દર્દીના શરીરમાં બેસાડેલાં પેસમેકર, શરીર બહાર પહેરી શકાતા ઇન્સ્યૂલિન પમ્પ કે પછી દર્દીની પથારી નજીકનાં
મેડિકલ ઇક્વિપમેન્ટ્સ પણ હેક થઈ શકે છે. દર્દી તરીકે આપણે પોતે બહુ ડરવાની જરૂર નથી, પણ આરોગ્ય સેવા સંસ્થાઓ માટે આ બાબત હવે ચિંતાનો વિષય બની રહી છે.
વર્ષ હતું ૨૦૧૩. અમેરિકાના સાનફ્રાન્સિસ્કો શહેરમાં એક એપાર્ટમેન્ટમાં ૩૬ વર્ષનો એક યુવાન મૃત હાલતમાં મળી આવ્યો. આખી દુનિયામાં કોઈ ને કોઈ ખૂણે આવા બનાવ બનતા જ રહેતા હોય છે. પરંતુ આ ઘટના કંઈક જુદી હતી.

મૃત હાલતમાં મળી આવેલો યુવાન બે દિવસ પછી લાસવેગાસ શહેરમાં યોજાનારી ‘બ્લેક હેટ કોન્ફરન્સ‘માં એક પ્રેઝન્ટેશન આપવાનો હતો. કોન્ફરન્સના નામ પરથી તમને કદાચ સમજાઈ ગયું હશે કે એ વિશ્વના જાણીતા હેકર્સની કોન્ફરન્સ હતી. કોન્ફરન્સના બે દિવસ પહેલાં જ મૃત હાલતમાં મળેલા યુવાનનું નામ જેક બાર્નેબી હતું. જેકનું મૃત્યુ હેરોઇન, કોકેઇન અને અન્ય ડ્રગ્સના ઓવરડોઝથી થયું હોવાનું બહાર આવ્યું.
કોણ હતો જેક બાર્નેબી?
સાત વર્ષ પહેલાં, ૨૦૧૦માં લાસવેગાસમાં જ યોજાયેલી આવી એક બ્લેક હેટ કોન્ફરન્સમાં જેક બાર્નેબીએ એક ધડાકો કર્યો હતો, જેની અસર હજી આજે પણ દુનિયાભરનાં અનેક એટીએમ્સમાં દેખાઈ રહી છે.
મૂળ ન્યૂઝીલેન્ડનો કમ્પ્યૂટર એક્સપર્ટ જેક બાર્નેબી, આઇઓએક્ટિવ નામની એક કમ્પ્યૂટર સિક્યોરિટી ફર્મમાં ‘ડિરેક્ટર ઓફ એમ્બેડેડ ડિવાઇસ સિક્યોરિટી’ તરીકે કાર્યરત હતો. ૩૬ વર્ષના જીવનમાં તેણે હેકિંગ, ખાસ કરીને એટીમ તથા મેડિકલ ડિવાઇસના એથિકલ હેકિંગના નિષ્ણાત તરીકે માટે દુનિયાભરમાં નામના મેળવી લીધી હતી.
એ સમયે જેકે સ્ટેજ પર એક એટીએમ લાવીને તેને હેક કરી બતાવ્યું હતું. ત્યારે જેકે સાબિત કર્યું હતું કે હેકર્સ કઈ રીતે એટીએમના હાર્ડવેર અને સોફ્ટવેરમાં રહેલી ખામીઓનો લાભ લઈ શકે છે. દર સેકન્ડે અમુક નિશ્ચિત સંખ્યામાં જ ચલણી નોટો એટીએમમાંથી નીકળી શકે એવી મર્યાદા તોડીને જેકે ત્યારે સ્ટેજ પર એટીએમમાંથી કરન્સી નોટનો રીતસર ધોધ વરસાવ્યો હતો.
ન્યૂઝીલેન્ડના હેકર જેક બાર્નેબીએ એક કોન્ફરન્સમાં સ્ટેજ પર એક એટીએમ હેક કરીને તેમાંથી નોટનો વરસાદ વરસાવી બતાવ્યો હતો. જેકે મેડિકલ ડિવાઇસના હેકિંગ પર પણ ફોકસ કર્યું હતું
પોતાના આ ડેમોન્સ્ટ્રેશનને વધુ નાટ્યાત્મક બનાવવા માટે જેકે એ સમયે એટીએમના સ્ક્રીન પર ‘જેકપોટ’ શબ્દ ફ્લેશ થાય એવી કરામત કરી હતી (લાસવેગાસ શહેર તેના જુગારખાના માટે દુનિયાભરમાં જાણીતું છે. અહીંના કેસીનોમાં વિવિધ મશીન પર ચોંટેલા લોકોમાંથી કોઈનું નસીબ જોર કરતું હોય તો તેને જેકપોટ લાગતો હોય છે અને મશીનમાંથી કોઇન્સ અથવા કરન્સી નોટનો વરસાદ વરસતો હોય છે).
