આવો જાણીએ, આપણી ચોતરફ દેખાઈ રહેલા સીસીટીવી કેમેરાના પ્રકાર…
ડોમ સીસીટીવી કેમેરા
ઊંધા ગુંબજ આકારના આ કેમેરા બહુ ઓછી જગ્યા રોકે છે પરંતુ તેમાંનો કેમેરા કઈ દિશામાંના દૃશ્યો કેપ્ચર કરી રહ્યો છે તે દેખાતું ન હોવાથી તેની ચારે તરફ લોકો કંઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરતાં ખચકાય છે. આ પ્રકારના કેમેરા ચારે દિશામાં ફરીને દૃશ્યો ઝીલી શકે છે. સામાન્ય રીતે શોપ્સ, રેસ્ટોરાં, હોટેલ્સ વગેરેમાં તેનો વધુ ઉપયોગ થાય છે.
બુલેટ સીસીટીવી કેમેરા
જાહેર સ્થળોએ કદાચ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા કેમેરા. આ કેમેરા દૂરના અંતર સુધી દૃશ્યો કેપ્ચર કરી શકે છે. સામાન્ય રીતે તેનો આઉટડોર ઉપયોગ વધુ થાય છે અને તે વરસાદ અને ધૂળનો સામનો કરી શકે તેવા હોય છે. મેન્યુફેકચરિંગ ફેક્ટરી, પ્રોપર્ટી સિક્યોરિટી વગેરે માટે તેનો વધુ ઉપયોગ થાય છે.
સી-માઉન્ટ કેમેરા
આ પ્રકારના કેમેરામાં જુદા જુદા અંતરનાં દૃશ્યો ઝીલવા માટે લેન્સ બદલવાની ક્ષમતા હોય છે. બુલેટ કેમેરાની જેમ આ પ્રકારના કેમેરાનો પણ આઉટડોર ઉપયોગ વધુ થાય છે.
પેન, ટીલ્ટ એન્ડ ઝૂમ કેમેરા
પીટીઝેડ કેમેરા તરીકે ઓળખાતા આ કેમેરા જ્યારે કોઈ સિક્યોરિટી ગાર્ડ સતત કેમેરા ફીડ પર નજર રાખી રહ્યો હોય ત્યારે વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય છે કારણ કે ગાર્ડ દૂર બેઠાં બેઠાં તેની મરજી અનુસાર આ કેમેરાને ડાબી કે જમણી, ઉપર કે નીચે તરફ ફેરવી શકે છે તેમ જ ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરી શકે છે.
ડે/નાઈટ સીસીટીવી કેમેરા
જે તે સ્થળે પ્રકાશ વધુ હોય કે ઓછો હોય તો પણ આ પ્રકારના કેમેરા સ્પષ્ટ દૃશ્યો ઝીલી શકે છે. આ કેમેરામાંની એક્સ્ટ્રા સેન્સિટીવ ઇમેજિંગ ચીપ્સને કારણે રાતના સમયે પણ તે સ્પષ્ટ દૃશ્યો ઝીલી શકે છે.
ઇન્ફ્રારેડ/નાઈટ વિઝન કેમેરા
નામ પ્રમાણે રાતના કાળા ધબ્બ અંધારામાં પણ આ પ્રકારના કેમેરા દૃશ્યો ઝીલી શકે છે. આ કેમેરાની ખૂબી એ છે કે તે દિવસના સમયે તથા ધુમ્મસ, ધૂળની ડમરી કે ધૂમાડા વચ્ચે પણ સારું રેકોર્ડિંગ કરી શકે છે. સામાન્ય રીતે તે દિવસે કલર અને રાતના સમયે બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ કેપ્ચર કરે છે.
નેટવર્ક/આઇપી કેમેરા
આ પ્રકારના કેમેરા સીધા ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી શકાય છે તેની ફીડને લાઇવ ફૂટેજ તરીકે વિશ્વમાં ગમે ત્યાંથી જોઈ શકાય છે.વાયરલેસ કેમેરા: નામ મુજબ આ કેમેરા વાયરથી કનેક્ટ કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય છે.
હાઈડેફિનેશન કેમેરા
સામાન્ય સીસીટીવી કેમેરામાં ઝીલાતાં દૃશ્યો પ્રમાણમાં ખાસ્સાં ધૂંધળાં કે અસ્પષ્ટ હોય એવું બની શકે છે. પરંતુ આ પ્રકારના કેમેરા ૭૨૦ પીકસેલથી માંડીને ૪કે સુધીની ક્લેરિટી સાથેનાં દૃશ્યો ઝીલી શકે છે. ડોમ અને બુલેટ્સ જેવા કેમેરામાં પણ આવા કેમેરાનો ઉપયોગ કરી શકાય છે.

