જો તમે તમારી કંપનીનું બ્રોશર કે વેબસાઇટ ડિઝાઇન કરવાનું કામ કોઈ પ્રોફેશનલ કંપનીને સોંપ્યું હશે તો એવી પૂરી શક્યતા છે કે એમના તરફથી તમને ડિઝાઇનના જે નમૂના આપવામાં આવે તેમાંની ટેકસ્ટ Lorem Ipsomથી શરૂ થતી હશે. ઇન્ટરનેટ પર તમે બ્લોગનાં ટેમ્પલેટ્સ શોધી રહ્યા હો તો તેમાં પણ આવી લોરેમ ઇપ્સમથી શરૂ થતી ટેકસ્ટ જોવા મળતી હશે.
આ અનુભવો પરથી એટલું તો સ્પષ્ટ થઇ જાય કે જ્યાં સુધી બ્રોશર કે વેબસાઇટ માટે સાચું લખાણ મળે નહીં ત્યાં સુધી ડમી ટેકસ્ટ તરીકે આ લોરેમ ઇપ્સમથી શરૂ થતી ટેકસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ‘સાયબરસફર’ના વાચકને એવી જિજ્ઞાસા જરૂર થાય કે આખી દુનિયાના જુદા જુદા ખૂણે રહેતા લોકો એક જ પ્રકારની ડમી ટેકસ્ટનો ઉપયોગ કેમ કરે છે?
કારણ સાદું છે. જ્યારે કોઈ ડિઝાઇનર ક્લાયન્ટને ડિઝાઇનનો નમૂનો મોકલે ત્યારે તેની ઇચ્છા એવી હોય છે કે ક્લાયન્ટનું બધું ધ્યાન માત્ર ડિઝાઇન પર રહે. જો તે ડમી ટેકસ્ટ તરીકે કોઈ પણ પુસ્તક કે વેબસાઇટમાંથી ઇંગ્લિશ ટેકસ્ટની કોપી કરીને તેને ડિઝાઇનમાં પેસ્ટ કરે તો તે અર્થપૂર્ણ લખાણ હોવાથી એવી પૂરી શક્યતા છે કે ક્લાયન્ટનું ધ્યાન એ લખાણ તરફ ખેંચાય અને ડિઝાઈનના મુદ્દાઓ બાજુઓ પર રહી જાય. ઉપરાંત જો એકનું એક વાક્ય કે પેરેગ્રાફ વારંવાર કોપી પેસ્ટ કરવામાં આવે તો એ ડમી ટેકસ્ટ એવી યુનિફોર્મ બની જાય કે તેનાથી વાસ્તવિક ટેકસ્ટ કેવી લાગશે એ પારખી શકાય નહીં અને ડિઝાઇન કંટાળાજનક બની જાય.
લોરેમ ઇપ્સમથી શરૂ થતી ટેકસ્ટ મૂળ લેટિન લખાણ છે અને અંગ્રેજીમાં તેનો કોઈ સ્પષ્ટ અર્થ નીકળતો નથી. આથી ડિઝાઈનર્સ Lipsom.com જેવી સાઇટ પર જઇને ડમી ટેકસ્ટ જનરેટ કરીને પોતાની ડિઝાઇનમાં તેનો ઉપયોગ કરે છે.

