(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ક્યારેક ફોન ધડાકા સાથે સળગી કેમ ઊઠે છે?

એકદમ ટૂંકો અને સાદો જવાબ આટલો જ હોઈ શકે – વધુ પડતી ગરમીને કારણે. જરા ટેકનિકલ ભાષા વાપરવી હોય તો એમ કહી શકાય કે ‘થર્મલ રનઅવે’ નામની પ્રક્રિયાને કારણે.

પરંતુ એ તો દેખીતું છે કે ‘સાયબરસફર’ના વાચકને તદ્દન ટૂંકા કે સાદા જવાબમાં રસ ન હોય, એટલે આપણે જવાબમાં વધુ ઊંડા ઉતરીએ.

અખબારોમાં આપણે છાશવારે કોઈના ખિસ્સામાં કે હાથમાંનો મોબાઇલ ધડાકા સાથે સળગી ઊઠ્યાના સમાચાર વાંચીએ છીએ. આવા અકસ્માતો ભાગ્યે જ બને છે, પરંતુ બને છે ચોક્ક્સ. જો આપણે ફોનમાં આવા નાના વિસ્ફોટ થવાનાં કારણો જાણી લઇએ તો એને નિવારવાનાં પગલાં પણ લઈ શકીએ.

એ માટે પહેલાં, ફોન સળગી ઉઠવાનું મુખ્ય કારણ – થર્મલ રનઅવે પ્રક્રિયા – શું છે એ સમજીએ.

હવે મોટા ભાગના ફોનમાં લિથિયમ-આયન પ્રકારની બેટરી હોય છે. આ બેટરીમાં સંખ્યાબંધ લી-આયન સેલ્સ હોય છે. જેમ પાણીનું એક ચોક્કસ ઉત્કલનબિંદુ હોય છે, એટલે કે એક ચોક્કસ તાપમાને પહોંચ્યા પછી પાણી ઉકળવા લાગે છે બરાબર એ જ રીતે લિથિયમ આયન બેટરીમાંના દરેક સેલ પણ એક ચોક્કસ તાપમાને એક્ઝોથર્મિક બ્રેકડાઉન નામે ઓળખાતી સ્થિતિમાં પહોંચી જાય છે.

ઉનાળામાં સખત ગરમી હોય, ફોનને ઓવરચાર્જ કરવામાં આવે કે ફોનના મેન્યુફેકચરિંગમાં જ રહેલી ખામીને કારણે બેટરીના સેલ્સ આવા ક્રિટિકલ ટેમ્પરેચરે પહોંચી શકે છે.

એક્ઝોથર્મિક બ્રેકડાઉનની સ્થિતિએ પહોંચ્યા પછી બેટરીના દરેક સેલ પોતે પણ પાર વગરની ઊર્જા ઉત્પન્ન કરવા લાગે છે. આને કારણે થર્મલ રનઅવેની પ્રક્રિયા સર્જાય છે.

એટલે કે બેટરીના દરેક સેલ બહારથી સખત ગરમીનો અનુભવ કરી રહ્યા હોય અને એ સાથે તેની અંદર પણ નવી ગરમી પેદા થવા લાગે છે. પરિણામે આવા સેલની આજુબાજુના સેલ્સ પણ પોતાના ક્રિટિકલ ટેમ્પરેચરે પહોંચવા લાગે છે. જો આવું અત્યંત ઝડપથી થવા લાગે તો કાં તો બેટરી ફટાફટ ઉતરી જાય અથવા સળગી ઊઠે કે પછી નાના ધડાકા સાથે સળગી ઊઠે.

ઉપરાંત, જ્યારે ફોનની બેટરી ઊંચા તાપમાને ડિસ્ચાર્જ થવા લાગે ત્યારે તેમાંના સેલ્સ અસ્થિર બને છે. આવી સ્થિતિમાં સેલ્સમાં કાયમી શોર્ટ સર્કિટ સર્જાઈ જાય એવું બની શકે છે અથવા તેમાં ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઇડ જેવા ગેસ ઉત્પન્ન થાય છે જેને કારણે બેટરી ફૂલી જાય છે. ગરમ વાતાવરણમાં આવી બેટરી ચાર્જ કરવામાં આવે ત્યારે તે વધુ ફૂલવાની કે ફાટવાની શક્યતા વધી જાય છે.

