રોજબરોજના કામને એકમેક સાથે સાંકળતા જીમેઇલના સાઇડબારનો તમે ઉપયોગ કરો છો?
તમે કદાચ નોંધ્યું હશે કે આપણા સૌના હાથમાં સ્માર્ટફોન આવી ગયા પછી આપણે અગાઉના સમય કરતાં વધુ વ્યસ્ત થઇ ગયા છીએ!
કારણ દેખીતું છે – હવે આપણે ગમે ત્યાંથી ગમે ત્યારે અને ગમે તે કામ કરી શકીએ છીએ. કરવા ખાતર નોકરી કરનારા લોકો માટે આ સ્થિતિ અભિશાપ જેવી છે કારણ કે બોસ તેમને ગમે ત્યારે ગમે ત્યાં ઝડપી શકે છે, પરંતુ જેમને પોતાના કામ પ્રત્યે ખરેખર લગાવ છે એમને માટે હવે બહેતર પ્રોડક્ટિવિટીની અનેક સંભાવનાઓ ખુલી ગઈ છે.
જીમેઇલ, વોટ્સએપ વગેરેને કારણે પોતાના કામને સંબંધિત કોન્ટેક્ટ્સ સાથે સતત સંપર્કમાં રહેવું એકદમ સહેલું બન્યું છે અને બીજી તરફ ગૂગલ ડ્રાઇવ જેવી સવલતને કારણે પોતાના કામકાજની લગભગ બધી જ ફાઇલ મોબાઇલમાં હાથવગી રાખી શકાય છે.
ઇન્ટરનેટ કનેકશનનો હવે લગભગ કોઈ પ્રશ્ન રહ્યો નથી, તેમ છતાં કોઈ જગ્યાએ બરાબર કનેક્ટિવિટી મળતી ન હોય તો ડ્રાઇવમાંની ફાઇલ્સમાં આપણે ઓફલાઇન પણ કામ કરી શકીએ છીએ.
તમને જાણીને કદાચ આશ્ર્ચર્ય થશે કે તમે તમારા સ્માર્ટફોન પરથી તમારા ઓફિસના લેપટોપને એક્સેસ કરીને તેમાંની કોઈ પણ ફાઇલ્સની અન્યો સાથે આપ-લે કરી શકો એવી સગવડ પણ હવે ઉપલબ્ધ છે.
સવાલ ફક્ત આ બધી સ્માર્ટ સુવિધાઓનો આપણે કેટલો સ્માર્ટ ઉપયોગ કરી શકીએ તેનો છે.
જીમેઇલની જ વાત કરીએ તો તેમાં વધુ ને વધુ નવાં ફીચર્સ ઉમેરાતાં જાય છે. તમને કદાચ ખ્યાલ હશે કે જીમેઇલના વેબવર્ઝનમાં એટલે કે જ્યારે આપણે પીસી કે લેપટોપમાં બ્રાઉઝરમાં જીમેઇલ ઓપન કરીએ ત્યારે સ્ક્રીન પર જમણી તરફ હવે એક સાઇડબાર જોવા મળે છે, જેમાં ગૂગલ કેલેન્ડર, ગૂગલ કીપ અને ગૂગલ ટાસ્ક્સ જેવી ગૂગલની અન્ય જુદી જુદી સર્વિસીઝના આઇકન જોવા મળે છે.
આ સાઇડબારની મદદથી, આપણે ગૂગલની વિવિધ સર્વિસને એકમેક સાથે સાંકળી શકીએ છીએ.
એ જોવું ખરેખર રસપ્રદ છે કે હવે આપણું કામ સહેલું અને ઝડપી બનાવે એવી વિવિધ પ્રકારની અનેક સર્વિસીઝ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થયા પછી આ બધી સર્વિસને એકમેક સાથે સાંકળવાનું, ઇન્ટીગ્રેટ કરવાનું ભગીરથ કાર્ય પણ મોટા પાયે શરૂ થયું છે.
જીમેઇલમાં હજી જે કંઈ ખૂટે છે તે ઉમેરવા માટે અલગ અલગ થર્ડ પાર્ટી એક્સટેન્શન્સ પણ ઉપલબ્ધ છે. જોકે જીમેઇલ જેવી આપણા માટે સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ સર્વિસમાં થર્ડ પાર્ટી એપ કે એક્સટેન્શન્સને સાંકળવાનો મુદ્દો જરા વિવાદાસ્પદ છે.
પરંતુ જો તમે તમારા રોજિંદા કામકાજ માટે ગૂગલની અલગ અલગ સર્વિસીઝનો ઉપયોગ કરતા હો તો જીમેઇલમાં ઉમેરાયેલ સાઇડબાર તમારે માટે ખરેખર આશીર્વાદરૂપ બની શકે છે.
