ન્યૂ નોર્મલમાં સ્માર્ટફોન-લેપટોપનો ઉપયોગ વધ્યો છે, ત્યારે સ્વાસ્થ્ય પર તેની આડઅસર ન થાય એ તરફ ધ્યાન આપવું જરૂરી છે.
આમ તો છેલ્લા ઘણા સમયથી આપણે સ્માર્ટફોનના ગજબના બંધાણી બની ચૂક્યા છીએ. એટલે તો ટીવી જોતા હોઇએ ત્યારે પણ હાથમાં ફોન હોય છે! લોકડાઉન અને ત્યાર પછી ઓનલાઇન ટીચિંગ અને વર્ક-ફ્રોમ-હોમ શરૂ થયા પછી વિદ્યાર્થીઓથી માંડીને પરિવારના સૌ કોઇને સ્માર્ટફોન કે કમ્પ્યૂટર/લેપટોપ પર વધુ સમય પ્રવૃત્ત રહેવાનાં કારણો (કે બહાનાં!) મળી ગયાં છે.
કોઈ પણ બાબતનો અતિરેક અંતે તકલીફ નોંતરે છે, એમ સ્માર્ટફોન કે કમ્પ્યૂટરના વધુ પડતા ઉપયોગની ઘણી આડઅસરો છે. આ લેખ પૂરતું, નિષ્ણાતોએ તારવેલી તેની શારીરિક આડઅસરો અને તેના ઉપાય પર ફોકસ કરીએઃ
સ્માર્ટફોનનો લાંબો સમય ઉપયોગ કરવાનો હોય તો તેને હાથમાં પકડી રાખવાને બદલે સ્ટેન્ડનો ઉપયોગ કરો. સ્માર્ટફોનનું રેડિએશન અને ગરમી ચોક્કસપણે હાનિકારક છે. ફોનમાં વધુ વાતચીત કરવાની થતી હોય તો વાયર્ડ ઇયરફોનનો ઉપયોગ કરવાની ટેવ રાખો. અલબત્ત તેનાથી ફોનના રેડિએશનથી બચી શકાશે પરંતુ કાનમાં ઇન્ફેકશનની શક્યતા રહેશે! કામકાજ ખાતર ફોન પર લાંબી વાતચીત કરવી પડતી હોય તો મ્યુઝિક સાંભળવા માટે ઇયરફોનને બદલે ફોનના સ્પીકરથી કામ ચલાવવાનું સંતુલન અનિવાર્ય છે.
ડેસ્ક પર લેપટોપ અને સ્માર્ટફોન બંને સાથે કામ ચાલતું હોય ત્યારે કોઈને પણ મલ્ટિટાસ્કિંગ કરવાની લાલચ થઈ આવે છે. ઘણા લોકો કાન અને ખભા વચ્ચે સ્માર્ટફોન દબાવીને ફોનમાં વાત કરતાં કરતાં લેપટોપ પર બીજું કામ કરતા હોય છે. આ આદતથી લાંબા ગાળે ચોક્કસ અને ગંભીર નુકસાન છે. આના ઉપાય તરીકે જ્યારે પણ ફોન આવે ત્યારે ડેસ્ક પરથી ઊભા થઈ જવાની ટેવ રાખશો તો જીવન તદ્દન બેઠાડુ થતું બચશે. લેપટોપ હોય કે પીસી, દર વીસેક મિનિટે ટૂંકો બ્રેક લેવાની ટેવથી લાંબા ગાળે થતાં નુકસાનોથી બચી શકાશે.
લોકો કાન અને ખભા વચ્ચે સ્માર્ટફોન દબાવીને ફોનમાં વાત કરતાં કરતાં લેપટોપ પર બીજું કામ કરે છે. આ આદતથી લાંબા ગાળે ચોક્કસ અને ગંભીર નુકસાન છે.
ફોનમાં કંઈ પણ ટાઇપ કરવું હોય ત્યારે સ્ટેન્ડનો ઉપયોગ કરો અથવા ફોન ડેસ્ક પર મૂકીને ટાઇપ કરો. એ શક્ય ન હોય તો ફોન એક હાથમાં પકડીને બીજા હાથેથી ટાઇપિંગ કરો. એક હાથે ફોન પકડીને એ જ હાથેથી ટાઇપ કરવાથી લાંબા ગાળે કાંડાને આંતરિક ઇજા થઈ શકે છે. ટાઇપ કરતી વખતે અંગૂઠાની ટોચને બદલે ટેરવાનો ઉપયોગ કરો. ફોનનો લાંબો સમય ઉપયોગ કરતી વખતે તેને તમારી છાતી કે હાથના લેવલે રાખવાનો પ્રયાસ કરો. સતત ગરદન નમાવીને સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં લાંબા ગાળે ચોક્કસ નુકસાન છે.
ડેસ્ક પર સ્માર્ટફોન કે લેપટોપ સાથે કામ કરતાં કરતાં પણ ઘણા પ્રકારનાં વર્કઆઉટ થઈ શકે. વર્ક-ફ્રોમ-હોમ માટે ટેબલ-ચેર લેવાને બદલે જમીન પર મૂકી શકાય તેવું નાનું ફોલ્ડેબલ ડેસ્ક લેશો તો ફાયદામાં રહેશો. વારંવાર કરવી પડતી ઊઠબેસ કંટાળો આપશે પણ કસરતના અભાવથી થતું નુકસાન આ રીતે સરભર કરી શકાશે.
વિદેશોમાં અને ભારતમાં પણ હવે ઘણી ઓફિસમાં સ્ટેન્ડિંગ વર્કસ્ટેશન્સ આવી ગયાં છે. ઘરમાં, ટેબલ-ચેર હોય તો પણ ટેબલ પર વધારાનું ફોલ્ડિંગ ડેસ્ક મૂકી, લેપટોપ કે સ્માર્ટફોનને યોગ્ય ઊંચાઈએ રાખીને ઊભા ઊભા કામ કરવાની ટેવ પાડશો તો દેખીતી મજા પડશે અને સ્વાસ્થ્યલાભ મળશે, ટ્રાય કરી જુઓ!
વર્ક-ફ્રોમ-હોમ માટે ટેબલ-ચેર લેવાને બદલે જમીન પર મૂકી શકાય તેવું નાનું ફોલ્ડેબલ ડેસ્ક લેશો તો વારંવારની ઉઠબેસ કંટાળો આપશે, પણ ધરાર કસરતથી ફાયદામાં રહેશો.
મીટિંગ કે ક્લાસ એટેન્ડ કરવાના હોય અને પોતે કશું ટાઇપ ન કરવાનું હોય અને વીડિયો ઓન ન હોય ત્યારે સ્ક્રીન પર ધ્યાન આપવાની સાથોસાથ આંગળીઓ અને હાથ, ગરદન કે શરીરના બેન્ડિંગ-સ્ટ્રેચિંગ જેવી હળવી કસરતો પણ લાભ કરશે.
આપણે હવે ન્યુ નોર્મલ તરફ વળી ગયા છીએ, નવી નવી આદતો કેળવી રહ્યા છીએ ત્યારે સ્માર્ટફોન/લેપટોપના ઉપયોગમાં નાની નાની કાળજી લઈશું તો નુકસાનથી બચી શકશું ને લાભ પણ મેળવી શકીશું.