એટલે જ મોટા ભાગના ફોનમાં ચાર્જિંગ સમયે ફોન વધુ પડતો ગરમ થાય તો તેનું ચાર્જિંગ આપોઆપ બંધ કરી દેવાની સગવડ હોય છે.


ફોનમાં અને લી-આયન બેટરીમાં એવી કેટલીક સગવડ પહેલેથી રાખવામાં આવી હોય છે જેથી બેટરી ફાટવાની સ્થિતિ સુધી ન પહોંચે. પરંતુ સ્થિતિ સાવ અંકુશ બહાર જાય ત્યારે ફોન ફાટી શકે છે.

આવું ટાળવા શું કરશો?

ફોનના મેન્યુફેકચરિંગમાં જ કંઇક ગંભીર ખામી રહી ગઈ હોય એવી સ્થિતિ સિવાય સામાન્ય રીતે ફોન ફાટવાના કિસ્સાઓ ઓછા બને છે, તેમ છતાં ફોનને વધુ પડતી ગરમીમાં ચાર્જ ન કરવામાં આવે તે સલામતીનો સૌથી સાદો ઉપાય છે.

તમારો ફોન જે કંપનીનો હોય એ જ કંપનીનું કે તે કંપની દ્વારા સર્ટિફાઇડ ચાર્જરનો ઉપયોગ કરવો એ સલામતીનો બીજો સૌથી સાદો ઉપાય છે. બજારમાં મળતાં સસ્તાં ચાર્જરનો ઉપયોગ કરવાથી ફોનની બેટરી વધુ પડતી ગરમ થઈ શકે છે અને તેને લાંબા ગાળે નુકસાન થઈ શકે છે. જોકે ફોનની બેટરીને થતા આવા નુકસાનને કારણે ફોન ફાટે તે પહેલાં જ બેટરી નકામી થઈ જતી હોય છે.

જો ઉપર જણાવેલા કારણોસર તમારા ફોનની બેટરી ફૂલી ગઈ હોય તો આવી બેટરીવાળા ફોનનો ઉપયોગ કરશો નહીં કે તેને ચાર્જ કરશો નહીં. આવી બેટરી વહેલી તકે ફોન મેન્યુફેકચરિંગ કંપનીની બેટરીથી બદલી લેવી અનિવાર્ય છે.

બેટરીને ભૌતિક નુકસાન ન થાય એ ધ્યાન રાખવું જરૂરી છે. બેટરીની રચના એ પ્રકારની હોય છે કે ફોન હાથમાંથી છટકીને નીચે પડે તો મોટા ભાગે બેટરીને નુકસાન થતું નથી. પરંતુ જો જાણી જોઇને બેટરીને વાળવામાં આવે, જોશભેર દબાવવામાં આવે કે ખોલવાનો પ્રયાસ કરવામાં આવે તો તેમાં એક્ઝોથર્મિક બ્રેકડાઉનની સ્થિતિ સર્જાઈ શકે છે. એટલે કે તેમાં ધડાકો થવાની શક્યતા વધી જાય છે.

સ્માર્ટફોનની બેટરીને સંબંધિત કાળજીની આ બધી સામાન્ય બાબતો લેપટોપની બેટરીને પણ લાગુ પડે છે. ફોન કે લેપટોપની બેટરી જ્યારે વધુ પડતી ચાર્જ્ડ ન હોય અને સાવ ઉતરી ગયેલી ન હોય એવી સ્થિતિમાં સૌથી સારું પર્ફોર્મન્સ આપે છે. આથી બંને સાધનોની બેટરીને સતત પ્લગઇન્ડ ન રાખો તે હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!