સાયબરસફર’ના સૌથી પહેલા, ફેબ્રુઆરી, ૨૦૧૨ અંકમાં એક લેખ હતો – `કાયમ માટે લેન્ડ થઈ ગયેલાં સ્પેસ શટલમાં એક લટાર!’ અમેરિકાએ ૩૦ વર્ષની સેવા અને ૧૦૦થી વધુ મિશન પછી, ૨૦૧૧માં તેનાં સ્પેસ શટલ્સને કાયમ માટે ગ્રાઉન્ડ કરી દીધાં હતાં.
એ સમયે, નાસા સંસ્થાએ વિક્સાવેલાં સ્પેસ શટલ્સ જૂનાં ને ખર્ચાળ સાબિત થવા લાગ્યાં હતાં. વર્ષ ૨૦૦૩માં કોલંબિયા સ્પેસ શટલ તૂટી પડ્યા પછી શટલ્સને રિટાયર અથવા રિપ્લેસ કરવાની ભલામણો કરવામાં આવી હતી. પરિણામે અમેરિકાએ તેનો સ્પેસશટલ્સ પ્રોગ્રામ અટકાવ્યો.
એ નિમિત્તે, `સાયબરસફર’ના લેખમાં, સ્પેસ શટલની અંદરથી ઝાંખી કરાવતા એક ઇન્ફોગ્રાફિકની વાત કરવામાં આવી હતી.હવે સમય બદલાયો છે. ૩૦ મેના રોજ, નાસાએ `સ્પેસએક્સ’ નામની ખાનગી કંપનીના સાથમાં એક અમેરિકન રોકેટ લોન્ચ કર્યું અને ૨૦૧૧ પછી પહેલી વાર, ફરી વાર અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવ્યા. આ અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)માં પહોંચ્યા. એ નિમિત્તે, `સાયબરસફર’ના આ ૧૦૦મા અંકમાં, હવે લટાર મારો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર! પહેલા અંકમાં ઇન્ફોગ્રાફિકની વાત હતી, ૧૦૦મા અંકમાં નવા સમય મુજબ, ગૂગલ અર્થમાં આઇએસએસના સ્ટ્રીટ વ્યૂ જોવાની વાત છે!
આઇએસએસનાં વિવિધ પાસાંનો પરિચય મેળવવા માટે પીસીમાં http://earth.google.com/ કે સ્માર્ટફોનમાંની ગૂગલ અર્થ એપસમાં સર્ચ કરો International Space Station.
