ઓનલાઇન પેમેન્ટ બાબતે અત્યારે ભારતમાં ગૂગલ પે, પેટીએમ અને ફોન પે વચ્ચે જબરદસ્ત હરીફાઈ ચાલી રહી છે. આ ત્રણેયનો આધાર યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) છે અને યુપીઆઈની શરૂઆત જેનાથી થઈ તે ભીમ એપ આ રેસમાં પાછળ રહી ગઈ છે.
ગૂગલ પે હમણાં વિવાદમાં સપડાઈ છે કારણ કે તેણે જરૂરી મંજૂરીઓ વિના આ સર્વિસ શરૂ કરી દીધી હોવાનો મામલો અદાલતમાં પહોંચ્યો છે. બીજી તરફ પેટીએમ અને ફોન પે હવે માત્ર પેમેન્ટ સર્વિસ એપ બની રહેવાને બદલે જુદા જુદા કારણથી યૂઝર્સને પોતાની સાઇટ કે એપ પર ખેંચી લાવવાની મથામણ કરી રહ્યા છે. આ બંને કંપનીએ પોતાના પ્લેટફોર્મ પર જુદી જુદી ગેમ્સની સગવડ આપવાનું શરૂ કર્યું છે.
