ક્યારેક ‘સાયબરસફર’ના વાચકો તરફથી એવા ગૂગલી સવાલો આવી જાય છે કે વાંચીને મજા પડી જાય અને સાથે સામો સવાલ પણ થાય કે વાચકો આવી ઝીણી વિગતો સુધી પહોંચ્યા કઈ રીતે?!
કોઈ પણ ઇમેજની ફાઇલ .જેપીજી કે .જેપીઇજી કે .પીએનજી જેવા વિવિધ ફોર્મેટમાં સેવ થતી હોય છે એ તો આપણે જાણીએ છીએ પરંતુ વેબપી, જેનો ઉચ્ચાર ઘણી વાર ‘વેપ્પી’ પણ થાય છે, એ સામાન્ય રીતે આપણા માટે અજાણ્યું ફાઇલ ફોર્મેટ છે.
અજાણ્યું એટલા માટે કેમ કે ઇન્ટરનેટ પર આપણે વિવિધ ઇમેજિસ જોઈ રહ્યા હોઈએ ત્યારે આપણને સામાન્ય રીતે ખબર પણ પડતી નથી કે એ ફાઇલ .જેપીજી પ્રકારની છે કે .પીએનજી પ્રકારની. ઇમેજને રાઇટ ક્લિક કરીને સેવ કરીએ ત્યારે જ ફાઇલનો પ્રકાર આપણને જાણ થાય છે.
આ જ કારણે એક ચોક્કસ જગ્યાએ લગભગ બધી જ ઇમેજિસ વેબપી પ્રકારની હોવા છતાં તે આપણાથી અજાણી રહે છે. આ જગ્યા છે ગૂગલ પ્લે સ્ટોર!
આપણે જાણીએ છીએ તેમ ગૂગલના પ્લે સ્ટોરમાં એપ્સની સંખ્યા લાખોમાં પહોંચી છે. એપ્સની સાથોસાથ પ્લે સ્ટોરમાં ગેમ્સ, બુક્સ, મૂવીઝ વગેરેની પણ ભરમાર છે. પ્લે સ્ટોરમાં આ દરેક બાબતના પેજ પર પહોંચતાં દરેકના પાંચ સાત સ્ક્રીનશોટ પણ જોવા મળે છે. આ બધું મળીને પ્લે સ્ટોરમાં ઇમેજિસની સંખ્યા લાખોમાં હોવા છતાં મોટા ભાગે પ્લે સ્ટોરમાં ઇમેજસ લોડ થતાં આંખના પલકારા જેટલી પણ વાર લાગતી નથી (સિવાય કે આપણા જ નેટ કનેકશનમાં ગરબડ હોય).
ઇમેજ લોડ થવાની આવી ધૂંઆધાર ઝડપનું કારણ એ છે કે પ્લે સ્ટોરમાંની બધી ઇમેજ વેબપી ફોર્મેટમાં સ્ટોર કરવામાં આવે છે.
આ ટેકનોલોજી વિકસાવનાર ‘ઓનટુ ટેકનોલોજીસ’ નામની કંપની પાસેથી ગૂગલે આ ટેકનોલોજી ખરીદી લીધી અને હવે ગૂગલ ઉપરાંત ફેસબુક અને બીજી અન્ય કંપનીઝ પણ વેબપી ફોર્મેટનો ઉપયોગ કરવા લાગી છે. ઇમેજ માટે આ ફોર્મેટનો ઉપયોગ કરવાનું એક માત્ર લક્ષ્ય ઇમેજની સાઇઝ શક્ય એટલી ઘટાડીને વેબને ઝડપી બનાવવાનું છે.
વેબ માટેની ઇમેજને વેબપી ફોર્મેટમાં બે પ્રકારે કમ્પ્રેસ કરી શકાય છે – લોસલેસ એટલે કે ફોટોગ્રાફની ક્વોલિટીમાં કોઈ ઘટાડા વિના અને લોસી એટલે કે ગુણવત્તામાં નજીવા ઘટાડા સાથે. વેબપી લોસલેસ ઇમેજિસ પીએનજી પ્રકારની ઇમેજની સરખામણીમાં ૨૬ ટકા ઓછી સાઇઝની બને છે. જ્યારે લોસી ઇમેજ જેપીઇજી ઇમેજની સરખામણીમાં ૨૫થી ૩૪ ટકા જેટલી ઓછી સાઇઝની બની શકે છે.
હવે તો ગૂગલ અને ફેસબુક જેવી મોટી કંપની સિવાય કોઈ પણ વેબ ડેવલપર પોતાની પીએનજી અને જેપીઇજી ઇમેજને વેબપી ફોર્મેટમાં સેવ કરીને પોતાની વેબસાઇટને ઝડપી બનાવી શકે છે.