હેલ્થ મોનિટરિંગ માટેની કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ
|
લાસ વેગાસ શહેરની બ્લેક હેટ કોન્ફરન્સમાં જેક બાર્નેબીએ સ્ટેજ પર બતાવેલો આ ડેમો ત્યાર પછી બેન્કિંગ વિશ્વમાં ખાસ્સી ચર્ચાનો વિષય બન્યો. પ્રમાણમાં ઓછી અવરજવરવાળા વિસ્તારમાં રહેલા એટીએમમાં ઘૂસીને હેકર્સ એટીએમમાં થોડી તોડફોડ કરીને તેની સિસ્ટમ સુધી પહોંચી શકે છે. જો સંજોગો સાનુકૂળ હોય તો હેકર ત્યારે ને ત્યારે, એટીએમની સિસ્ટમ હેક કરીને, એટીએમમાંના નોટ વેન્ડિંગ સ્લોટમાંથી કરન્સી નોટ્સનો ધોધ વરસાવીને એટીએમ ખાલી કરી શકે છે. આ પ્રકારના હુમલા હેકિંગની દુનિયામાં હવે ‘એટીએમ જેકપોટિંગ’ તરીકે ઓળખાય છે.
બીજી રીતમાં એક હેકર એટીએમ મશીનને આ રીતે હેક કરીને ‘મશીન રીપેરિંગમાં છે’ તેવું બોર્ડ ડિસ્પ્લે પર બતાવીને ત્યાંથી સરકી જાય છે અને પછી તેનો સાગરિત એટીએમમાં અવરજવર ન હોય ત્યારે ત્યાં પહોંચે છે. કોમ્પ્રોમાઇઝ થયેલા એ એટીએમને ત્યારપછી રિમોટલી એટલે કે દૂરથી ઓપરેટ કરવામાં આવે છે અને હેકરનો સાગરિત પોતાનો જેકપોટ મેળવીને ગૂપચૂપ એટીએમમાંથી સરકી જાય છે.
એશિયાના દેશોમાં જ્યાં ઘણી ખરી બેન્ક એટીએમ માટે હજી પણ જૂની ઓપરેટિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરે છે ત્યાં આવા જેકપોટ હેકિંગના કિસ્સા વધુ બનતા હતા પરંતુ હવે યુરોપ અને અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ આવા કિસ્સાઓ નોંધાવા લાગ્યા છે. હદ તો એ થઈ છે કે એટીએમને મેનેજ કરવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તે સોફ્ટવેર બનાવતી કંપનીએ પોતે કબૂલવું પડ્યું છે કે હેકર્સે આ સોફ્ટવેરનો કોડ મેળવી લીધો હોય તેવી શક્યતા છે અને તેની મદદથી જેકપોટ હેકિંગના એટેક વધી રહ્યા છે.
પરંતુ આ લેખ પૂરતો આપણો વિષય જેકપોટ હેકિંગ નથી. વાત આર્થિક નહીં, સ્વાસ્થ્ય સંપત્તિને લગતી છે!
મેડિકલ ડિવાઇસનું હેકિંગ
૨૦૧૦ના એ ડેમોન્સ્ટ્રેશનથી જાણીતા બની ગયેલા જેક બાર્નેબીએ ત્યાર પછી સંખ્યાબંધ હેકિંગના ડેમો બતાવીને વિશ્વભરમાં નામના મેળવી હતી. એટીએમ ઉપરાંત જેકે એમ્બેડેડ મેડિકલ ડિવાઇસિસ એટલે કે માનવશરીરમાં નાનું ઓપરેશન કરીને બેસાડી શકાય તેવાં મેડિકલ સાધનો પર ફોકસ કર્યું હતું.
વર્ષ ૨૦૧૩માં જે કોન્ફરન્સ પહેલાં જેક મૃત હાલતમાં મળી આવ્યો તે કોન્ફરન્સમાં જેક એક એવા વિષય પર હેકિંગનું ડેમોન્સ્ટ્રેશન આપવાનો હતો, જેને કારણે મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં તરખાટ મચે તેમ હતો.
