દસેક વર્ષ પહેલાં સાયબરસફર કોલમને મળેલા હૂંફાળા પ્રોત્સાહનને જોઈને, ખબર નહીં ક્યારે, એક વિચાર આવ્યો – આ વિષયનું એક મેગેઝિન હોવું જોઈએ!
ઇન્ટરનેટ અત્યારે તો સાવ હાથવગું છે, દસેક વર્ષ પહેલાં સ્માર્ટફોનનો આજના જેટલો પ્રસાર નહોતો. આ વિષયનું આખું મેગેઝિન હોઈ શકે કે નહીં, એમાં વાચકોને રસ પડી શકે એવું, દરેક મહિને કંઈક આપી શકાય કે નહીં એવો બધો ખાસ વિચાર કર્યા વિના મેગેઝિન શરૂ કર્યું! પહેલા ૨-૩ અંક દરમિયાન જ સમજાઈ ગયું કે બહુ મોટી જવાબદારી માથે લઈ લીધી છે! સાયબરસફર કોલમ હતી ત્યારથી અને મેગેઝિન તરીકે વિસ્તરી ત્યાર પછી પણ એક શિરસ્તો જાળવ્યો છે – જે લખવું એ પૂરેપૂરું જાતે જોઈ-તપાસીને લખવું. તેનું સારું પરિણામ એ આવ્યું કે વાચકને કોઈ સાઇટ કે એપ કે સર્વિસનો લાભ લેવામાં ક્યાં, કેવી મુશ્કેલી આવશે તેનો પૂરેપૂરો અંદાજ મળી જાય અને તેના ઉપાય પણ લેખમાં આવરી લેવાય, તેથી વાચકને આખી વાત શીરાની જેમ ગળે ઉતરી જાય! પરંતુ એમ કરવા જતાં, દરેક લેખ ગજબની મગજમારી કરાવે છે!
પરંતુ આ સફર ખરેખર આનંદભરી રહી છે. અનેક મિત્રોના સાથ વિના આ સફર આટલે પહોંચી જ ન હોત. સદનસીબે, મેગેઝિનને `ગ્રાહકો’ કરતાં `વાચકો’ વધુ મળ્યા છે! હવે ડિજિટલ એડિશનને કારણે કાગળ પર જે સંભવ નથી એ કરવાની તક મળી છે. ઘણું બધું કરવાનું બાકી છે, સૌના સાથમાં આ સફર આગળ વધતી રહેશે એવો વિશ્વાસ છે. આપ સૌને દિલથી થેંક્યુ!
– હિમાંશુ

