આવી રહેલી સુનામીની સમયસાર જાણ થાય અને આફતથી બચવાની તક મળે એ દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરીને ભારતે એક આગવી સિસ્ટમ વિક્સાવી છે.
વર્ષ ૨૦૦૪માં આવેલી સુનામી તો કોને ભૂલાય? ભારતભરના ભૂતકાળમાં જેનો ઊડતાં વિમાનો કે પછી ગણપતિના હેડ રિપ્લેસમેન્ટ જેવો કોઇ પૌરાણિક ઉલ્લેખ પણ ન મળે એવી આ દુર્ઘટનાની પછી તૈયારી પણ ક્યાંથી હોય? પરીણામે અંધાધૂંધી અને શોકનું મોજું કે જે ફક્ત તમિલનાડુના કિનારા પર નહિ પણ આખા દેશમાં ફરી વળ્યું.
સુનામી તો જાપાન જેવા દેશોમાં આવે એ ભ્રમનિરસન થતાં જ ભારતીય વૈજ્ઞાનિકોની એક ટુકડી એવી તો મચી પડી કે ફક્ત અઢી વર્ષના ટૂંકા સમયમાં અત્યાધુનિક સુનામી અર્લી વોર્નિંગ (આગોતરી ચેતવણી) સેન્ટર (TEWC)નું શૂન્યમાંથી સર્જન થયું. ત્યારથી લઈને આજ સુધી ભારતે આ વિષયમાં સંશોધન ઉપર લગાવેલી દોટ અટકી નથી. જેનો તાજો જ પુરાવો છે બેક મહિના પહેલાંની એક ઘટના. ૭ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ યુનેસ્કો દ્વારા ઓડિશાનાં બે ગામોને સુનામી-રેડી હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું, જેને લીધે હિંદ મહાસાગરના દેશોમાંથી આવી ઓળખ મેળવનાર ભારત સૌથી પહેલો, અને આજ સુધી એક માત્ર દેશ બન્યો.
ભૂકંપની જેમ સુનામીની આગાહી પણ અત્યાર સુધી અશક્ય મનાઈ છે, પણ ભારતે અર્લિ વોર્નિંગ સિસ્ટમ વિક્સાવી છે અને ભારતનાં બે ગામે સુનામી રેડી હોવાનું બહુમાન પણ મેળવ્યું છે.
આ પ્રસંગે સ્વાભાવિક છે કે આપણને સુનામી અને તેની ચેતવણી વિશે જાણવાની ઉત્સુકતા થાય.
સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે પવનથી જન્મેલ મોજાં કે જે કિનારે આવીને આપણા પગ પલાળે તેમાં પાણી પોતે ખરેખર પ્રવાસ કરતું હોતું નથી. પવનથી ઉપરનું પાણી આગળ ધકેલાય ત્યારે નીચેનું પાણી તેની જગ્યા લઈ લે. એટલે કે પાણીના જથ્થાની નેટ લેવડદેવડ શૂન્ય રહે.