જો તમને હૃદયરોગ હોય કે તમે બાયપાસ સર્જરી કરાવી હોય કે હાર્ટમાં પેસમેકર મૂકાવ્યું હોય તો આગળની વાત હૈયું મજબૂત કરીને વાંચજો!
જેક જેનું પ્રેઝન્ટેશન ક્યારેય ન કરી શક્યો તે ડેમોમાં તે સાબિત કરવાનો હતો કે હાર્ટમાં મૂકવામાં આવેલા પેસમેકરને પણ હેક કરી શકાય છે!
શરીર પર પહેરી શકાય તેવાં મેડિકલ ડિવાઇસ
|
આ પહેલાં જેક બાર્નેબી જાણીતી સાયબર સિક્યોરિટી કંપની ‘મેકઅફી’ સાથે કામ કરતો હતો. તે સમયે તેણે ડાયાબિટિસની સારવાર માટે અપાતા ઇન્સ્યૂલિનના પમ્પ હેક કરી શકાય કે નહીં તેના પર ફોકસ કર્યું હતું. મેડિકલ ટેક્નોલોજી હવે ઘણી આગળ વધી ગઈ છે, આથી ડાયાબિટિસના જે દર્દીઓના શરીરમાં પૂરતા પ્રમાણમાં ઇન્સ્યૂલિન પેદા થતું ન હોય અને દિવસમાં વારંવાર ઇન્સ્યૂલિનનાં ઇન્જેક્શન લેવાની જરૂર પડતી હોય તેઓ ઇન્સ્યૂલિન પમ્પની મદદ લઈ શકે છે.
આવા આધુનિક પમ્પ અને લોહીમાં સતત સુગરનું પ્રમાણ માપતું બ્લડ ગ્લુકોઝ મીટર એકમેક સાથે વાયરલેસ રીતે કનેક્ટેડ રહે છે. લોહીમાં ખાંડનું પ્રમાણ વધે તો ઇન્સ્યૂલિન પમ્પ આપોઆપ જરૂરી માત્રામાં ઇન્સ્યૂલિનનો ડોઝ શરીરમાં દાખલ કરે છે.જેક મૃત હાલતમાં મળી આવ્યા પછી સાનફ્રાન્સિસ્કોની પોલીસે આ કેસની વધુ વિગતો આપી નહીં. માત્ર એટલું કહ્યું કે તેના મૃત્યુમાં કશું શંકાસ્પદ નહોતું. એ કારણે જેકના મૃત્યુને અને પેસમેકર હેકિંગના તેના સંંભવિત ડેમો વચ્ચે કોઈ સંબંધ હતો કે નહીં તે હવે એક રહસ્ય જ રહેશે.
શરીરમાં દાખલ કરેલાં મેડિકલ ડિવાઇસ
|
વાયરલેસ ટેક્નોલોજીથી ઓપરેટ થતાં આવાં સાધનો કેટલાં જોખમી બની શકે છે તે દર્શાવવા માટે જેક બાર્નેબીએ, એટીએમ જેકપોટિંગની જેમ જ એક કોન્ફરન્સ દરમિયાન સ્ટેજ પર પોતે ૩૦૦ ફૂટ દૂર ઊભા રહી, ઇન્સ્યૂલિન પમ્પને હેક કરીને, ઇન્સ્યૂલિનનો જીવલેણ બની શકે તેવો ડોઝ એક પૂતળામાં દાખલ કરી બતાવ્યો હતો.
આ ડેમો પછી જેક બાર્નેબીએ પેસમેકર હેક થઈ શકે કે કેમ તે તપાસવાનું શરૂ કર્યું હતું.
પેસમેકરનું મુખ્ય કામ હૃદયરોગને કારણે અનિયમિત બનેલા હૃદયના ધબકારાને નિયમિત કરવાનું હોય છે. દર્દીના ખભાની નીચે, હૃદયની નજીક ઓપરેશન કરીને બેસાડવામાં આવેલું આ ટચૂકડું સાધન વર્ષોવર્ષ કામ આપતું હોય છે. તે દર્દીના હૃદયના ધબકારા સતત માપે છે અને તેમાં અનિયમિતતા જણાય તો હૃદયને અત્યંત હળવા આંચકા આપીને ધબકારા પૂર્વવત કરે છે. પેસમેકર બેસાડનારા દર્દીઓ અને તેમના સ્વજનોનો અનુભવ હશે કે ઓપરેશન પછીના ફોલોઅપ દરમિયાન ડોકટર ઉપરાંત પેસમેકર કંપનીના ટેકનિશિયન પણ દર્દીને તપાસતા હોય છે. આ ટેકનિશિયન પોતાની પાસેના સાધનથી દર્દીના પેસમેકરને અડ્યા વિના, રિમોટલી તપાસી શકે છે કે પેસમેકર બરાબર કામ કરી રહ્યું છે કે નહીં.
