વિજ્ઞાનની જનેતા જિજ્ઞાસા છે. ‘આમ કેમ? જેમ છે, તેને બદલે કંઈક જુદું હોત તો?’ એવા સવાલોમાંથી જ અનેક નવી શોધ શક્ય બને છે અને આપણી દુનિયા સમૃદ્ધ બને છે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે આપણે પોતાની કલ્પનાને બિલકુલ છૂટો દોર આપી શકીએ.
વિચાર કરો, આપણી પૃથ્વી પર પ્લાસ્ટિક હોત જ નહીં તો? પૃથ્વી ગોળ છે, તેને બદલે ઘનાકાર હોત તો? પૃથ્વી પરનો બધો બરફ ઓગળી જાય તો? મહાસાગરો પારદર્શક હોત તો? અથવા પૃથ્વી પરના મહાસાગરો ગાયબ થઈ જાય તો? આપણને ક્યારેય ઊંઘ આવતી જ ન હોત તો? ભેજું ચકરાવી દે એવા આ વિષયોની કલ્પના જ મુશ્કેલ છે, તો એના વીડિયો તો કેવા હોય?
દુનિયાના સરેરાશ લોકો આ સવાલોને હસી નાખે, પણ કેનેડામાં કેટલાક યુવાનોએ ભેગા થઈને આ જ પ્રકારના સવાલોને વૈજ્ઞાનિક ઢબે તપાસીને, ‘વ્હોટ ઇફ’ નામે એક યુટ્યૂબ ચેનલ તૈયાર કરી છે.
મજા એ છે કે દરેક વીડિયોમાં તેઓ ‘આવું હોત તો શું થાત…’ એ બતાવીને પછી ‘કુદરતે એવું શા માટે નથી કર્યું અને સ્થિતિ જેમ છે તેમ કેમ સારી છે’ એની પણ વાત આલેખી છે.
દુનિયાના મહાસાગરો પારદર્શક હોત તો?
“પૃથ્વીનો લગભગ 70 ટકા ભાગ મહાસાગરોથી આવરિત છે, પણ તેમાંનો માંડ એક ટકા ભાગ માણસ જોઈ-સમજી શક્યો છે. પાણીમાં તરતાં રેતકણો, લીલ, શેવાળ અન્ય જીવાણુઓ, દર વર્ષે મહાસાગરોમાં ઠલવાતો 1.4 અબજ ટન કચરો આ બધાને કારણે મહાસાગરો પારદર્શક નથી.
પણ, હોત તો? તો આપણે છેક તેના તળિયા સુધી પહોંચીને ત્યાં જે કંઈ છે એ બધું જ એકદમ સ્પષ્ટ જોઈ શકતા હોત! આપણી ધારણા એવી હોય કે મહાસાગરના તળિયું અનેક નાના-મોટા પર્વતોથી ઊબડખાબડ હશે અને ચારેતરફ અપાર જીવસૃષ્ટિ હશે, પણ એવું નથી. મહાસાગરનો ઘણો હિસ્સો, પૃથ્વીની જેમ સપાટ છે અને મહાસાગરો એટલા વિરાટ છે કે તેમાંની અપાર લાગતી જીવસૃષ્ટિ હોવા છતાં પણ ગજબનો ખાલીપો અનુભવી શકાય. પરંતુ મહાસાગરોમાં વ્યાપક પ્રમાણમાં લીલ, શેવાળ ન હોય તો માછલીનું અસ્તિત્વ જ ન ટકી શકે. બીજી તરફ, જો સૂર્યપ્રકાશ મહાસાગરમાં ઊંડે સુધી ઊતરી શકે, તો બીજી સમસ્યાઓ સર્જાય…
આગળ જાણવા માટે તમારે આ વીડિયો જોવો રહ્યો! જરૂર પડે તેની ટ્રાન્સ્ક્રીપ્ટનો ઉપયોગ કરશો તો વીડિયો સમજવો સહેલો બશે.
પૃથ્વી પોતાની ધરી પર ફરવાનું બંધ કરી દે તો?
“હાઇ-સ્પીડ ઇન્ટરનેટ, સુપરસોનિક જેટ, ઇન્સ્ટન્ટ કોફી કે નૂડલ્સ… આ બધું જોતાં દુનિયા સતત તેજ ગતિએ ભાગતી હોય એવું લાગે, પણ વાસ્તવમાં, તેની ગતિ ધીમી પડી રહી છે. છેલ્લાં સો વર્ષમાં દિવસો લાંબા થયા છે, અલબત્ત, માત્ર ૧.૭ મિલિસેકન્ડ જેટલા!
આ ગતિ સાવ અટકી જાય તો? પૃથ્વી પોતાની ધરી પર ફરવાનું અચાનક બંધ કરી દે તો? પૃથ્વી સરેરાશ કલાકના ૧૦૦૦ માઇલની ગતિએ ગોળ ફરે છે અને સાથે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. એટલે જ પૃથ્વી પર દિવસ રાત થાય છે અને પવન, ભરતી અને તાપમાનનું સંતુલન જળવાય છે. જેમ તેજ ગતિએ ભાગતી કારમાં અચાનક બ્રેક વાગતાં, સેફ્ટી-બેલ્ટ વિના આપણે આગળની તરફ ફેંકાઈએ, એ જ રીતે પૃથ્વી અચાનક અટકી પડે તો ‘સેફ્ટી-બેલ્ટ’ વિનાના તમામ માણસ ને વસ્તુ કલાકના ૧૦૦૦ માઇલની ગતિએ ફંગોળાય! મહાસાગરોમાં વિશાળ ત્સુનામી સર્જાય ને ગુરુત્વાકર્ષણમાં પણ અસંતુલન સર્જાય. હવે ૨૪ કલાકનો દિવસ એક વર્ષ જેટલો બને અને અડધા વર્ષ સુધી સૂર્ય દેખાય જ નહીં એવું બને. છેવટે પૃથ્વી, અત્યારના મંગળ ગ્રહ જેવી બને.
નિષ્ણાતોના મતે, પૃથ્વી અચાનક તો નહીં અટકે, પણ ૧૮.૫ અબજ વર્ષ પછી જરૂર અટકવાની છે, ત્યાં સુધી રોજેરોજ દિવસ-રાતની મજા માણો અને પૃથ્વીની ગતિ સાથે તાલ મિલાવી, ભરપૂર જીવો!

