લાંબા સમયની અટકળો પછી છેવટે ગયા મહિને ફેસબુકે તેની આગવી ‘ક્રિપ્ટોકરન્સી’ની જાહેરાત કરી. અખબારોમાં આ સમાચાર થોડા-ઘણા ચમક્યા અને પછી ભૂલાઈ ગયા કારણ કે આખરે આ નવા પ્રકારની કરન્સી આવતા વર્ષના મધ્ય સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે.
ક્રિપ્ટોકરન્સીની વાત નીકળે ત્યારે આપણા મનમાં પહેલું નામ ‘બિટકોઇન’નું આવે. તેમાં રોકાણ કરવાની લાલચ સૌ કોઈને થાય છે, પણ એ સૌના ગજાની વાત નથી (ખાસ કરીને ટેક્નોલોજીની દૃષ્ટિએ) અને ભારતમાં હજી તેના વિશેની કાયદાકીય સ્પષ્ટતાઓ પણ નથી.
અત્યારે અહીં, આપણે ફેસબુકની નવી કરન્સી શું છે, તે કેવી રીતે કામ કરશે અને બિટકોઇનથી તે કેવી રીતે જુદી પડે છે વગેરે વિશે કેટલીક પાયાની વાતો જાણી લઈએ.
- સૌથી પહેલી વાત, આવતા વર્ષે દુનિયાભરમાં લિબ્રા લોન્ચ થઈ જાય તો પણ ભારતમાં કાયદાકીય કારણોથી તે તરત લોન્ચ થવાની શક્યતા નથી.
- લિબ્રા ભલે ફેસબુકની પહેલ કહેવાય, વાસ્તવમાં એવું નથી. પ્રાઇવસીની બાબતે ફેસબુકની વિશ્વસનીયતા લગભગ તળિયે પહોંચી હોવાથી, લોકો પોતાનાં નાણાં માટે ફેસબુક પર ભરોસો મૂકે એવી શક્યતા ઓછી છે. આથી ફેસબુક ઉપરાંત માસ્ટરકાર્ડ, વિસા, ઉબર, વોડાફોન, પેપાલ વગેરે સંખ્યાબંધ જાણીતી કંપનીઓના સાથમાં ‘લિબ્રા એસોસિએશન’ની રચના કરવામાં આવી છે, જે સાથે મળીને લિબ્રા કરન્સીનું સંચાલન કરશે.
- આ બધી કંપનીઓ એક નિશ્ર્ચિત રકમનું રોકાણ કરીને લિબ્રા એસોસિએશનની સભ્ય બની છે.
- બિટકોઇનની શરૂઆત ખરેખર કોણે કરી છે, તેનું સંચાલન કોણ કરે છે વગેરે બાબતોની હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી. બિટકોઇનના મૂલ્યમાં ગજબની વધ-ઘટ પણ જોવા મળે છે, પણ લિબ્રામાં વિશ્વની અગ્રણી કંપનીઓ જોડાઈ છે, તેનું વિવિધ દેશની સરકારના કાયદા મુજબ જ સંચાલન થશે.
- લિબ્રાની જરૂર શી છે એની સ્પષ્ટતા કંઈક આવી છે – અત્યારે આપણે દુનિયામાં કોઈ પણ બાબતની લે-વેચ કરીને તેને માટે નાણાંની આપલે કરવી હોય તો તેના રસ્તા તો ઘણા છે, પણ એ બધામાં વચ્ચે પેમેન્ટ ગેટવે, બેન્ક વગેરે નિયંત્રક સંસ્થા વગેરેની ભૂમિકા – અને ફી – રહે છે. વિશ્વના જુદા જુદા જુદા દેશોનાં ચલણ ધ્યાનમાં લેતાં, નાણાંની આપલે બહુ સહેલી નથી.
- ઉપરાંત ફેસબુકના મતે, દુનિયામાં અત્યારની બેન્ક વ્યવસ્થા ઘણાં બધાં કારણોસર લગભગ 1.7 અબજ લોકો સુધી પહોંચી શકતી નથી. પરંતુ તેમાંથી એકાદ અબજ જેટલા લોકો સુધી સ્માર્ટફોન અને ઇન્ટરનેટ કનેક્શન તો પહોંચી જ ગયાં છે. એ લોકો લિબ્રાનો લાભ લઈ શકશે!
- લિબ્રા કંઈક આ રીતે આ સ્થિતિ બદલવાનો પ્રયાસ કરશે – ફેસબુક પોતે ‘કેલિબ્રા’ નામનું એક લિબ્રા વોલેટ શરૂ કરશે, જે ફેસબુકની એપ ઉપરાંત વોટ્સએપ અને મેસેન્જરમાં પણ ચાલશે.