સુનામીમાં આવું થતું નથી. દરિયાના પેટાળમાં થતી ભૂકંપીય હિલચાલ તેની ઉપર રહેલા ટનના ટન વજનના પાણીને ખલેલ પહોંચાડે એટલે એક નાનકડું (સેન્ટીમીટર માપનું) સુનામી મોજું જન્મે જે ભૂકંપની બંને તરફ પ્રવાસ શરુ કરે. જાણે સ્થિર રહેલી બાલદીને લાત મારી એમ સમજો. સામેની તરફ પાણી છલકાવાનું જ! આ મોજું કિનારા નજીક પહોંચે ત્યારે પાણીને વધુને વધુ છીછરું તળિયું મળે એટલે પછી કદમાં તોતિંગ સ્વરૂપ ધારણ કરવું જ રહ્યું (જુઓ આકૃતિ-૧). આ છેલ્લો તબક્કો મિનિટોમાં હોય એટલે કોઈ પણ સેટેલાઇટ વગેરેને ચેતવવાનો મોકો જ ન મળે. ડિસેમ્બર ૨૦૦૪માં આવું જ થયું. જાપાની દરિયા જેવી સિસ્ટમ હિંદ મહાસાગરમાં મુકવાની કોઈ દેશને ક્યારેય જરૂર લાગી ન હતી એટલે દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાના એક ડઝન દેશોને ભારે ખુવારી ભોગવવી પડી.
આ સમયે ડો. કે. રાધાક્રિશ્નન (કે જે આગળ જતાં ઇસરો ચેરમેન બન્યા) ઇન્કોઇસના ડાયરેક્ટર હતા. તેમની ટીમના એક તરવરીયા યુવા વૈજ્ઞાનિક ડો. શ્રીનિવાસ કુમારએ આ સિસ્ટમ સ્થાપવાનું બીડું ઝડપ્યું. ત્યાર પછીના વર્ષે મૂળ વડોદરાના અને અમદાવાદ ઇસરોમાં સેવા આપી ચુકેલા ડો. શૈલેષ નાયક ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા અને આ કાર્યક્રમને વેગ મળ્યો. ભારતની સિસ્ટમ હિંદ મહાસાગરના બે સુનામીજનક વિસ્તારોનું મોનિટરિંગ કરે છે. બંગાળના અખાતમાં આંદામાનથી લઇને ઇન્ડોનેશિયાને આવરી લેતો વિસ્તાર કે જ્યાં ૨૦૦૪ની સુનામીનો ઉદભવ થયો હતો. આવો જ બીજો વિસ્તાર ગુજરાતની પશ્ચિમે પાકિસ્તાનના મકરાણ વિસ્તારની લગોલગ આવેલો છે જેને મકરાણ (જિઓલોજિકલ) ફોલ્ટ કહૅવામાં આવે છે. આ બંને વિસ્તારો એવી સુનામી જન્માવી શકે છે કે જે ભારતને અસર કરે અને તેથી આગોતરી ચેતવણી જરૂરી બને.

ભારતીય સિસ્ટમ વિવિધ પ્રકારના સેન્સરોનું માળખું છે. તેમાં ધ્રુજારીને પકડી લે તેવા ભૂકંપમાપક યંત્રો (સિસ્મોગ્રાફ) તો છે જ પણ આંદામાનના ટાપુઓ ઉપર મુકેલા અતિ સંવેદનશીલ જીપીએસ સેન્સરો પણ આવે કે જે પેટાળની હિલચાલ કેટલી ડાબે-જમણે કે ઉપર નીચે છે તે પણ તરત જ કહી આપે. જો સુનામીજનક ભૂકંપ હોય (પેટાળ ઉપર-નીચે હલે) તો ઉત્પન્ન થયેલ સુનામીને મધદરિયે મુકેલા સુનામી બોયા (જુઓ આકૃતિ-૨) માપી લે. આખરે, કિનારા પર રહેલા ટાઇડ (ભરતી-ઓટ માપતા) ગેજ ચેતવણીની પુષ્ટી કરે.
આ બધા સેન્સરોનો ડેટા સેટેલાઇટ મારફતે હૈદરાબાદ સ્થિત ઇન્કોઇસને સતત મોકલાતો રહે. જ્યા જેમ્સ બોન્ડ ફિલ્મના સેટ સમા TEWCમાં (જુઓ આકૃતિ-૩) ચોવીસે કલાક વૈજ્ઞાનિકોની ટુક્ડીઓ ત્રણ પાળીમાં બાજનજર રાખે. સુનામીજનક ભૂકંપ નોંધાતાં જ કાચ પાછળ દેખાતાં સુપરકમ્પ્યુટર્સ સેકન્ડનાં હજારો સમીકરણો લેખે ગણતરીઓ માંડવાનું શરુ કરી દે અને મિનિટોમાં સૌથી પહેલો નિચોડ હાજર કરી દે.

થોડી મિનિટો પછી વધુ સચોટ એવો ફાઇનલ જવાબ પણ ખરો. સવાલ શું? સુનામી આવવાની છે કે નહીં? આવવાની હોય તો કેટલી હદે જોખમી? ક્યા કિનારાને સૌથી વધુ જોખમ? કેટલો સમય હાથ પર છે? આ બધું જ. જ્યારે આંદામાન ટાપુઓ પાસે ગણતરીની મિનિટો અને ભારતના કિનારાને વધુમાં વધુ અર્ધો કલાક મળવાનો હોય ત્યાં આ કામ આંખના પલકારામાં થવું જ રહ્યું! આ બુલેટિનો ત્યાર પછી જે તે રાજ્યનાં ગૃહ મંત્રાલયો મારફતે કલેક્ટર અને સાથે સાથે ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સને જાય જેમણે મળેલા સમયમાં આખે આખાં ગામો ખાલી કરાવી લોકોને સલામત સ્થળે પહોંચાડવાના હોય, પછી એ દિવસ હોય કે મધરાત!
અને એટલે જ આ બધાંમાં કશી કચાશ ન ચાલે. જેમ ૨૦૧૨માં થયું તેમ મોટા ભૂકંપો પણ જે સુનામીજનક ન હોય તે સમયે આલબેલ (all-well) પોકારવાનું પણ એટલું જ જરૂરી બને કે જેથી કરીને નાહકનું સ્થાળાંતર કે રઘવાટ પેદા ન થાય. વળી, લોકોને અને તંત્રને પૂરતો અભ્યાસ થતો રહે તે માટે ભારતનું આ કેન્દ્ર વર્ષમાં અનેક મોક-ડ્રિલ અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે. હિંદ મહાસાગરના બીજા દેશો માટેના તાલીમ કાર્યક્રમો તો અલગ જ.

