ગણિતના દાખલા સ્ટેપ-બાય-સ્ટેપ સમજવા હોય તો આ એપ્સ અજમાવવા જેવી છે.
પરીક્ષાઓ માથે છે ત્યારે તમે વિદ્યાર્થી હો કે વાલી, ટેન્શન તમારા માથા પર સવાર હશે! આવા સમયમાં, તમને સખ્ખત ઉપયોગી થઈ શકે એવી એક વાત કરીએ.
એ માટે પહેલાં, એક અઘરી પરીક્ષા પાસ કરો! નીચેની તસવીરમાં આપેલા સમીકરણનો જવાબ શોધી બતાવો! ગણિતમાં કાચા છો? નો પ્રોબ્લેમ! સ્માર્ટફોનના ઉપયોગમાં તો પાક્કા છોને? તેની કેલ્ક્યુલેટર એપ ઓપન કરી, તેમાં આ સમીકરણ ફક્ત લખી બતાવો, સમીકરણનો જવાબ નહીં આપો તો ચાલશે!
તમે જોશો તેમ, સ્માર્ટફોનનું કેલ્ક્યુલેટર એટલું સ્માર્ટ નથી કે તે આ પ્રકારનાં સમીકરણ લખવાની સગવડ આપે, જવાબની તો વાત જ જવા દો.
તમારા પરિવારમાં કોઈ ગણિતનો વિદ્યાર્થી હોય અને આવાં સમીકરણો જોઈને તેને કે તમને પરસેવો વળતો હોય તો હવે સ્માર્ટફોન તમારી મદદે આવી શકે છે. ફોનમાં ‘ફોટોમેથ’ (Photomath) કે ‘માઇક્રોસોફ્ટ મેથ્સ સોલ્વર’ (Microsoft Maths Solver) નામની એપ ઇન્સ્ટોલ કરી લો, જે તમારા ફોનના કેમેરાને સ્માર્ટ કેલ્ક્યુલેટરમાં ફેરવી નાખે છે!
ફોટોમેથ એપ ક્રોએશિયાના નામના એક ટચૂકડા યુરોપિયન દેશની, માઇક્રોબ્લિન્ક નામની એક સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીએ વિક્સાવી છે. તે મોબાઇલ ciડિવાઇસીઝ માટે મશીન વિઝન ટેક્નોલોજી વિક્સાવવાનું કામ કરે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ જમાનામાં ‘મશીન વિઝન ટેકનોલોજી’ આમ તો હવે આપણા માટે સમજવો મુશ્કેલ પડે એવો શબ્દ નથી, પણ થોડા ઊંડા ઊતરીએ.
આ એપ્સ અત્યારે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, અપૂર્ણાંક, જટિલ અપૂર્ણાંક, વર્ગમૂળ, વર્ગ, અંકગણિતની બીજી જટિલ ગણતરીઓ વગેરે ઘણા પ્રકારની ગણતરી કરીને તેનાં સ્ટેપ્સ બતાવી શકે છે.
આ કંપની મોબાઇલના કેમેરાને સ્માર્ટ બનાવીને, તે વિવિધ પ્રકારનું લખાણ વાંચી અને સમજીને તેને આગલા ઉપયોગ માટેના ડેટા તરીકે તૈયાર કરી શકે એવી ટેક્નોલોજી વિક્સાવે છે. જેમ કે, ૨૦૧૨માં આ કંપનીએ ચેકની વિગતોની મેન્યુઅલ ડેટા એન્ટ્રી કરવાને બદલે, તેને સ્કેન કરીને કમ્પ્યુટરમાં ફીડ કરી શકાય એવી ટેક્નોલોજી વિક્સાવી હતી, જે આગળ જતાં યુરોપની વિવિધ બેન્ક્સમાં અપનાવવામાં આવી. ટૂંકમાં આ કંપની વિવિધ પ્રકારની બિઝનેસ પ્રોસેસ ઝડપી અને ભૂલરહિત બનાવે એવી ટેક્નોલોજી વિક્સાવે છે.
તો આ પૂર્વભૂમિકા સાથે, આવી એપ્સ કેવી રીતે કામ કરે છે એ જોઈએ.
તમે આઇઓએસ કે એન્ડ્રોઇડ ડિવાઇસ માટે આ એપ ફ્રી ડાઉનલોડ કરી શકો છો. હવે ગણિતનું કોઈ પુસ્તક શોધી કાઢો. પછી એપ ઓપન કરી, પુસ્તકમાંના સમીકરણ સામે કેમેરા ધરો. કોઈ પુસ્તક હાથવગું ન હોય તો આ લેખ સાથેની ઇમેજને જ સ્કેન કરી જુઓ.
