂ કરી દીધું છે. એક તરફ, સરકારે ઓનલાઇન લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે યુપીઆઈથી થતા ટ્રાન્ઝેકશનને મફત રાખ્યું છે. બીજી તરફ યુપીઆઈ વ્યવસ્થાના ભાગરૂપ ગૂગલ પે, ફોન પે, પેટીએમ વગેરે ખાનગી કંપનીઝ પણ યુપીઆઈનો ઉપયોગ વધારવા માટે તેમાં વિવિધ ઓફર્સનો લાભ આપી રહી છે. ત્યારે ત્રીજી તરફ બેન્ક દર મહિને ૨૦ થી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેકશન પર, દરેક લેવડદેવડે અઢી થી પાંચ રૂપિયા સુધીનો ચાર્જ વસુલવા આગળ વધી રહી છે. જોકે નવા આદેશ મુજબ, કોઈ પણ બેન્ક આ રીતે ચાર્જ લઈ શકશે નહીં અને જાન્યુઆરી ૧, ૨૦૨૦થી વસૂલ કરેલા ચાર્જ પરત કરવા પડશે. |

