મેથના કન્સેપ્ટસ જરા જુદી રીતે શીખવતી આ સાઇટમાં શિક્ષકો અને વાલીઓને ખાસ રસ પડશે.
માર્ચ મહિનો આવતાં ઘણા લોકોને પરીક્ષાઓ માથે હોવાથી સંતાનોના અભ્યાસમાં મદદરૂપ થવાનું ટેન્શન થવા લાગતું હોય છે. ટેક્નોલોજીના આજના સમયમાં સંતાનોના અભ્યાસમાં મદદરૂપ થવું બહુ મુશ્કેલ નથી, તેમ સાવ સહેલું પણ નથી.
એક એપ્રોચ સંતાનોને ઉપયોગી થાય તેવી વેબસાઇટ્સ બતાવી દેવાનો છે. આ બહુ સહેલો રસ્તો છે. પણ શક્ય છે કે તમે ઇચ્છતા હો એટલો એ કારગત ન નીવડે. સંતાનોને માત્ર પરીક્ષા માટે નહીં, પણ ખરેખર વિવિધ વિષયોના નિષ્ણાત બનાવવાની ઇચ્છા હોય તો ઇન્ટરનેટ પર રિસોર્સિસ પાર વગરના છે, ફક્ત આપણે તેમાં ઊંડો રસ લઈને સંતાનની સાથે પોતે પણ શીખવાનો અભિગમ કેળવવો પડે. અલબત્ત, આ કામ ફક્ત પરીક્ષા માથે આવે ત્યારે ન થઈ શકે.
જેમ કે તમારા દીકરા કે દીકરીને તમે ગણિત કેવી રીતે શીખવો છો?
મોટા ભાગે આપણે બુક્સ કે ગાઇડ્સ સાથે રાખીને દાખલા ગણાવવાનો આગ્રહ રાખીએ, પરંતુ તેને ગણિતના કન્સેપ્ટસ ખરેખર કેટલી સ્પષ્ટતાથી સમજાય છે એ તરફ બહુ ધ્યાન આપતા નથી. આ વાત ફક્ત માતાપિતા નહીં પરંતુ શિક્ષકોને પણ લાગુ પડી શકે છે.
કેઇલ પીયર્સ નામના એક અમેરિકન મેથ ટીચરને લાંબો સમય પરંપરાગત રીતે સ્કૂલમાં ગણિત શીખવ્યા પછી સમજાયું કે ચોકથી બોર્ડ પર દાખલાની રીત લખવાથી કે તેમને પોતાને જે રીતે શીખવવામાં આવ્યું છે એવી રીતે શીખવવાથી દરેક વિદ્યાર્થી સુધી પહોંચી શકાશે નહીં.
એમને લાગ્યું કે ગણિતના શિક્ષણમાં ધરમૂળથી ફેરફારની જરૂર છે.
એ માટે એમણે વર્ષ ૨૦૧૦માં ગણિતને અલગ રીતે શીખવતો, ખાસ આઇપેડ માટેનો એક પ્રોગ્રામ ડેવલપ કર્યો. ‘ટેપ ઇન ટુ ટીન માઇન્ડસ’ નામનો આ પ્રોગ્રામ ખાસ્સો સફળ રહ્યો. આ ગણિત શિક્ષકે પોતાની આવડત વધુ વિસ્તારતાં મેથ ઇઝ વિઝ્યુઅલ (http://mathisvisual.com/) નામની એક વેબસાઇટ વિકસાવી.
આપણને આ વેબસાઇટમાં વધુ રસ પડવો જોઈએ કારણ કે તેમાં ગણિતને શક્ય એટલા વધુ વિઝ્યુઅલ સ્વરૂપમાં શીખવવા પર ફોક્સ કરવામાં આવ્યું છે. તમે ઇચ્છો તો આ વેબસાઇટ પર જઇને એડિશન, ડિવિઝન કે પ્રોબેબિલિટી જેવા મેથેમેટિકલ કન્સેપ્ટસમાં સીધા ઝંપલાવી શકો છો.
જોકે આ મેથ ટીચર પોતે કહે છે તેમ દરેક કન્સેપ્ટ માટેના પ્રારંભિક વીડિયો પર નજર નાખીને આગલા કન્ટેન્ટ તરફ આગળ વધશો તો વધુ ઉપયોગી થશે.
આ સાઇટ પર ગણિતના દરેક કન્સેપ્ટને નાના વીડિયો અને સંખ્યાબંધ ઇમેજિસની મદદથી સમજાવવા પર ભાર મૂકવામાં આવે છે. કેઇલ પીયર્સના મતે આવા વીડિયો પ્રોમ્પટને કારણે શિક્ષકો, માતા-પિતા કે વિદ્યાર્થીને ગણિતના જે તે કન્સેપ્ટને વિઝ્યુઅલ એપ્રોચથી સમજવાની એક નવી દિશા મળે છે. એ પછી આગલા કન્ટેન્ટ પર આગળ વધતાં તેની સમજ વધુ સ્પષ્ટ થતી જાય છે. આ સાઇટ પર કેઇલ પીયર્સે પોતાનાં બાળકો સાથે આ વીડિયોનો કેવી રીતે ઉપયોગ કર્યો એ દર્શાવતા વીડિયો પણ મૂક્યા છે.
આમ તો આ સાઇટ પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે વધુ ઉપયોગી છે, પણ ઘણી વાર એવું બને છે કે માતાપિતા તરીકે આપણે પણ છેક પ્રાથમિક લેવલથી આપણા કન્સેપ્ટ્સ ક્લિયર કરવાની જરૂર હોય છે!
એવું બની શકે કે આ સાઇટ પર દર્શાવેલી ગણિત શિક્ષણની પદ્ધતિઓ આપણી શિક્ષણ પદ્ધતિઓ કરતાં જુદી હોય. વીડિયોમાંના અમેરિકન ઉચ્ચાર આપણને ગોઠે નહીં એવું પણ બને. પરંતુ ગણિત તો ગણિત છે!
કોઈક નાની વાતે કોઈ અઘરો કન્સેપ્ટ તમને બરાબર સમજાતો ન હોય અને આ મેથ ઇઝ વિઝ્યુઅલ કે તેના જેવી બીજી સાઇટ પરના વીડિયો કે અન્ય કન્ટેન્ટની મદદથી એ કન્સેપ્ટ ક્લિયર થઈ જતો હોય તો આવી સાઇટ્સ પર નજર ફેરવવામાં કંઈ નુકસાન નથી!