પીસીમાં photomath.net/presskit/Photomath-Examples.pdf પેજ પર જઈને તમે વિવિધ દાખલાનાં ઉદાહરણ મેળવી શકશો, જેને ફોનથી સ્કેન કરી શકાશે. તેમ mathsolver.microsoft.com/ પર જઈને તમે તેની સર્વિસનાં વિવિધ ઉદાહરણ જોઈ શકશો. તમે ગુજરાતી ભાષા પણ પસંદ કરી શકો છો!
આ પ્રકારની એપના ઉપયોગ માટે તમારા સ્માર્ટફોનના કેમેરામાં ઓટો-ફોકસની સુવિધા હોવી જરૂરી છે. કેમેરા સમીકરણ પર ફોકસ કરો ત્યારે સમીકરણની આજુબાજુમાં બીજું લખાણ પણ હોય તો ફોટોગ્રાફ ક્રોપ કરતા હો એ રીતે, આંગળીથી ફોકસ એરિયાની ફ્રેમ એડજસ્ટ કરીને ફક્ત સમીકરણ કેન્દ્રમાં રહે એ રીતે કેમેરા સ્થિર કરો. ફોનના સ્ક્રીન પર તરત જ એ સમીકરણનો જવાબ મળશે!
સમીકરણ સ્કેન ન કરવું હોય, તો આ એપમાંના કેલ્ક્યુલેટરને ઓપન કરીને તેમાંની ખાસ સગવડોની મદદથી, તમે ધારો તે પ્રકારનાં ગાણિતીક સમીકરણો સ્માર્ટફોનના સ્ક્રીન પર લખી શકશો.
૧૦ + ૫ જેવો સાવ સાદો દાખલો સ્કેન કરીને પણ આ એપને ટેસ્ટ કરી શકાય, પણ એની મજા કોમ્પ્લેક્સ ઇક્વેશન પારખવાની એની ક્ષમતા તપાસવામાં છે.
જે જવાબ જાણવા મળે, તેના પર ક્લિક કરતાં એ જવાબ સુધી કેવી રીતે પહોંચી શકાય એની સ્ટેપ-બાય-સ્ટેપ સમજ પણ મળશે! આ એપ અત્યારે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, અપૂર્ણાંક, જટિલ અપૂર્ણાંક, વર્ગમૂળ, વર્ગ, અંકગણિતની બીજી જટિલ ગણતરીઓ (એડિશન, સબસ્ટ્રેક્શન, ડિવિઝન, ફ્રેક્શન્સ, રુટ, પાવર્સ, એરિથમેટિક ઓપરેશન્સ વગેરે!) ઘણા પ્રકારની ગણતરી કરી શકે છે અને આપણને તેના ઉકેલ સુધી પહોંચવાનાં પગલાં પણ બતાવી શકે છે.
સમીકરણ સ્કેન ન કરવું હોય, તો આ એપમાંના કેલ્ક્યુલેટરને ઓપન કરીને તેમાંની ખાસ સગવડોની મદદથી, તમે ધારો તે પ્રકારનાં ગાણિતીક સમીકરણો સ્માર્ટફોનના સ્ક્રીન પર લખી શકશો, પછી બરાબરની નિશાની પર ક્લિક કરતાં જવાબ મળશે અને તેની સ્ટેપ-બાય-સ્ટેપ સમજણ જાણવા મળશે.
તમારું સંતાન કોઈ સમીકરણમાં એકદમ ગૂંચવાયું હોય અને એને મદદ કરવા જતાં તમે એનાથી વધુ ગૂંચવાયા હો ત્યારે સ્માર્ટફોનમાંની આવી એપ એક હાજરાહજૂર શિક્ષકની ગરજ સારી શકે છે!
પુસ્તકના સમીકરણને કેમેરાથી સ્કેન કરો…
કે કાગળની જેમ સ્ક્રીન પર સમીકરણો લખો…
…દાખલાનો દરેક સ્ટેપ સાથે ઉકેલ સમજો!
આટલું ધ્યાન રાખશો…
- ફોટોમેથ આઇઓએસ ૭.૦, આઇફોન, આઇપેડ ૨, એન્ડ્રોઇડ ૪.૧થી નવા સાધનમાં ચાલશે.
- તદ્દન નબળા કે ઓટો-ફોકસ વિનાના કેમેરાવાળા ફોનમાં પણ આ એપ બરાબર ચાલશે નહીં.
- એપ દરેક દાખલાના ઉકેલનાં પગલાં બતાવી શકતી નથી.
- કેમેરાથી સમીકરણ સ્કેન કરતી વખતે ફક્ત કેમેરા ધરવાનો છે, કશું જ ક્લિક કરવું પડશે નહીં.
- આવી એપ શાબ્દિક દાખલાના જવાબ આપી શકતી નથી.
- ‘કેમેરા ઇઝ બીઝી’ એવો મેસેજ આવે તો ડિવાઇસ રીબૂટ કરવું પડશે.


