ઇન્સ્ટાગ્રામની એન્ડ્રોઇડ અને આઇઓએસ એપમાં ખામીને કારણે હેકર યૂઝરના એકાઉન્ટ પર પૂરો કબજો જમાવી શકતા હતા એવું બહાર આવ્યું છે. હેકર તેના ટાર્ગેટને ખાસ રીતે તૈયાર કરેલી એક ઇમેજ વોટ્સએપ જેવા અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ કે ઇ-મેઇલ દ્વારા મોકલતા હતા.
જો ટાર્ગેટ તે ઇમેજ ઓપન કરે તો તેનાથી ઇન્સ્ટાગ્રામમાંની બગને એક્ટિવેટ થતી હતી. આવું થયા પછી હેકર તેનો ટાર્ગેટ ઇન્સ્ટાગ્રામ એપનો ઉપયોગ ન કરી શકે એવું કરી શકતા હતા અથવા ટાર્ગેટને ખબર પણ ન પડે એ રીતે તેના મોબાઇલ ડિવાઇસ મારફત તેની જાસૂસી કરી શકતા હતા.
ઇન્સ્ટાગ્રામ એપ ફોનમાંના કોન્ટેક્ટ્સ, સ્ટોરેજ, લોકેશન, કેમેરા, માઇક્રોફોન વગેરે લગભગ બધા પ્રકારના રિસોર્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપતી હોવાથી હેકરને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કંટ્રોલ મળ્યા પછી ફોનમાંની બીજી બાબતોનો ઉપયોગ કરવો કે ચોરી કરવી સરળ બની જતું હતું. ફેસબુકે ખામી સુધારી લીધી હોવાનો અને તેનો કોઈ હેકરે દુરુપયોગ કર્યો હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું ન હોવાનો દાવો કર્યો છે.

