ભારતમાં આધાર પ્રોગ્રામ તેના પ્રારંભથી જ વિવિધ રીતે વિવાદાસ્પદ રહ્યો છે. હવે મળી રહેલા સમાચાર મુજબ જે ફાયનાન્સિયલ સર્વિસિસમાં વ્યક્તિગત ઓળખ સાબિત કરવા માટે આધારનો ઉપયોગ થાય છે તેમાં ફેસિયલ રેકગ્નિશન એટલે કે ચહેરો ઓળખવાની ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થાય તેવી શક્યતા છે.
હાલમાં આધારથી ઓળખ સાબિત કરવા માટે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થાય છે, પરંતુ કોરોનાના પ્રસારને ધ્યાનમાં રાખતાં સોશિયલ ડિસ્ટન્સિંગની રીતે તે હિતાવહ નથી.
હાલમાં આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ પણ આગળ ધપાવવામાં આવી રહી છે, જેમાં વિવિધ વેપારી સ્થળોએ ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાને બદલે જે તે વ્યક્તિના બેન્ક એકાઉન્ટ સાથે લિન્ક્ડ આધાર નંબરનો ઉપયોગ કરી શકાય છે.
આવી લેવડદેવડમાં પેમેન્ટ કરતી વ્યક્તિએ દુકાનદારને પોતાનો આધાર નંબર આપ્યા પછી તેના મશીન પર અંગૂઠાની ફિંગરપ્રિન્ટ આપીને પોતાની ઓળખ સાબિત કરવાની હોય છે. આવી સાબિતી હવે ચહેરો સ્કેન કરીને પણ કરી શકાય તેવી શક્યતા છે. અત્યારે આ વ્યવસ્થાનાં બિનનાણાકીય વ્યવહારો માટે પરીક્ષણ ચાલી રહ્યાં છે. જો તેનાં પરિણામ સંતોષજનક રહેશે તો પછી તેનો ઉપયોગ વિસ્તારવામાં આવશે.

