કોરોના વાઇરસને પ્રતાપે માત્ર આપણું જીવન કે કામધંધો ખોરવાયાં છે એવું નથી. મોટી મોટી ટેક કંપનીઓના કંઈકેટલાય પ્લાનિંગ પણ ખોરવાઈ ગયાં છે. લગભગ દરેક જાણીતી ટેક કંપનીનાં વેબપેજ ઓપન કરીએ ત્યારે તેમાં મેસેજ જોવા મળે છે કે તેઓ લિમિટેડ ટીમ સાથે કામ કરી રહ્યા હોવાથી તેમની સર્વિસમાં અંતરાયો આવી શકે છે.
ગૂગલ જેવી કંપનીનું ક્રોમ કે એન્ડ્રોઇડના નવા વર્ઝન જેવાં પ્લાનિંગ ખોરવાઈ ગયાં છે તો એપલનું નવા ફોન્સ લોન્ચ કરવાનું આયોજન ખોરંભે ચઢ્યું છે.
એપલનો આઇફોન ૧૨ તૈયાર થઈ રહ્યો છે. આ રાહ જોવાનું એક મોટું કારણ છે કે તેમાં પહેલી વાર ફાઇવ-જી ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ આઇફોનનું મેન્યુફેક્ચરિંગ મોટા ભાગે ચીનમાં થાય છે! એપલના પોતાના દુનિયાભરના સ્ટોર્સ પણ બંધ પડ્યા છે અને ફરી ક્યારે ખુલશે તે અનિશ્ચિત છે.
એપલની જેમ મોટા ભાગના ફોન્સ ચીન અથવા દક્ષિણ કોરિયામાં બને છે, આથી મોટા ભાગની કંપનીનાં નવાં મોડ્લ્સનું કામ અટકી પડ્યું છે.