આપણા રોજબરોજના કામકાજ તારીખ અને સમય મુજબ ઓર્ગેનાઇઝ કરવા હોય તો એ માટે ગૂગલ કેલેન્ડરનો જોટો જડે તેમ નથી. એ જ રીતે કોઈ પણ બાબત વિશે મનમાં આવેલા વિચાર કે ઇન્ટરનેટ પર ગમે ત્યાં જોયેલી ઉપયોગી બાબતોને ફટાફટ સાચવી લેવી હોય તો એ માટે ગૂગલ કીપ સર્વિસ બહુ ઉપયોગી છે.
જો તમે ખરેખર વ્યસ્ત એક્ઝિક્યુટીવ હો અને પોતાના રોજબરોજના કામકાજની હંમેશા એક વ્યવસ્થિત યાદી બનાવીને એ મુજબ કામ કરતા હો તો અચૂકપણે તમે કોઈ ને કોઈ ટુ-ડુ એપનો પણ ઉપયોગ કરતા હશો.
ગૂગલે પણ ગૂગલ ટાસ્ક્સ નામે અત્યંત સિમ્પલ સર્વિસ આપી છે. આ સર્વિસની ઘણી મયર્દિાઓ છે (જેમ કે તેમાં સર્ચ કે લેબલની સુવિધા નથી) તેમ છતાં રોજબરોજના કામકાજનું અત્યંત સરળ લિસ્ટ બનાવવા માટે આ સર્વિસ ઘણી સારી છે.
આપણું કામ સહેલું અને સુવ્યવસ્થિત બનાવી વિવિધ સર્વિસીઝને હવે એકમેક સાથે સાંકળવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.
મોટે ભાગે એવું બને છે કે આપણા કોઈ પણ કામની શરૂઆત આપણા પર આવેલા ઈ-મેઇલથી થાય છે. આપણે એ ઇમેઇલમાંના કામની વિગતો આપણા કેલેન્ડર, કીપ કે ટાસ્ક્સ જેવી સર્વિસમાં ઉમેરવાની થતી હોય છે. જીમેઇલમાં ઉમેરાયેલા સાઇડબારને કારણે આ કામ હવે એકદમ સહેલું બની ગયું છે.
તમે ઇનબોક્સમાં મેઇલ્સનું લિસ્ટ જોઈ રહ્યા હો ત્યારે જમણી તરફના સાઇડ બારમાં ટાસ્કનો આઇકન ક્લિક કરતાં સાઇડબાર એક્સપાન્ડ થાય છે. હવે કોઈ પણ મેઇલને ડ્રેગ કરીને સાઇડબાર પર લાવતાં તે નવા ટાસ્ક્સ તરીકે ઉમેરાઈ જાય છે. ટાસ્ક્સમાં આપણે જુદાં જુદાં લિસ્ટ બનાવી શકીએ છીએ અને તે પૂરું કરવાની તારીખ અને સમય પણ ઉમેરી શકીએ છીએ, આપણે પોતાના પર આવેલા ઈ-મેઇલમાં કોઈ નોંધ ટપકાવી શકતા નથી, પણ તેના ટાસ્કમાં નોંધ ઉમેરી શકાય. આપણા ઈ-મેઇલની લિન્ક તેમાં સચવાતી હોવાથી ગમે ત્યારે એ ઈ-મેઇલ ઓપન કરી શકીએ છીએ.
સ્માર્ટફોનની જીમેઇલ એપમાં પણ, હવે કોઈ મેઇલ ઓપન કરી, ઉપર ત્રણ ડોટ પર ક્લિક કરીને તેને ટાસ્કમાં ઉમેરી શકાય છે.
એ જ રીતે, પીસીમાં કોઈ મેઇલ ઓપન કર્યા પછી સાઇડબારમાં કેલેન્ડર એક્સપાન્ડ કરી, કોઈ પણ સમય પર કર્સર મૂકતાં એ ઈ-મેઇલનો સબ્જેક્ટ કેલેન્ડમાં ઉમેરાઈ જાય છે. ગૂગલ કીપમાં હજી આવું ઝડપી ઇન્ટિગ્રેશન આવ્યું નથી, પણ આ સાઇડબાર જીમેઇલના યૂઝર્સમાં એકદમ લોકપ્રિય બનવા લાગ્યા છે.
તમે ગૂગલની વિવિધ સર્વિસીઝનો ઉપયોગ કરતા હો તો તેનો આવી રીતે ઇન્ટિગ્રેટેડ ઉપયોગ કરી જુઓ. કામ ઘણું સહેલું અને વ્યવસ્થિત થશે.


