(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોન પાસેથી કામ લો, સ્પર્શ વિના!

હવે તમે ઇચ્છો તો તમારા ફોનને એક પણ વાર આંગળી અડાડ્યા વિના તેનો ઉપયોગ કરી શકો છો. અમુક લોકો માટે આ સુવિધા ખરેખર વરદાનરૂપ બની શકે છે.

માની લો કે તમે તમારી ઓફિસમાં પીસી કે લેપટોપ પર કોઈ ખાસ ફાઇલ પર કામ કરી રહ્યા છો. એ જ સમયે તમારે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાંથી કોઈ અગત્યની વ્યક્તિને મહત્ત્વનો વોટ્સએપ મેસેજ મોકલવાનો છે.

અથવા માની લો કે તમે રસોડમાં કોઈ નવી રેસિપી પર હાથ અજમાવી રહ્યા છો. તમારા બંને હાથ લોટવાળા છે અને તમારે તમારા સ્માર્ટફોનમાં યુટ્યૂબ પર રેસિપીનું આગલું સ્ટેપ સમજવાનું છે.

અથવા ઇશ્વર ન કરે, પરંતુ તમને પાર્કિન્સન્સ રોગ થયો છે કે કોઈ એવો અસાધ્ય રોગ છે જેને કારણે તમે જાતે તમારો ફોન હાથમાં લઈને ઓપરેટ કરી શકતા નથી.

આપણી રોજબરોજની જિંદગીમાં આપણે ઘણી વાર એવી સ્થિતિમાં હોઈ શકીએ જ્યારે ફોન જાતે હાથમાં લઇને તેમાં કંઈ કામ કરવું આપણે માટે મુશ્કેલ હોય. નવી ટેકનોલોજી આવી સ્થિતિમાં પણ આપણી મદદે આવી શકે છે.

આગળ શું વાંચશો?

  • ગૂગલ વોઇસ એક્સેસ એપ
  • આ એપ કેવી રીતે કામ કરે છે?

‘સાયબરસફર’ના અગાઉના અંકોમાં આપણે ઘણી વાર વાત કરી છે કે આપણે ફોનની મદદથી તો ઠીક, પરંતુ ફોન સાથે પણ વાતચીત કરી શકીએ છીએ! ગૂગલ સર્ચ એપને જાતભાતની વોઇસ કમાન્ડ આપીને આપણે ફોન પાસેથી કોઈ વ્યક્તિને આપોઆપ કોલ જોડવો, વોટ્સએપ મેસેજ મોકલવો, કોઈ એપ ઓપન કરવી, એલાર્મ કે ટાઇમર સેટ કરવું વગેરે ઘણાં કામ લઈ શકીએ છીએ. સપ્ટેમ્બર ૨૦૧૭ના અંકમાં જાણી ગયા છીએ તેમ ફોનમાં ગુજરાતીમાં પણ વોઇસ ટાઇપિંગની મદદથી લાંબા ઇમેઇલ કે ડોક્યુમેન્ટ ટાઇપ કરી શકાય છે.

પરંતુ આ બધામાં કોઈ ને કોઈ તબક્કે એવું બને કે આપણે ફોનને ટચ કર્યા વગર ચાલે નહીં. પેજ સ્ક્રોલ કરવું હોય કે વોટ્સએપ જેવી એપમાં કોઈ મેસેજ સર્ચ કરવો હોય, ક્રોમ બ્રાઉઝરમાં કોઈ સાઇટનું એડ્રેસ લખવું હોય કે કેમેરા એપ ઓપન કર્યા પછી ફોટોગ્રાફ ક્લિક કરવો હોય તો આપણે ફોનને ટચ કર્યા વગર ચાલે નહીં.

હવે આ સ્થિતિ બદલાશે.

ગૂગલ વોઇસ એક્સેસ એપ


ગૂગલે ખાસ તો અસાધ્ય રોગનો સામનો કરતા લોકોને મદદરૂપ થવાના આશયથી ‘ગૂગલ વોઇસ એક્સેસ’ નામની નવી એપ લોન્ચ કરી છે. ગૂગલના મતે માત્ર અમેરિકામાં ૬.૨ કરોડ લોકો એવા છે જેમને કોઈ ને કોઈ એવી બીમારી છે જેને કારણે તેઓ હાથનું સરળતાથી હલનચલન કરી શકતા નથી. પરિણામે તેઓ પોતાના ફોનનો પૂરતો લાભ લઈ શકતા નથી.

