એક સર્ચ એન્જિન હોવા ઉપરાંત ગૂગલ એક એન્ટિવાયરસ પ્રોગ્રામ પણ છે એવું કોઈ કહે તો તમે માનો? માનવું મુશ્કેલ છે અને ટેકનિકલી, એ એન્ટિવાયરસ પ્રોગ્રામ છે પણ નહીં, પણ કામ એ વાયરસ શોધવાનું જ કરે છે!
સ્વીકારવી ન ગમે એવી હકીકત એ છે કે કોઈ એન્ટિવાયરસ પ્રોગ્રામ પરફેક્ટ હોતા નથી. કોઈ એન્ટિવાયરસ પ્રોગ્રામ કોઈ વાયરસ પકડી ન શકે, પણ બીજો પ્રોગ્રામ પકડી શકે એવું બની શકે છે.
એટલે જ ‘કયો એન્ટિવાયરસ પ્રોગ્રામ સારો?’ એવા સવાલનો કોઈ સચોટ જવાબ હોતો નથી. એટલે શરીરની બીમારીની જેમ, કમ્પ્યુટરમાંના વાઇરસ બાબતે પણ ઘણી વાર સેકન્ડ ઓપિનિયન જરૂરી હોય છે.
તકલીફ એ કે કમ્પ્યુટરમાં એકથી વધુ એન્ટિવાયરસ પ્રોગ્રામ ચલાવવા હિતાવહ નથી, કેમ કે આવો દરેક પ્રોગ્રામ મોટા ભાગે કમ્પ્યુટરમાં એ એકલો જ એન્ટિવાયરસ પ્રોગ્રામ હોય એ રીતે કામ કરવા ડિઝાઇન થયેલો હોય છે.
તો સવાલ એ થાય કે આપણે કોઈ ચોક્કસ અને આપણા માટે મહત્ત્વની ફાઇલ, કમ્પ્યુટરમાંના એન્ટિવાયરસ પ્રોગ્રામથી સ્કેન કરીએ અને એ પ્રોગ્રામ ફાઇલ ક્લીન હોવાનું કહે તો એના પર ભરોસો મૂકવો?
જો ફાઇલ કોઈ ખાસ ભરોસાપાત્ર સોર્સમાંથી મેળવી ન હોય તો ચોક્કસ મૂંઝવણ રહે.
એ જ રીતે, ઇન્ટરનેટ પરથી કોઈ ફાઇલ ડાઉનલોડ કરતાં પહેલાં, એ સલામત છે કે નહીં એની માહિતી મેળવવી હોય તો?
તો આપણે એ ફાઇલ કે ડાઉનલોડ કરવાની ફાઇલના યુઆરએલ વિશે સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ.
https://virustotal.com નામની એક સર્વિસ બરાબર આ જ કામ કરે છે.
હિસ્પાસેક નામની એક સ્પેનિશ કંપનીએ જૂન ૨૦૦૪માં આ સર્વિસ લોન્ચ કરી અને તેમાં દમ દેખાતાં, ગૂગલે સપ્ટેમ્બર ૨૦૧૨માં તેને હસ્તગત કરી.
આ સર્વિસ ગૂગલના સર્ચ એન્જિનની જેમ જ કામ કરે છે.
આપણે તેના હોમપેજ પર જઈને, આપણા પીસીમાંની કોઈ ફાઇલ અપલોડ કરીએ કે સર્ચ બોક્સમાં કોઈ વેબસાઇટનું એડ્રેસ કે ડાઉનલોડ કરતાં પહેલાં ચેક કરવાની ફાઇલની લિંક લખીએ એટલે આ સર્વિસ તેનું કામ શરૂ કરે છે.
તે જુદી જુદી સંખ્યાબંધ (૫૦થી વધુ) એન્ટિવાયરસ સર્વિસની મદદથી એ ફાઇલ કે વેબએડ્રેસ ચેક કરે છે અને ફટાફટ આપણને જણાવે છે કે એ દરેક સર્વિસનો ચુકાદો શો છે – ફાઇલ કે વેબ એડ્રેસ ક્લિન છે કે માલવેરથી અફેક્ટેડ છે!