- આપણા મોબાઇલ વોલેટની જેમ, જુદા જુદા દેશના લોકો પોતપોતાના દેશના ચલણ અનુસારનાં નાણાં લિબ્રાના વોલેટમાં ટ્રાન્સફર કરશે અને તેના બદલામાં તેમને એટલા જ મૂલ્યનું લિબ્રા ચલણ મળશે. આપણે દુનિયાભરમાં ગમે ત્યાં કંઈ પણ ખરીદી કરીએ ત્યારે તેની કિંમત લિબ્રામાં ચૂકવી શકીશું. આ લેવડ-દેવડ કાં તો તદ્દન મફત હશે, અથવા તેની બહુ નજીવી ફી લેવાશે.
- આપણે ઓનલાઇન કોઈને રકમ મોકલવી હોય તો વોટ્સએપ કે મેસેન્જરમાં મેસેજ મોકલવા જેટલું એ સહેલું બનશે. ઓફલાઇન સ્ટોર્સમાં પણ લિબ્રા વોલેટ એપની મદદથી પેમેન્ટ કરી શકાશે.
- લિબ્રામાં પેમેન્ટ કરવાની જેમ, આપણે લિબ્રામાં પેમેન્ટ સ્વીકારી પણ શકીશું. જરૂર અનુસાર, આપણે પોતાના લિબ્રા એકાઉન્ટમાં જમા લિબ્રાના બદલામાં, આપણા દેશના ચલણમાં નાણાં પરત મેળવી શકીશું.
- એક રીતે, આપણા દેશમાં હાલમાં ચલણી મોબાઇલ વોલેટ કે પેમેન્ટ્સ બેન્ક જેવી જ આ વ્યવસ્થા છે. ફેર ફક્ત એટલો છે કે લિબ્રાનું મેનેજમેન્ટ બ્લોકચેઇન ટેકનોલોજીની મદદથી થશે.
- બ્લોકચેઇન ટેક્નોલોજીમાં જુદાં જુદાં ખાતાંઓમાંની આપલેના હિસાબ-કિતાબ અત્યંત વિસ્તૃત રીતે, ઓનલાઇન પથરાયેલાં અનેક લેજર્સમાં એક સાથે થાય છે. તેમાં બેન્ક જેવી કોઈ એક જ કેન્દ્રીય વ્યવસ્થા હોતી નથી. આથી હિસાબ-કિતાબની સલામતી વધે છે.
- લિબ્રા ક્રિપ્ટોકરન્સી કેમ છે અને જૂના ને જાણીતા રૂપિયા, ડોલર વગેરેથી અલગ કઈ રીતે છે એ પણ જાણી લઈએ.
- રૂપિયા, ડોલર વગેરે જુદા જુદા દેશોનાં વાસ્તવિક ચલણી નાણાં છે. જુદા જુદા દેશોની સરકારો પોતાની જરૂરિયાત અનુસાર, તેની પાસે ઉપલબ્ધ સોના જેવી અસ્ક્યામતોની સામે પોતાની ચલણી નોટો છાપે કે સિક્કા બનાવે છે (‘મિન્ટ’ કરે છે) અને ચલણમાં વહેતા કરે છે. બનાવટી ચલણ સિવાય, સરકારે પ્રિન્ટ કરેલ ચલણથી વધુ ચલણ બજારમાં ફરી શકે નહીં.
- જ્યારે લિબ્રાનું કોઈ વાસ્તવિક સ્વરૂપ છે જ નહીં. તે ક્રિપ્ટો એટલે કે ડિજિટલ સ્વરૂપે છે. બિટકોઈન પણ એ જ પ્રકારની ક્રિપ્ટોકરન્સી છે, પણ તેને ‘મિન્ટ’ કરવાની પ્રક્રિયા ખાસ્સી જટિલ છે.
- લિબ્રાના કિસ્સામાં, મિન્ટિંગની જવાબદારી સામાન્ય યૂઝરના માથે રહેશે નહીં. આપણે ફક્ત વાસ્તવિક ચલણ આપીશું અને તેના બદલામાં, લિબ્રા એસોસિએશન, એટલા જ મૂલ્યના લિબ્રા ‘મિન્ટ’ કરી આપશે.
- જ્યારે આપણે આપણા લિબ્રાના બદલામાં, તેટલા મૂલ્યનું વાસ્તવિક ચલણ પરત મેળવીશું ત્યારે તે પ્રક્રિયા ‘લિબ્રા બર્ન’ કર્યા એમ કહેવાશે. એટલે કે લિબ્રા મિન્ટ કરવાનું અને બર્ન કરવીનું સંતુલન, વિવિધ સરકારોના કાયદા અનુસાર સંચાલિત લિબ્રા એસોસિએશન દ્વારા થશે, આથી લોકો પોતાની મરજી મુજબ લિબ્રા માર્કેટમાં વહેતા કરે એવું બનશે નહીં.
અલબત્ત, શરૂઆતમાં કહ્યું તેમ આપણા દેશમાં લિબ્રા ઝડપથી લોન્ચ થાય તેવી શક્યતા ઓછી છે. સમગ્ર વિશ્વમાં પણ, ખાસ કરીને આતંકવાદના ભંડોળ માટે લિબ્રાના દુરુપયોગની આશંકાઓને કારણે લિબ્રા વાસ્તવિકતા બને તે સામે હજી ઘણા પ્રશ્નાર્થો છે.
