ઇરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યા પછી અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા હતી પરંતુ છેલ્લી ઘડીએ અમેરિકન પ્રમુખે ઇરાન પરનો વાસ્તવિક હુમલો અટકાવ્યો. પરંતુ હવે બહાર આવી રહેલી વિગતો અનુસાર અમેરિકન પ્રમુખે ઇરાન પરના સાયબર હુમલાને લીલીઝંડી આપી દીધી હતી. એવું મનાય છે કે અમેરિકન સાયબર એટેકમાં ઇરાનની મિસાઇલ કન્ટ્રોલ સિસ્ટમને નિશાન બનાવાઈ.
હજી થોડા જ દિવસ પહેલાં અમેરિકાએ રશિયાની પાવરગ્રિડમાં અફડાતફડી સર્જી શકે તેવો માલવેર ઘૂસાડ્યો હોવાના અહેવાલો બહાર આવ્યા હતા.
દેખીતું છે કે ઇરાન સામેના સાયબર એટેકની ખરેખર કેટલી અસર થઈ તે વિશે અમેરિકા કે ઇરાન તરફથી સત્તાવાર કોઈ નિવેદન નથી. નિષ્ણાતો માને છે કે હવે આ પ્રકારના સાયબર હુમલા વધુ સામાન્ય બનશે કારણ કે તેમાં સીધી જાનહાનીની કોઈ શક્યતા વિના દુશ્મન દેશને પાંગળો બનાવીને તેના તરફથી વાસ્તવિક હુમલાની શક્યતા ઘણી ઘટાડી શકાય છે.
