ઇન્ટરનેટની દુનિયા વ્યક્તિગત નિશાન તાકીને કરાતી જાહેરાતોથી ચાલે છે – એપલે તેના મૂળમાં જ તીર માર્યું છે અને હવે વાતમાં ઢીલ મૂકી, તેનો અમલ આવતા વર્ષ પર નાખ્યો છે.
આજકાલની સ્થિતિમાં આમ કરવું બહુ સહેલું નથી, છતાં માની લો કે તમે હાથમાં થેલી લઈને મોજથી બજારે જવા માટે ઘરની બહાર નીકળ્યા. એ સાથે અચાનક કોઈ વ્યક્તિ બાજુમાં ટપકી પડી અને કહેવા લાગી કે એ તમારો પડછાયો બનીને બજારમાં બધે જ તમારી સાથે સાથે ચાલશે. એટલું જ નહીં તમે બજારમાં જે કંઈ કરશો એ બધું જ એ જોશે – તમે કયા ભાવે કેટલાં અને કયાં શાકભાજી ખરીદ્યાં, રસ્તામાં કોને કોને હાય હલ્લો કર્યું, કોની સામે તાકીને જોઈ રહ્યા, દવાની દુકાનેથી કઈ દવાઓ ખરીદી, કઈ જાહેરાતોના હોર્ડિંગ તરફ બે મિનિટથી વધુ સમય તાકી રહ્યા, ચાની કિટલીએ ચા પીવા ઊભા રહ્યા ત્યારે ચામાં ખાંડ ન નાખવા કહ્યું કે દોઢી ખાંડ નાખવા કહ્યું… વગેરે બધું જ પેલી, ધરાર તમારો પડછાયો બનવા માગતી વ્યક્તિ જોવા અને જાણવા માગે છે.
તમે એને એમ કરવા દેશો? દેખીતું છે કે તમે તેનો હાથ ઝાટકી નાખશો અને એ વ્યક્તિને એક ડગલું પણ તમારી સાથે ન ચાલવા માટે કહેશો.
હવે પેલી વ્યક્તિ પોતાનો પેંતરો બદલશે. એ તમને કહેશે કે તમે તેને સાથે ચાલવા દેશો અને બધું જોવા દેશો તો એ તમને, તમે જે ટામેટાં ૮૦ રૂપિયે કિલો ખરીદ્યાં તે ૫૦માં અપાવશે. તમારા ફેવરિટ સલૂનમાં જ્યાં તમે ૨૫૦ રૂપિયામાં વાળ કપાવો છો ત્યાં તમને ૧૫૦ રૂપિયામાં ડીલ કરાવી આપશે. હવે કદાચ તમારો ગુસ્સો પીગળવા લાગશે અને તમે પેલી વ્યક્તિને તમારી સાથે ચાલવાની છૂટ આપી દેશો.
સ્માર્ટફોન આપણી સાથે રોજે રોજ આવું જ કરે છે. બે લાભની લાલચ આપીને તે આપણી દસ વાતો જાણી લે છે. આવું તે કઈ રીતે કરે છે એની વાત આપણે આ લેખમાં આગળ કરીશું, પણ પહેલાં એ જાણવા જેવું છે કે ઇન્ટરનેટમાં વર્ષોથી જે ચાલી રહ્યું છે એમાં હવે ધરમૂળથી પરિવર્તન આવવાની શક્યતા છે.
હમણાં એપલ કંપનીએ તેની ઓપરેટિંગ સિસ્ટમ આઇઓએસના વા ૧૪માં વર્ઝનનું ડેવલપર વર્ઝન લોન્ચ કર્યું તેમાં આપણી પ્રાઇવસી સંબંધિત કેટલાક ધરખમ ફેરફારો કર્યા છે.
સ્માર્ટફોનમાં એક ચોક્કસ પ્રકારના એડવર્ટાઇઝિંગ આઇડીથી આપણી દરેક ગતિવિધિનું પગેરું દબાવવામાં આવે છે. આ વાત અત્યાર સુધી ‘ઓપન સિક્રેટ’ હતી. એપલે હવે, દરેક એપે આ માટે સ્પષ્ટ મંજૂરી માગવી પડે એવું વલણ અપનાવ્યું છે.
‘સાયબરસફર’માં આપણે અગાઉ વાત કરી ગયા છીએ તેમ આપણા સ્માર્ટફોનમાંની બધી એપ આપણે ક્લિપબોર્ડમાં જે કંઈ કોપી કરીએ એ બધું વાંચતી હોય છે અને હવે એપલે આપણને એ બતાવવાનું પણ શરૂ કર્યું છે.
