ફેક ન્યૂઝ ફેલાવવામાં ફોટોશોપનો દુરૂપયોગ વધી રહ્યો છે ત્યારે એડોબ કંપનીએ તેનો સામનો કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કામે લગાડી છે.
જ્યારે પણ લીલો ઝંડો ફરકાવતા નરેન્દ્ર મોદી કે ગાંધીજીને બદલે ઔરંગઝેબની તસવીરવાળી રાહુલ ગાંધીની ઓફિસની તસવીર આપણને વોટ્સએપમાં મળે ત્યારે હવે મોટે ભાગે આપણા મગજમાં ચમકારો થઇ જાય છે અને એ સાથે એક જ શબ્દ મનમાં ઝબકે છે – ફોટોશોપ!
જગત આખાના ક્રિએટિવ ડિઝાઇનર્સમાં ફોટોગ્રાફ્સના વિવિધ પ્રકારે એડિટિંગ માટે વર્ષોથી એડોબ કંપનીનો ‘ફોટોશોપ’ પ્રોગ્રામ અત્યંત લોકપ્રિય છે. હવે તો જેમ કંઈ પણ શોધવા માટે ‘ગૂગલિંગ’ શબ્દ વપરાવા લાગ્યો છે એમ, ફેરફારવાળી ઇમેજ માટે ‘ફોટોશોપ કરેલી ઇમેજ’ એવો શબ્દપ્રયોગ ચલણી બની ગયો છે. વાસ્તવમાં ફોટોશોપ જેવા બીજા અનેક પ્રોગ્રામ છે, પણ ફોટોશોપની વાત કંઈક નોખી જ છે!
ફોટોશોપમાં અપાર ખૂબીઓ છે અને કદાચ એટલે જ ફેક ન્યૂઝ ફેલાવવા માટે પણ તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જો ડિઝાઇનર સ્માર્ટ હોય અને ફોટોશોપનો બખૂબી ઉપયોગ કરી જાણતો હોય તો એ એવી બનાવટી તસવીરો સર્જી શકે છે, જેને પારખવામાં ભલભલા લોકો થાપ ખાઈ જાય.

એડોબ કંપની પણ આ વાત જાણે છે, એટલે જ એ પોતાના પ્રોગ્રામનો દુરૂપયોગ ટાળવાનાં વિવિધ પગલાં લઈ રહી છે. જેમ કે છેલ્લાં કેટલાંક વર્ષોથી એડોબ ફોટોશોપ પ્રોગ્રામમાં વિવિધ દેશોની ચલણી નોટોમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી.
આ પ્રોગ્રામમાંનાં ‘ઇમેજ રેકગ્નિશન ટૂલ્સ’ ચલણી નોટો પારખી લે છે અને તેની ઇમેજને પ્રોગ્રામમાં ઓપન થવા જ દેતાં નથી. કોઈ વ્યક્તિ આવી નોટની ઇમેજ ઓપન કરવાનો પ્રયાસ કરે તો પ્રોગ્રામ તેને જાણ કરે છે કે આ એપ્લિકેશન બેન્ક નોટ ઇમેજિસના એડિટિંગને સપોર્ટ કરતી નથી!
ભેજાબાજો એના પણ રસ્તા શોધી કાઢે છે એ જુદી વાત છે, પણ ખુશીની વાત એ છે કે એડોબ કંપની તેના પ્રોગ્રામના દુરૂપયોગ ટાળવાના પગલાં વિસ્તારી રહી છે.
સિસ્ટમ ચહેરાનું મોર્ફિંગ પારખી શકાશે
ફોટોશોપ પ્રોગ્રામનો સૌથી વધુ દુરૂપયોગ લોકોના ચહેરા બદલવા માટે થતો હોય છે, પરંતુ આવો દુરૂપયોગ કેમ અટકાવવો એ કંપની માટે એક પડકાર હતો. ફોટોશોપમાં ચલણી નોટોની ઇમેજ ઓપન કરતાં લોકોને અટકાવી શકાય, પરંતુ જેમાં વિવિધ લોકોના ચહેરા હોય એવા ફોટોગ્રાફ તો ઓપન થતા કેવી રીતે અટકાવવા? દરેક ડિઝાઇનર માટે, તેની ડિઝાઇનમાં ચહેરા ધરાવતા ફોટોગ્રાફ્સને વિવિધ રીતે ટચ-અપ કરવા જરૂરી હોય છે.
