શાળામાં કે ઘરમાં નાના બાળકોને પૃથ્વી પરની અક્ષાંશ-રેખાંશ રેખાઓનો કન્સેપ્ટ સમજાવવો હોય તો હવે પેલા જૂના અને જાણીતા પૃથ્વીના ગોળાની મદદ લેવી જરૂરી રહી નથી.
પીસી કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝરમાં ગૂગલ અર્થની વેબસાઇટ પર જઇને અથવા મોબાઇલમાં ગૂગલ અર્થની એપમાં પૃથ્વીના ગોળા પર અક્ષાંશ-રેખાંશની રેખાઓ ઉમેરી શકાય છે.
એ માટે ગૂગલ અર્થમાં ગયા પછી ડાબી પેનલ ઓપન કરો અને તેમાં મેપ સ્ટાઇલનો વિકલ્પ પસંદ કરો. તેમાં છેક નીચે ‘ઇનેબલ ગ્રીડ લાઇન્સ’નો વિકલ્પ મળશે. તેને ઓન કરતાં પૃથ્વીના ગોળા પર અક્ષાંશ-રેખાંશ ઉમેરાઈ જાય છે. વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત વગેરે તથા અન્ય તમામ અક્ષાંશ-રેખાંશ દેખાય છે અને કોઈ પણ સ્થળ ઝૂમ કરીને તેના અક્ષાંશ-રેખાંશ પણ જાણી શકાય છે!