આઇઓએસના આ નવા વર્ઝનમાં એથી પણ મોટો ફેરફાર એડવર્ટાઇઝિંગ ટ્રેકિંગને લગતો છે.
છેલ્લા ઘણા વખતથી જો તમે ટીવી પર આઇફોનની જાહેરાતો ધ્યાનથી જોઈ હશે તો તમે માર્ક કર્યું હશે કે એપલ તેનો આઇફોન આપણી પ્રાઇવસી માટે બહેતર હોવાનું સતત ગાઇ વગાડીને કહે છે.
તેની લેટેસ્ટ જાહેરાતમાં, લોકો પોતાની અંગત વાતો ગાઇવગાડીને બીજાને કહેતા હોય એવું દર્શાવવામાં આવ્યું છે અને પછી એન્ડ્રોઇડનું નામ લીધા કહેવામાં આવે છે કે તમે આ જ રીતે તમારા સ્માર્ટફોનમાં તમારી અંગત વાતો બીજાને કહેતા ફરો છો – એપલમાં આવું થયું નથી!
આ ફક્ત માર્કેટિંગનો મુદ્દો નથી. એન્ડ્રોઇડ કરતાં આઇફોનમાં આપણી પ્રાઇવસીને વધુ સારી રીતે જાળવી શકાય છે એ હકીકત છે.
હવે આઇઓએસના નવા વર્ઝનથી એપલે આપણી પ્રાઇવસીને હજી વધુ મજબૂત બનાવી છે પરંતુ તેનાં એ પગલાંને કારણે ઓનલાઇન એડવર્ટાઇઝિંગની દુનિયામાં રીતસર ભૂકંપ આવી ગયો છે.
એપલના આ પગલાંથી ઓનલાઇન એડવર્ટાઇઝિંગની દુનિયામાં રીતસર જબરો ખળભળાટ કેમ મચી ગયો છે એ સમજવા માટે આપણે ઓનલાઇન એડવર્ટાઇઝિંગ કેવી રીતે ચાલે છે એ સમજવું જરૂરી છે. છે.
ઓનલાઇન એડ્સ અલગ કેમ?
પરંપરાગત જાહેરાતો કરતાં ઓનલાઇન એડવર્ટાઇઝિંગ કઈ રીતે જુદું પડે છે એ સમજવા માટે એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ બિલ્ડરે બે-અઢી કરોડના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ લોન્ચ કરી છે. તેની જાહેરાત માટે તેમણે શહેરમાં મોકાની જગ્યાએ હોર્ડિંગ્સ ભાડે લીધાં છે. સ્વાભાવિક છે કે તેમના હોર્ડિંગ્સ પર જેટલા લોકોની નજર પડશે એ બધા તેમના સંભવિત ગ્રાહકો નહીં હોય. સાઇકલ પર, સ્કૂટર પર કે નાની કારમાં પસાર થતા લોકો આ હોર્ડિંગ જોશે ખરા પરંતુ એ લોકો બે- અઢી કરોડના ફ્લેટ માટે તપાસ કરતો ફોન ક્યારેય કરવાના નથી. આમ બિલ્ડર એક સાથે અસંખ્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે, પરંતુ તેમાંથી તેમના સંભવિત ગ્રાહક ખરેખર ગણ્યાગાંઠ્યા જ હશે.
હવે માની લો કે જાહેરાતનું બોર્ડ કોઈ સ્માર્ટ ટેકનોલોજીથી બન્યું છે. રસ્તા પર પ્રમાણમાં કોઈ મોંઘી કાર પસાર થતી દેખાય ત્યારે જ એ હોર્ડિંગ પર બિલ્ડરની જાહેરાત ઝબકે તો? હજી આગળ વધીને કહી શકાય કે હોર્ડિંગ સામેથી કોઈ એવી વ્યક્તિ પસાર થાય જેણે છેલ્લા પાંચ-છ દિવસમાં જુદી જુદી સ્કીમમાં ફ્લેટ ખરીદવા માટે તપાસ કરી હોય ત્યારે જ આપણા બિલ્ડરને, એ વ્યક્તિને પોતાનું હોર્ડિંગ બતાવવાની તક મળે તો? દેખીતું છે કે એ હોર્ડિંગની અસરકારકતા અનેકગણી વધી જાય.
