(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરેસ્ટિંગ છે પિન્ટરેસ્ટ!

તમારા રસના વિષયોમાં ઊંડા ઊતરવા કામની છે આ અલગ પ્રકારનું સોશિયલ મીડિાય પ્લેટફોર્મ. ગૂગલે તેના વિકલ્પ રૂપે ‘કીન’ નામની સર્વિસ લોન્ચ કરી છે, પણ અહીં જાણીએ પિન્ટરેસ્ટ વિશે.

સોશિયલ મીડિયાની વાત નીકળે એટલે આપણી વાત હરીફરીને ફેસબુક, ટવીટર, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ પર આવીને અટકે, પણ આપણી ડિજિટલ લાઇફને મજાની બનાવવામાં બીજી ઘણી – અને જુદા જુદા પ્રકારની – સોશિયલ સાઇટ્સનો પણ મોટો ફાળો છે, જેમ કે પિન્ટરેસ્ટ (https://in.pinterest.com/)!

બની શકે કે તમે પિન્ટરેસ્ટનું ફક્ત નામ સાંભળ્યું હોય, પણ એ એક્ઝેક્ટલી કેવી રીતે કામ કરે છે એની ગૂંચવણ અનુભવતા હશો, અથવા પિન્ટરેસ્ટનો ઉપયોગ શરૂ કરી દીધો હોય, પણ એનો પૂરો લાભ ન લેતા હો.

આ પિન્ટરેસ્ટ ફેસબુક કે વોટ્સએપ કરતાં જરા જુદા પ્રકારની સોશિયલ સર્વિસ છે.

ફેસબુક કે ટવીટરમાં આપણે નજીકના મિત્રો કે સ્વજનો સાથે જોડાઈએ અને પછી એમની સાથે આપણા રસના વિષયોની ચર્ચા ચાલે. જ્યારે પિન્ટરેસ્ટમાં આ ક્રમ બિલકુલ ઉલટાઈ જાય છે. એમાં પહેલાં આપણા રસના વિષય, આપણે પોતે નક્કી કરીએ છીએ ને પછી તેની સાથે સંકળાયેલા લોકો સાથે જોડાઈએ છીએ.

જોકે પિન્ટરેસ્ટમાં બીજા લોકો સાથે વાતચીત ન કરવી હોય અને ફક્ત પોતાના રસના વિષયો વિશે અવનવું જાણવા પૂરતા આપણે સીમિત રહેવું હોય તો એ પણ શકય છે.

ટૂંકી વાત એટલે કે તમને રેસિપી, ગાર્ડનિંગ, શોપિંગ, લર્નિંગ, ટેક્નોલોજી વગેરે દુનિયાના લગભગ કોઈ પણ વિષયમાં રસ હોય, તો આ વિષયોમાં આગળ વધવામાં પિન્ટરેસ્ટ તમને બહુ ઉપયોગી થઈ શકે છે.

હાલની મોટા ભાગની સર્વિસની જેમ, પિન્ટરેસ્ટનો આપણે પીસી કે લેપટોપમાં અથવા સ્માર્ટફોનમાં એપ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિ પોતાના ફેસબુક કે ગૂગલ એકાઉન્ટની વિગતોથી અથવા ઈ-મેઇલ અને નવો પાસવર્ડ નક્કી કરીને પિન્ટરેસ્ટમાં જોડાઈ શકે છે.

પિન્ટરેસ્ટનો પૂરો લાભ લેવા માટે આપણે પહેલાં તો તેનો કન્સેપ્ટ બરાબર સમજવો પડે.

પિન્ટરેસ્ટનો આખો આઇડિયા ફોટોગ્રાફ્સ પર આધારિત છે. પિન્ટરેસ્ટ સાથે જોડાયેલા લોકો ઇન્ટરનેટ પર જુદી જુદી સાઇટ્સ પર તેમને જે લેખ સારો લાગે, તેની સાથે મૂકાયેલી ઇમેજને પિન્ટરેસ્ટમાં ‘પિન’ કરી શકે છે, એટલે કે પિન્ટરેસ્ટમાં ઉમેરી શકે છે. ઇમેજ સાથે તે વેબપેજની લિંક પણ પિન્ટરેસ્ટમાં ઉમેરાઈ જાય. જેને તમે જુદા જુદા વિષય મુજબ પિન્ટરેસ્ટમાં જોઈ શકો.


પિન્ટરેસ્ટની લોકપ્રિયતા દુનિયાભરમાં જબરજસ્ત વધ્યા પછી હવે તો જગત આખાના બિઝનેસીઝ પણ તેનો લાભ લેવા માટે પિન્ટરેસ્ટમાં કૂદી પડ્યા છે.

