‘સાયબરસફર’ કોલમની શરૂઆત વર્ષ ૨૦૦૮માં, જાન્યુઆરીમાં થઈ અને ચાર વર્ષ પછી ફેબ્રુઆરી ૨૦૧૨માં તેને મંથલી મેગેઝિનનું સ્વરૂપ મળ્યું. બિલકુલ શરૂઆતના આ સમયમાં વિચાર્યું હતું કે ‘સાયબરસફર’માં ત્રણ બાબતો પર ફોકસ રાખીશું – પ્રોડક્ટિવિટી, ક્યુરિયોસિટી અને ક્રિએટિવિટી.
પરંતુ પછી ધીમે ધીમે ઇન્ટરનેટ, સ્માર્ટફોન, સોશિયલ મીડિયા, ઓનલાઇન પેમેન્ટ વગેરે બાબતોએ એવા વળાંક લીધા કે ‘સાયબરસફર’માં ન છૂટકે, ચોથી બાબત પર પણ ફોકસ ઉમેરવું પડ્યું – સાયબરસેફ્ટી!
ઇન્ટરનેટ અને એમાંય હાથમાંના ફોનમાં ઇન્ટરનેટની સગવડ એ માનવજાત માટે સૌથી ઉપયોગી શોધોમાંની એક છે. દૂર દૂરના દેશોમાં બેઠેલા લોકો આમને-સામને બેઠા હોય એમ વાત કરી શકે (એય પાછું લગભગ મફત!), ફાઇલ્સની આપલે કરી શકે, દુનિયાભરની વિખ્યાત યુનિવર્સિટીઝનાં લેક્ચર્સમાં આપણે સામેલ થઈ શકીએ (એ પણ કોલેજની ફી ભર્યા વિના!), ધારીએ તે વિષય વિશે, ધારીએ ત્યારે આખેઆખો જ્ઞાનખજાનો ખોલી શકીએ, ગમે ત્યાં બેસીને ઓફિસનાં કામકાજ કરી શકીએ, આંખના પલકારે જાતભાતની સર્વિસ મેળવી શકીએ, બુકિંગ કરી શકીએ, પેમેન્ટ કરી શકીએ… આ બધું ઇન્ટરનેટ વિના શક્ય ન નહોતું.
પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય એમ આ સિક્કાની પણ બીજી બાજુ છે. ઇન્ટરનેટની પ્રચંડ શક્તિનો માનવજાત મુખ્યત્વે કઈ રીતે ઉપયોગ કરે છે? ઘણા નિષ્ણાતો અંદાજ મૂકે છે કે ઇન્ટરનેટ પર જેટલું કન્ટેન્ટ છે એમાંથી લગભગ ૭૦ ટકા જેટલું પોર્નોગ્રાફિક કન્ટેન્ટ છે! આપણને મળેલી સૌથી પાવરફુલ બાબતનો આ કેવો ઉપયોગ?
દેખીતું છે કે એ સિવાય પણ બીજી ઘણી રીતે ઇન્ટરનેટનો દુરુપયોગ થાય છે. ઓનલાઇન ચીટિંગ, ફિશિંગ, હેકિંગ, ફ્રોડ વગેરેનું પ્રમાણ સતત વધતું જાય છે. દુનિયાભરમાં દરરોજ જેટલા ઈ-મેઇલ્સની આપલે થાય છે તેમાંથી અડધોઅડધ સ્પામ – વણનોતર્યા, ધરાર મોકલવામાં આવેલા મેઇલ્સ હોય છે (તેમાંથી લગભગ અડધોઅડધ હિસ્સો રશિયાનો હોવાનું કહેવાય છે). આવા સ્પામ મેઇલ્સમાં બિઝનેસ પ્રમોશન માટેના સાદા મેઇલ્સ હશે, પણ લોકોને છેતરવાના, ફસાવવાના મેઇલ્સનું પ્રમાણ ચોક્કસ વધુ હશે. સોશિયલ મીડિયામાંના મેસેજિસનું ચિત્ર પણ કંઇક આવું જ છે.
મુશ્કેલી એ છે કે ઇન્ટરનેટનો દુરુપયોગ જે હદે વધી રહ્યો છે, એટલા જ પ્રમાણમાં એ વિશેની સજાગતા, જાગૃતિ વધતી હોય એવું લાગતું નથી.
ભારતમાં ઇન્ટરનેટ હવે ૭૫ કરોડ લોકો સુધી પહોંચી ગયું છે અને તેમાંથી ૪૦ કરોડ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. અત્યારે ભલે ૨ કરોડ લોકો માટે મર્યાદિત, પણ વોટ્સએપમાં મેસેજ સાથે હવે રૂપિયાની બાબત સંકળાઈ ગઈ છે. લોકો જેને ખાસ જોતા નથી, એવા એસએમએસથી બહુ મોટા પાયે ફ્રોડ થઈ શકતા હોય, તો વોટ્સએપ પર શું શું થઈ શકે એની કલ્પના કરી જુઓ!
આ અંકમાં આ બાબતે શક્ય એટલી મુદ્દાસર અને સ્પષ્ટ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.
તેની સાથોસાથ, ‘સાયબરસફર’નો મૂળ હેતુ જે છે – ઇન્ટરનેટનો સાર્થક ઉપયોગ – તેને સાકાર કરતા એક અનોખા શિક્ષકનો ઇન્ટરવ્યૂ પણ આ અંકમાં સમાવ્યો છે. ઇન્ટરવ્યૂ જરા લાંબો છે, પણ તેમના શબ્દેશબ્દ ધ્યાનથી વાંચવા અને પચાવવા જેવા છે. બાળકે બનાવેલી એપમાં ઇન્વેસ્ટમેન્ટ માટે દુનિયાભરમાંથી આવેલા બિઝનેસમેન મારામારી કરી રહ્યા હોય એવી જાહેરાતોના મારા વચ્ચે, આવા સંતુલિત વિચારો તરફ ચોક્કસ ધ્યાન આપવા જેવું છે.
– હિમાંશુ

