ગૂગલ, ફાયરફોક્સ વગેરેમાં પ્રાઇવેટ બ્રાઉઝિંગ માટે ઇનકોગ્નિટો મોડની સગવડ હોય છે, પણ આ કંપનીઝ પોતે પણ કહે છે કે આ રીતે થતું બ્રાઉઝિંગ સંપૂર્ણપણે ખાનગી રહેતું હોતું નથી.
આ સંદર્ભે જાણવા જેવું છે કે હમણાં, ક્રોમ બ્રાઉઝરમાં ઇનકોગ્નિટો મોડમાં યૂઝરને ટ્રેક કરવા બદલ ગૂગલ ક્રોમ સામે પાંચ અબજ ડોલરનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કેસ અમેરિકાના કેલિફોર્નિયામાં ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.
આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં નોર્મલ મોડમાં જે કંઈ સર્ચ કે સર્ફ કરી એ બધું ગૂગલ કંપની ચેક કરી શકતી હોય છે. ઇનકોગ્નિટો મોડ પ્રાઇવેટ હોવાનો દાવો કરવામાં આવે છે, તેમ છતાં આ મોડમાં પણ ગૂગલ યૂઝરનો ડેટા એકઠો કરતી હોવાના આક્ષેપ અવારનવાર થાય છે. જોકે આ કેસના સંદર્ભે ગૂગલના પ્રવકતાએ કહ્યું છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ઇનકોગ્નિટો ટેબ ઓપન કરે ત્યારે તેમને સ્પષ્ટપણે જણાવવામાં આવે છે કે વેબસાઇટ તેમની બ્રાઉઝિંગ એક્ટિવિટી વિશે ડેટા એકઠો કરી શકે છે. એટલું સ્પષ્ટ છે કે ઇનકોગ્નિટો મોડ આપણે માનીએ એટલો ખાનગી નથી.