આપણે પણ, પિન્ટરેસ્ટમાં જોડાયા પછી ઇન્ટરનેટ પર આપણા રસનું જે કંઈ દેખાય એને એક ઠેકાણે સાચવી લેવા માટે પિન્ટરેસ્ટમાં મોકલી શકીએ છીએ, હવે મોટા ભાગની સાઇટ્સ પર આ રીતે પિન્ટરેસ્ટમાં શેરિંગની સગવડ હોય છે.

માની લો કે તમને જાતભાતની રેસિપીઝમાં રસ છે. તમે અવારનવાર જુદા જુદા શેફના બ્લોગ્સ પર કે તેમની વીડિયો ચેનલ્સ પર આંટાફેરા લગાવો છો. એ બધા પરની રેસિપીઝમાંથી અમુકમાં તમને ખાસ રસ પડી જાય, તો તેને તમે પિન્ટરેસ્ટમાંના તમારા એકાઉન્ટમાં મોકલી શકો.

હવે મજા જુઓ. આપણા પિન્ટરેસ્ટમાં આ રીતે જુદી જુદી ઇમેજની પિન એકઠી થાય, એ બધીને આપણે જુદાં જુદાં બોર્ડ્સમાં ગોઠવી શકીએ. જેમ કે તમને રેસિપી સાથે ગાર્ડનિંગમાં પણ રસ હોય, તો બંને માટે તમે બે જુદાં જુદાં બોર્ડ બનાવીને, જે તે ઇમેજને તેના સંબંધિત બોર્ડમાં મોકલી શકો.

આ બોર્ડને તમે પ્રાઇવેટ અથવા પબ્લિક રાખી શકો. એટલે કે રેસિપી અને ગાર્ડનિંગની ટીપ્સ તમને બધા સાથે શેર કરવામાં વાંધો ન હોય, પણ તમે પોતાના કે કઝીનના લગ્નપ્રસંગે ખરીદી માટે ઇન્ટરનેટ પર જુદી જુદી ચીજવસ્તુ પસંદ કરીને તેને પિન્ટરેસ્ટમાં મોકલી હોય, તો તેને શોપિંગના અલગ બોર્ડમાં મોકલીને તે બોર્ડને પ્રાઇવેટ રાખી શકો, જેથી બીજું કોઈ તેમાંની ઇમેજીસ કે લિંક્સ જોઈ ન શકે.

બસ, પિન્ટરેસ્ટનો મૂળ કન્સેપ્ટ આટલો જ છે.

પોતાના અંગત રસના વિષયોને લગતી સામગ્રી પ્રાઇવેટ બોર્ડ્સમાં જમા કરતા રહો અને જે બાબતો માટે ગમતાંનો ગુલાલ કરવા માગતા હો તેને પબ્લિક બોર્ડસમાં ઠાલવતા રહો.

પિન્ટરેસ્ટને ખરેખર ઇન્ટરેસ્ટિંગ બનાવે છે, ગમતાંનો આ રીતે ગુલાલ કરવાની લોકોની પ્રવૃત્તિ. તમે પિન્ટરેસ્ટમાં લોગ-ઇન થયા પછી તેના સર્ચ બોક્સમાં રસના વિષય લખો, જેમ કે પંજાબી રેસિપીઝ, તો એ વિષયની બીજા અનેક લોકોએ પોતાના પબ્લિક બોર્ડ્સમાં સેવ કરેલી અનેક ઇમેજીસ જોવા મળે.

પિન્ટરેસ્ટ ઇમેજ આધારિત છે એ તેનું વધુ એક રસપ્રદ પાસું છે. મસ્ત મસાલેદાર છોલે કે દાલ મખ્ખનીની ઇમેજ જોતાંવેંત આપણને તેને વિશે વધુ જાણવાની ચટપટી થઈ આવે. પિન્ટરેસ્ટમાં પિન થયેલી દરેક ઇમેજ આપણને તેના મૂળ સ્રોત, એટલે કે મૂળ વેબસાઇટના પેજ સુધી દોરી જઈ શકે છે.

તમે ઇચ્છો તો પિન્ટરેસ્ટમાં જ ખાંખાંખોળા કરીને, રસના વિષયોની ઇમેજીસ-લિંક્સ શોધીને પોતાના પિન્ટરેસ્ટ એકાઉન્ટમાં વિવિધ પબ્લિક કે પ્રાઇવેટ બોર્ડમાં સેવ કરી શકો છો. અહીં તમે જુદા જુદા લોકોને ફોલો કરી શકો છો, તેમ બીજા લોકો તમને ફોલો કરી શકે છે (પણ તોય, તમારા પ્રાઇવેટ બોર્ડમાંની વિગતો તેઓ જોઈ શકતા નથી).

પિન્ટરેસ્ટ જરા જુદા પ્રકારની સોશિયલ સર્વિસ છે, પણ તમને રસ પડે એવું એમાં ઘણું બધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!