વોઇસ એક્સેસ આવા લોકો માટે વરદાનરૂપ બની શકે છે, જે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો બિલકુલ હેન્ડસ ફ્રી અનુભવ આપી શકે છે. આ ઉપરાંત આ એપ આ લેખની શરૂઆતમાં જણાવી એવી કોઈ સ્થિતિમાં મૂકાયેલી વ્યક્તિને પણ મદદરૂપ થઈ શકે છે.

વોઇસ એક્સેસ એક એવી સગવડ છે જેની મદદથી આપણે ફોનને અનલોક કરવાથી શરૂ કરીને ફોનમાં તમામ પ્રકારનાં એકશન માત્ર વોઇસ કમાન્ડથી લઈ શકીએ છીએ. તમે આ એક્સેસિબિલીટી સર્વિસનો લાભ લેવા માગતા હો કે જાત અનુભવ કરવા માગતા હો તો…

  • પ્લે સ્ટોરમાં જઈને વોઇસ એક્સેસ એપ ડાઉન કરી લો.
  • આ એપનો લાભ લેવા માટે તમારા ફોનમાં એન્ડ્રોઇડ-ફાઇવ કે ત્યાર પછીનું વર્ઝન હોવું જરૂરી છે.
  • શરૂઆતમાં તમારે ગૂગલ એપના સેટિંગ્સમાં વોઇસ વિભાગમાં જઈને તમારો અવાજ ઓળખવાની ગૂગલને ટેવ પાડવી પડશે.
  • એ ઉપરાંત તમે કોઈ પણ સ્ક્રીન પરથી, તમારા ‘ઓકે ગૂગલ’ કમાન્ડને ગૂગલ ઓળખે એવું પણ સેટિંગ કરવું પડશે.

ફોનમાં વોઇસ એક્સેસ એપ ડાઉનલોડ કર્યા પછી તેને ઓપન કરશો ત્યારે શરૂઆતમાં લેવાં જરૂરી તમામ પગલાં એક પછી એક સૂચવવામાં આવશે. તેની સાથોસાથ ‘ઓકે ગૂગલ’ સેટિંગ્સની એક ગાઇડ પણ બતાવવામાં આવશે તથા વોઇસ એક્સેસ કેવી રીતે કામ કરે છે તેનો એક ઇન્ટરએક્ટિવ ટ્યુટોરિયલ પણ બતાવવામાં આવશે.

આ વિધિ પૂરી થયા પછી તમે જોશો તેમ ફોનને હાથ પણ અડાડ્યા વિના તેની પાસેથી વિવિધ કામ કરાવી શકશો!

વોઇસ એક્સેસ કેવી રીતે કામ કરે છે?

એન્ડ્રોઇડના સ્ક્રીન પર આપણે જે અલગ અલગ જગ્યાઓએ ટચ કરીને કોઈ પણ કામ કરાવી શકીએ એ બધું જ વોઇસની મદદથી કરવા માટે એ તમામ ટચ પોઇન્ટને એક ચોક્કસ નંબર આપવામાં આવે છે.

જો આપણા ફોનમાં વોઇસ એક્સેસ એક્ટિવેટ કરેલ હોય તો ફોનનો ઉપયોગ કરતી વખતે આવા દરેક ટચપોઇન્ટ માટેનો નંબર આપણે જોઈ શકીએ છીએ. આપણે ટચની જગ્યાએ વોઇસ કમાન્ડનો ઉપયોગ કરવા માટે ફક્ત એ નંબર બોલવાનો રહે!

જરૂરિયાત મુજબ ટચ પોઈન્ટને નંબર આપવાની વ્યવસ્થામાં ફેરફાર પણ કરવામાં આવે છે.

જેમ કે ફોન ઓપન કરતી વખતે જો આપણે પાસકોડનું લોક રાખ્યું હોય તો દરેક ડિજિટ માટે એક નાનો શબ્દ બતાવવામાં આવે છે. આપણા પાસકોડ મુજબ દરેક ડિજિટ માટે અપાયેલો શબ્દ બોલીને ફોનને આપણો પાસકોડ આપી શકીએ છીએ. મજા એ છે કે દરેક વખતે દરેક ડિજિટ માટેના શબ્દો બદલાતા હોવાથી બીજી કોઈ વ્યક્તિ આપણા વોઇસ કમાન્ડ સાંભળતી હોય તો પણ તે આપણો પાસકોડ જાણી શકતી નથી.