|
સ્ટેશનરી મેડિકલ ડિવાઇસ
|
એવું મનાય છે કે જેક બાર્નેબીને એક એવું સોફ્ટવેર ડેવલપ કર્યું હતું, જેનાથી તે પોતાનાથી ૫૦ ફૂટની ત્રિજ્યામાં રહેલી અને પેસમેકર ધરાવતી વ્યક્તિનું પેસમેકર હેક કરીને તેમાંથી ૮૩૦ વોલ્ટના શ્રેણીબદ્ધ આંચકા રીલિઝ કરી શકે તેમ હતો. તેણે આ સોફ્ટવેર તથા હેકિંગની વિગતો કે વીડિયો જાહેર કર્યાં નહોતાં (૮૩૦ વોલ્ટનો દાવો વિવિધ પ્રતિષ્ઠિત સાઇટ્સ પર નોંધાયો હોવા છતાં, પેસમેકરની બેટરી આટલા વોલ્ટેજ કઈ રીતે પેદા કરી શકે તે એક સવાલ છે. બીજી તરફ, ઇલેક્ટ્રિકલ એન્જિનીયર્સના મતે, માનવશરીર માટે ફક્ત ૫૦ વોલ્ટથી વધુનો આંચકો પણ જીવલેણ બની શકે છે, અલબત્ત તેમાં ઘણી બાબતો નિર્ણાયક બનતી હોય છે).

૨૦૧૩ના પ્રેઝન્ટેશનમાં જેક આ બધી બાબતોનો ડેમો આપવાનો હતો. વર્ષ ૨૦૧૩માં જેકના મૃત્યુ પછી એનું પ્રેઝન્ટેશન તો શક્ય ન બન્યું પરંતુ પેસમેકર હેકિંગનો મુદ્દો સળગતો રહ્યો.
માર્ચ ૨૦૧૯માં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ એક જાહેર ચેતવણી જારી કરીને કહ્યું હતું કે પેસમેકર બનાવતી એક જાણીતી કંપનીના મેડિકલ ડિવાઇસિસમાં ખામી છે. જો કોઈ હેકર આવું પેસમેકર બેસાડ્યું હોય તેવા દર્દીની રેડિયો રેન્જમાં (એટલે કે બ્લુટૂથ સિગ્નલ પહોંચી શકે એટલી રેન્જમાં) હોય તો તે દર્દીને જાણ પણ ન થાય એ રીતે તેના પેસમેકરનાં સેટિંગ્સ બદલી શકે છે!
પેસમેકર ખરેખર હેક થઈ શકે?
વાસ્તવમાં વર્ષ ૨૦૧૩માં જેક બાર્નેબીના સંભવિત ડેમોન્સ્ટ્રેશન પહેલાંથી, પેસમેકર હેક થઈ શકે કે કેમ એ મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો છે.
વર્ષ ૨૦૧૨માં અમેરિકાના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ ડીક શેનીનું જૂનું પેસમેકર બદલવાનો ડોકટર્સે નિર્ણય કર્યો ત્યારે વાઇસ પ્રેસિડેન્ટ અને તેમના ડોકટર્સ કોઈ ચાન્સ લેવા માગતા નહોતા.
આ વીઆઇપી દર્દી માટે નવા લેટેસ્ટ ટેકનોલોજીના વાયરલેસ પેસમેકર પર પસંદગી ઢોળવામાં આવી પરંતુ ડોકટરે તકેદારી રાખીને પેસમેકર શરીરમાં ફીટ કરતાં પહેલાં તેનાં વાયરલેસ ફીચર્સ ડિસેબલ કરી દીધાં હતાં.
જેક બાર્નેબીએ એક પૂતળા સાથે જોડેલા ઇન્સ્યૂલિન પમ્પને હેક કરીને જીવલેણ બની શકે તેવો ડોઝ રીલિઝ કરી બતાવ્યો હતો.
તે ડોકટરે પોતે કહ્યું હતું કે તેમણે જોયેલા એક ટીવી શોમાં, પેસમેકર હેક થઈ શકે એવો પ્લોટ હતો અને તેમને લાગ્યું કે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટના શરીરમાં એવું કોઈ ડિવાઇસ હોવું ન જોઇએ જેને ભવિષ્યમાં કોઈ હેક કરી શકે. ખુદ વાઇસ પ્રેસિડેન્ટે એક ટીવી ઇન્ટરવ્યૂમાં આ વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે તેમના ડોક્ટરે આ વિશે તેમની સાથે ચર્ચા કરી હતી અને તેમને ડોક્ટરની ચિંતામાં વજૂદ લાગ્યું હતું.