આ સમસ્યાના ઉપાય તરીકે કંપનીએ જે ફોટોગ્રાફ્સમાં છેડછાડ થઈ હોય તેવા ફોટોગ્રાફ ઓળખી બતાવતું એક ‘ન્યૂરલ નેટવર્ક’ તૈયાર કર્યું છે. ન્યૂરલ નેટવર્ક એટલે માણસના મગજની જેમ, જુદી જુદી અનેક બાબતોના અનુભવ પછી જાતે જ નવી વાતો શીખવા લાગતી એક પ્રકારની કમ્પ્યુટર સિસ્ટમ.
ફોટોશોપના જાણકારો જાણતા હશે કે ફોટોશોપમાં ‘ફેસ અવેર લિક્વિફાય’ નામનું એક ટૂલ છે જેની મદદથી કોઈના ચહેરાની ઇમેજમાં નજીવા પણ નોંધપાત્ર ફેરફાર ખાસ્સી સહેલાઈથી કરી શકાય છે.
એડોબ કંપનીએ વિકસાવેલું ન્યૂરલ નેટવર્ક તેને બતાવવામાં આવતા ફોટોગ્રાફમાં આ ટૂલના ઉપયોગને પકડી પાડે છે.
માણસ કરતાં વધુ પાવરફૂલ મશીન!
આ ટેકનોલોજીને વિસ્તારતાં પહેલાં એડોબ કંપનીને લાગ્યું કે છેડછાડ કરાયેલા ફોટોગ્રાફ પારખવામાં લોકો પોતે કેટલા પાવરધા છે એ પણ જાણવું જોઇએ.
આથી તેણે કેટલાક લોકોને સ્વયંસેવક તરીકે પસંદ કરીને તેમને લગભગ સરખા લાગતા ફોટોગ્રાફ્સની જોડીઓ બતાવી અને દરેક જોડીમાંથી અસલી ઇમેજ કઈ અને નકલી ઇમેજ કઈ એ પારખવા કહ્યું.
આ ટૂલ ફોટોગ્રાફમાં ક્યાં ફેરફારો કરવામાં આવ્યા છે એ બતાવી શકે છે એટલું જ નહીં, એક ડગલું આગળ વધીને એ ફેરફારો દૂર કરીને ફોટોગ્રાફને તેની વાસ્તવિક સ્થિતિની તદ્દન નજીક પણ લાવી શકે છે!
આ સર્વેક્ષણમાં માત્ર ૫૩ ટકા લોકો છેડછાડ કરાયેલા ફોટોગ્રાફ તારવી શક્યા અને એ પણ જ્યારે અસલી અને નકલી બંને ફોટોગ્રાફ તેમની સામે હતા ત્યારે.
જો અસલી ફોટોગ્રાફ તેમને બતાવવામાં આવ્યો જ ન હોત તો તેઓ નકલી ફોટોગ્રાફને અસલી માની બેઠા હોત!
બીજી તરફ આવો જ પ્રયોગ નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ન્યૂરલ નેટવર્ક પર કરવામાં આવ્યો ત્યારે તેણે પૂરી ૯૯ ટકા ચોકસાઈ સાથે બનાવટી તસવીરો ઓળખી બતાવી!
આ ટૂલ ફોટોગ્રાફમાં ક્યાં ફેરફારો કરવામાં આવ્યા છે એ બતાવી શકે છે એટલું જ નહીં, એક ડગલું આગળ વધીને એ ફેરફારો દૂર કરીને ફોટોગ્રાફને તેની વાસ્તવિક સ્થિતિની તદ્દન નજીક પણ લાવી શકે છે!
આ ટૂલ કેટલું ઉપયોગી?
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ફેક તસવીરોની મદદથી ફેક ન્યૂઝનો જુવાળ સતત વધી રહ્યો છે ત્યારે આ પ્રકારના ટૂલ ચોક્કસ ઉપયોગી છે તેમ છતાં તેનો ઉપયોગ મર્યાદિત છે.
સૌથી મોટી મર્યાદા એ છે કે આ ટૂલ માત્ર ફેસ લિક્વિફાય ફિલ્ટરનો ઉપયોગ પારખી શકે છે. ફોટોશોપ પ્રોગ્રામમાં બીજી ઘણી બધી રીતે ફોટોગ્રાફ્સમાં છેડછાડ થઈ શકે છે.
ઉપરાંત આ ટૂલ સરેરાશ યૂઝરના હાથમાં આવે નહીં ત્યાં સુધી તેનો ઉપયોગ બહુ સીમિત છે!
વધુ જાણો
જો તમે ફોટોશોપનો ઉપયોગ જાણતા હો, તો તેના ‘ફેસ અવેર લિક્વિફાય’ ટૂલથી ચહેરામાં કેવા બારીક ફેરફાર કરી શકાય છે એનું આ સ્ટેપ-બાય-સ્ટેપ ટ્યુટોરિયલ તમને ગમશે!