ફોનને ટચ કરવો જરૂરી હોય તેવો આ પહેલો અને મુશ્કેલ અવરોધ ઓળંગ્યા પછીનું કામ પ્રમાણમાં ઘણું સહેલું છે. ફોન ઓપન થઈ ગયા પછી તમારે જે પણ કામ કરવું હોય એ માટે ફક્ત અવાજથી આદેશ આપવાનો રહેશે. અત્યારે આ સિસ્ટમ માત્ર અંગ્રેજી ભાષા ઓળખી શકે છે.

આપણે ફોનને વોઇસ કમાન્ડ આપીએ ત્યારે સ્ક્રીનના મથાળે વોઇસ કમાન્ડ લખાતા જોઈ શકાશે. વોઇસ એક્સેસ સિસ્ટમ નીચે મુજબના વોઇસ કમાન્ડસ ઓળખી શકે છે :

  • ઓપન (કોઈ એપનું નામ)
  • ગો બેક
  • ગો હોમ
  • શો નોટિફિકેશન્સ
  • શો ક્વિક સેટિંગ્સ
  • શો રિસન્ટ એપ્સ

આ ઉપરાંત જુદા જુદા પ્રકારનાં સેટિંગ કરવા માટે નીચે મુજબના વોઇસ કમાન્ડ આપી શકાય :

  • ટર્ન ઓન વાઇ-ફાઇ
  • ટર્ન ઓફ વાઇ-ફાઇ
  • ટર્ન અપ વોલ્યૂમ
  • ટર્ન ડાઉન વોલ્યૂમ
  • ટર્ન ડિવાઇસ ઓફ

આગળ વધતાં, વિવિધ ટચ જેસ્ચર્સ જેમ કે એક્સપાન્ડ, કોલેપ્સ વગેરે તથા કોઈ  સ્ક્રીન પર સ્ક્રોલ લેફ્ટ, સ્ક્રોલ રાઇટ, સ્ક્રોલ અપ, સ્ક્રોલ ટાઉન વગેરે વોઇસ કમાન્ડ આપી શકાય. મેસેજ ટાઇપ કરી રહ્યા હોઈએ ત્યારે સંપૂર્ણ ટેકસ્ટ વોઇસ કમાન્ડથી ટાઇપ કરી શકાય અને ત્યારે અન્ડૂ, રીડૂ, ઇન્સર્ટ (કોઈ શબ્દ)  બિફોર કે આફટર (કોઈ શબ્દ) જેવા વોઇસ કમાન્ડ પણ આપી શકાય!

કોઈ શબ્દ કે વાક્યને કેપિટલાઇઝ, અપરકેસ કે લોઅર કેસ જેવું ફોર્મેટિંગ કરવું હોય તો એ પણ શક્ય છે. લખાણમાં કર્સરને આમતેમ ફેરવવું હોય કે ટેકસ્ટ સિલેક્ટ કરીને કટ કોપી કે પેસ્ટ કરવી હોય તો એ પણ વોઇસ કમાન્ડથી થઈ શકે!

ગૂગલ કહે છે કે નજીકના ભવિષ્યમાં વોઇસ એક્સેસમાં અંગ્રેજી ઉપરાંત બીજી ભાષાઓ પણ આવરી લેવામાં આવશે.

રોજેરોજ આપણી આંગળીઓ સ્માર્ટફોન પર સતત આમતેમ દોડતી રહે છે અને કદાચ એટલે જ ફોનના સ્ક્રીન પર આંગળીથી સ્પર્શ કરી શકવાની ક્ષમતા કેટલી મહત્ત્વપૂર્ણ છે એ તરફ આપણું ધ્યાન જતું નથી. જે લોકો અન્ય લોકો જેટલી સહજતાથી ફોનનો ઉપયોગ કરી શકતા નથી એમને કેટલી મુશ્કેલી પડતી હશે અને આ નવી ટેકનોલોજીથી એમનું કામ કેટલું સરળ બનાવી શકે છે એ સમજવા પણ આ એપનો એક વાર જાત અનુભવ કરવા જેવો છે.

તમે ઇચ્છો ત્યારે સેટિંગ્સમાં એક્સેસિબિલિટી વિભાગમાં જઈને તેને બંધ કરી શકશો.


ફોનમાં વોઇસ કમાન્ડ સંબંધિત વધુ માહિતી માટે જુઓ આ લેખઃ તમે ફોન સાથે વાત કરો છો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!