હોસ્પિટલ્સને લાગી શકતા મુશ્કેલ ‘રોગ’
|
ત્યાર પછી ચાર-પાંચ વર્ષમાં કંઇક એવું બન્યું કે આ આખો કિસ્સો કારણ વગરની, વધુ પડતી શંકાનો નહોતો એવું સાબિત થયું. ઓગસ્ટ ૨૦૧૭માં, અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ એક જાણીતી કંપનીએ બનાવેલાં ૪,૬૫,૦૦૦ પેસમેકર મશીન્સ દેશભરનાં બજારોમાંથી પાછાં ખેંચ્યાં હતાં. કારણ? આ પેસમેકરના સોફ્ટવેરમાં સિક્યોરિટીની દૃષ્ટિએ ખામીઓ હોવાનું બહાર આવ્યું હતું.
નિષ્ણાતો કહે છે કે પેસમેકરના દર્દીઓએ હેકિંગના આ સમાચારોથી ડરી જવાની જરૂર નથી. કારણ કે હેકરને કોઈ સામાન્ય, વ્યક્તિગત દર્દીના પેસમેકર સાથે ચેડાં કરવામાં કોઈ ફાયદો નથી. તેના બદલે હેકર્સને આખેઆખી હોસ્પિટલ કે હેલ્થ ડિપાર્ટમેન્ટના ડેટાબેઝ પર રેન્સમવેરથી એટેક કરીને, ડેટા પાછો આપવાના બદલામાં મોટી ખંડણી વસૂલ કરવામાં વધુ રસ હોઈ શકે!

કાંડા પર ઘડિયાળની જેમ પહેરી શકાતાં ફિટનેસ બેન્ડ જેવાં સાધનોનો ઉપયોગ હવે અત્યંત સામાન્ય થઈ ગયો છે. નાનાં ટાબરિયાં પણ હવે આવા ફિટનેસ બેન્ડ પહેરવા લાગ્યા છે. આ પ્રકારના બેન્ડ આપણાં સ્ટેપ્સ અને અન્ય મૂવમેન્ટની ગણતરી રાખવી, હૃદયના ધબકારા કે બીપી માપવું, કેલરી ટ્રેક કરવી, ઊંઘનું મોનિટરિંગ કરવું વગેરે કામ કરી શકે છે. આવા બેન્ડ બ્લુટૂથથી સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ શકે છે.
આ પ્રકારનાં સાધનો, શરીર પર બહારના ભાગે રહે તે રીતે પહેરી શકાય છે. જેમ કે ડાયાબિટિસના દર્દીના લોહીમાં ખાંડનું પ્રમાણ સતત માપીને, જરૂરિયાત મુજબ આપોઆપ ઇન્સ્યૂલિન શરીરમાં ઇન્જેક્ટ કરે તેવા પમ્પ. આવાં સાધનો વાયરલેસ ટેક્નોલોજીથી અન્ય સાધનો સાથે કનેક્ટેડ હોય છે.
આ પ્રકારનાં સાધનો ‘એમ્બેડેડ ડિવાઇસ’ તરીકે પણ ઓળખાય છે. પેસમેકર અને તેના જેવાં અન્ય સાધનો, નાનું ઓપરેશન કરી શરીરની અંદર ફિટ કરવામાં આવે છે. આમાં મશીન જે તે કંપનીએ ખાસ વિક્સાવેલ વાયરલેસ પ્રોટોકોલ્સ અથવા બ્લુટૂથ ટેક્નોલોજીથી બહારનાં સાધનો સાથે કનેક્ટ થઈ શકે છે.
આ પ્રકારનાં સાધન સામાન્ય રીતે દર્દીની પથારીની નજીક મૂકાયેલાં હોય છે. કીમોથેરપી આપતાં મશીન કે કાર્ડિયો-મોનિટરિંગ કરતાં મશીન આવાં મશીન ગણાય. આવાં ડિવાઇસ મોટા ભાગે પરંપરાગત વાઇ-ફાઇ જેવી કનેક્ટિવિટીથી અન્ય સાધનો સાથે કનેક્ટેડ હોય છે. હોસ્ટિપલમાં સાયબરસિક્યોરિટી તરફ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હોય તો આ પ્રકારનાં સાધનો પણ સાયબર હુમલાનો ભોગ બની શકે છે.