જેમ વિવિધ રાજ્યો અને દેશોની સરકારો હવે સાયબરક્રાઇમને પહોંચી વળવા માટે, પોલીસ તંત્રમાં અલગ સાયબર સેલ ઊભા કરી રહી છે એ જ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત ઇન્ટરપોલ પણ હવે સાયબરક્રાઇમને ધ્યાનમાં રાખીને તેના તંત્રમાં ફેરફાર કરી રહ્યું છે.
ઇન્ટરપોલના મતે વિવિધ દેશોને સાંકળતા ગુનાઓમાં સાયબરક્રાઇમનું પ્રમાણ બહુ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે અને માલવેર, રેન્સમવેર વગેરે પ્રકારના સાયબર એટેકમાં બહુ મોટા પ્રમાણમાં ડેટા ટેકનિકલ નોલેજ તથા ક્રોસ-બોર્ડર ઇન્વેસ્ટિગેશનની જરૂરિયાત ઊભી થઈ છે. આ કારણે વિવિધ દેશોની પોલીસ તથા અન્ય સંસ્થાઓને અન્ય દેશો સાથે માહિતીની આપ-લે કરવાની પણ જરૂરિયાત ઊભી થઈ છે.
આ કારણે ઇન્ટરપોલે ‘સાયબરક્રાઇમ નોલેજ એક્સચેન્જ’ નામે એક વ્યવસ્થા ઊભી કરી છે. આ વ્યવસ્થામાં સાયબરક્રાઇમ સંબંધિત જનરલ અને ઓપન હોય એ પ્રકારની માહિતી ઉપલબ્ધ થશે, જે આ વિષય સાથે સંકળાયેલા સૌ કોઈને ઉપલબ્ધ રહેશે. એ ઉપરાંત માહિતીની આપ-લે માટે અન્ય એક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે, જેમાં વિવિધ સાયબરક્રાઇમની તપાસ ચલાવી રહેલી સંસ્થાઓને સામેલ કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં જે રીતે સાયબરક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે અને બહુ વ્યવસ્થિત રીતે આખેઆખા દેશ સાથે સાયબર વોર કરી શકાય એ હદે જોખમ વધ્યું છે ત્યારે આ પ્રકારની વ્યવસ્થા નિઃશંકપણે અનિવાર્ય બની છે.

