સરકારે આરોગ્ય સેતુ એપ માટે ‘ઓપન એપીઆઈ સર્વિસ’ લોન્ચ કરી છે. એપીઆઈ એટલે કે ‘એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ’ ને સાદા શબ્દોમાં સમજીએ તો એ એક એવી વ્યવસ્થા છે જેને કારણે બે અલગ અલગ પ્રકારના સોફ્ટવેર એકબીજા સાથે વાતચીત કરી શકે છે.
ઉદાહરણ તરીકે ‘સાયબરસફર’ની વેબસાઇટ પર ઇન્સ્ટામોજો નામની પેમેન્ટ સર્વિસની મદદથી લવાજમની રકમ ભરી શકાય છે. તેનું કારણ એ છે કે વેબસાઇટ પર ઇન્સ્ટામોજોની એપીઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને કારણે વેબસાઇટની સિસ્ટમમાંની માહિતી ઇન્સ્ટામોજોની સિસ્ટમમાં પહોંચે છે.
આરોગ્ય સેતુ એપની એપીઆઈનો જે ઓફિસ, બિઝનેસ કે ફેકટરીમાં ૫૦થી વધુ લોકો કામ કરતા હોય ત્યાં ઉપયોગ કરી શકાશે. આવી સંસ્થાનો એચઆર વિભાગ પોતાના સોફ્ટવેરને આરોગ્ય સેતુ એપના ડેટા સાથે કનેક્ટ કરી શકશે. જેને કારણે એ કંપનીના કર્મચારીઓનું આરોગ્ય સેતુ એપમાં શું સ્ટેટસ છે તે એચઆર વિભાગ જાણી શકશે (યૂઝરની મંજૂરી પછી). યૂઝરના સ્ટેટસ સિવાય આરોગ્ય સેતુ એપમાંની અન્ય કોઈ માહિતી કંપનીને મળી શકશે નહીં.