હજી એક નવી વાત. હોર્ડિંગ માટે આખા મહિનાનું નિશ્ચિત ભાડું ચૂકવવાને બદલે જેટલી વાર સૌથી વધુ સંભવિત ગ્રાહક સામે દેખાય એટલી ક્ષણો માટે જ હોર્ડિંગ ઓન થાય અને એટલા સમયનું જ ભાડું બિલ્ડરે ચૂકવવાનું હોય તો? અથવા હોર્ડિંગ બતાવવા માટે નહીં, પરંતુ કોઈ સંભવિત ગ્રાહક હોર્ડિંગ જોઈને ફ્લેટ વિશે પૂછપરછ કરતો ફોન કરે તો જ બિલ્ડરે એટલા પ્રમાણમાં હોર્ડિંગનું ભાડું ચૂકવવાનું હોય તો?
બિલ્ડર એક મહિનામાં પોતાની સ્કીમનું હોર્ડિંગ ઉતારી લેવાને બદલે છ-આઠ મહિના સુધી આ નવી રીતે જાહેરાત કરવા તૈયાર થઈ જાય કે નહીં?!
આવું કઈ રીતે થાય છે?
આગળ આપણે જે ‘સ્માર્ટ’ હોર્ડિંગની કલ્પના કરી તે ત્યારે જ શક્ય બને જ્યારે એ હોર્ડિંગને બરાબર ખબર પડે કે તેની સામે સાયકલ પર કોઈ વ્યક્તિ પસાર થઈ કે પછી મોંઘી એસયુવીમાં.
ઓનલાઇન એડવર્ટાઇઝિંગમાં આખી રમત ટાર્ગેટ ઓડિયન્સને વધુમાં વધુ સચોટ રીતે જાણવા વિશેની છે. આ માટે ઇન્ટરનેટ પર સક્રિય તમામ લોકોની ઝીણવટભરી માહિતી એકઠી કરીને તેના આધારે મહાભારતના અર્જુનની જેમ આપણા પર જાહેરાતનું સચોટ નિશાન તાકવામાં આવે છે. જે કંપની જાહેરખબર આપનારને આવું નિશાન તાકવામાં વધુમાં વધુ મદદ કરી શકે છે એ બીજા કરતાં વધુ કમાય છે.
આપણે ગૂગલ, ફેસબુક વગેરે કંપનીને ટેકનોલોજી કંપની તરીકે ઓળખીએ છીએ, જે આપણને વિવિધ પ્રકારની સર્વિસિસ મોટા ભાગે તદ્દન મફત આપે છે. પરંતુ વાસ્તવમાં આ બધી જ એડવર્ટાઇઝિંગ કંપની છે કારણ કે તેમની ૯૦ ટકા સુધીની આવક એડવર્ટાઇઝિંગમાંથી જ થાય છે (જુઓ આગળના લેખમાં આંકડાકીય માહિતી).
થોડાં વર્ષ પહેલાં સુધી આપણા વિશેની માહિતી મેળવવાની પદ્ધતિ થોડી જુદી હતી. ઇન્ટરનેટ પર વિવિધ વેબસાઇટ્સ પર જાહેરાત આપતી કંપની કે એડવર્ટાઇઝિંગ નેટવર્ક એ વેબસાઇટ દ્વારા આપણા બ્રાઉઝરમાં ‘કૂકીઝ’ ઇન્સ્ટોલ કરતી હતી (હજી પણ કરે છે). તેની મદદથી આપણે જે તે વેબસાઇટ વિઝિટ કર્યા પછી તેના પર અને ત્યાંથી આગળ બીજી વેબસાઇટમાં જે કંઈ કરીએ તેની રજેરજની નોંધ રાખવામાં આવતી હતી.
કૂકીઝ ઉપરાંત સ્માર્ટફોનમાંની મોટા ભાગની એપ આપણો મોબાઇલ નંબર, ઇ-મેઇલ એડ્રેસ, ડિવાઇસ નંબર (આઇએમઇઆઇ), સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ (એન્ડ્રોઇડ કે આઇઓએસ) વગેરે ઘણા પ્રકારની માહિતી એકઠી કરતી હોય છે. આ બધી બાબત ‘આઇડેન્ટિફાયર્સ’ છે એટલે કે તેના આધારે આપણી ઓળખ છતી થઈ શકે છે અને તેને સંબધિત, ઇન્ટરનેટ પરની બધી પ્રવૃત્તિને ગ્રૂપ કરી, તેમાંથી તારણો કાઢી શકાય છે.