અને કેમ ન હોય? યુનેસ્કો દ્વારા ભારત, ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાને નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં ભારતને દક્ષિણ એશિયા, અરેબિયા, અને આફ્રિકાના કુલ મળીને પચીસ દેશોની જવાબદારી સોંપાઇ છે. આ દેશોને સુનામીની વોર્નિંગ, એલર્ટ, વોચ વગેરે ક્યા પ્રકારની ચેતવણી (જુઓ આકૃતિ-૪) મળે તો ક્યાં પગલાં ભરવા તે માટેની તાલીમ આપવી ખૂબ જરૂરી બને.
સમજી શકાય એવી વાત છે કે સુનામીથી થતા નુકસાનને ઓછામાં ઓછું કરવામાં ટેક્નોલોજી જેટલું જ તંત્ર અને સમાજ વચ્ચેના તાલમેળનું પણ મહત્ત્વ છે. અને તેથી જ યુનેસ્કોએ કોઈ પણ ગામ, શહેર, રાજ્ય કે દેશને સુનામી-રેડી જાહેર કરી શકાય તે માટે પાકા પાયાની એક-બે નહી પૂરી ૧૧ શરતોની ગાઇડલાઇન બનાવી છે. આ શરતોનું પાલન થાય છે કે તે જોવા માટે વિશેષ ટુકડી પણ સંબંધિત વિસ્તારોની મુલાકાત લે (જુઓ તસવીર-૫).

જ્યાં લોકસહકારની વાત આવે ત્યાં વર્ષોવર્ષ વાવાઝોડાનો માર ખમતા ઓડિશાથી વધુ સારો દાખલો કોણ બેસાડી શકે? આ ભગીરથ પ્રયાસોના ફળસ્વરુપે ત્યાંનાં બે ગામો વેંકટરાઇપુર અને નોલીયાસાહીએ આખા હિંદ મહાસાગરમાં સૌથી પહેલું સુનામી-રેડીનું યુનેસ્કો પ્રમાણપત્ર મેળવી ઇતિહાસમાં પોતાનું અને ભારતનું નામ નીલ આર્મસ્ટ્રોંગ, તેન્સિંગ હિલેરી વગેરેની જેમ નોંધાવી દીધું. ભવિષ્યમાં સામાન્ય જ્ઞાનની પરીક્ષામાં આ નામો ફરી ફરીને પૂછાય તો શી નવાઇ?
આ પ્રસંગે ડો. શ્રીનિવાસ કુમાર, કે જે યોગાનુયુગે હવે ઇન્કોઇસના વડા (ડાયરેક્ટર) પણ છે તેમણે સચોટ રીતે કહ્યું છે કે, ‘‘સુનામી-રેડી જેવા કાર્યક્રમો બુનિયાદી રીતે મક્કમ પ્રયાસો અને સામાજિક સુસજ્જતાને પ્રેરણા આપે છે, જેનાથી જાનમાલના નુકસાનને શક્ય તેટલું ઘટાડી શકાય. આનાથી થતો ફાયદો ફક્ત સુનામી સુધી જ સીમિત નથી પરંતુ જેનો અવારનવાર સામનો કરવાનો થાય તેવી વાવાઝોડા અને પૂર જેવી આફતો માટે પણ સમાજની પ્રતિકાર-શક્તિ કેળવે છે.’’
પૂરક માહિતી : શ્રી અજય કુમાર, સુનામી ટીમ, ઇન્કોઇસ
રસ પડ્યો? વધુ વાંચો: |