એપલની પોતાની આવકમાં જાહેરખબરથી થતી આવકનો મોટો હિસ્સો નથી, પરંત ગૂગલ, ફેસબુક તેના પર જ ચાલે છે. એપલના પગલાથી આ કંપનીને અને અન્ય ઘણા પ્રકારના બિઝનેસને મોટો ફટકો પડી શકે છે. અત્યારે એપલ તેમના દબાણમાં આવી હોય તેવું લાગે છે.
આ રીતે આપણી માહિતી હજી પણ એકઠી થાય જ છે, પરંતુ તેના વિશે લોકોમાં જાગૃતિ ને વિરોધ બંને વધતાં જાય છે. જુદા જુદા આઇડેન્ટિફાયરથી મળતી માહિતીને કારણે એડવર્ટાઇઝિંગ નેટવર્ક કંપની માટે ઘણી ગૂંચવણો પણ પેદા થતી હતી.
આ બંને વાતનો ઉકેલ લાવવા માટે, સ્માર્ટફોનની દુનિયા પર રાજ કરતી મુખ્ય બે કંપની ગૂગલ અને એપલે વર્ષ ૨૦૧૩થી પોતાનાં સેટિંગ્સમાં ‘એડવર્ટાઇઝિંગ ટ્રેકિંગ આઇડી’ નામની એક નવી વ્યવસ્થા ઉમેરી. વાસ્તવમાં આ બંને કંપનીએ આપણી પ્રવૃત્તિઓ ટ્રેક કરવાની પદ્ધતિને આ રીતે હજી વધુ ધારદાર બનાવી.
એપલ તેની વ્યવસ્થાને ‘એપલ આઇડી ફોર એડવર્ટાઇઝિંગ (આઇડીએફએ)’ તરીકે ઓળખાવે છે જ્યારે ગૂગલ તેને ‘એન્ડ્રોઇડ એડવર્ટાઇઝિંગ આઇડી’ અથવા ‘ગૂગલ એડવર્ટાઇઝિંગ આઇડી (જીએઆઇડી)’ તરીકે ઓળખાવે છે. દરેક ડિવાઇસ માટે તે યુનિક હોય છે. વાસ્તવમાં દરેક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ આવા અલગ અલગ એડવર્ટાઇઝિંગ આઇડી ધરાવે છે.
કૂકીઝ જુદી જુદી એપ્સ અને વેબસાઇટ્સ પ્રમાણે બદલાય છે, પરંતુ આપણો એડવર્ટાઇઝિંગ આઇડી બધી જ જગ્યાએ એકનો એક રહે છે.
આ પ્રકારની વિશેષ આઇડીને કારણે ઇન્ટરનેટ પર વિવિધ વેબસાઇટ્સ કે એપ્સમાં આપણે જે કંઈ કરીએ તેનું પૂરેપૂરું ટ્રેકિંગ કરવું એડવર્ટાઇઝિંગ નેટવર્ક માટે બિલકુલ સરળ બની જાય છે.
આ માહિતીને આધારે એડવર્ટાઇઝિંગ નેટવર્ક નક્કી કરે છે કે જે તે વ્યક્તિને કઈ જાહેરાત બતાવવાથી એ વ્યક્તિ એ જાહેરાતને આધારે ખરીદી કરે એવી પૂરેપૂરી શક્યતા છે. એક જ વેબસાઇટ બે અલગ અલગ વ્યક્તિ એક જ સમયે જોતી હોય, તો પણ બંનેને જાહેરાતો જુદી જુદી દેખાતી હોય છે.
ઇન્ટરનેટનું સમગ્ર અર્થતંત્ર અત્યાર સુધી આવા પર્સનલાઇઝ્ડ એડવર્ટાઇઝિંગને કારણે જ ચાલતું રહ્યું છે. એ જ કારણે વિવિધ ટેકનોલોજી કંપની આપણને અનેક પ્રકારની સર્વિસ મફતમાં આપી શકે છે.
એપલે શું ફેરફાર કર્યો?
એપલે તેના નવા વર્ઝનથી યૂઝરને એવી તક આપી છે કે તેઓ પોતાનું ટ્રેકિંગ થવા દેવા ઇચ્છે છે કે નહીં તે સ્પષ્ટ કહી શકે. અત્યાર સુધી આવો અંકુશ આપણને આપવામાં આવ્યો હતો ખરો, પરંતુ તે આપણી નજર બહાર રહે એ વાતની કાળજી રાખવામાં આવી હતી. તમે જ કહો – મોબાઇલ તમારું ટ્રેકિંગ કરે છે એ તો તમે જાણો છો પણ આવો કોઈ ચોક્કસ ટ્રેકિંગ આઇડી હોય છે એ વિશે તમે જાણતા હતા ખરા?). જેમ કોઈ નવી એપ ઇન્સ્ટોલ કરતાં તે આપણી પાસે વિવિધ પ્રકારની પરમિશન માગે છે, બરાબર એ જ રીતે, એપલના ડિવાઇસમાં હવે એપ આપણું ટ્રેકિંગ કરે કે નહીં તેવી સ્પષ્ટ પરમિશન માગવામાં આવશે. ઓનલાઇન એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીને ભય છે કે આ રીતે લોકોને સ્પષ્ટપણે પૂછવા જતાં મોટા ભાગના લોકો તેની ટ્રેકિંગની પરમિશન ન આપવાનું પસંદ કરશે. થોડા સમય પહેલાં એપલે યૂઝર્સને તેમના લોકેશન ડેટા શેર કરવા વિશે સ્પષ્ટપણે પૂછવાનું શરૂ કર્યું ત્યારે મોટા ભાગના લોકોએ નનૈયો ભણી દીધો હતો.
આ રીતે એપલમાં બહેતર પ્રાઇવસી મળવા લાગે તો છેવટે ગૂગલ અને ફેસબુક દબાણમાં આવે. બીજી તરફ, લોકો ટ્રેકિંગની પરમિશન આપવાનું નકારવા લાગે તો અત્યાર સુધી ઓનલાઇન એડવર્ટાઇઝિંગની જે તોતિંગ ઇમારત ચણાઈ છે તેનો મૂળ પાયો જ હલબલી જાય. આ બધી જાયન્ટ કંપની જાહેરખબરની આવકે જ વિરાટ બની હોવાથી તે સહેલાઇથી આ આવક જતી કરે તેમ નથી. આથી એપલ પર આ નવી વાતનો અમલ ન કરવા માટે સખત દબાણ હતું. હવે સપ્ટેમ્બર મહિનામાં એપલે જાહેર કર્યું છે કે તે ડેવલપર્સને સમય આપવા માગે છે અને તેથી અમલ આવતા વર્ષે થશે! આગળના લેખમાં તમે જોશો તેમ, ગૂગલ-ફેસબુકની લગભગ બધી જ આવક જાહેરખબરોમાંથી છે અને એમાંય મોટો હિસ્સો એપલના યૂઝર્સ તરફથી છે, જ્યારે એપલની આવકનો નાનો અંશ જાહેરખબરમાંથી છે. આપણને પ્રાઇવસી આપવી એપલને પોસાય તેમ છે અને હરીફો ભીંસાય તે વધારાનો લાભ!
આપણને કેવી રીતે નિશાન બનાવવામાં આવે છે?એડવર્ટાઇઝિંગ નેટવર્ક આપણને કેવી રીતે ટ્રેક કરે છે?ઇન્ટરનેટ અને એપમાંની આપણી પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે જુદા જુદા ઘણા પ્રકારના આઇડેન્ટિફાયર (આપણી ઓળખ નિશ્ચિત કરી શકે તેવી બાબતો)નો ઉપયોગ કરવામાં આવે છે. આપણો મોબાઇલ નંબર, સિમકાર્ડ નંબર, ડિવાઇસ આઇડી, ઇ-મેઇલ એડ્રેસ વગેરે બાબતોનો મુખ્ય આઇડેન્ટિફાયર તરીકે ઉપયોગ થાય છે. એડવર્ટાઇઝિંગ આઇડી શું છે?
આપણે પોતાનો એડવર્ટાઇઝિંગ આઇડી જોઈ શકીએ?
એપલમાં પણ આ પ્રકારની સુવિધા છે. હવે તેમાં આવી મંજૂરી ઘણી વધુ સ્પષ્ટ રીતે યૂઝર પાસેથી માગવામાં આવશે. ઓનલાઇન એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી આ જ વાતે બરાબર અકળાઈ ઊઠી છે. આ રીતે જાહેરાતો બંધ થતી નથી, માત્ર પર્સનલાઇઝ્ડ એડ્સ બંધ થાય છે. આઇડી ડિલીટ કરી શકાય?ના. આપણે માત્ર ‘ઓપ્ટ આઉટ’ કરી શકીએ એટલે કે તેનો ઉપયોગ ન કરવામાં આવે તેવું જણાવી શકીએ. અલબત્ત એમ કરવાથી આપણને જાહેરાત બતાવવાનું બંધ થતું નથી માત્ર આપણા પ્રોફાઇલને આધારે પર્સનાલાઇઝ્ડ એડ બતાવવાનું બંધ થાય છે. વધુ ને વધુ લોકો પોતાનું ટ્રેકિંગ બંધ કરે તો શું થાય?આ લાખ રૂપિયાનો નહીં, અબજો ડોલરનો સવાલ છે! ઇન્ટરનેટનું સમગ્ર અર્થતંત્ર પર્સનલાઇઝ્ડ કે ટાર્ગેટેડ એડવર્ટાઇઝિંગ પર જ ચાલે છે. અત્યારે વિવિધ કંપનીને ઇન્ટરનેટ પર જાહેરાત આપવામાં રસ પડે છે, કારણ કે તેને ખબર છે કે તેની જાહેરાત, તેની પ્રોડક્ટમાં ખરેખર ઊંડો રસ ધરાવતી અને પ્રોડકટ ખરીદી શકતી વ્યક્તિ જ જોઈ રહી છે, મોબાઇલ પર ટાઇમ પાસ કરી રહેલું કોઈ છોકરું નહીં. ઉપરાંત, ટ્રેકિંગને કારણે રીટાર્ગેટિંગ પણ શક્ય બને છે. એટલે કે કોઈ સાઇટ પર આપણે કોઈ પ્રોડક્ટનું પેજ જોઈએ, પણ ખરીદી કરીએ નહીં તો બીજી સાઇટ્સ પર આપણો પીછો કરી તેમાં ડિસ્કાઉન્ટ્સ ઓફર કરવામાં આવે છે. ટ્રેકિંગ બંધ થાય તો આ પ્રકારનું ટાર્ગેટિંગ કે રીટાર્ગેટિંગ બંધ થઈ જાય. આમ ઓનલાઇન એડવર્ટાઇઝિંગનો મૂળ આધાર જ તૂટી પડે. એપલું બધું ફોકસ યૂઝર્સની પ્રાઇવસી પર છે, પણ એ દિશામાં બહુ આગળ વધવા જતાં, ઓનલાઇન એડવર્ટાઇઝિંગનું આખું તંત્ર ખોરવાઈ જવાનો ડર છે. અત્યારે તો એપલે આ વાતનો અમલ આવતા વર્ષ સુધી ટાળી દીધો છે. |


એપલ અને ગૂગલ કંપનીએ દરેક સ્માર્ટફોનને એક આગવો એડવર્ટાઇઝિંગ આઇડી આપવાનું શરૂ કર્યું છે. જેમ પાન નંબરથી સરકાર આપણી વિવિધ નાણાકીય બાબતોનું પગેરું પકડી શકે છે, એ રીતે આ આઇડીથી કંપની ઇન્ટરનેટ અને વિવિધ એપ્સમાં આપણે જે કંઈ કરીએ, તેને આધારે આપણા ગમા-અણગમા, અન્ય બાબતો ધરાવતી અત્યંત વિગતવાર એડ પ્રોફાઇલ તૈયાર કરે છે. આ વિગતોનું વિશ્લેષણ કરીને આપણને કઈ જાહેરાત બતાવવી એ નક્કી કરવામાં આવે છે. વિશ્વમાં અત્યારે અઢી અબજથી વધુ એક્ટિવ એન્ડ્રોઇડ ડિવાઇસ છે. એ દરેકના આગવા એડ આઇડીની મદદથી ગૂગલે માત્ર પાછલા એક વર્ષ (૨૦૧૯)માં ૧૩૫ અબજ ડોલર જેટલી કમાણી કરી હતી.
હા, ચોક્કસ એન્ડ્રોઇડમાં તમે ગૂગલના સેટિંગ્સમાં જઈ, તેમાં એડ્સ પર ક્લિક કરી પોતાનો એડવર્ટાઇઝિંગ આઇડી જોઈ શકો છે. અહીં તમે ઇચ્છો તો એવું સેટિંગ કરી શકો છો કે ફોનમાંની એપ તમારા એડવર્ટાઇઝિંગ આઇડીનો ઉપયોગ ન કરે, તમારો એડ પ્રોફાઇલ ન તૈયાર કરે અને તમને પર્સનલાઇઝ્ડ એડ પણ ન બતાવે.